Saturday, May 8, 2021

શ્રીમદ વલ્લભાચાર્ય

સાધુ વિવેકપ્રિયદાસજીની કલમે લખાયેલ અને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મુદ્રિત 'આપણો સાંસ્કૃતિક વારસો-ભાગ-2' માંથી સાભાર 



આજે શ્રીમદ વલ્લભાચાર્યજીના 544માં પ્રાગટ્ય દિને એમના ચરણોમાં શીશ નમાવી સર્વે વૈષ્ણવોને તેમના જીવન અંગે પરિચિત કરાવવાનો એક નમ્ર પ્રયાસ.

મધ્યકાળ મુઘલ બાદશાહોનો સમય હતો. દેશમાં ભક્તિનો વિસ્તાર ઘટી રહ્યો હતો. શાંકર વેદાંતીઓની બ્રહ્મચિંતનની વિચારસરણી, આત્મજ્ઞાનના નામે સામાન્ય લોકોમાં નીરસતા, શુષ્કતા અને દંભ પ્રસારતી હતી. તેવા સમયે વલ્લાભાચાર્યજીએ ભક્તિમાર્ગને વેગ આપ્યો. લોકોને શુષ્ક્તામાંથી ઉગારી ભક્તિરસમાં તરબોળ કર્યા.

દક્ષિણ ભારતમાં કાંકરવાડ (કાંકરપટુ) ગામમાં ભારદ્વાજ-ગોત્રી (ગોત્રના) તૈલંગ બ્રાહ્મણનો પરિવાર વસતો. તેમની પેઢી દર પેઢીએ સોમયજ્ઞ યોજાયા કરતા. કુટુંબની માન્યતા એવી હતી કે આવા 100 સોમયજ્ઞો ઊજવાય ત્યારે કુટુંબમાં દેવાંશી પુત્રની પ્રાપ્તિ થાય છે. આ કુળ-પરંપરા મુજબ લક્ષ્મણ ભટ્ટ અને તેમના પત્ની ઇલ્લમા ગારુ(તેળુગુ ભાષામાં માનવાચક શબ્દ જેવું કે હિન્દીમાં આપણે કોઈના નામની પાછળ "જી" જોડીએ)એ  એક્સોમો સોમયજ્ઞ પૂરો કર્યો અને સને 1479(સંવત 1535)માં પોતાના સગર્ભા પત્ની ઇલ્લમાગારુ સાથે લક્ષ્મણ ભટ્ટ કાશીની યાત્રાએ જવા નીકળ્યા. કાશી ઉપર યવનો (મુસલમાનો)નું આક્રમણ થવાનું છે તે સાંભળી તેમણે ચૈત્ર સુદ 10ની રોજ ઝડપ વધારી, પરંતુ છત્તીસગઢ પાસેના રાયપુર જિલ્લામાં આવેલા ચંપારણ્યમાં જ ચૈત્ર સુદ 11ના શુભ દિવસે ઇલ્લમાગારૂએ પુત્રને જન્મ આપ્યો. તેજસ્વી પણ મૃતવત બાળકને જોઈને  માતા-પિતાને સખત આઘાત લાગ્યો. પણ બાજુમાં જ આવેલા શમીવૃક્ષની ગોખમાં મૂકી ચોતરફ અગ્નિ પ્રગટાવી દીધો જેથી હિંસક પશુથી બાળકની રક્ષા  થાય.
માએ સવારના ઊઠતાંની સાથે જ બાળકની સંભાળ લીધી....બાળક પોતાના જમણા પગનો અંગૂઠો મુખમાં મૂકી આનંદ સાથે ચૂસી રહ્યો હતો ! બાળકના દૈવી પ્રભાવે જ જાણે યવનો પાછા ફરી ગયા હોય તેવી માતા-પિતાને પ્રતીતિ થઇ.

સૌ કાશી પહોંચ્યા અને ત્યાંના હનુમાન ઘાટ ઉપર વસી ગયા. બાળકનું નામ પાડવામાં આવ્યું 'વલ્લભ' ! આચાર્ય શ્રી માધવેન્દ્રપુરી પાસે તેમણે અભ્યાસ આરંભ્યો. રૂપ-ગુણ-બુદ્ધિ અને કાંતિમાં અસાધારણ આ બાળકને સૌ 'બાળ-સરસ્વતી-વાક્પતિ' કહેવા લાગ્યા. 

થોડા જ સમયમાં વૈષ્ણવ ગ્રંથોમાં પારંગત થયા પછી તેમણે 13 વર્ષની વય સુધીમાં વેદ, વેદાંગ, પુરાણ વગેરે ધર્મશાસ્ત્રોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી અને વિદ્વત સભાઓમાં સક્રિયપણે ભાગ લેવા માંડ્યા. 

 તેઓ શ્રી 16 વર્ષની ઉંમરે (કેટલાક 11 પણ કહે છે ) જગન્નાથપુરી આવ્યા. અહીં રાજા ગજપતિ પુરુષોત્તમ રાજ્ય કરતા હતા. વલ્લભાચાર્યે શાંકર-વેદાંતીઓ સાથે જબ્બર શાસ્ત્રાર્થ કર્યો, જેમાં ભગવાનની કૃપાથી તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો. 

આ સભામાં બેઠેલા ક્ષત્રિયવીર કૃષ્ણદાસ મેઘન આચાર્યની પ્રતિભાથી અત્યંત અભિભૂત થયા અને વલ્લભાચાર્યના પ્રથમ શિષ્યનું સ્થાન મેળવ્યું. આ પછી તેઓ ઉજ્જૈન કુંભસ્નાન માટે પધાર્યા. ત્યાં દામોદર હરસાની તેમના શિષ્ય તરીકે જોડાયા જેમણે જીવનભર આચાર્યશ્રીની સેવા કરી. 

આચાર્યશ્રી વિજયનગર પાછા ફરી ચાર વર્ષ સુધી શાસ્ત્રાભ્યાસમાં ઊંડા ઉતર્યા ને 'તત્વાર્થદીપ નિબંધ' નામે ગ્રંથ તૈયાર કર્યો. શ્રીમદ્ભાગવત,ભગવદ્દ ગીતા અને ઉપનિષદોમાં રહેલા શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને ભક્ત-સમાજ સમક્ષ રજૂ કરવા માંડ્યો. તેમણે આ હેતુથી જ પ્રવાસ શરુ કર્યો ને જ્યાં જ્યાં 'ભાગવત કથાઓ' કરી તે સ્થાન આજે 'મહાપ્રભુજીની બેઠક' તરીકે પ્રસિદ્ધ છે. આ યાત્રામાં બુંદેલખંડના ઓરછા પ્રદેશના રાજવી મલખાનસિંહના દરબારમાં તેમની પધરામણી થઇ. અહીં શૈવો-વૈષ્ણવો વચ્ચે જબ્બર શાસ્ત્રાર્થ મંડાયો હતો. વલ્લભાચાર્યે તેમાં વૈષ્ણવ સિદ્ધાંતો સ્થાપી દિગ્વિજય કર્યો અને રાજાએ પણ પ્રસન્ન થઇ આચાર્યશ્રીનો 'કનકાભિષેક' કર્યો !  

થોડા જ સમયમાં દેવેન ભટ્ટના પુત્રી મહાલક્ષ્મી સાથે તેમના લગ્ન થયા. વિજયનગરમાં રાજા કૃષ્ણદેવ સામે વિદ્વાનો સાથે થયેલા 27 દિવસ સુધી ચાલેલ શાસ્ત્રાર્થમાં તેમણે શાંકરવાદના દાર્શનિક સિદ્ધાંતો અને માયાવાડનું ખંડન કરી શુદ્ધ ભક્તિની મર્યાદા સ્થાપી. તેમના આ વિજયથી પ્રસન્ન થઈને રાજા કૃષ્ણદેવે તેમને 'આચાર્ય'ના બિરુદથી નવાજ્યા. આ પછીથી તેઓ 'આચાર્ય' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. રાજા કૃષ્ણદેવે આપેલી 16,000 સોનામહોરોમાંથી 8000 મહોરો તેમણે કૃષ્ણ-મંદિરમાં અર્પણ કરી દીધી. 
આચાર્યશ્રી વ્રજ અને ગોકુળની યાત્રા દરમ્યાન ગોકુળમાં ગોવિંદઘાટ ઉપર પહોંચ્યા, તે દિવસો હતા વિક્રમ સંવત 1563 શ્રાવણ માસના. શ્રાવણ સુદ એકાદશીએ તેમને મધ્યરાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. આ 'બ્રહ્મ-સંબંધ'થી તેમને અપાર આનંદનો અનુભવ થયો. આથી જ તેમણે પ્રભુના શરણાર્થીઓને 'બ્રહ્મ-સંબંધ' આપવાનું શરૂ કર્યું. તેઓ આવી દીક્ષા લેનારને 'શ્રી કૃષ્ણ શરણં મમ' નો મંત્ર આપતા. 

પ્રયાગ પાસે અડૈલ ગામે યમુનાકિનારે તેમણે કુટુંબ સાથે નિવાસ કર્યો. અને 'પુષ્ટિ સંપ્રદાય'ની સ્થાપના કરી. પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ-ભગવાનની કૃપા. આ તેમના ઉપદેશનો મર્મ હતો. ભાગવત કથાઓ દ્વારા તેઓ કૃષ્ણભક્તિનો પ્રચાર કરતા રહ્યા. 

શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી શ્રી કૃષ્ણની લીલા તેમને મન અખંડ અને પૂર્ણ લીલાઓ હતી. તેમણે ભાગવત પારાયણો કરી ભક્તિની સાર્થકતા જન-સમાજને સમજાવી. એકવાર જગન્નાથપુરીની યાત્રા સમયે તેમના સમકાલીન ઉત્તમ ભક્ત ચૈતન્ય મહાપ્રભુની સાથે તેમની આત્મીય મુલાકાત થઇ. બંને પરસ્પરની સાક્ષાત્કારની ભૂમિકા જોઈને ખૂબ આનંદ પામ્યા. એકાદશીના દિવસે તેઓ જગન્નાથપુરીના દર્શને ગયા ત્યારે મંદિરના પૂજારીએ તેમને રાંધેલા ભાતનો પ્રસાદ આપ્યો. પુરીમાં એકાદશી બંધનમાં હોવાથી આ વ્રત અહીં ક્યારેય કરવામાં આવતું નથી, પરંતુ વલ્લભાચાર્યને પોતાનું વ્રત તૂટે તે ક્યાંથી પસંદ હોય? વળી પ્રસાદનો અનાદર પણ કેવી રીતે કરવો? પૂજારી તેમની આ દ્વિધાને જોઈને મલકાઈ રહ્યો હતો. એવામાં તેમના અંતરમાં અદ્દભૂત ઉકેલ સ્ફુરી ઉઠ્યો. હાથમાં પ્રસાદ રાખી તેમણે પ્રસાદના માહાત્મ્યનું ભાવસભર વર્ણન કરવા માંડ્યું. આખો દિવસ વીતી ગયો, રાત પણ વહેવા માંડી. બારસની સવાર સવાર ઉગી ત્યાં સુધી આ કથા ચલાવી વલ્લભાચાર્યે નિયમ અને મહિમા બંનેનું અદ્દભૂત સંતુલન પોતાના જીવન દ્વારા સ્થાપિત કરી દીધું.

અડૈલના નિવાસ દરમ્યાન એક સજ્જન આચાર્યશ્રીની મુલાકાતે આવ્યા. તેઓ શાલિગ્રામ અને પ્રતિમા બંનેની પૂજા કરતા, પરંતુ શાલિગ્રામ પ્રત્યે વધુ આસ્થા હતી અને પ્રતિમા પ્રત્યે હીનભાવ હતો. વલ્લભાચાર્યે તેમને કહ્યું : 'આવી ભેદ-દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપમાં રાખવી યોગ્ય નથી.'

પેલા સજ્જન તો આ સાંભળી ગુસ્સે થઇ ગયા અને પ્રતિમાના સ્થાને શાલિગ્રામ રાખીને મૂર્તિ નદીમાં પધરાવી દીધી અને માત્ર શાલિગ્રામની જ પૂજા કરવાનું નક્કી કર્યું. સવારે પૂજામાં જોયું તો શાલિગ્રામના ટુકડે-ટુકડા થઇ ગયા હતા! તેમને ખૂબ પસ્તાવો થયો. તે દોડીને આચાર્યશ્રીના શરણે આવ્યા. આચાર્યશ્રીએ ભગવાનનું ચરણામૃત લઈને આ ટુકડાઓ પર છાંટ્યું અને સજ્જનને કહ્યું " 'આ બધા ટુકડા ભેગા કરો.' તેમણે આજ્ઞા પાળી. તરત જ શાલિગ્રામ હતા તેવા થઇ ગયા. 


ભક્તિના પ્રભાવે એમના જીવનમાં આવા તો અનેક ચમત્કારો થયા હતા. એક વાર ભગવાનને ધરાવવા તેમની પાસે કોઈ પ્રસાદ જ નહોતો. તેથી સોનાની કટોરી ગીરવે મૂકી ભગવાન સમક્ષ ભોગ ધરાવ્યો, પણ પોતે પ્રસાદ પણ ન લીધો. વૈષ્ણવોએ કારણ પૂછ્યું  ત્યારે મહાપ્રભુએ કહ્યું કે 'એ કટોરી પૂર્વે ઠાકોરજીને સમર્પિત કરેલી. તેથી તેના ભાગનો પ્રસાદ લેવાથી મહાપાતક થાય...'

તેઓ કહેતા : 'મારા વંશમાં કે મારો કહેવડાવીને જે ભગવદ્દ્રવ્યનો ઉપયોગ પોતાના માટે કરશે તેનો નાશ થઇ જશે !'

આવા નિર્મોહી અને ભક્તિપ્રધાન આચાર્યશ્રી ભક્ત હોવા ઉપરાંત મહાન દાર્શનિક અને પ્રકાંડ પંડિત પણ હતા. તેમણે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, ગીતા અને શ્રીમદ્દ ભાગવત - આ ચાર ગ્રંથોને 'પ્રસ્થાન ચતુષ્ટયી' માની છે. બ્રહ્મસૂત્ર ઉપર તેમણે 'અણુભાષ્ય' રચ્યું. ભાગવતના દશમ સ્કંધ તથા અન્ય સ્કંધો ઉપર 'સુબોધિની ટીકા' લખી પ્રેમલક્ષણા ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે સ્થાપેલા મતને 'શુદ્ધાદ્વૈત' [શુદ્ધ-અદ્વૈત - Pure Non-dualism] કહેવામાં આવે છે. તેમના મતે પરબ્રહ્મ એક અને અંતિમ સાકાર તત્વ છે. માયા રહિત શુદ્ધ જીવ તે બ્રહ્મ છે. જગત માયાત્મક છે, છતાં મિથ્યા નથી કારણકે ભગવાન જ ચિદ-અંશ અને આનંદાંશને ઢાંકીને સદ્-અંશપણે જગતરૂપે થાય છે. તેમનો આચારધર્મ એ છે કે પુષ્ટિજીવ ગમે તેવો શુદ્ધ થાય પણ બ્રહ્મનો અંશ જ છે. એથી એ સેવક જ છે. માટે બ્રહ્મ પ્રત્યે દાસભાવ, સખાભાવ, કાંતાભાવ સહજ સિદ્ધ છે. 

ભગવાનની કૃપાથી જીવનું 'પોષણ' થાય છે, 'પુષ્ટિ' મળે છે. આમ ઈશ્વરકૃપા એ જ  સાચી પુષ્ટિ. તે માટે લૌકિક કે વૈદિક કર્મફળનો ત્યાગ કરવો અનિવાર્ય છે. ભાગવત (2.10.4) માં ભગવાનની કૃપા ને 'પોષણ' કહી છે. તેમાંથી આચાર્યે આ શબ્દ પ્રવર્તાવ્યો હતો. પુષ્ટિ માર્ગીય મંદિરોમાં પ્રભુની આઠ વાર સેવા પૂજા થાય છે. તેમનો મંત્ર છે : શ્રી કૃષ્ણ શરણં  મમ. આ સિદ્ધાંતને અનુરૂપ મંત્રનો દાર્શનિક ગ્રંથ છે : 'તત્વદીપ નિબંધ'

વલ્લભાચાર્યના 84 વૈષ્ણવ ભક્તો ઇતિહાસ પ્રસિદ્ધ છે. તેમના આઠ મુખ્ય ભક્તો હતા, જેમાંના ચાર મહાકવિઓ સૂરદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ અને પરમાનંદદાસે ભક્તિમાર્ગનો ખૂબ વિસ્તાર કર્યો હતો. તેમના જીવનના અધિક વર્ષો વ્રજમાં વીત્યા. વલ્લભાચાર્યજીના બે પુત્રો હતા : ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વિઠ્ઠલનાથજીએ કરેલા વ્રત-ઉત્સવના નિર્ણયને અનુસરવાની આજ્ઞા આપી છે. 

મહાપ્રભુજીએ જીવનલીલા સંકેલવાનો નિર્ણય કાશીના હનુમાનઘાટ ઉપર કર્યો. પોતાના અંતિમ દિવસો આવી ચૂક્યા છે એનો અણસાર એમને પહેલેથી જ આવી ગયો હતો. તેમણે પત્ની પાસે સંન્યાસ દીક્ષા માટે સંમતિ  માંગી, પણ તેમણે  ના કહી. એક વાર ઘરમાં આગ લાગી અને પત્નીએ બૂમ પાડી : 'સ્વામી ! ઘરમાંથી બહાર નીકળો !' એ વાક્યને આજ્ઞા માનીને આચાર્યશ્રી નીકળી ગયા અને એક માસ સુધી મૌન ધરી હનુમાનઘાટ ઉપર ભક્તિલીન બન્યા અને અંતિમ દિવસોમાં નારાયણેન્દ્રતીર્થ સ્વામી પાસેથી સંન્યાસ ગ્રહણ કર્યો. આજ્ઞા માંગવા આવેલા પુત્રોને અને શિષ્યોને પગના અંગૂઠાથી રેતીમાં શિક્ષાશ્લોક તરીકે ઓળખાતા સાડા ત્રણ શ્લોકો લખી પ્રભુમાં જોડાવાનો આદેશ આપ્યો. પછી ગંગામાં પ્રવેશ કર્યો અને અચાનક એક જ્યોતિ:શિખા ઉત્પન્ન થઇ જેના અનેક ભક્તોને દર્શન થયા. વલ્લભાચાર્ય સદેહે ભગવદ્દધામમાં લીન થઇ ગયા. તે સમયે તેમની ઉંમર હતી માત્ર 53 વર્ષની. એ દિવસ હતો સને 1532 (સંવત 1589) અષાઢ સુદ બીજનો! 

મહાપ્રભુજીની બેઠક તરીકે આજે પણ તેમનાં પ્રાસાદિક તીર્થસ્થાનો પૂજાય છે કારણકે ત્યાં ત્યાં ભાગવત પારાયણો કરી તેમણે ભક્તિની શુદ્ધ રીતિ-નીતિમાં વર્તીને આધ્યાત્મિક માર્ગમાં નવી ચેતના રેડી હતી. વલ્લભાચાર્યના સિદ્ધાંતને પુષ્ટિ આપવા ગિરિધરજી અને બાલકૃષ્ણ ભટ્ટે અનુક્રમે 'શુદ્ધાદ્વૈત માર્તન્ડ' અને 'પ્રમેય રત્નાર્ણવ' જેવા વેદાંત-ગ્રંથો લખ્યા છે. આચાર્યશ્રીના વંશમાં ગોસ્વામી પુરુષોત્તમજીએ આ સંપ્રદાય દ્વારા મધુર ભક્તિ અને વાત્સલ્યભાવની ભક્તિનો બહુ જ પ્રચાર કર્યો હતો. 

નોંધ : આચાર્યશ્રીના 500માં પ્રાગટ્ય દિનના સ્મૃતિચિન્હ રૂપે 1977માં ભારત સરકારે એક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો હતો. 

No comments:

Post a Comment

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...