લો હાશકારો ખાઓ 2020 તો પત્યું! આ ગયા વર્ષમાં જાણે કોઈ જ સારા આનંદદાયક સમાચાર જ નહોતા નહિ? એટલે આ નવા વર્ષમાં સારા સમાચારથી વર્ષ ચાલુ કરવાના આશયથી આ લેખ લખવાનું નક્કી કર્યું. આ ઉપર મૂકેલ ચિત્ર પહેલાં કદી જોવામાં આવ્યું છે ? બસ આ ચિત્ર જ સારા સમાચાર છે! આવનાર જાન્યુઆરી 18, 2021 ના રોજ આ DFC એટલે કે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor )ના નિર્માણ માટે રચાયેલ અને રેલવે મંત્રાલયને આધીન એવા DFCCIL ને 15 વર્ષ પૂરા થશે. ચાલો જરા માંડીને વાત કરીએ.
સ્વર્ગીય પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ નિર્માણ કરેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના (Golden Quadrilateral ) કે જે દેશના ચાર મહાનગરોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના 4 લેનના ઘોરીમાર્ગોથી (Highway) જોડે છે તે યાદ છે? બસ આ DFC પણ કૈક એવું જ છે, ફરક માત્ર એટલો કે હું અને તમે એના ઉપર આપણી 4 પૈડાની ગાડીઓ સડસડાટ દોડાવીના શકીએ. એના ઉપર માત્ર ચાલશે દોઢ કિલોમીટર લાં......બી માલવાહક ગાડીઓ. કોઈ પણ પ્રકારની યાત્રિક ટ્રેનો નહિ, માત્ર માલવાહક ટ્રેનો. કોઈ કહેશે માલવાહક ગાડીઓ તો હાલમાંયે આખા દેશમાં ભારતીય રેલવે દોડાવે જ છે ને એમાં શું નવાઈ ? અરે ભાઈ, ખરી નવાઈ તો એ છે કે આ પરિયોજના હકીકતમાં દેશની કાયાપલટ કરવાની છે અને તે છતાંય ક્યાંય કોઈ રાષ્ટ્રીય સમાચારમાં એનો ઉલ્લેખ નથી. નિમ્નલિખિત આંકડાઓ અને માહિતી તેની તાતી જરૂરિયાત છે એટલું જ નહિ પણ તેના વગર દેશનો વિકાસ રૂંધાઇ જશે થઇ જશે તેની નક્કર સાબિતી છે.
આ ઉપરનો આલેખ જુઓ. છેલ્લા 65 વર્ષોમાં ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેરમાં રેલવેનો હિસ્સો 85% થી ઘટીને 33% થઇ ગયો જયારે ઘોરીમાર્ગોનો હિસ્સો 15%થી વધીને 58% થઇ ગયો. આના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ છે જેમ કે
- હમેંશા પહેલી સમસ્યા પૈસાની જ હોય. યાત્રી ટ્રેનો એ ભારતીય રેલવે માટે મોટે ભાગે ખોટનો ધંધો છે, અમુક રૂટને બાદ કરતાં ઘણાંય રૂટ દેશમાં આવાગમન અને જોડાણ વધારવા માટે દોડાવવામાં આવતા હોય છે, રેલ તંત્ર માટે ખરી આવક જ માલવાહક ગાડીઓ છે. જેમ જેમ ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેરમાં રેલવેનો હિસ્સો વર્ષે દર વર્ષે ઘટે છે એમ એમનો ચોખ્ખો નફો ઘટે છે.
- ઔદ્યોગિક માલનું પરિવહન ધોરીમાર્ગો પર ટ્રકો દ્વારા થતાં ટ્રાફિકની અત્યંત વિકટ સમસ્યાઓ દેશના દરેક શહેરમાં માથાનો દુખાવો બની ચૂકી છે. આપણા ગુજરાતની વાત કરીએ તો જેઓ સુરત-ભરૂચના બ્રિજ પાસે ટ્રાફિકમાં અટવાયા હશે એમને ખ્યાલ આવશે.
- હાલમાં આ જે ઔદ્યોગિક માલનું પરિવહન સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગો દ્વારા થાય છે તે દેશના કુલ રોડ માર્ગના માત્ર 0.5% હિસ્સો છે પણ તે 40%થી વધુ રોડ માલ પરિવહનમાં વપરાય છે અને હમેંશા વ્યસ્ત રહે છે જેનાથી ટ્રાફિકની સમસ્યા વકરે છે.
- ભારતમાં હજીયે 1970-80ના દાયકાના ટેકનોલોજીની દ્રષ્ટિએ પછાત એવા ડીઝલ ટ્રકો ચાલતાં હોવાથી આ ટ્રકો પ્રદૂષણમાં ખૂબ વધારો કરે છે જેને લીધે સ્વાસ્થ્યની કેટલીયે ગંભીર સમસ્યાઓ સામે આપણે લડી રહ્યા છીએ. દેશની રાજધાની દિલ્હીના હાલ તો એવાં છે કે ત્યાં પ્રદૂષણનું સ્તર પ્રદૂષણ માપવાના વિદેશી મશીનોની મહત્તમ ક્ષમતા કરતાંયે ઉપર છે.
- ધોરીમાર્ગો દ્વારા મોકલવામાં આવતાં માલસામાનના લીધે આંતર-રાજ્ય ચેક પોઇન્ટ સ્થાનો ઉપર દિવસો સુધી હજારો ટ્રકોનો ભરાવો, ત્યાં ચાલતો ભ્રષ્ટાચાર અને અન્ય કુરીતિઓ.
- ધોરીમાર્ગો ઉપર થતાં 75%થી વધુ જીવલેણ અકસ્માતોમાં ટ્રકો જેવા મોટા વાહનો સંડોવાયેલા હોય છે.
- ધોરીમાર્ગો ઉપર થતાં પરિવહનથી ઝડપી તેમજ એકદમ સમયસર માલ નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં ઉદ્યોગોને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. આ મુદ્દો અત્યાધિક અગત્યનો છે. ભારત સરકારના એક અનુમાન અનુસાર દર વર્ષે દેશને આ કારણસર 1% GDPનું નુકસાન થાય છે. હાલનો આપણાં GDP પ્રમાણે તે 2200 કરોડ કરતાં વધુ થયા.
- સમર્પિત માલવાહક માર્ગ નેટવર્ક ના હોવાને કારણે યાત્રી ટ્રેનો અને માલવાહક ગાડીઓ હાલમાં એક જ માર્ગ નેટવર્કનો ઉપયોગ કરે છે જેને લીધે આ નેટવર્ક તેની ક્ષમતા કરતાં વધુ વપરાય છે (150%), વધુ ઘસારો પહોંચે છે અને તેમાં જાળવણી, નાના-મોટાં રીપેરીંગ માટે ટ્રેક ઓફલાઈન લેવામાં તકલીફ ઉભી થાય છે અને જો ઑફલાઇન લેવાય તો કેટલીય વાર યાત્રી અને માલવાહક ટ્રેનો ખૂબ જ મોડી પડે છે અને નિર્ધારિત સમયો સાચવી શકતી નથી.
આ તો થઇ મુખ્ય સમસ્યાઓ, એ સિવાયની પણ ઘણી છે પણ એ જવા દઈએ તોય તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ DFCની જરૂરિયાત કેટલી બધી છે.
DFCની સમયરેખા :
સમય | વિગત | સરકાર | પ્રધાન મંત્રી શ્રી (જે CCEA અધ્યક્ષ પણ છે ) |
એપ્રિલ - 2005 | 2005માં જાપાન-ભારતની શિખર બેઠકમાં આ પરિયોજનાની ચર્ચા બાદ તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે વર્ષ 2005-06નું બજેટ દરમ્યાન પહેલીવાર પરિયોજનાનો જાહેરમાં ઉલ્લેખ કર્યો. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
ફેબ્રુઆરી - 2006 | RITES રિપોર્ટના આધારે આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ પરિયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
ઓક્ટોબર - 2006 | SPV( Special Purpose Vehicle )ના રૂપમાં DFCCILનું કંપની તરીકે સરકાર દ્વારા ગઠન | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
નવેમ્બર - 2007 | આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ જમીન સંપાદન અને અન્ય પ્રારંભિક કાર્યોની શરૂઆત માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
ફેબ્રુઆરી - 2008 | આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ EDFC(Eastern DFC ) અને WDFC(Western DFC) એમ બે પેટા પરિયોજનાઓ અને તેમના માટે રૂ 28,181 કરોડની જોગવાઈ કરી. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
સપ્ટેમ્બર - 2009 | કેબિનેટે JICA (Japan International Cooperation Agency) એટલે કે જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર સંસ્થાની WDFC માટે ચરણબધ્ધ લોનની શરતોનો સ્વીકાર કર્યો. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
માર્ચ - 2010 | JICAની 90 બિલિયન યેન એટલે કે ત્યારના 5,100 કરોડની WDFCના પ્રથમ ચરણની લોન ઉપર હસ્તાક્ષર થયા. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
ઓક્ટોબર - 2011 | વર્લ્ડ (World) બેંક સાથે અમેરિકન 975 મિલિયન ડોલર્સ એટલે કે ત્યારના 5,850 કરોડની EDFCના પ્રથમ ચરણ (ખુર્જા - ભાઉપુર) માર્ગ માટેની લોન ઉપર હસ્તાક્ષર થયા. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
જાન્યુઆરી - 2013 | EDFC (ખુર્જા - ભાઉપુર) માટે સિવિલ, સિસ્ટમ અને ટ્રેકનો રૂ 3267.54 કરોડનો કરાર એનાયત કરવામાં આવ્યો. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
માર્ચ - 2013 | JICA જોડે WDFCના બીજા ચરણ માટે 136 બિલિયન યેન એટલે કે ત્યારના 7,750 કરોડ રૂપિયાની લોન ઉપર હસ્તાક્ષર થયા. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
જૂન-2013 | WDFCના રેવાડી-પાલનપુર અનુભાગ માટે સિવિલ કોન્ટ્રેક્ટ અપાયો. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
ફેબ્રુઆરી - 2014 | DFCCIL અને રેલ મંત્રાલય વચ્ચે ભાડામાં રાહત અંગેના કરાર થયા. | UPA/કોંગ્રેસ | મનમોહન સિંહ |
ડિસેમ્બર - 2014 | વર્લ્ડ (World) બેંક સાથે અમેરિકન 1100 મિલિયન ડોલર્સમાં EDFC-2 માટેની લોન ઉપર હસ્તાક્ષર થયા. | NDA/ભાજપ | નરેન્દ્ર મોદી |
જૂન - 2015 | વર્લ્ડ (World) બેંક સાથે અમેરિકન 650 મિલિયન ડોલર્સમાં EDFC-3 માટેની લોન ઉપર હસ્તાક્ષર થયા. | NDA/ભાજપ | નરેન્દ્ર મોદી |
જૂન - 2015 | આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA - Cabinet Committee on Economic Affairs )એ 81,459 કરોડનો અંદાજિત ખર્ચ માન્ય કર્યો. | NDA/ભાજપ | નરેન્દ્ર મોદી |
ઓક્ટોબર - 2019 | EDFC-1 (ખુર્જા - ભદાન)ના 194કિમી માર્ગ ઉપર પ્રારંભિક ચકાસણી માટે ટ્રેનો દોડાવાઈ. | NDA/ભાજપ | નરેન્દ્ર મોદી |
ડિસેમ્બર - 2019 | WDFC-1 (રેવાડી-મદાર)ના 306 કિમી માર્ગ ઉપર પ્રારંભિક ચકાસણી માટે ટ્રેનો દોડાવાઇ. આ પૈકી રેવાડીથી શરુ થતાં 79 કિમી હરિયાણાના હિસ્સાઓ રેવાડી અને મહેન્દ્રગઢ જિલ્લામાં અને બાકીના 227 કિમી રાજસ્થાનના જયપુર, સીકર, નાગૌર, અલવર જિલ્લામાંથી પસાર થતાં થતાં અજમેર જિલ્લામાં અજમેર નજીક મદારમાં પૂર્ણ થાય છે. | NDA/ભાજપ | નરેન્દ્ર મોદી |
આ મેં ઉપરના કોષ્ટકમાં ખાસ પ્રધાનમંત્રીશ્રીની કોલમ કેમ ઉમેરી ખબર છે ? લગાવો તમે તારે, લાગ્યું તો તીર નહીં તો તુક્કો.
આ આપણા મૌનમોહન સિંહને 'બિરદાવવા' માટે. આપણા માનનીય અને લોકલાડીલા શ્રી મોદી સાહેબના શબ્દોમાં જ નીચે વાંચો.
ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના અમલીકરણમાં ભૂતકાળમાં થયેલા ભારે વિલંબ અંગે પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 સુધીમાં એક કિલોમીટરના પાટા પણ નાખવામાં આવ્યા ન હતા, પણ વર્ષ 2014માં સરકાર રચાઈ તે પછી સતત મોનિટરીંગ અને સહયોગીઓ સાથે બેઠકો કરીને પછીના થોડા મહીનાઓમાં 100 કિલોમીટરનુ કામ પૂરૂ કરવામાં આવ્યુ છે. તેમણે જેની ઉપર ટ્રેન દોડી શકે તેવા ટ્રેક વધારવાને બદલે ટ્રેઈનની સંખ્યા વધારવાની અગાઉની સરકારોની માનસિકતાની ટીકા કરતાં જણાવ્યુ હતું કે રેલવે નેટવર્કના આધુનિકીકરણ ઉપર ખાસ મૂડીરોકાણ કરવામાં આવતુ ન હતું. તેમણે કહ્યું કે અલગ રેલવે બજેટ રજૂ કરવાની પ્રથા રદ કરાતાં અને રેલવે ટ્રેક માટે વધુ મૂડીરોકાણ કરાતાં આ પરિસ્થિતિ બદલાઈ છે. તેમણે કહ્યું કે સરકાર રેલવે નેટવર્કને પહોળુ કરવા બાબતે તથા તેના વીજળીકરણ ઉપર તેમજ માનવ વિહોણા રેલવે ફાટકો બંધ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
DFCના પ્રોજેક્ટની વિશેષતાઓ ઊડતી નજરે :
- દિલ્હી-મુંબઈ-ચેન્નાઇ-હાવડા(કોલકાતા) આ ચાર મહાનગરોને જોડતું હાલનું ચતુષ્કોણીય સમર્પિત રેલ નેટવર્ક તેના બે વિકર્ણો સહિત કુલ 10,122 કિમી લાબું છે અને તે છતાંય દેશના કુલ રેલ નેટવર્કનું માત્ર 16% નેટવર્ક છે. પણ આ નેટવર્ક ઉપર દેશના 52% યાત્રિકો અને 58% માલનું વહન થાય છે. DFC આ હાલના નેટવર્કને સમાંતર બીજું સમર્પિત માલવાહક માર્ગ નેટવર્ક છે જેના લીધે યાત્રી ટ્રેનોની સંખ્યા અને તેમની સમયબદ્ધતામાં વધારો થશે.
- માલવહન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો. હાલની માલવાહક ટ્રેનની મહત્તમ ક્ષમતા 5000 ટનથી વધીને સીધી 13,000 ટન એટલે કે લગભગ ત્રણ ગણી !!
WDFC ઊડતી નજરે
દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક માર્ગ દેશનો સૌથી વ્યસ્ત માર્ગ હોવાથી સ્વાભાવિક રીતે WDFCએ DFCCILની પ્રાથમિકતા છે. મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલથી હરિયાણાના દાદરી સુધીના ૧,૫૦૪ કિલોમીટર લંબાઈના તૈયાર થઈ રહેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં પ૬૫ કિલોમીટરનો કોરિડોર યાને કુલ પ્રોજેક્ટના ૩૭.૯ ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થવાનો છે. આ ગુજરાતના પ્રોજેકટની ચાલતી કામગીરી અંગે તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠકમાં એવી વિગતો બહાર આવી હતી કે, રાજ્યમાં પાલનપુરથી ભિલાડ વચ્ચે સર્જાઈ રહેલા આ નવા રેલવે ફેઇટ કોરિડોર માટે કુલ ૬૦ રેલવે ઓવરબ્રિજ બનાવવાના થાય છે, જે પૈકી અત્યાર સુધી ૭ રેલવે ઓવરબ્રિજ તૈયાર થયા છે અને બાકી બધાં ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં પૂરાં કરવા ડેડલાઇન નક્કી કરાઈ છે. ગુજરાતમાં જે કુલ ૬૦ રેલવે ઓવરબ્રિજ બનશે, તે પૈકી ૨૮ આરઓબી રેલવે તંત્ર દ્વારા એટલે કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કંપની થકી રૂ. ૧,૧૪૧.૨૫ કરોડના ખર્ચે બનાવાશે, જેમાં કહે છે કે, રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ અત્યાર સુધી થયો છે અને ૫ આરઓબી તૈયાર થઈ ચૂક્યા છે, બીજા ૨૩માં હજી કામગીરી વિવિધ પ્રક્રિયામાં છે. જે બીજા ૩૨ આરબી બનવાના છે તે ગુજરાત સરકાર પોતે રૂ. ૧,૬૬૭.૯૮ કરોડના ખર્ચે બનાવી રહી છે, જેમાં અત્યાર સુધી ૨ આરઓબી બન્યાં છે, બાકી ૨૧માં કામગીરી વિવિધ તબક્કે છે, ૬ આરઓબી હજી ટેન્ડર સ્ટેજ ઉપર છે અને અન્ય ૩ આરઓબીની કામગીરી હજી પ્લાનિંગ તથા એસ્ટિમેશન સ્ટેજ ઉપર છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી રૂ. ૪૫૦ કરોડ ખર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પીએમઓ (PMO)ની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. જોકે કોવિડ-૧૯ની સ્થિતિમાં આ પ્રોજેક્ટ થોડો વિલંબમાં પડે તેવા સંજોગો છે. 1506 કિમીના મુખ્ય માર્ગ ઉપરાંત નાના જોડાયેલા માર્ગો દ્વારા WDFC મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ (બંદર)ને મુન્દ્રા, પીપાવાવ, કંડલા, દ્વારકા અને હજીરા બંદરો સાથે જોડી દેશે કે જે દેશમાંથી ઔદ્યોગિક માલસામાનની આયાત-નિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
EDFC ઊડતી નજરે
હાલમાં જ મોદી સાહેબે જેનું ઉદ્દઘાટન કર્યું તે ન્યુ ભાઉપુર - ન્યુ ખુર્જા વિભાગ 1875 કિમી લાંબા EDFC માર્ગનો હિસ્સો છે. આ માર્ગ પંજાબના લુધિયાણાથી લઈને પશ્ચિમ બંગાળના દાણકુની સુધી વિસ્તરેલો છે જેનું સંચાલન પ્રયાગરાજ સ્થિત અત્યાધુનિક નિયંત્રણ કક્ષમાંથી થશે. આ નીચે મૂકેલો તેનો ફોટો કોઈ હોલીવુડના Sci -fi ચલચિત્ર જેવું લાગે છે. આ માર્ગના કાર્યાન્વિત થવાથી દિલ્હી-કાનપુર મુખ્ય માર્ગ ઉપર ભારણ ઘટશે અને તેના લીધે યાત્રિકોને પડતી હાલાકીમાં ઘટાડો થશે અને માલવાહક ગાડીઓની સરેરાશ ઝડપ 25 કિમી/કલાકથી વધીને 75 કિમી/કલાક થતાં તેમાં ત્રણગણો વધારો થશે. EDFCના માર્ગમાં કોલસાની ખાણો, કોલસા આધારિત વીજ ઉત્પાદન પાવર સ્ટેશનો અને ઉદ્યોગ આધારિત ઘણાં નાના-મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા છે. આ માર્ગથી કાનપુર દેહાત જિલ્લામાં આવેલ પુખરાયાંમાં એલ્યુમિનિયમ ઉદ્યોગ,ઓરૈયા જિલ્લામાં ડેરી ઉદ્યોગ, ઇટાવા જિલ્લામાં ટેક્સ્ટાઇલ/કાપડ ઉદ્યોગ, ફિરોઝાબાદ જિલ્લામાં કાચ અને કાચની પેદાશોનો ઉદ્યોગ, બુલંદશહેર જિલ્લાના ખુર્જામાં કુંભાર ઉદ્યોગ, હાથરસ જિલ્લામાં હિંગ ઉત્પાદન ઉદ્યોગ અને અલીગઢ જિલ્લામાં વિવિધ હાર્ડવેર ઉદ્યોગને વેગ મળશે.
જતાં જતાં DFCCILનો માહિતીસભર વિડીયો જોતાં જાઓ......જોયા પછી મોદી સાહેબને ટ્વિટ કરીને આભાર વ્યક્ત કરજો....મોદી હૈ તો મુમકીન હૈ એ માત્ર ઉક્તિ નથી, દેશના વિકાસની હરણફાળનો મહામંત્ર છે.
No comments:
Post a Comment