Saturday, September 2, 2017

અમદાવાદનું ગૌરવ, ડો. એચ.એલ.ત્રિવેદી.....

 કોઈ મને પૂછે કે ગુજરાતની કોઈ એવી વ્યક્તિનું નામ આપો જેમણે નોબેલ પારિતોષિક પામી શકાય તેવું કામ કર્યું હોય. તો હું તરત જ તેમને ડો. એચ.એલ.ત્રિવેદીનું નામ આપું. મેડિકલ સાયન્સ અને માનવ-સેવા એમ બન્ને ક્ષેત્રમાં તેમણે એવી અદભૂત કામગીરી કરી છે આ બે-બે ક્ષેત્રમાં તેમને નોબેલ મળી શકે.
આધુનિક ઋષિ કેવા હોય તે જોવું હોય તો ડો. એચ.એલ. ત્રિવેદીને મળવું પડે.


સાૈરાષ્ટ્રના ચરાવડા નામના ગામે જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. તેમનાં માતાનું નામ શારદાબહેન. હરગોવિંદભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી. બધા વિષયોમાં મોટાભાગે 100માંથી 100 ગુણ આવે. અમદાવાદની બી.જે. મેડિકલમાં ભણ્યા. વિદેશ ભણવા જવાનું હતું તો તેમણે પ્રવેશ માટે જે જે યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને એચ એલ ત્રિવેદીએ એક પત્ર લખ્યો હતો કે જો તમે મને પ્રવેશ આપો તો તમારે મને એરફેર પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. તેમની તેજસ્વી કારકિર્દી જોઈને એક યુનિવર્સિટીએ તેમને પ્રવેશ આપ્યો અને ટિકિટ પણ મોકલાવી. એચ એલ ત્રિવેદીએ અમેરિકામાં Cleveland Clinic, અભ્યાસ કર્યો. તેમણે નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો. એ પછી તેમણે કેનેડાના ઓરિઅન્ટોમાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી. નેફ્રેલોજિસ્ટ તરીકે તેમનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું. તેમની પ્રેક્ટિસ એટલી ધીખતી ચાલતી હતી કે કેનેડાના સૌથી વધુ ટેક્ષ ભરનારી વ્યક્તિઓમાં ડો. એચ એલ ત્રિવેદીનું નામ આવતું હતું. તેમની આવક જાણીને રોલ્સ રોયસ કંપનીના માણસો તેમના ઘરે ગયા અને કહ્યું કે તમે આટલું સરસ કમાઓ છો તો અમારી ગાડી ખરીદો. જો કે ત્રિવેદી સાહેબે ના પાડી.
માનવતા અને વતન પ્રેમથી દોરવાઈને ત્રિવેદી સાહેબે પ્રતિષ્ઠા, પૈસો, વિશાળ ઘર, ધીખતી પ્રેક્ટિસ છોડી અને આવ્યા અમદાવાદ. તેઓ પોતાના વતનના ગરીબ અને જરૃરિયાતમંદ દરદીઓ માટે પોતાની સજ્જતા વાપરવા માગતા હતા.
તેઓ અમદાવાદ આવ્યા. ગુજરાત સરકારમાં સંપર્ક કર્યો. કોઈ નવું અને મહાન કામ કરવું હોય તો મોટો ભોગ આપવો પડે છે. શરુઆતમાં તેમને ખાસ પ્રતિસાદ ન મળ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈ એક ખૂણામાં ઓછો વપરાતો રુમ અને વિભાગ તેમને ઓફિસ તરીકે આપવામાં આવ્યો. વિચાર તો કરો, વિશ્વખ્યાત નેફ્રોલોજિસ્ટ કે જે કેનેડા જેવા શહેરમાં મહેલ જેવું ઘર ધરાવતાે હતો, વર્ષે અબજો રુપિયા કમાતો હતો. તેને એક ખૂણો પકડાવી દેવામાં આવ્યો. જો કે ત્રિવેદી સાહેબ સમાજ સેવાનું વ્રત લઈને આવ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યમાં પક્ષીની વાત આવે છે. એ પક્ષી કહે છે કે હું તો ગાઈશ જ. ત્રિવેદી સાહેબનો સંકલ્પ મજબૂત હતો.
ગુજરાત સરકારે કહ્યું કે અમે આપને જગ્યા આપીએ, હોસ્પિટલ તમે ઊભી કરો. ત્રિવેદી સાહેબે એ કરી બતાવ્યું. સમગ્ર ભારતમાં ન હોય તેવી 400 બેડની કિડની હોસ્પિટલ આજે અમદાવાદમાં છે. 125 ડોક્ટરો સાથે 600નો સ્ટાફ છે. આખા ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં ન થતી હોય તેવી કિડનીની સારવાર અહીં થાય છે. દર વર્ષે કિડનીના 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ત્રિવેદી સાહેબના આ ઈન્સ્ટિટ્યૂટનો સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર છે. 25-30 વર્ષમાં ડો. ત્રિવેદીના નેતૃત્વમાં 5000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) થયાં છે જે પોતે એક વિશ્વ વિક્રમ છે. હવે તો અહીં લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. બહાર લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 45-50 લાખ રુપિયા થાય તે અહીં 12 લાખમાં થઈ જાય છે. જરુર પડે તો તેમાંય રાહત અપાય છે.
એચ એલ ત્રિવેદી સાહેબે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ દરદીઓના જીવનને સમર્પિત કરી છે. હજારો દરદીઓને તેમણે નવજીવન આપ્યું છે. જેમનું ગજવું ખાલી હોય અને હૃદય શ્રધ્ધાથી ભરેલું હોય તેવા ગરીબો અહીં આવે છે અને સાજા થઈને જાય છે. કેનેડા છોડીને અમદાવાદમાં આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબ 56 વર્ષના હતા. આજે 86 પૂરાં કરી રહ્યા છે. ત્રણ દાયકાની એક એક મિનિટ તેમણે દરદી નારાયણને સમર્પિત કરી છે.
***
કિડનીના રોગમાં ડાયાલિસીસ અને ટ્રાન્સપ્લાન્ટ એ બે મહત્વની બાબતો છે. કોઈ બીજી વ્યક્તિની કિડની એક વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય એ પછી નવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કિડનીને સાચવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો કિડનીને સાચવવા શરીરને ઢીલું અને નબળું પાડવું પડે. ડો. એચ એલ ત્રિવેદીએ આ સંદર્ભમાં જે ક્રાંતિકારી શોધ કરી છે તે તેમને મેડિસીન વિષયના નોબેલ પારિતોષિકના દાવેદાર બનાવે છે. તેમણે સ્ટેમ સેલ થિયરીની શોધ કરી છે. આ શોધ પ્રમાણે દાતાની કિડનીને લેબોરેટરીમાં મૂકવામાં આવે છે અને દરદીના શરીરને અનુરુપ તૈયાર કરીને પછી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ શોધને કારણે લાખો લોકોના જીવન બચ્યાં છે અને દવાઓનો અબજો રુપિયાનો બચાવ થઈ રહ્યો છે. (એવું કહેવાય છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી દવાઓની કંપનીઓને કારણે તેમને આ પારિતોષિક અપાતું નથી. બીજાં પણ કારણો હશે, પરંતુ આ પણ એક મહત્વનું કારણ ગણાય છે.)
નોબેલ મળે કે ના મળે તેનાથી ત્રિવેદી સાહેબની કામગીરીનું મૂલ્ય ઓછું થતું નથી. ત્રિવેદી સાહેબે માનવ પ્રત્યારોપણને લગતી એક યુનિવર્સિટી પણ ગુજરાત સરકાર પાસે શરુ કરાવી છે. આ એક વૈશ્વિક મહત્વની ઘટના છે. માનવ પ્રત્યારોપણને લગતી મેડિકલ સારવારના તજજ્ઞો તૈયાર થાય તે અત્યંત જરુરી છે. 2 વર્ષથી આ યુનિવર્સિટી કામ કરી રહી છે. નેફ્રો વિષયમાં નર્સીંગ સ્ટાફ મળતો નથી. અહીં એ કોર્સ પણ ચાલે છે. અત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ્યાં કિડની ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે ત્યાં હવે યુનિવર્સિટી ચાલશે. ગુજરાત સરકારે કિડની હોસ્પિટલ માટે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 11 માળની ઈમારત તૈયાર કરી છે. કિડની ઈન્સ્ટિટ્યૂટ થોડા સમય પછી ત્યાં શિફ્ટ થશે.
***
ડો. એચ એલ ત્રિવેદી એટલે કરુણા. સંવેદના. માનવતા. પ્રેમ. તેમણે જે સેવા કાર્ય કર્યું છે તે અપૂર્વ અને ઐતિહાસિક છે. તેમના ધર્મપત્ની સુનિતાબહેન ખભેખભો મિલાવીને સતત તેમની સાથે રહ્યાં છે. એચ એલ ત્રિવેદીનાં માતાનું નામ શારદાબહેન હતું. સુનિતાબહેને પોતાના નામનું દાન કર્યુ અને શારદાને બદલે સુનિતા નામ રાખ્યું. ત્રિવેદી દંપતિને કોઈ સંતાન નથી અેમ તો કેમ કહેવાય ? દરદીરુપી કેટલાં બધાં સંતાનોને તેમણે સાચવ્યાં, ઉછેર્યાં, મોટા કર્યાં, નવું જીવન આપ્યું.
***
જાણીતા કવિ અને સર્જક માધવ રામાનુજ નિવૃત્ત થઈને ત્રિવેદી સાહેબ સાથે જોડાયા. જે સંવેદના કૃતિઓમાં હતી તે સંવેદના અમલમાં લઈ આવ્યા. તેમના વિશે એક અલાયદો લેખ કરવો પડે. માધવ રામાનુજ પણ કિડની ઈન્સ્ટિટ્યૂટનું એક મહત્વનું અંગ કહી શકાય. તેમણે ડો. ત્રિવેદીના જીવન ઉપર રાગ-વૈરાગ્ય નામનું નાટક લખ્યું. આ નાટક કિડનીઓના દરદીઓ દ્વારા પણ ભજવાયું છે.
***
ડો. ત્રિવેદીનો જન્મદિવસ કિડની દરદી કલ્યાણ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના ખ્યાતનામ કળાકારો જેવા કે શહાબુદ્દીન રાઠોડ, દયમંતિ બરડાઈ, ભીખુદાન ગઢવી, અભયસિંહ રાઠોડ, વિષ્ણુ પનારા, પ્રફુલ્લ દવે જેવા કળાકારો નિયમિત આ દિવસે ડાયરો યોજે છે. દરદીઓના કલ્યાણ માટે થતા આ ડાયરા માટે એક પણ કલાકાર એક પણ પૈસો લેતો નથી. ઓટો રીક્ષાના 20-25 રુપિયા પણ આ કળાકારો લેતા નથી. કળાકારોની આ સૌજન્યશીલતા અને સંવેદનાને પણ વંદન કરવા જોઈએ. મોરારી બાપુએ પણ કિડની હોસ્પિટલ માટે અમદાવાદમાં એક કથા કરી હતી. સારું કામ થતું હોય એટલે સૌને થાય કે અમે પણ યથાશક્તિ જોડે રહીએ. કશુંક કરીએ.
***
પોતાની 56 વર્ષની ઉંમરે કેનેડા છોડીને ભારત આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબની છાતી 56ની હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ હૃદય કરુણા અને માનવતાથી જરુર છલકાતું હશે. તેમની આંખમાં જે સ્વપ્ન હતું, હૃદયમાં જે સંકલ્પ હતો તે તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે. ત્રિવેદી સાહેબે ગુજરાત કે ભારતનું ગૌરવ નથી, સમગ્ર માનવતાનું ગૌરવ છે. આપણને આખો ઈશ્વર જોવા મળતો નથી, પરંતુ તેના અંશો ત્રિવેદી સાહેબ જેવા ઋષિ પુરુષોમાં જોવા મળે છે.
જેમને બે-બે ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મળી શકે તેમ છે તેવા ડો. એચ.એલ.ત્રિવેદીનું જીવન-કાર્ય માનવતાને ઉજાળે તેવું અદ્દભૂત અને પ્રેરક છે.... જન્મદિવસે ડો. ત્રિવેદીને ખૂબ ખૂબ વંદન. ઈશ્વર તેમને નિરામય દીર્ઘાયુ આપે.

No comments:

Post a Comment

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...