Saturday, April 4, 2020

હિન્દુ શૂરવીર તેમ જ ધર્મવીર: છત્રપતિ સંભાજી મહારાજ

આ નીચેના ચિત્રને એકવાર ધ્યાનથી જુઓ. જમણી બાજુના બીજા ચિત્રમાં કોણ છે ? ના ઓળખાય તો ચિંતા ના કરશો. કદાચ તમને એવુંય લાગ્યું હોય કે બંને એક જ વ્યક્તિ છે. એક જ નથી પણ હા બંને ઐતિહાસિક પાત્રો છે અને તેમની વચ્ચે લોહીનો સબંધ છે. આજે આપણે આ બીજા પાત્ર વિશે જ જાણવાના છીએ. પણ જો કોઈ એવું હોય કે જેને પહેલા ચિત્રમાં કોણ છે એ ના ઓળખાયું હોય તો ભાઈ (કે બહેન) વિનમ્રતાથી કહું કે તમારે થોડું મુંબઈ અને મહારાષ્ટ્ર ફરવા જવાની જરૂર છે.

આ મહા-માનવના જીવન ચારિત્રના ઊંડાણમાં ઉતરીએ તે પહેલાં તેમના વિશે એક ઊડતી ઝલક :
નામ : છત્રપતિ સંભાજી રાજે ભોસલે

જન્મ:- 14 મે 1657

મૃત્યુ:-11 માર્ચ 1689 (31 વર્ષ)

શાસનકાળ :- 1681 થી 1689

માતા :સઈબાઈ ભોસલે, શિવાજી ના પ્રથમ પત્ની.
હા આજે આપણે વાત કરશું છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર અને મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ સંભાજીની.
મને સંભાજી વિશે લખવાની પ્રેરણા મળી છે ગજરાતના સુપ્રસિદ્ધ લોક કલાકાર રાજભા ગઢવીના એક વિડીયોમાંથી. એક એવા મૂઠી ઉંચેરા કલાકાર કે જેઓએ આપણી ભૂલાઈ ગયેલી આવી કઇં-કેટલીય વાર્તાઓ અને પ્રસંગોને નવજીવન બક્ષ્યું છે. લેખના અંતમાં તેમનો વિડીયો કે જેમાં એમણે  સંભાજીનો પ્રસંગ વર્ણવ્યો હતો તેની કડી  મૂકેલ છે.

"મોરના ઇંડા ચીતરવા નોં પડે" એ ઉક્તિને યથાર્થ કરતું આજ સુધી કોઈ ઐતિહાસિક વ્યકતિત્વ મારા ધ્યાનમાં આવ્યું છે તો એ છે સંભાજી મહારાજ.


બાલ્યકાળ 
સઈબાઈ શિવાજી ભોંસલે
(સુનિલ ઘડગે નામના ચિત્રકારે 2012માં રજૂ
કરેલ સઈબાઈનું આજ દિન સુધીનું સૌપ્રથમ રેખાચિત્ર)
ઉપર બતાવેલ શિવાજીના કુટુંબ વડલામાંના ત્રણ પત્નીઓ (જોકે ત્રીજા પત્નીનો ઉપર ઉલ્લેખ નથી) પૈકીના પહેલા પત્ની સઈબાઈની કૂખે આ અજેય પુત્રનો જન્મ પુરન્દરના કિલ્લામાં થયો હતો. સઈબાઈ એ ત્યારના પ્રતિષ્ઠિત એવા નિમ્બાળકર પરિવારમાંથી ભોંસલે પરિવારમાં પરણાવવામાં આવ્યા હતા. અહીં બંને ભોંસલે અને નિમ્બાળકર પરિવાર વિશે રોચક તથ્ય જાણવા જેવું છે. આજે શિવાજીના લીધે લોકો ભોંસલે કુળને વધારે ઓળખે છે પણ તે વખતે આ નિમ્બાળકર પરિવારના પુરુષો તત્કાલીન બહમની, આદિલશાહી અને નિઝામશાહી સલ્તનતોમાં ઉચ્ચ હોદ્દાના સરદારો હતા. તેમની શાખ, પ્રભાવ અને ખ્યાતિ મહારાષ્ટ્રમાં વધુ હતી. નિમ્બાળકર પરિવાર સાથે જોડાવું એ સામાજિક રીતે મોભાનું સ્થાન હતું અને માત્ર શિવાજી અને સઈબાઈના જ નહિ પણ તે પહેલાં પણ દીપાબાઈ નિમ્બાળકર અને માલોજી ભોંસલે લગ્નથી ભોંસલે પરિવારનું સમાજમાં માન અને સ્થાન વધ્યું હતું. સઈબાઈ હાલના મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફળટણ પ્રાંતના ત્યારના પંદરમાં રાજા મુધોજીરાવ નાઈક નિમ્બાળકરના સુપુત્રી અને સોળમાં રાજા બાલાજી રાવ નાઈક  નિમ્બાળકરના બહેન હતા. આ બધાંનો અર્થ એટલો જ કે સંભાજી બંને માતૃપક્ષે અને પિતૃપક્ષે ત્યારના કાબેલ અને વિખ્યાત યોધ્ધાઓના સંસ્કાર ગળથૂંથીમાં લઈને જન્મ્યા હતા. તારીખ 16 મે 1640ના રોજ શિવાજી અને સઈબાઈના લગ્ન પૂનાના લાલ મહલમાં થયા હતા. તે વખતે તો બાળલગ્ન પ્રચલિત હતા. પહેલી ત્રણ દીકરીઓ સખુબાઈ, રાણુબાઈ અને અમ્બિકાબાઈ બાદ લગ્નના 17 વર્ષે 1657માં શિવાજી અને સઈબાઈને ત્યાં હાલના પુણે જિલ્લામાં સ્થિત પુરંદરના કિલ્લામાં પુત્ર રત્ન સંભાજી જનમ્યા જે શંભુ રાજેના હુલામણાં નામથી પણ જાણીતાં છે. આ ભોંસલે પરિવાર અને મરાઠી રૈયત [પ્રજા] માટે અત્યંત ખુશીનો સમય હતો કારણકે શિવાજીના હિંદવી સ્વરાજ્યના સ્વપ્નને આગળ ધપાવનાર વારસદાર જન્મ્યો હતો. સઈબાઈ સંભાજીના જન્મ બાદથી જ માંદગીમાં પટકાયા હતા અને કમનસીબે સંભાજીના જન્મના બે જ વર્ષમાં તારીખ પાંચમી સપ્ટેમ્બર 1659માં પ્રસિદ્ધ રાયગઢના કિલ્લામાં સઈબાઈનું કસમયે અવસાન થયું હતું. પિતા શિવાજી મહારાજ તો અફઝલ ખાનનો વધ કરીને મુઘલો વિરુદ્ધ હિંદવી સ્વરાજ્ય માટેના યુદ્ધનો શંખનાદ ફૂંકી ચૂક્યા હતા અને ડુંગરાઓ ખૂંદી રહ્યા હતા એટલે તેમનો ઉછેર દાદી જીજાબાઇએ કર્યો હતો. તેઓ હુલામણાં નામ "છવા" (શાવક)એટલે કે "સિંહનું બચ્ચું "તરીકે પણ ઓળખાતા હતા. મને એમ થાય છે કે આપણા દેશને "Father of the nation" ની જરૂર છે કે નહિ તેની મને ખબર નથી પણ જો ભવિષ્યમાં "Grandmother of the nation" નું માનક પદ આપવાનું નક્કી થાય તો નિઃશંકપણે અને સર્વાનુમતિથી જીજાબાઈને મળવું જોઈએ તેમણે એક નહિ બે-બે બાહોશ અને અજેય હિન્દૂ સમ્રાટો ધર્મકાજે તૈયાર કર્યા અને ન્યોછાવર કરી દીધા. આજે સ્ત્રી-સશક્તિકરણની માત્ર વાતો કરતાં, ડંફાસો મારતાં બરખા દત્ત અને રાજદીપ સરદેસાઈ જેવા કહેવાતાં સેક્યુલર લિબરલ ઉર્ફે દંભી લોકોએ જીજાબાઇનું જીવનચરિત્ર વાંચવું જોઈએ.

બે વર્ષની ઉંમરે મા ગુમાવ્યા છતાં રાજ પરિવારમાં જનમ્યા હોઈ સંભાજીની ઉચ્ચ કેળવણી થઇ અને 9 વર્ષ સુધીમાં તેઓ સંસ્કૃત, હિન્દી અને મરાઠી ઉપરાંત પોર્ટુગીઝ, ઉર્દુ, દક્ષિણ ભારતની ભાષાઓ એમ કુલ 9 ભાષાઓમાં પ્રવીણ થઇ ગયા હતા. તેમના પણ પિતાની જેમ જ બાળ લગ્ન થયા હતા. તેમના પિતા સહિત તત્કાલીન મરાઠા સરદારોમાં પ્રચલિત પ્રથાથી અલગ તેમના જીવનમાં આ એકમાત્ર લગ્ન કોંકણના ત્યારના દેશમુખ [દેશમુખ એટલે સ્થાનિક સરદાર કે વડો  ] પીલાજીરાવ શિરકે કે જે બીજાપુરના દરબારમાં દેશમુખ હતા તેમની સુપુત્રી જીવુબાઈ સાથે થયા. જીવુબાઈએ લગ્ન પછી મરાઠા રીતરિવાજો પ્રમાણે નવું યેસુબાઈ નામ ધારણ કર્યું. તેમના લગ્ન કે જે એક પ્રકારે રાજનૈતિક જોડાણ હતું તેનાથી શિવાજીને કોંકણના તટ વિસ્તારો સુધી પહોંચ મળી. 13 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓએ ઘોડેસવારી, તીરંદાજી, તલવાર અને ભાલાઓની શસ્ત્ર વિદ્યા વગેરેમાં નિપુણતા મેળવી લીધી હતી. માત્ર નવ વર્ષની ઉંમરે 1666માં મે મહિનામાં  તેમણે પિતા શિવાજી સાથે રાયગઢના કિલ્લાથી આગ્રા ઔરંગઝેબના દરબાર સુધી ઘોડા ઉપર આશરે 1000 માઈલ (1600 કિમી )નો પ્રવાસ ખેડ્યો એ તેમની ઘોડેસવારીની કુશળતાની સાબિતી છે. અહીં જો તમને પણ મારી જેમ પ્રશ્ન થયો હોય કે શિવાજી મહારાજ રાજકુમારને શા માટે આટલી નાની ઉંમરે જુલ્મી ઔરંગઝેબના દરબાર લઇ ગયા તો એનું કારણ એ છે કે મુઘલોના ગુલામ જયપુરના (ત્યારે જયપુર અંબર કહેવાતું) મિર્ઝા રાજે જય સિંહ કે જે 1664માં ઔરંગઝેબના આદેશ પર 14,000ની સેના લઈને દખ્ખણમાં શિવાજીના વધતાં વર્ચસ્વને પડકારવા આવ્યો હતો તેના છળકપટને લીધે શિવાજીએ 11 જૂન 1665માં અપમાનજનક પુરંદરની સંધિ સ્વીકારવી પડી હતી. આ સંધિ અનુસાર તેમણે તેમના 23 કિલ્લા મુઘલોને આપી દેવાના હતા. ઉપરાંત આ સંધિની શરતોનું યોગ્ય પાલન થાય ત્યાં સુધી જય સિંહે સંભાજીને પોતાની સાથે રાજનૈતિક બંધક તરીકે રાખ્યા હતા.અને આ જ સંધિ અનુસાર સંભાજી 5000 સૈનિકોના સૈન્ય સાથે મુઘલ સમ્રાટની હેઠળમાં ઔરંગાબાદ સ્થિત દરબારમાં મનસબદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને સંધિ અનુસાર બંને પિતા-પુત્રને મુઘલ સમ્રાટને તેમની મનસબદારીનો ભાગ ચૂકવવા આગ્રા જવા ફરજ પાડવામાં આવી હતી. સ્ટીવર્ટ ગોર્ડન લિખિત પુસ્તક "The Marathas 1600-1818"માંથી શિવાજીની આ આગ્રાની સફરની સવારીનું સરસ વર્ણન મળે છે.


ત્યાં આગ્રામાં તેઓ ઔરંગઝેબને 1000 સુવર્ણ સોનામહોર અને 2000 ચાંદીના સિક્કા કર પેટે આપવા જઈ રહ્યા હતા. ઔરંગઝેબે જેમ હંમેશા હિન્દૂ રાજાઓ સાથે કરતો આવ્યો હતો તેમ 12મી મે 1666ના રોજ પિતા-પુત્ર શિવાજી અને સંભાજીને સભામાં સામાન્ય નાગરિકો માટેના વિસ્તારમાં બેસવા કહીને તેમનું અપમાન કર્યું અને શિવાજીએ ભરસભામાં તેનો વિરોધ કર્યો અને સભા છોડીને જતાં રહ્યા ત્યારથી તેમના માટે તકલીફો શરુ થઇ. આજ દિન સુધી કોઈએ હિંદના મુઘલ સમ્રાટનું ભર સભામાં અપમાન તો દૂર આંખ મેળવીને વાત કરવા સુધ્ધાંની હિંમત નહોતી કરી. ઔરંગઝેબે તેમને આગ્રામાં નજર કેદમાં રાખવાનો આદેશ આપ્યો. બંનેને બંદી બનાવવામાં આવ્યા. ત્યાંથી 22 જુલાઈ 1666ની દિને કેવી રીતે શિવાજી ભાગી છૂટવામાં સફળ થયા તે પણ એક રોચક વાર્તા છે. ક્યાંક આ ભાગી છૂટવાની ઘટના 19 ઓગસ્ટ 1666ના થઇ હોવાનું જણાવવામાં આવે છે. માત્ર 9 વર્ષના સંભાજી શિવાજી ભાગી નીકળ્યા બાદ ત્યાં આગ્રાના સ્થાનિક બ્રાહ્મણોની મદદથી છૂપાયેલાં રહ્યા અને અમુક સમય બાદ જયારે તેમના જીવનું જોખમ ઓછું થયું પછી તેઓ પણ ભાગી નીકળીને રાયગઢ પહોંચ્યા. 9 વર્ષના આ શૂરવીરે 1000 માઈલનો પ્રવાસ અમુક ખાસ ભરોસાપાત્ર માણસો સાથે પોતાના માં-બાપ વગર ખેડ્યો અને આજે આપણે છોકરાંઓને રસ્તો જાતે ઓળંગવા દેતાં નથી! આ રોચક લઘુ-બાળ વાર્તા એનિમેશનમાં જોઈ લો એટલે મારે એટલું લખવું ઓછું. પણ એટલું જાણો કે ઔરંગઝેબે બંને શિવાજી અને સંભાજીના ભાગી જવા પાછળ પોતાના જ સરદાર જય સિંહ અને તેના કુંવર રાજકુમાર રામ સિંહનો હાથ હોવાનું અનુમાન કર્યું અને તેથી જ પછીથી જય સિંહને તાત્કાલિક આગ્રા આવવાનું ફરમાન મોકલવામાં આવ્યું જયારે રામ સિંહને મુઘલ સામ્રાજ્યના આંતરિયાળ વિસ્તારમાં કોઈ જાગીરના સૂબા તરીકે મોકલી આપવામાં આવ્યા.



13 વર્ષની ઉંમરે સંભાજીએ સંસ્કૃતમાં બુધભૂષણમ નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે પિતા શિવાજીનું સુંદર વર્ણન કર્યું છે. તે ઉપરાંત તેમણે હિન્દીમાં નાયિકાભેદ, સાત-સાતક અને નખશિખા નામના પુસ્તકો પણ લખ્યાં હતા. આ પૈકી નખશિખામાં તેમણે કરેલું ગણપતિનું વર્ણન અને સ્તુતિ ઘણાં વખણાયાં છે. તદુપરાંત તેમના પુસ્તકોમાં રાયગઢના કિલ્લાનું વિસ્તારથી વર્ણન, રાજાએ શું કરવું અને શું ના કરવું, યુધ્દ્દની રણનીતિઓ વગેરે વિષયો આવરી લેવાયા છે. આમ સંભાજીમાં શસ્ત્ર અને શાસ્ત્રનો બેજોડ સંગમ જોવા મળે છે.

યૌવનકાળ 
સંભાજી અને યેસુબાઈને ભવાનીબાઈ અને શાહુ એમ બે સંતાનો થયા. શાહુ આગળ જઈને મરાઠા સામ્રાજ્યના પાંચમાં છત્રપતિ મહારાજ થયા હતા. એમ કહેવાય છે કે સંભાજીના તેમના બીજા માતા સૂર્યાબાઈ [શિવાજીના બીજા પત્ની] સાથેના સંબંધોમાં ભરતી-ઓટ આવ્યા કરતી. સૂર્યાબાઈને પોતાના પુત્ર રાજારામને શિવાજી બાદ રાજગાદીએ બેસાડવો હતો. એટલે તેમણે સંભાજી વિરુદ્ધ શિવાજી આગળ કાન-ભંભેરણી કરવાનું શરૂ કરી દીધું હતું. સંભાજીનો પક્ષ લેવા તેમના માતા સઈબાઈ તો હયાત નહોતાં. [ સૂર્યાબાઇમાં માતા કૈકેયી અને રાજારામમાં ભરતજી તમને પણ દેખાયા? ] તે ઉપરાંત શિવાજીના દરબારમાં સંભાજીનો મહત્વના સરદારો સાથે મન-મેળ ઓછો હતો. ખાસ કરીને શિવાજીના અમાત્ય અણ્ણાજી દત્તોના ભ્ર્ષ્ટ કારભાર સામે તેમનો સખત વિરોધ હતો અને તેમણે અણ્ણાજીને ભરસભામાં પડકાર્યા હતા. પણ અણ્ણાજીની વહીવટી કુશળતાને ધ્યાનમાં રાખીને શિવાજીએ આ બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. અણ્ણાજીના કહેવા ઉપર જ અષ્ટપ્રધાનમંડળના સભ્યોએ સભામાં સંભાજી ઉપર ખરાં-ખોટાં આરોપ મૂકીને તેમની ટીકા કરી. આજ અષ્ટપ્રધાનમંડળના મતને ધ્યાનમાં લઇ સંભાજી શૂરવીર અને પરાક્રમી હોવા છતાં તેમને શિવાજી સાથે મરાઠા સૈન્યના દક્ષિણમાં કૂચ અભિયાનમાં જોડાવાથી દૂર રાખવામાં આવ્યા હતા. આમ અણ્ણાજી અને સૂર્યાબાઈ બંને સંભાજી રાજગાદી ઉપર ના બેસી શકે તે માટે ભેગા થઈને પ્રયત્નો કરી રહ્યા હતા. ઇતિહાસકાર બેન્દ્રે, શેવડે, શિવાજી સાવંત અને વિશ્વાસ પાટિલ સઘન અભ્યાસ બાદ જણાવે છે કે અણ્ણાજી દત્તોની દીકરી સાથે સંભાજીની બદસલૂકીની અફવા ફેલાવવામાં આવી અને તે વાત શિવાજીના કાને પહોંચી. શિવાજી સ્ત્રીઓના સન્માનની કોઈ વાતને નરમાશથી નહિ લે તેમ સૂર્યાબાઈ અને અણ્ણાજી સુપેરે જાણતાં હતા. તેમની ગણતરી પ્રમાણે જ શિવાજીએ સંભાજી અને તેમના પત્ની જીવુબાઈને રાયગઢથી દૂર પન્હાળાના કિલ્લામાં નજરકેદ કરવાનો આદેશ આપ્યો. ત્યાંથી તેઓ પિતાના આદેશ પ્રમાણે મુઘલો વિશે વધુ તાગ મેળવવાના તેમજ તેમને ભરમાવવાના ઈરાદાથી ડિસેમ્બર 1678માં મુઘલ સરદાર દિલેર ખાન સાથે જઈને ભળી ગયા. એકાદ વર્ષ તેની સાથે રહીને મુઘલો દ્વારા રૈયત ઉપર ગુજારવામાં આવતો જુલમ જોઈ તેમ જ તેમની સૈન્ય શક્તિ જાણીને તેઓ 1680માં પન્હાળાના કિલ્લે પાછા આવી ગયા. એજ વર્ષે તેમના ભાઈ રાજારામના લગ્ન લેવાયા પણ તેમના અને માતા સૂર્યાબાઈના સંબંધોની ક્ડવાશના લીધે તેમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. આજ અરસામાં 3જી એપ્રિલ 1680માં છત્રપતિ શિવાજીનું પણ પહેલી પત્ની સઈબાઈની જેમ કસમયે નિધન થયું અને રાજ-સિંહાસન ખાલી પડ્યું. શિવાજીના અંગત મંત્રીઓ જેવા કે અણ્ણાજી દત્તો, પ્રહલાદ નિરાજી, મોરોપંત પિંગળે, બાલાજી ચીટણીસ, હીરોજી ભોંસલે વગેરેઓએ સૂર્યાબાઈ સાથે મિલીભગતથી 10 વર્ષના રાજારામને 21મી એપ્રિલે ગાદીએ બેસાડી દીધા. બાલાજીએ તો સંભાજીની ધરપકડ કરી લેવા માટે પન્હાળાના કિલ્લેદાર જનાર્દન પંત હનુમંતેને રાજ-આદેશ મોકલાવી દીધો હતો. નસીબજોગે સંભાજીના સમર્થકોને આ વાતની જાણ થઇ ચૂકી હતી અને તેમના સુધી સમાચાર પહોંચી ચૂક્યા હતા. તેમણે તરત જ પોતાના અંગત માણસોની મદદથી 27 એપ્રિલે કિલ્લાનો કારભાર પોતાના હાથમાં લઇ લીધો. કિલ્લેદાર, તેના 250 સાથીદારો, હીરોજી ભોંસલે વગેરેને કેદ કરવામાં આવ્યા. હતું એવું કે સૂર્યાબાઈના ભાઈ અને મરાઠા રાજ્યના સરનોબત [સેનાપતિ] હંબીરરાવ મોહિતેના સાથના લીધે સંભાજી માટે આ શક્ય બન્યું હોતું. હંબીરરાવની દીકરી તારાબાઈના રાજારામ સાથે લગ્ન લેવાયેલા હતા. એટલે કે રાજારામ અને તારાબાઈ મામા-ફઈના બાળકો હોઈને પણ પરણેલાં હતા અને રાજારામ જમાઈ હોવા છતાં રાજ્યને શિવાજી બાદ એક કાબેલ અને સશક્ત રાજાની જરૂર છે એવો પોતાનો મત હોવાથી હંબીરરાવે સંભાજીને ટેકો આપ્યો હતો. સેનાપતિનો ટેકો મળવાથી સંભાજી 20,000ની સેના સાથે પન્હાળાથી રાયગઢ કિલ્લાના દ્વારે આવીને ઉભા છે અને શિવાજીના એક જૂના અને વિશ્વાસુ સરદાર યેસાજી કાંકે કિલ્લાના દ્વાર તેમના માટે ખોલી દીધા. અને કિલ્લેદાર કાન્હોજી ભડવળકરે પણ રાજારામનો પક્ષ છોડી પક્ષપલટો કરી સંભાજી સાથે જોડાઈ ગયા. આમ 18 જૂન 1680માં તેમણે રાયગઢ કિલ્લાનો કબજો લઇ લીધો અને 20 જુલાઈ 1680ના રોજ માતા સૂર્યાબાઈ, રાજારામ અને તેમના ટેકેદારોને જેલમાં નાખ્યા બાદ તેઓ નાના પણ ઝડપથી આકાર લઇ રહેલા મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ થયા. અણ્ણાજી દત્તો, બાલાજી, રૂપાજી માણે, બાલાજી આવજી વગેરે સૂર્યાબાઈને ટેકો આપનાર સરદારોને મદમસ્ત હાથીઓના પગ તળે કચડીને ક્રૂર રીતે રાજદ્રોહની સજામાં મોત આપવામાં આવ્યું. તેમનો વિધિવત રાજ્યાભિષેક 10 જાન્યુઆરી 1681માં થયો હતો.

સૈન્ય અભિયાનો 

1) બુરહાનપુર 
સંભાજીનું પહેલું સૈન્ય અભિયાન તેમના રાજ્યાભિષેક પહેલાં મે 1680માં બુરહાનપુર વિરુદ્ધ હતું. બુરહાનપુર બહાદુર ખાન નામના મુઘલ સરદાર હેઠળ હતું જે ઔરંગઝેબનો કોઈક રીતે સગો થતો હતો. બહાદુર ખાન નામથી તદ્દન વિપરીત એક અત્યાચારી હતો જે મુઘલોના શરિયતના કાયદા પ્રમાણે બિન-મુસલમાન રૈયત પાસેથી "જીઝીયા" વસૂલવાના નામે પ્રજા ઉપર જુલમ ગુજારતો હતો. માત્ર હિન્દુઓના માનસમાં ભય સ્થાપવા માટે તેણે બુરહાનપુરની આજુબાજુના વિસ્તારોમાંના 100થી વધુ મંદિરો  જમીનદોસ્ત કરી નાખ્યાં હતા અને તેના સિપાહીઓ દ્વારા લૂંટફાટ સામાન્ય બાબત હતી. તેઓ હિન્દૂ સ્ત્રીઓ પાસેથી જીઝીયા વસૂલ કરવાના નામે તેમની સોનાની કાનની બૂટ્ટીઓ માંગવાના બદલે કાન કાપી નાંખીને પછી તેમાંથી બૂટ્ટીઓ જુદી પાડતાં હતા. સંભાજીને આ અત્યાચારોની જાણ હતી અને તેઓ ત્યાંના હિન્દુઓની મદદ કરવા આતુર હતા. ઉપરાંત બુરહાનપુરમાં મુઘલોનો સારો એવો લૂંટેલો ખજાનો પણ હતો. એક વખત બહાદુર ખાન કોઈક લગ્નમાં હાજરી આપવા બુરહાનપુરનો કારભાર કાકર ખાનને સોંપીને શહેરની બહાર ગયેલો હતો. ત્યારે સંભાજીએ અને હંબીરરાવે એક યોજના બનાવી. તેમણે મરાઠા સૈન્યને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યું, એટ ટુકડી મુઘલ તાબા હેઠળના સુરત તરફ વધી, બીજી ટુકડી ખાનદેશ તરફ અને મોટાભાગના સૈન્ય સાથે બંને યોદ્ધાઓ બુરહાનપુર તરફ વળ્યાં. પહેલી બે ટુકડીઓનો ઉદ્દેશ્ય માત્ર મુઘલોને ભરમાવવાનો હતો કે જેથી તેઓ બુરહાનપુર છાવણીમાં ગાફેલ રહે. મુઘલો અણધાર્યા આક્રમણનો સામનો ના કરી શક્યા અને સંભાજીની સેનાએ બુરહાનપુરને ખંડેરમાં ફેરવી દીધું, તેમના બંદરગાહો સળગાવી દીધા. તે કદાચ પહેલાં એવા હિન્દૂ રાજા હતા કે જે ઈંટનો બદલો પથ્થરથી આપવામાં માનતા હતા. બુરહાનપુરમાં તેમણે હારેલા અને હથિયાર હેઠે મૂકેલા મુઘલ સૈનિકોને જીવનદાન ના આપ્યું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા. અહીં બુરહાનપુરથી ત્યારના 20 લાખ રૂપિયા લૂંટીને તેઓ રાયગઢ પરત ફર્યા. આ મુઘલ ખજાનાની લૂંટ અને તેમની સફળતાએ ઔરંગઝેબને ગુસ્સાથી લાલચોળ કરી નાખ્યો હતો. આનો બદલો લેવા ઔરંગઝેબ પોતે પાંચ લાખની સેના, 50,000 ઊંટ અને 30,000 હાથીઓ એવા મહાકાય કાફલા સાથે તેમના માટે રહેવા અને અન્ય સગવડો સાથે આગ્રાથી નાસિક જવા રવાના થયો. કહેવાય છે કે તે રીતસર આખુંય આગ્રા લઈને નીકળ્યો હતો. જ્યાં તેનું આ વિશાળ સૈન્ય રોકાતું તે સ્થાન 30 માઈલ ત્રિજ્યાના વર્તુળના તંબુઓના શહેરમાં તબદીલ થઇ જતી હતી. અને તેઓ આજુબાજુના ગામ વિસ્તારોના અનાજ-પાણી ચાઉં કરી જતા અને જે-તે પ્રદેશમાં ખોરાકની તંગી ઉભી કરી, ભૂખમરો છોડીને આગળ વધતા.


વિચાર કરો કે પહેલીવાર કોઈ હિન્દૂ રાજાએ ત્યારના અત્યંત શક્તિશાળી શહેનશાહ-એ-હિન્દ એવા છઠ્ઠા મુઘલ સમ્રાટને કઈ હદ સુધી છંછેડ્યો હશે કે તે તેના જીવનમાં સૌથી વિશાળ સેના કાફલો લઈને પોતે બદલો લેવા નીકળ્યો. બાકી બીજા કોઈ પણ રાજા માટે ઔરંગઝેબ પાસે મોકલવા માટે કઈ કેટલાય મોટા સૈન્ય સાથેના મોટા સરદારો હતા.

આખરે તેના એક ખાસ સરદાર શાહબુદ્દીન ખાને નાસિક નજીક સૌથો પહેલો રામસેજના કિલ્લાને 10,000 સૈનિકો સહિત ઘેરો ઘાલ્યો. જોકે સંભાજી ત્યારે આ કિલ્લામાં નહોતાં. ઔરંગઝેબ આગળ એક જ દિવસમાં આ કિલ્લો સર કરી લેવાની ડંફાસ મારનાર ખાન માત્ર 600 મરાઠા સૈનિકોથી સજ્જ આ કિલ્લાને બે વર્ષ સુધી જીતી ના શક્યો. છેવટે ઔરંગઝેબે તેને પાછો બોલાવી એક બીજા સરદાર ફતેહ ખાનને મોકલ્યો. તે પણ અમુક સમય સુધી નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો. 1681થી લઈને 1687ના 6-6 વર્ષ સુધી મુઘલો આ કિલ્લો જીતી ના શક્યા. આ જ સમય દરમ્યાન મુઘલોએ અન્ય કિલ્લાઓ જીતવા પણ પ્રયત્નો ચાલુ રાખ્યા. 1681માં ચાલુ કરેલી લડતમાં તેમને પહેલી સફળતા 1686માં સાલ્હેર કિલ્લામાં મળી અને તે પણ દગાના લીધે. મુઘલોએ સાલ્હેરના કિલ્લેદાર અસોજીને મનસબદારીની લાલચ આપી ફોડી લીધા અને કિલ્લો સર કર્યો.

જયારે સંભાજી મુઘલો સાથેના સંઘર્ષમાં વ્યસ્ત હતા ત્યારે તેમણે પિતા શિવજીની જેમ જ રાજકીય કુનેહ વાપરી બિજાપુર અને ગોલકોંડાના શિયા મુસલમાન રાજ્યો સાથેના સુમેળભર્યા સંબંધો જાળવી રાખ્યા. [ઔરંગઝેબ અને મુઘલો સુન્ની મુસલમાન હતા]. ઔરંગઝેબ 1681માં જ્યારથી સંભાજી છત્રપતિ મહારાજ બન્યા ત્યારથી જ આવનારા સમયમાં મરાઠાઓના લીધે તેના સામ્રાજ્ય ઉપર તોળાઈ રહેલું જોખમ અગાઉથી સમજી મરાઠાઓ સાથે યુદ્ધ આરંભી ચૂક્યો હતો. ઈ.સ. 1681થી જ તેણે ઉત્તર મહારાષ્ટ્રના નાસિકથી આસપાસના વિસ્તારમાં મરાઠાઓના કિલ્લાઓની ઘેરા-બંદી શરુ કરી દીધી હતી.

2) જંજીરાનો કિલ્લો 

સંભાજીનું બીજું યુદ્ધ અભિયાન ખૂબ જ સાહસિકતાપૂર્ણ હતું. તેમણે સિદ્દી મુસલમાનોના દરિયાઈ કિલ્લા જંજિરા પર સીધો હુમલો કર્યો. મૂળ ઇથિયોપિયા અને તેની આજુબાજુના આફ્રિકાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને આવેલા હબસી મુસલમાનો અને શિવાજી વચ્ચે કોંકણના સમૃદ્ધ તટ વિસ્તારો ઉપર વર્ચસ્વ માટે ઘર્ષણ થયા કરતું. શિવાજી તેમને હાંકી કાઢવામાં ઘણાં  સફળ થયા હતા અને સંભાજીના સમયમાં આ સિદ્દીઓ માત્ર જંજીરાના કિલ્લા પૂરતાં  સીમિત હતા પણ દરિયાઈ કિલ્લો તેમની પાસે હોવાથી સમુદ્રમાર્ગે વેપાર ઉપર તેમનો અંકુશ હતો.  આ કિલ્લો જીતવાનો પહેલો પ્રયત્ન પિતાજી શિવાજીના સમયના તેમના ખાસ સરદાર કોંડાજી ફરજંદ દ્વારા કરવામાં આવ્યો. તેમણે મરાઠા સૈન્યમાં પોતાનું યોગ્ય સ્થાન ન હોવાનો ઢોંગ રચીને અને તે  મરાઠાઓ સાથે દ્રોહ કરવા માંગે છે એમ કહી સિદ્દીઓ સાથે નિકટતા કેળવી. અને ગણાં-ગાંઠ્યા સૈનિકો સાથે કિલ્લામાં પ્રવેશ મેળવ્યો. પછી અંદરથી જ સિદ્દીઓ ઉપર હુમલો કરી દેવાની યોજના હતી. યોજના કોઈ સ્ત્રી દ્વારા સિદ્દીઓને જાણ કરાઈ દેવાતાં હુમલો નિષ્ફળ રહ્યો અને તેમાં કોંડાજી વીરગતિને પ્રાપ્ત થયા. [આડ વાત : આ એજ કોંડાજી ફરજંદ કે જેમણે 1673માં માત્ર 60 બાહોશ સૈનિકો સાથે 2500 દુશ્મન સૈનિકોને હંફાવી પન્હાળાનો કિલ્લો જીત્યો હતો. આ પ્રસંગ ઉપર મરાઠીમાં 2018માં ખૂબ સરસ "ફરજંદ" નામની ફિલ્મ રજૂ થઇ છે ]
જંજીરાને જીતવાનો બીજો પ્રયત્ન અન્ય સરદાર દાદાજી રઘુનાથ દ્વારા કરવામાં આવ્યો જે પણ નિષ્ફળ રહ્યો. આ વખતે દરિયાના વરવા રૂપને કારણે મરાઠા સૈન્યની નૌકાઓને ક્ષતિ પહોંચી જે તેમના પરાજયનું કારણ બન્યું. છેલ્લે 1682માં સંભાજીએ પોતે 30 દિવસો સુધી સતત આ કિલ્લા પર હુમલો કરી સિદ્દીઓને ઘૂંટણિયે લાવી દીધા હતા. પરંતુ આજ દરમ્યાન સિદ્દીઓના સાથી મુઘલોએ મરાઠાઓ ઉપર દબાવ બનાવવા અને સિદ્દીઓને મદદરૂપ થવાના ઇરાદે જ્યાં મરાઠાઓનો રાજ પરિવાર રહેતો હતો એવા રાયગઢને ઘેરો ઘાલ્યો. આને લીધે સંભાજીને લગભગ જીતાઈ ચૂકેલા જંજીરાના કિલ્લાની લડાઈ છોડી સૈન્યને લઈને રાયગઢ તરફ પાછા ફરવું પડ્યું.

3) પોર્ટુગીઝો સાથેના યુદ્ધો

દુશ્મનનો દુશ્મન મિત્ર થયો એવા સરળ ગણિત પ્રમાણે ઔરંગઝેબે પોર્ટુગીઝો સાથે હાથ મિલાવ્યા હતા. ઔરંગઝેબનો ઉદ્દેશ્ય એવો હતો કે જમીન માર્ગે નાસિકની આજુબાજુના વિસ્તારમાં ઉત્તરમાંથી અને તે ઉપરાંત પોર્ટુગીઝોની મદદથી દક્ષિણમાં આવેલા ગોઆથી એમ બંને બાજુથી આ નાનકડા મરાઠા રાજ્યને ભીંસમાં લેવું. તમને કદાચ એમ થાય કે મરાઠાઓને પોર્ટુગીઝો સાથે શું શત્રુતા હતી ? સાદો હિસાબ છે, મુઘલો હોય કે પોર્ટુગીઝો, બંને હિન્દૂ રૈયત ઉપર ત્રાસ ગુજારતા હતા. એમાંય તે વખતના ધર્માન્ધ પોર્ટુગીઝો ખૂબ જ મોટા પાયે, ખૂબ જ ધાક-ધમકી અને લશ્કરી તાકાતનો ઉપયોગ કરીને ધર્માન્તરણ કરતાં હતા. ઉત્તરમાં મુઘલો આપણાં મંદિરો જમીનદોસ્ત કરતાં હતાં અને અહીં દક્ષિણમાં ગોઆમાં આ પોર્ટુગીઝો આજ કરતાં હતા. આ ગોઆનું મૂળ નામ શું હતું? ત્યાંના 66 ગામડાં કે જ્યાં આ પોર્ટુગીઝોએ અડ્ડો જમાવ્યો ત્યાં પહેલાં શું હતું? આ દરેકે દરેક ગામનાં કુળદેવ અને કુળદેવીઓના મંદિરો કોણે તોડ્યાં હતાં? મિત્ર-વર્તુળમાં કોઈ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના હોય અને તે પોતાના વડવાઓના ઇતિહાસથી સુપેરે પરિચિત હોય તો એમને પૂછજો, તમને કહેશે. "Goan Inquisition" અથવા કે "ગોઆની પ્રતાડના" વિશે ક્યારેય સાંભળ્યું છે ? એ વિષય ઉપર પણ મને ક્યારેક લખવાની ઈચ્છા છે. શિવાજી મહારાજ નેતાજી પાલકરને કે જેમને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું તેમને ફરી પાછા હિન્દૂ ધર્મમાં લઇ આવ્યા હતા. સંભાજી મહારાજ તો પિતા કરતાં બે પગલાં આગળ હતા. સંભાજી મહારાજ કદાચ પહેલ-વહેલાં એવા હિન્દૂ રાજા હતાં કે જેમણે પોતાના દરબારમાં હિન્દૂ ધર્મમાં "ઘરવાપસી" માટે રીતસર વિભાગ અને તંત્રની શરૂઆત કરી હતી. એ સમયમાં થતું એવું કે જે કોઈ બ્રાહ્મણોનો મુઘલો તલવારની ધાર પર ધર્મ-પરિવર્તન કરાવતાં તેઓ મુઘલોના ગયા બાદ કે ત્યાં નિમાયેલો સ્થાનિક મુઘલ સરદાર નબળો પડે અને મોકો મળે તોય ફરી પાછા હિન્દૂ ધર્મમાં આવી શકતાં નહિ કારણકે સ્થાનિક બ્રાહ્મણો આવા 'ઘરવાપસી' કરવા માંગતા બ્રાહ્મણોનો ધર્મ અભડાઈ ગયો હોવાનું કહી તેમનો હિન્દૂ ધર્મ અને સમાજમાં પાછો સ્વીકાર કરતાં નહિ. આજ કારણ હતું કે સંભાજી મહારાજે ઘરવાપસી માટે તંત્ર ઉભું કર્યું હતું. પોર્ટુગીઝ વાઇસરોય ફ્રાન્સિસ્કો દે તાવોરા અલવોરે મુઘલોને પોતાના વિસ્તારમાં નૌકા થાણું ઉભું કરવાની છૂટ આપી હતી અને આજ કારણસર મુઘલો સાથે ભેગા મળીને મરાઠાઓ ઉપર ચઢી બેસે એ પહેલાં જ 1683ના અંત તરફ સંભાજીએ પોર્ટુગીઝો ઉપર હુમલો કરી દીધો. તીવ્ર ઝડપ અને ઓચિંતું આક્રમણ એ મરાઠાઓની ખૂબી અને જમા-પાસું હતાં. વાવાઝોડાંની જેમ ત્રાટકે અને ગણતરીના કલાકોમાં બધું તહેસ-નહેસ કરીને અદ્રશ્ય થઇ જાય. સાલસેટ અને અન્ય પોર્ટુગીઝોની છાવણીઓનો સંભાજી એ લગભગ સફાયો કરી નાખ્યો. મરાઠાઓનો વિજય નિશ્ચિત હતો અને તે વાઇસરોય સમજી ચૂક્યો હતો.વાઇસરોય તાવોરા આલવોરના મનમાં સંભાજીનો ખોફ એવો બેસી ગયો હતો કે જયારે માત્ર તે અને તેના અમુક સાથીદારો જ બચ્યાં હતા ત્યારે તેમણે હાલના ગોઆમાં આવેલા "બેસિલિકા ઓફ બોમ જીસસ"નામના દેવળમાં સચવાયેલા ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિઅરના પાર્થિવ શરીરને બહાર કાઢી તેમના હાથમાં રાજ-ચિન્હ અને સ્વ-લિખિત દયા-અરજી મૂકીને તેમની પાસે હીબકાં ભરતા ભરતા પોતાના અને બાકી રહેલા સાથીઓના જીવ બચાવી લેવા આજીજી કરી. આ એજ સંત ફ્રાન્સિસ ઝેવિઅર કે જેમના નામે આજે દેશભરમાં કેટલીય અંગ્રેજી ધોરણની શાળાઓ ચાલે છે. અને આ પ્રસંગ બાદથી જ આ દેવળમાં સંતનું પાર્થિવ શરીર દર વર્ષે આશીર્વાદ માટે બહાર કાઢવાની પ્રથા પડી જે આજ દિન સુધી ગોઆના ખ્રિસ્તીઓ પાળે છે.

એક ઘડી જરા થોભીને વિચાર કરો કે માત્ર 25-26 વર્ષનો હિન્દૂ રાજા એક સાથે કેટલા સામે ઝીંક ઝીલી રહ્યો હતો અને બધાને હંફાવી રહ્યો હતો. મુઘલો, હબસી સિદ્દીઓ, પોર્ટુગીઝો અને તે ઉપરાંત મરાઠી રાજ-પરિવારનું આંતરિક રાજકારણ.

દગો અને અંત :

1687માં વાઈના યુદ્ધમાં સંભાજીની હમેંશા પડખે રહેનાર અને મરાઠાઓના સરનોબત [સેનાપતિ] હંબીરરાવ મોહિતેની વીરગતિ બાદ મરાઠા સેનામાં નિરાશા હતી. સંભાજીના સાળા ગણોજી શિરકેને કોઈક કારણસર સંભાજીએ તેની ઈચ્છાનુસારનું પદ નહોતું આપ્યું અને તેથી તે પોતાના મરાઠા રાજ્ય, સગી બહેન રાણી યેસુબાઈ અને રાજપરિવાર સાથે દ્રોહ કરીને મુઘલોની જોડે ભળી ગયો. 1681 થી 1689 સુધીના નિષ્ફળ પ્રયત્નો બાદ ઔરંગઝેબ પણ જાણી ગયો હતો કે સંભાજીને સીધા યુદ્ધમાં હરાવવો શક્ય નથી અને જીતવા માટે તેના નજીકનાઓને ફોડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. 1689ના શરૂઆતમાં સંભાજીએ પોતાના સરદારોને યુદ્ધની વ્યૂહાત્મક ચર્ચા માટે ગુપ્ત મંત્રણા માટે સંગમેશ્વરમાં બોલાવ્યા હતા. ગણોજીએ આ બાતમી ઔરંગઝેબના એક સરદાર મુકરબ ખાનને આપી દીધી. જે સંભાજીના નામથી મુઘલોની સેના થરથર ધ્રૂજતી હતી તે પોતાના જ માણસના કપટના લીધે પોતાના ખાસ મિત્ર કવિ કળશ સહિત 1લી  ફેબ્રુઆરી 1689ના રોજ મુકરબ ખાનને હાથ લાગી ગયો. ત્યાંથી તે બંનેને સીધા પંઢરપુર પાસે અકલુજ કે જ્યાં ઔરંગઝેબ તંબૂઓ તાણીને બેઠો હતો ત્યાં લઇ જવાયા. તેમને વિદૂષક/મશ્કરાના કપડાં પહેરાવી ઊંટ ઉપર ઊંધે માથે લટકાવીને બજારમાં ફેરવીને અપમાનિત કરવામાં આવ્યા.ત્યાર બાદ ઔરંગઝેબે તેની સામે જીવનદાન માટે ત્રણ શરતો મૂકી.

1) મરાઠાઓના બધાં જ કિલ્લા મુઘલોને સોંપી દેવા.
2) તેણે મુઘલોને હરાવીને જીતેલા કિલ્લાઓમાંથી આંચકી લીધેલું બધું ધન-સંપત્તિ પરત કરવી.
3) ઇસ્લામ ધર્મ અંગીકાર કરવો.

આ સાંભળીને કવિ કળશ અને સંભાજી એક બીજા સામે જોઈ હસ્યા અને બેધડકપણે શરતોનો અસ્વીકાર કર્યો. ત્યાર બાદ 40 દિવસ સુધી ઔરંગઝેબે સંભાજી સાથે જે કૃત્યો કર્યાં તેના જેવું અરેરાટી ભર્યું અને માત્ર વાંચીને રોમરોમમાં ઘૃણા પ્રસરી જાય એવું હૈયું હચમચાવી નાંખનાર કૃત્ય મેં આજ-દિન સુધી વાંચ્યું/સાંભળ્યું નથી. સૌથી પહેલાં મહારાજની એક આંખ ઘગઘગતા સળિયાથી ફોડી નાંખવામાં આવી અને તેમને પૂછવામાં આવ્યું, "શું હવે ઇસ્લામ સ્વીકારીશ?". સંભાજીએ ફરી ઘસીને ના પાડી. પાંચ દિવસ પછી બીજી આંખ ફોડવામાં આવી અને ફરી એજ સવાલ અને એજ જવાબ. ત્યાર બાદ તેમની જીભ કાપવામાં આવી. આવા એકેક પિશાચી કૃત્ય પછી એજ સવાલ અને એજ જવાબ. એક પછી એક હાથની અને પગની આંગળીઓ કાપવામાં આવી. ફરી એજ સવાલ અને એજ જવાબ. તમારું તો ખબર નહિ પણ મને તો જો કોઈ વાર નખ ઊંડો કપાઈ જાય તોય દુખે છે. જીવતા માણસની એક પછી એક આંખો ફોડવામાં આવે, એક-એક કરીને આંગળીઓ કાપવામાં આવે તો શું હાલત થાય? જરાક વિચાર તો કરો, જંગલી જાનવરો પણ પોતાના શિકાર સાથે આટલી ક્રૂરતાથી ક્યારેય વર્ત્યા હોવાનું મેં સાંભળ્યું નથી. હજી તો ઓછું હોય તેમ છેવટે તેમની જીવતા જીવ ખાલ (ચામડી) ઉધેડવામાં આવી.

તેમને મારતાં પહેલાં ઔરંગઝેબ એમ બોલ્યો હતો કે "સંભાજી હું તારી સામે મારી હાર માનું છું. જો મારા ચાર દીકરામાંથી એક પણ તારા જેવો હોત તો મારું આખાય હિન્દુસ્તાન ઉપર મુઘલ પરચમ લહેરાવવાનું સ્વપન ચોક્કસ પૂરું થયું હોત."

 છેવટે આખાય હિન્દૂ સમાજને અપમાનિત કરવાની દાનતથી નવા વર્ષના આગળના દિવસે એટલે કે ફાગણ અમાસે 11મી માર્ચ 1689માં પરમ પરાક્રમી સંભાજી મહારાજનો તુળાપુરમાં કુહાડીથી શિરચ્છેદ કરવામાં આવ્યો. આમ ધર્મ માટે રીતસર એક પછી એક શરીરના અંગોનું જીવતા જીવતા બલિદાન આપનાર રાજાને મહારાષ્ટ્રના સ્થાનિક લોકો 'ધર્મવીર' કેમ કહે છે એ મને આ જાણ્યા પછી સમજાયું.

વઢુ મહારાષ્ટ્રમાં સંભાજીની સમાધિ 
23થી 31 વર્ષની આયુમાં તેમણે મુઘલો સાથે નાના-મોટા 120થી વધુ યુધ્ધો કર્યા અને તેમાં આ યોદ્ધો એક વાર પણ પરાજીત થયો ન હોતો. 1681થી લઈને 1689માં તેમના મૃત્યુ સુધી મુઘલો નાસિક વિસ્તારના અને કોંકણ વિસ્તારના અમુક જ કિલ્લા જીતી શક્યા અને ભીમા નદીની દક્ષિણ તરફનો બધો વિસ્તાર સુરક્ષિત હતો તે તેમની સફળતાની સાક્ષી પૂરે છે. આથી જ ઔંરગઝેબને દીર્ઘકાળ સુધી મહારાષ્‍ટ્રમાં યુદ્ધ કરવુ પડ્યું. આખા હિન્દુસ્તાન ઉપર મુઘલ સત્તા સ્થાપવાનું તેનું સ્વપ્ન મહારાજ સંભાજીના પરક્રમોને કારણે મહારાજની હયાતિમાં કે તેમની હત્યા બાદ પણ ક્યારેય પૂરું ના થયું. ઉપરાંત ઔરંગઝેબ પોતે અહીં દક્ષિણમાં વર્ષોના વર્ષો સુધી વ્યસ્ત હોવાથી સંપૂર્ણ ઉત્તર ભારત મુઘલ સામ્રાજ્યનો હિસ્સો હોવા છતાં ઘણે અંશે મુક્ત રહ્યું. આ સંભાજી મહારાજાએ કરેલું સૌથી મોટું કાર્ય છે. જો તેમણે ઔંરગઝેબ સાથે સંધિ કરી હોત અથવા તેનું આધિપત્‍ય સ્‍વીકાર્યું હોત તો ૨-૩ વર્ષમાં તે પાછો ઉત્તર ભારતમાં પહોંચી ગયો હોત. પરંતુ સંભાજી મહારાજા સાથેનાં સંઘર્ષને લીધે ઔંરગઝેબને 9 વર્ષો સુધી દક્ષિણ ભારતમાં રોકાવું પડ્યું. આથી ઉત્તરમાં બુંદેલખંડ, પંજાબ અને રાજસ્‍થાનમાં હિંદુઓની નવી સત્તાઓ સ્‍થાપિત થઈને હિંદુ સમાજને ફરી બેઠા થવાનો મોકો મળ્યો. એટલું જ નહિ આ 9 બાદ બીજા 18 વર્ષ એટલે કે પૂરા 27 વર્ષ સુધી ઔરંગઝેબ દખ્ખણમાં જ પડ્યો પાથર્યો રહીને જીતવાના પ્રયત્નો જ કરતો રહ્યો, મુઘલ સામ્રાજ્ય આર્થિક રીતે લગભગ ખુવાર થઇ ગયું અને તે ક્યારેય પોતાની રાજધાની આગ્રા પરત ફરી શક્યો નહિ અને અહીં દખ્ખણમાં જ મર્યો. આ કારણોસર આગળ જતાં મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો.

સંભાજીને બાળપણથી જ શરુ કરીને જીવન પર્યંત બસ તકલીફો અને સંઘર્ષ જ હતો. આમ માત્ર ૩૧ વર્ષની વયે દેશદ્રોહીઓને લીધે સંભાજીની રાજકીય કારકિર્દીનો કરુણ અંત આવ્યો. તેમના બલિદાનનો મહિનો મહારાષ્ટ્રમાં "ધર્મવીર બલિદાન માસ" તરીકે ઉજવાય છે અને ઘણા લોકો એ દિવસોમાં પોતાને પ્રિય હોય તેવી બાબતનો ત્યાગ કરે છે. આ વાતનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો ફાગણ મહિનામાં (ફેબ્રુઆરી-માર્ચ ગાળામાં ) તુળાપુર અને બેલગાંવ વગેરે વિસ્તારોનો પ્રવાસ ખેડજો. [આડ વાત : હાલમાં મહારાષ્ટ્રના જાણીતાં સમાજસેવક "સંભાજી" ભિડે આજ વિસ્તારના છે અને આ વિસ્તારમાં આજે પણ પોતાના બાળકનું નામ સંભાજી પાડનારા માં-બાપો છે.]


देश धरम पर मिटने वाला शेर शिवा का छावा था ।

महापराक्रमी परम प्रतापी एक ही शंभू राजा था ।

तेज:पुंज तेजस्वी आँखें निकलगयीं पर झुकी नहीं ।

दृष्टि गयी पर राष्ट्रोन्नति का दिव्य स्वप्न तो मिटा नहीं ।

दोनो पैर कटे शंभू के ध्येय मार्ग से हटा नहीं ।

हाथ कटे तो क्या हुआ? सत्कर्म कभी छुटा नहीं ।

जिव्हा कटी, खून बहाया धरम का सौदा किया नहीं ।

शिवाजी का बेटा था वह गलत राह पर चला नहीं ।

वर्ष तीन सौ बीत गये अब शंभू के बलिदान को ।

कौन जीता, कौन हारा पूछ लो संसार को ।

कोटि कोटि कंठो में तेरा आज जयजयकार है ।

अमर शंभू तू अमर हो गया तेरी जयजयकार है ।

मातृभूमि के चरण कमलपर जीवन पुष्प चढाया था ।

है दुजा दुनिया में कोई जैसा शंभू राजा था? ।

– शाहीर योगेश की कविता | 

જતા -જતા : 
1) જો મરાઠાઓના ઇતિહાસમાં રસ પડે અને ઊંડાણમાં અધ્યયન કરવું હોય તો ચીટણીસ બખર, શિવ-દિગ્વિજય બખર અને સભાસદ બખર પુસ્તકાલયોમાંથી શોધીને વાંચજો. બખર એ મરાઠી સાહિત્યનો એક પ્રકાર છે કે જેમાં ઇતિહાસ નોંધવામાં આવે છે. આ પૈકી સભાસદ બખર તેમના પિતરાઈ રાજારામ કે જેમની સાથે તેમના સંબંધો નબળા હતા તેના સમયના સભાસદ કૃષ્ણાજી અનંત દ્વારા લખાયેલો હોવાથી તેમાં સંભાજીને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા છે એમ કહેવાય છે.
2) જે લોકોને ભારતના રોજિંદા રાજકારણમાં રસ છે તેમને ખ્યાલ હશે કે કેવી રીતે અમુક મહિનાઓ પહેલાં ભાજપ અને સેના(શિવસેના) વચ્ચે વર્ષો જૂના સંબંધ તૂટ્યા અને મહારાષ્ટ્રમાં સેના સત્તામાં આવી. આમ તો મને આ સેના સરકાર પાસેથી કોઈ જ આશા નથી પણ એમણે હાલમાં જ એક ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે અને તે છે ઔરંગાબાદના વિમાનમથકનું નામાંકરણ. આ નીચેનો ફોટો જુઓ...

3) રાજભા ગઢવીનો તે વિડીયો કે જેનાથી આ લેખ લખવાની પ્રેરણા મળી....




4) હાલમાં જ મેં આપણાં ગુજરાત રાજ્યના ધોરણ 7 થી લઈને 12 સુધીના સમાજશાસ્ત્રના પુસ્તકો ફેંદયા. મને એ જાણીને એટલો આઘાત લાગ્યો કે કોઈ પણ ધોરણમાં કોઈ પણ પાઠમાં ધર્મવીર સંભાજી મહારાજના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી. પોતાના ગૌરવશાળી ઇતિહાસ, મહાનાયકોને અને તેમના સર્વોચ્ચ બલિદાનોને ભૂલાવી દે એવું તો ખાલી આપણા India માં જ.......

સ્ત્રોત :

“History of Mahrattas” by James Duff –   http://www.archive.org/details/ahistorymahratt05duffgoog
“Shivaji and His Times” by Jadunath Sarkar – http://www.archive.org/details/cu31924024056750
“A History Of Maratha People” by Charles Kincaid – http://www.archive.org/details/historyofmaratha02kincuoft
“Background of Maratha Renaissance” by N. K. Behere – http://www.archive.org/details/backgroundofmara035242mbp
“Rise of The Maratha Power” by Mahadev Govind Ranade – http://www.archive.org/details/RiseOfTheMarathapower
“Maratha History” by S R Sharma – http://www.archive.org/details/marathahistory035360mbp
(visit the links to download the full books in PDF form free)

1 comment:

  1. Jay Ho Chhatrapati Shivaji Maharaj Ji Ki Jay Ho.Jay Ho Sambhaji Maharaj Ji Ki Jay Ho. Jay Maratha Vir Purus Radaya Se Aapke Charnomen Radayaanjali 🕉️ Vir Hindu Samrat Maharaj Aapke Charnomen Vandan. Jay Hind. Jay Maharashtra.🇮🇳🇮🇳🚩🚩⛳🙏.

    ReplyDelete

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...