Saturday, April 23, 2016

એક ટ્રેન-સફર અને બે મુસાફરો.....

૨૪ વર્ષ પહેલાની વાત છે. ૧૯૯૦નો ઉનાળો હતો. ભારતીય રેલ સેવાના અસ્થાયી કર્મચારી એવી હું  અને  મારી મિત્ર લખનૌથી દિલ્લી જઈ રહ્યા હતા. અમારી જ બોગીમાં  બે સંસદ  સભ્યો પણ મુસાફરી કરી રહ્યા હતા. એ ઠીક હતું પણ તેમની સાથેના ૧૨ માણસો જે વગર ટિકિટે બેઠા હતા તેમનું  વર્તન ડરામણું હતું.  તેઓએ બળજબરીથી અમારી બર્થ  ખાલી કરાવી અને અમને  અમારા સામાન પર બેસવા ફરજ પાડી. તે ઉપરાંત તેમણે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણીઓ કરી. અમે ગભરામણથી કોકડું વાળીને સમસમીને બેસી રહ્યા. અસામાજીક તત્વોની સોબતમાં અ બહુ જ ભયાનક રાત હતી. ક્યારે રાત પસાર થઈ જાય અને નવો સૂરજ ઉગે એની અમે અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાકીના મુસાફરો અને ટી.સી. તો ક્યાંય છૂ થઇ ગયા હતા.

બીજે દિવસે સવારે અમે દિલ્લી પહોચ્યાં. અમે શારીરિક રીતે સ્વસ્થ હતા પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મારી મિત્ર તો એટલી હતપ્રભ થઇ ચૂકી હતી કે તેણે આગળની તાલીમ માટે અમદાવાદ જવાનું માંડી વાળ્યું. મેં બીજી એક સખીનો સંગાથ હોવાથી તાલીમ ચાલુ રાખી. (તેનું નામ ઉત્પલ્પર્ણ હઝારિકા છે, જે રેલ બોર્ડમાં ખૂબ ઉંચા હોદ્દા પર છે)  અમે ગુજરાતની રાજધાની માટે રાતની ટ્રેનમાં ચઢ્યા. ઉતાવળે નક્કી થયું હોવાથી પાકી ટીકીટ મળી નહિ અને વેઈટ-લીસ્ટમાં નામ હતા.

અમે પ્રથમ-શ્રેણીની બોગીના ટી.સી.ને મળીને અમદાવાદ સુધી કેમ સફર કરવી એના અંગે વાત કરી. ટ્રેન ખચોખચ ભરેલી હતી અને સીટ મળવી મુશ્કેલ હતું. તે અમને વિવેકથી એક બીજી બોગીમાં લઇ ગયો. મેં સહ-યાત્રીઓ તરફ નજર કરી. ખાદી-વેશભૂષા પરથી બે નેતા જેવા લાગતા વ્યક્તિઓને જોઈને હું ચિંતાતુર થઇ ગઈ. "તેઓ સારા માણસો છે, નિયમિત મુસાફરો છે, ચિંતા કરશો નહિ" - ટી.સી. એ અમને ભરોસો આપ્યો.
 એક ભાઈ ચાલીસની આસપાસના હશે, હાવ-ભાવ પરથી આત્મીયતા વાળા અને મળતાવડા લાગતાં હતા. બીજા ભાઈ, ત્રીસની આસપાસના અને ગંભીર પ્રકૃતિના લાગ્યા. તેઓએ તરત જ ખૂણામાં સંકેલાઈને અમારા માટે જગ્યા કરી.

ગુજરાત ભાજપના નેતા તરીકે તેઓએ પોતાનો પરિચય આપ્યો. તેમણે નામ જણાવ્યા પણ ત્યારે નામ અમારા માટે ખાસ જરૂરી ના હોવાથી યાદ રાખવા કઈ ઝાઝો પ્રયત્ન કર્યો ન હતો. અમે પણ આસામથી આવેલ રેલના તાલીમ કર્મચારી તરીકે અમારી ઓળખાણ આપી. અમે વાતે વળગ્યાં અને જુદા-જુદા વિષયો પર વાર્તાલાપ થયો, ખાસ કરીને ઇતિહાસ અને રાજકારણ અંગે. મારી મિત્રે દિલ્હી યુનીવર્સીટીમાંથી ઇતિહાસમાં અનુ-સ્નાતક હોવાથી તેણે રસપૂર્વક ભાગ લીધો. મેં પણ કંઇક અંશે યોગદાન આપ્યું. વાત વાતમાં હિંદુ- મહાસભા અને મુસ્લિમ લીગના જન્મ/સ્થાપના અંગે વાત ચાલી.

પેલા મોટા-ભાઈ બહુ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી રહ્યા હતા. નાના ભાઈ શાંત હતા, ખાસ બોલી નતા રહ્યા પણ તેઓ પણ આ વાતચીતમાં પૂરેપૂરા ઓતપ્રોત હતા તેવું તેમના હાવભાવ પરથી સ્પષ્ટ  હતું. પછી મેં શ્યામા-પ્રસાદ મુખર્જીના અકાળ અવસાન અને તેના વણ-ઉક્લાયેલા રહસ્યની વાત કરી. ત્યારે તે નાના ભાઈએ તરત પૂછ્યું,  "તમને શ્યામા-પ્રસાદ મુખર્જી અંગે કેવી રીતે ખબર?"  મેં જણાવ્યું કે જયારે મારા પિતા કલકત્તા-યુનિવર્સીટીમાં અનુ-સ્નાતક તરીકે શિક્ષણ લઇ રહ્યા હતા ત્યારે વાઈસ-ચાન્સેલર તરીકે મુખર્જીએ આસામના વિદ્યાર્થીઓ માટે શિષ્ય-વૃતિની વ્યવસ્થા કરી આપી હતી. મારા પિતા ઘણી વાર તેમના અકાળ
અવસાન અંગે ખેદ વ્યકત કરે છે. [૫૧ વર્ષની વયે જૂન- ૧૯૫૩માં]

તે નાના ભાઈ તરત જ  ધીમા અવાજે બોલ્યા, "સારું કહેવાય આમને  આટલી બધી જાણકારી છે."
ત્યારબાદ મોટા ભાઈએ તરત જ અમારી સમક્ષ તેમના રાજનૈતિક દળમાં ગુજરાતમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે હસ્યાં ને કહ્યું કે અમે ગુજરાતના નથી.નાના ભાઈએ તરત ભારપૂર્વક કહ્યું, " તો શું થયું? અમને એની સામે કોઈ વાંધો નથી. પ્રતિભાવાન લોકો અમારે ત્યાં આવકાર્ય છે!" મેં એમની આંખમાં આશાનો ચમકારો જોયો હતો.

ભાણું આવ્યું. ચાર શાકાહારી થાળીઓ. બધાં શાંતિથી જોડે જમ્યા. જયારે પેન્ટ્રી અધિકારી પૈસા લેવા આવ્યા ત્યારે નાના ભાઈએ અમારા બધાના પૈસા ચૂકવી દીધા. મેં નમ્ર ભાવે આભાર પ્રગટ કર્યો પણ તેમણે એક નાની વાત હોય એમ ખાસ નોંધ ના લેવા વિવેક કર્યો. તે ભાઈ ખૂબ ઓછું  બોલતા હતા, મોટે ભાગે સાંભળતા હતા.

એટલામાં ટી.સી. આવ્યા અને એમણે ખેદ વ્યકત કર્યો કે સીટની વ્યવસ્થા થઇ શકી નથી. બંને ભાઈઓ તરત જ ઉભા થઈને  બોલ્યા, "કશો  વાંધો નહિ, અમે ચલાવી  લઈશું."  તેઓએ તરત જ ભોંય પર કપડું પાથર્યું અને સૂઈ ગયા અને અમે બંને એ બર્થ પર લંબાવ્યું.

કેવો વિરોધાભાસ! હજી આગલી જ રાતે મેં બે રાજનેતાઓ જોડે ટ્રેનમાં ગૂંગળામણ અનુભવી  હતી. અને આજે અમે બે રાજનેતાઓ જોડે શાંત ચિત્તે સફર કરી રહ્યા હતા...

બીજે દિવસે સવારે જયારે ટ્રેન અમદાવાદ નજીક પહોંચી ત્યારે બંને નેતાઓએ અમને શહેરમાં રહેવાની વ્યવસ્થા અંગે પૂછ્યું. મોટા ભાઈએ જણાવ્યું કે કઈ પણ તકલીફ હોય તો તેમના ઘરના દરવાજા હમેંશા માટે ખુલ્લા છે. નાના ભાઈએ પણ કીધું કે "મારી પાસે આમંત્રણ આપવા માટે કોઈ સ્થાયી ઘર નથી પણ તમે એમના [મોટા ભાઈના] ઘરે સલામત વાતાવરણમાં રહી શકશો."

અમે તેમને ખાતરી આપી કે અમારા ઉતારાની સગવડ થઇ ચૂકી છે અને કોઈ અગવડ નહિ પડે.

ટ્રેન ઉભી રહી તે પહેલાં મેં મારી નોંધપોથી કાઢી અને તેમના નામ ફરીથી પૂછ્યા. મારે બે એવા મોટા-મનના અને ભલા નેતા કે જેમણે "નેતાઓં" પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલવા વિવશ કર્યા તેમને યાદ રાખવા હતા. ટ્રેન થમી એ પહેલાં મેં નામો નોંધી લીધા. તેઓ હતા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર દામોદરદાસ મોદી.

જયારે પણ હું તેમને ટી.વી પર જોઉં છું ત્યારે તેમના તે દિવસના હૂંફાળા આવકાર, સહ-ભોજન, વિવેક અને સાર-સંભાળ માટે મનોમન વંદન કરું છું.

(લેખક લીના શર્મા રેલ્વે-ઇન્ફોર્મશન બોર્ડમાં દિલ્હીમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છે.)
lotpot.com  પર મૂકાયેલા લેખનું ભાષાંતર....

Tuesday, October 27, 2015

શું હનુમાન જીવે છે?


લંકાના યુદ્ધ વખતની વાત છે. રાવણના જ્યેષ્ઠ પુત્ર ઇન્દ્રજીતે રામના સૈન્ય પર ખૂબ જ ભીષણ અને ઘાતક હુમલો કર્યો હતો. ઘણાં વીર યોદ્ધાઓ અને સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા. જયારે સેનાપતિ જામ્બ્વન રણ-મેદાનમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલો પ્રશ્ન કર્યો, " શું હનુમાન જીવે છે?"

એક સૈનિકે આ વાતનું માઠું લાગતાં  તરત  વળતો  પ્રશ્ન  કર્યો, "કેમ  તમે માત્ર  હનુમાનની  ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછ્યાં? તમે માત્ર એમની જ  ચિંતા  રાખો છો?"  જામ્બ્વને  તરત  ઉત્તર  આપ્યો કે  "જો બીજા બધા જ  મૃત્યુને ભેટ્યા હોય  અને માત્ર હનુમાન જીવિત  બચ્યાં હોય તો ય આપણે યુદ્ધ જીતી જઈશું, પણ જો હનુમાન વીરગતિ પામ્યા હોય  અને બાકી બધા જીવતા હોય તો ય આપણી હાર નક્કી છે"

હા, હનુમાનમાં એટલું બધું અપ્રતિમ અને અપાર શારીરિક બળ હતું કે એકલે હાથે રાવણની સેનાનો સંહાર કરી શકે પણ આ વાર્તાનો માત્ર શાબ્દિક (મૂળ અર્થ) નહિ પણ તેની પાછળનો સૂક્ષ્મ અર્થ (અથવા તો મર્મ) જાણવો અને સમજવો જરૂરી છે.

હનુમાન એ સમર્પણ, ત્યાગ અને દ્રઢતા ના પ્રતિકરૂપ છે. પૈસો/શક્તિ/વગ/પહોંચ/આવડત હોય કે ના હોય પણ જ્યાં સુધી સમર્પણ, ત્યાગ અને દ્રઢતા આ ત્રણ ગુણોનું ભાથું આપણી પાસે હોય ત્યાં સુધી જીવનમાં ગમે તેવી વિકટ/અસહ્ય/અશક્ય પરિસ્થિતિ અને તકલીફોથી આપણે સફળતાપૂર્વક લડી લઈને હેમખેમ પાર ઉતરી જઈએ. આ ગુણો હોવા એટલે હનુમાન આપણી પાસે હોવા સમાન છે. જ્યાં સુધી હનુમાન આપણામાં છે ત્યાં સુધી બધું જ શકય છે.

દુનિયાની સૌથી વધુ જૂની, લાંબી અને લયબદ્ધ કાવ્યરચના તે આપણું રામાયણ. એમાં જ આખી સૃષ્ટિનું જ્ઞાન છે, પ્રેમથી વાંચો અને વંચાવો.... જય હનુમાન. જય શ્રી રામ.

Friday, September 18, 2015

આતંકી હુમલા ચાલુ..... અને સ્વ-રક્ષણના સાધનોની અછત પણ...

27 જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુદાસપુર પંજાબમાં ૩ આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો તે યાદ છે? (ના હોય તો વાંધો નહિ હો, આ તો સદીઓ પૂરાણી આપણી રાષ્ટ્રીય નબળાઈ છે.) ૨-GPS, ૩-AK47, ૧૦-મેગેઝીન અને ૨ ચીની બનાવટના ગ્રેનેડ... ઓહોહોહો! આપણને હાનિ પહોંચાડવા પૂરતી તૈયારી કરીને અને સામગ્રી લઈને આવ્યા હતા... હવે જરા આપણા સુરક્ષા-કર્મીઓને (જે લડતાં લડતાં શહીદ થઇ ગયા તેમના) જો TV પર "લાઈવ" જોયા હોય તો યાદ કરો....લો થોડું યાદ કરાવું...

કઈ ધ્યાનમાં આવ્યું? ના બખ્તર, ના હેલ્મેટ... અરે ભાઈ, મુંબઈ પરના હુમલાને હજી ૭ જ વર્ષ થયા છે, અમે ભારતીયો કઈ આટલા જલ્દી સુધરીએ નઈ હોં! દુર્ભાગ્યની વાત છે કે આપણું લશ્કર અને પોલીસદળ આજે પણ અત્યંત જરૂરી ગણાતાં એવા શરીર કવચથી  (Body Armour) વંચિત છે.

ભારતીય લશ્કરની સ્થિતિ તો સૌથી વધુ દયનીય છે. રોજે સીમા પર પાકિસ્તાનીઓ સાથે ગોળીબારની આપ-લે કરતાં, કાશ્મીર અને ઇશાનના રાજ્યોમાં ખૂંખાર ત્રાસવાદીઓ જોડે લડતાં લાખો સૈનિકોના જીવ જોખમમાં છે. રક્ષા મંત્રાલયના આકંડાઓ પ્રમાણે છેલ્લાં ૩ વર્ષમાં પાકિસ્તાન સાથે થયેલા ૩૫૭ ગોળીબારોમાં ૧૭ સૈનિકો શહીદ થયા છે. હાલમાં સૈન્યને ઉપલબ્ધ હેલ્મેટોની ગુણવત્તા શું છે જાણો છો? તે મોટર-સાઇકલ ચલાવતા પહેરવાની હેલ્મેટો છે, ૯-મિલીમીટરની ગોળીઓ ઝીલવાની ક્ષમતા તો બીજના ચન્દ્ર જેટલી દૂરની વાત છે.

આ સાધન સરંજામ ખરીદવા કઈ અઘરી વાત નથી.. લડાયક વિમાનો કે બોફોર્સ-ગન કે સબમરીન જેવી ઉચ્ચ તકનીકી અને મોંઘી શસ્ત્ર-સામગ્રીની ખરીદીમાં ટેકનોલોજી આપ-લે, કિંમત, વેચનાર દેશ જોડેના આપણા સબંધો વગેરે ઘણા મુદ્દા સંકળાયેલા હોય છે અને તેથી કરીને અમુક અંશે તેમાં વિલંબ થાય તે સમજાય છે. પણ હેલ્મેટો અને કવચો? યાર, જર્મન લશ્કરને આ વસ્તુઓ આપણા દેશની ખાનગી કંપનીઓ પૂરા પાડે છે.....

તે છતાં આપણા ૧૨ લાખ સૈનિક-સજ્જ લશ્કર માટે માત્ર ૨ ઓર્ડરો હાલમાં અમલમાં છે.  પહેલો ૧,૮૬,૧૩૮ પીસનો ઓર્ડર અને બીજો ૫૦,૦૦૦ પીસનો "ચકાસણી કમિટી" દ્વારા ચકાસણી માટે.

MKU - કાનપુર સ્થિત મધ્યમ કદની ખાનગી કંપની કે જે યુરોપના સંયુક્ત લશ્કર નાટોને (NATO-  North Atlantic Treaty Organisation (NATO) militaries) કવચો પૂરા પાડે છે તે દર મહીને ૫૦૦૦ કવચ અને ૨૫,૦૦૦ હેલ્મેટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ દુનિયાની વિશાળ અને અદ્યતન કંપનીઓમાંની એક છે. તેની પાસે એક્વેડોર, ઈજીપ્ત, શ્રી લંકા અને જર્મની ઉપરાંત ઘણા વિદેશી ગ્રાહકો છે.પણ MKU અને તેના હરીફ TAS(Tata Advanced Systems) કે SM Pulpને થળસેનાના નોર્ધન કમાંડના(Northern Command) નાના સ્થાનિક ઓર્ડરથી વિશેષ કઈ હાથ લાગ્યું નથી. 

નાની પેઢી હોવા છતાં  MKU વાર્ષિક ૬-૮ ટકા જેટલી આવક સંશોધન અને વિકાસમાં વાપરે છે જે તેમને હરીફોથી એક પગલું આગળ રાખે છે. આપણા દેશમાં હકીકતમાં ગોળીબાર કરીને કવચ ચકાસવા ઉપર કાયદાકીય અવરોધ હોવાથી તેઓએ હાલમાં જ જર્મનીમાં હેમ્બર્ગ નજીક એક કંપની હસ્તગત કરી છે. ત્યાં તેઓ પોતાના માલની ગુણવત્તાની ચકાસણી કરે છે. આ સંશોધનો અને ગુણવત્તા માટેનો આગ્રહ તેમના માટે રંગ લાવ્યો. ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે કરેલ ચકાસણીમાં માત્ર તેમની હેલ્મેટો જ નિયમિત માપદંડો પર ખરી ઉતરી. લગભગ ૩૦૦ કરોડનો ૧,૫૮,૦૦૦ હેલ્મેટોનું ટેન્ડર માત્ર તેઓ જ ભરી શકશે.

સારી વાત છે, ના મામા કરતાં કાણો મામો સારો. દિલાસો લેવા માટે ઠીક છે પણ આ જરાય પૂરતું નથી. માહિતી તો હજી ઘણીયે છે પણ હાલ આટલું ઘણું છે. આ વાંચ્યા પછી મારી જેમ દેશના જાંબાઝ સૈનિકો માટે (કે જેમને ત્યાગ અને બલિદાનના ભોગે આપણે અમદાવાદ/મુંબઈ/દિલ્હી જેવા 'વર્લ્ડ-ક્લાસ' શહેરોમાં હરીએ-ફરીએ અને જલસા કરીએ છે) મન કકળતું હોય તો માત્ર એટલું કરજો કે ઈ-મેઈલ, ટ્વીટર, ફેસબુક કે ફેક્સ, કોઈપણ માધ્યમ દ્વારા આ વાત રક્ષા સચિવ, રક્ષા મંત્રી, PMO, પ્રધાન-મંત્રી કોઈકના સુધી વાત પહોંચાડશો... નહિ તો ફરી ભવિષ્યના ગુરુદાસપુર પરના હુમલામાં ફરી દેશના અદના સેવકો શહીદ થશે.... અને જેમ આજે હું અને તમે જીવ બાળીએ છે તેમ આપણા છોકરાં જીવ બાળતાં હશે....

જય હિન્દ.
--દેશદાઝ.