Monday, January 23, 2017

અમેરીકન બ્રાહ્મણવાતની શરૂઆત ૧૮૪૯થી થાય છે. ડો. જેમ્સ બોલ્ટન ડેવીસ(James Bolton Davis) જે સાઉથ કેરોલીનાના ફેરફિલ્ડ કાઉન્ટીમાં સ્થિત હતા તેમને સૌ-પ્રથમ વાર અમેરિકાની ધરતી પર ભારતીય "ગાય" લાવવાનું શ્રેય જાય છે. એમ મનાય છે કે તેઓ જયારે તુર્કીના સુલતાનના ખેતીવાડી ખાતાના સલાહકાર હતા તે દરમ્યાન તેમણે ભારતીય ગૌ-વંશ અંગે માહિતી અને જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ દક્ષિણ અમેરિકાનું રાજ્ય લુઈઝીઆના. જે એ વખતે ૨,૫૦૦,૦૦૦ એકરમાં ફેલાયેલું જંગલી ઘાસ અને ફૂલોથી આચ્છાદિત પ્રદેશ હતો. આ વિશાળ પ્રદેશમાં સેન્ટ ફ્રાન્સિસ-વિલ નામે ખેતી-નિર્ભર એક નાનું ગામ. મિસીસિપી નદીના ખોળે પોતાના કપાસ, શેરડી અને નેસ માટે પ્રખ્યાત.

ત્યાં, તે દિવસે રીચાર્ડ બેરોને એક ખાસ અને અજુગતું કહી શકાય એવું, છેક ભારતથી નિર્યાત થયેલું એવું કૈક મળ્યું કે જે પહેલા આ દેશમાં કોઈએ ક્યારેક નિહાળ્યું નહોતું. તે આશ્ચર્ય-ચકિત હતો, એમ કહો કે હત-પ્રભ હતો.  જયારે તેણે જોયું ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. એવું તે શું હતું એ? તેની સમક્ષ ભારતના બે મહાકાય આખલાઓ હતા. તેમને જોયા એજ ક્ષણે તે સમજી ગયો હતો કે આજથી તેનો સમય પલટાઈ જશે. એને માત્ર એ નહતી ખબર કે એનો નહિ આખાય અમેરિકન સમાજ સહીત દુનિયાનો સમય બદલાઈ જશે...

નાના એવા ગામમાં વાત વાયુ-વેગે પ્રસરી ગઈ. તે બે ભારતીય આખલાઓ વિશિષ્ટ હતા, કૈક અલગ હતા અહીના લોકો માટે. તેમને લાંબા કાન હતા અને જે પીઠ ઉપર ખૂંધ હતા તે તો કઈ નવું જ હતું. તે ઘડીએ, તે દિવસે "બોસ ઈન્ડીકસ"નું(BosIndicus) અમેરિકામાં આગમન થયું.

તે વખતની જાલિમ બ્રિટીશ હકૂમતે મિ. બેરોને ભારતીય આખલા ભેટ આપ્યા હતા. મિ. બેરોએ બ્રિટીશ અધિકારીઓને કપાસ અને શેરડી અંગે ખાસ શિક્ષણ આપ્યું હતું, તેના વળતર રૂપે તેમને આ ભેટ મોકલવામાં આવી હતી.

આ એ કાળ હતો જયારે યાંત્રિક યુગની, ઓદ્યોગીકરણની શરૂઆત માત્ર હતી. અમેરિકા પોતાના ગુલામ/વેઠિયા-મજૂરોની કાળી મજૂરીના ટેકે વર્ષોથી બ્રિટીશરોને કપાસ પૂરું પાડતો હતો. ભારત તે વખતે કપાસના કાચા માલ માટે પહેલાં જેવો આકર્ષક સ્ત્રોત રહ્યો નહોતો. જેના લીધે અમેરિકાના લાંબા-રેસા વાળા કપાસને ધ્યાનમાં રાખીને વણાટના યંત્રો/ઓજારો વિકસાવવામાં આવ્યા હતા. બ્રિટીશ અધિકારીઓ આ લાંબા-રેસા વાળું કપાસ ભારતમાં ઉગાડવા માટેની જરૂરી પધ્ધત શીખવા અમેરિકા આવેલ હતા. આ આખલાઓ આ જ ઉપકારના વળતર રૂપે ભેટ અપાયા હતા.

ઉત્તર અમેરિકા પાસે ક્યારેય પોતાની કહી શકાય એવા કોઈ ઢોર/ગાયની પ્રજાતિ હતી નહિ. અહી સૌથી પહેલા યુરોપથી સ્થળાંતર કરીને આવેલા સ્પેન અને ઇંગ્લેન્ડના વસાહતી લોકો પોતાની સાથે પશુઓ લઈને આવ્યા હતા. આ ગાયો હતી બોસ-ટોરસ (Bos Taurus), યુરોપિયન પ્રજાતિની.

બોસ ઇન્ડીકસ અથવા ઝેબુ(Zebu) તરીકે ઓળખાતી આપણી ગુજરાતી/ભારતીય ગાયો  ખડતલતા,પ્રજનનક્ષમતા/ફળદ્રુપતાના ગુણોવાળી અને ગમે એવી કઠોર આબોહવામાં ગુજારો કરવાનું સામર્થ્ય ધરાવતી હતી. તદ્દ-ઉપરાંત તેઓ ગરમી સહન કરવાની આવડત અને માખી/મચ્છર/જીવ-જંતુ વિરુદ્ધની ગજબનાક રોગપ્રતિકાર-ક્ષમતા માટે જાણીતી હતી.

અમેરિકાના દક્ષિણ ભાગમાં જ્યાં ઘણે અંશે ગુજરાત જેવું શુષ્ક અને ગરમ વાતાવરણ હોય છે ત્યાં આપણી ગાયોએ કાઠું કાઢ્યું અને જોત-જોતામાં તો આ ભાઈ મિ. બેરો પાસે હૃષ્ટ-પુષ્ટ અને એકદમ સ્વસ્થ પશુ ધન થઇ ગયું. એ આજુ-બાજુના અન્ય પશુ-પાલકોની આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યો.

માત્ર ૬ જ વર્ષના ગાળા બાદ ન્યૂ ઓરલીન્સના પશુ બજારોમાં બોસ ઇન્ડીકસ લોકોમાં "લુઈઝીઆનાના લાંબા કાન વાળી ગાયો" તરીકે જાણીતા થઇ ગયા. 

અમેરિકાના પશુ બજારોમાંઆપણા દેશી આખલાના વંશમાંથી ઉદભવેલી ગાયોની માંગ વધતી ચાલી. મિ. બેરોની સફળતાને ધ્યાનમાં લઈને ૧૮૮૫માં જે. એમ. ફ્રોસ્ટ(J. M. Frost) અને આલ્બર્ટ મોન્ટગોમરી(Albert Montgomery)એ હ્યુસ્ટન ટેકસાસમાં બીજા બે ભારતીય આખલાઓ આયાત કર્યા. હવે તો સરકસના નામે ભારતીય ગૌ-ઘન, પશુ-ધનની આયાત ચાલુ થઇ ગઈ. એક જાણીતા સોદામાં "પ્રિન્સ" નામનો લાલ છાંટની રૂવાંટી વાળો ભારતીય આખલો વિક્ટોરિયા,ટેક્સાસના એ.એમ. મેક્ફદ્દીને (A.M. McFaddin) ૧૯૦૪માં "હેગનબાક પશુ-પ્રદશન"(Haggenbach Animal Show) વાળાઓ પાસેથી  વેચાતો લીધો. આજ પશુ-પ્રદર્શન વાળાઓએ બીજા ૧૨ ભારતીય પશુઓ ડો. વિલિયમ જેકોબ (Dr. William States Jacobs) ને હ્યુસ્ટનમાં વેચ્યા હતા. ૧૯૦૫ અને ૧૯૦૬માં પીઅર્સ, ટેક્સાસ ખાતે આવેલા પીઅર્સ નેસના કર્તા-હર્તા એવા  એબલ પી. બોર્ડને,(Able P Borden) વિક્ટોરિયા,ટેક્સાસના થોમસ. એમ. કોન્નોર(Thomas M. O'Connor) ની સહાયતાથી ૩૦ ભારતીય વંશના આખલા અને ૩૦ જુદી જુદી પ્રજાતિની ગાયો આયાત કરી.

1923-૨૪માં "ગુજરાત", "ગીર" અને "નેલોર" વંશના ૯૦ આખલા બ્રાઝીલથી આયાત કરવામાં આવ્યા. ૧૯૨૫માં બીજા ૧૨૦ આખલા અને ૧૮ ગાયો આ ધરતી પર આવ્યા. આ બંને જૂથ પહેલા બ્રાઝીલથી મેક્સિકો જહાજ મારફતે લવાયા અને મેક્સિકોથી જમીન-માર્ગે અમેરિકાના ટેક્સાસ રાજ્ય સુધી પહોંચ્યા. આ મુખ્ય ત્રણ પ્રજાતિ અને આંધ્ર-પ્રદેશથી લાવવામાં આવેલી "ઓન્ગોળ" (હાલના પ્રરકાસમ જીલ્લામાં સ્થિત) જાતિ એમ ૪ જાતિઓના સંવર્ધન અને પ્રજનન દ્વારા ઉત્પન્ન કરાયેલી પહેલી સંકર જાતિ અને અમેરિકન ગાય  તે "અમેરીકન બ્રાહ્મણ".... સાંભળીને "ના હોય!!" નો ભાવ પ્રગટ થયો હોય તો વાંધો નહિ, મનેય થયો. એટલે જ તો અડધી રાતે બે વાગે  આ પોસ્ટ લખવા બેઠો. (કાલે ઓફિસમાં મીટીંગમાં બગાસાં પાક્કા!)

આ અમેરિકન બ્રાહ્મણ ગાયોનો આજે એક પ્રકારનો દુનિયાભરમાં દબદબો છે, જે ખૂબજ અનિચ્છીત પ્રકારનો છે. વિગતો જાણશો તો મારી જેમ કાપો તોય લોહી ના નીકળે એવી દશા થશે. કઈ વાંધો નહિ,ચાર જણ જાણેને કદાચ કોઈ  મારા જેવા વિશ્વના ખૂણે-ખૂણે  રહેલા ગૌ-માતા પ્રેમીઓ સંગઠિત થઈને આજે નહિ તો વર્ષ/દસક/સદી પછીય કૈક કરીને ગાયોને કતલખાને જતી બચાવી શકે એ આશાએ જ લખું છું...કારણકે આશા અમર છે.

 આજે દુનિયા ભરમાં આ મૂળ ભારતીય ગાયોની કૂખે અવતરેલી આ ગાયોની "અમેરિકન બ્રાહ્મણ" પ્રજાતિ "Beef" એટલે કે ગૌ-માંસના ઉત્પાદન માટે અવ્વલ નંબરની પ્રજાતિ ગણાય છે. આ અમેરિકન બ્રાહ્મણ પ્રજાતિ અહીંથી નિર્યાત થઈને કેટ-કેટલાય દેશોમાં કેટ-કેટલાય મોટા મોટા ઉદ્યોગ એકમોમાં માત્ર અને માત્ર માંસ ઉત્પાદન માટે જ  ઉછેરવામાં આવે છે. વધુ માહિતી જાણવામાં રસ હોય તો હ્યુસ્ટન સ્થિત "અમેરિકન બ્રાહમણ પશુપાલક મંડળ" (American Brahman Breeders Association)નો સંપર્ક કરી શકો છો...

માહિતી :
૧) http://www.ansi.okstate.edu/breeds/cattle/brahman/
૨) https://www.facebook.com/HinduismDeMystified/photos/a.855326181167027.1073741828.855304897835822/1449693995063573/?type=3&permPage=1

No comments:

Post a Comment

હિન્દ કી ચાદર - ગુરૂ તેગ બહાદુર સિંહ જી - નવમા સીખ ગુરૂ

દુનિયામાં ગમે તે ઠેકાણે રહેતા હો પણ એક ગુજરાતી [અથવા મરાઠી]  તરીકે તમે 'સ્વાધ્યાય પરિવાર' નું નામ તો સાંભળ્યું જ હશે.૧૯૭૮માં સ્...