Sunday, January 25, 2015

સ્વ-ધર્મ અને પર-ધર્મ


વાત છે આઝાદી પહેલાની. ગુજરાતમાં એક મહાન વનસ્પતિ-શાસ્ત્રી થઇ ગયા. જયકૃષ્ણ ઈન્દ્રજી એમનું નામ.

વનસ્પતિશાસ્ત્રના તેઓ એવા તે અઠંગ અભ્યાસી અને નિષ્ણાત હતા કે અંગ્રેજ વિદ્વાનો પણ તેમનું આ અંગેનું ઊંડું જ્ઞાન જોઇને છક થઇ જતા.
તેઓ જયારે કિશોર હતા ત્યારે એમના ઘરની સ્થિતિ એટલી નબળી હતી કે ભણવા માટે પુસ્તકો અને પહેરવા માટે કપડાં પણ ખરીદી શકાય નહિ. 
જયકૃષ્ણે ફાટેલાં કપડાં અને જૂનાં પુસ્તકોથી જ ચલાવી લીધું હતું.

એકવાર તેમને એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ભેટો થયો. વાત ભેગી વાતમાંથી તેણે જયકૃષ્ણની ગરીબી જાણી લીધી. તેણે જયકૃષ્ણને કહ્યું, : ‘ગભરાઇશ નહિ, તને બધી જ આર્થિક સહાય મળી રહેશે. તારા માટે સારા કપડાં, નવાં પુસ્તકો, વાંચવા માટે અનુકૂળ જગ્યા બધું જ મળી રહેશે.’

જયકૃષ્ણે તો એમ જ માન્યું કે આ ઇન્સ્પેક્ટરના રૂપમાં સાક્ષાત ભગવાન જ મારી પાસે આવ્યા છે. જયકૃષ્ણે પૂછ્યું : “તો હું ક્યારે આવું?”

ઈન્સ્પેક્ટરે કહ્યું, “ કાલે સવારે મારી સાથે મારા ચર્ચમાં આવજે.”

“ચર્ચમાં? શા માટે?”

“તું એકવાર ખ્રિસ્તી બની જાય તો પછી તને કોઈ તકલીફ રહેશે નહિ”

“એટલે મારો ધર્મ છોડી તમારો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરું એમ જ ને?”

“હા, હવે તું બરાબર સમજ્યો.”

પણ જયકૃષ્ણે કહ્યું, : “ના, મારાથી નહિ બની શકે, સ્વધર્મ છોડીને પરધર્મ હું કદાપિ સ્વીકાર કરી શકું નહિ. હું તો મારા ધર્મમાં જ રહીશ. અમારી ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે, પરધર્મમાં જવા કરતાં નિર્ધન હોવું અને સ્વધર્મમાં નિધન(મૃત્યુ) થવું બહેતર છે. પરધર્મ અંગીકાર કરવાથી મને બધા જ સુખ મળતાં હોય તો પણ હું પરધર્મ કદી સ્વીકારીશ નહિ. મારા ધર્મમાં રહેવાથી મને ગરીબીની વિપત્તિ મળી છે તો તેને પણ હું જીવનની મહાન સંપત્તિ માની લઈશ પણ ધર્મનો કદાપિ ત્યાગ નહિ કરું.”

સ્વધર્મ પ્રત્યેની જયકૃષ્ણની આવી નિશ્ચલ નિષ્ઠા અને અનન્ય આસ્થા જોઇને પેલો ઇન્સ્પેકટર તો દંગ જ રહી ગયો.....

વાત નાની છે, સમજાય તો બહુ મોટી છે....આ ઘર-વાપસીની જે વાત-વિવાદ ચાલે છે એના સંદર્ભમાં સમજવા જેવી છે.....

No comments:

Post a Comment

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...