Monday, January 5, 2015

'ઘર વાપસી'...... કારણ વિનાનો વિવાદ.

મા. ગો. વૈદ્ય દ્વારા,

ઉત્તરપ્રદેશના આગ્રા નગરમાં ૫૭ મુસલમાન પરિવારોએ ફરી પોતાનો મૂળ ધર્મ, હિંદુ ઘર્મ અપનાવ્યો. આ ઘટનાને લઈને સંસદમાં તથા મીડિયામાં કારણ વગર એક વિવાદ ઉભો થઇ ગયો. અનેક લોકોએ આ ઘટનાને, આ વિધિને 'ધર્માન્તર', 'ધર્મ પરિવર્તન', 'કન્વર્ઝન'નું નામ આપ્યું, પરંતુ આ ધર્મપરિવર્તન નથી. આ તો પોતાના જ સમાજમાં, પોતાના જ ઘરમાં આ લોકોનું પુનરાગમન છે. આ 'ઘરવાપસી' છે. ધર્મપરિવર્તન તો તેમનું સદીઓ/દાયકાઓપહેલાં જ થઇ ચૂક્યું હતું.

ઇસ્લામનો ભારતમાં તથા સંપૂર્ણ વિશ્વમાં પ્રસાર કઈ રીતે થયો છે તે બધાને ખબર છે. 'ઇસ્લામ' નો અર્થ 'શાંતિ' થાય છે એવું કહેવાય છે પણ ક્યાંય પણ ઇસ્લામનો ફેલાવો શાંતિપૂર્વક થયો નથી. સદીઓથી તલવારની ધાર પર જ ઇસ્લામનો પ્રસાર થયો છે.

વિચારવાની વાત એ છે કે પારસીઓને પોતાની જ જન્મભૂમિ છોડીને કેમ ભાગવું પડ્યું? રાજપૂત  મહિલાઓને જોહરની જ્વાળામાં કેમ બલિદાન આપવું પડ્યું? કાશ્મીર ઘાટીની ૫૦ લાખની મુસલમાન વસ્તીમાં ૪ લાખ હિંદુ પંડિત કેમ સમાઈ ન શક્યા? આ બધાએ જો ઇસ્લામ કબૂલ કર્યો હોય તો બચી ગયા હોત. આ ઈતિહાસ છે. 


કહેવાનો મતલબ એ છે કે આગ્રામાં જે મુસ્લિમ પરિવારોએ ઘરવાપસી કરી તેમનું ધર્મપરિવર્તન બહુ પહેલાં જ થઇ ગયું હતું. કોઈ નક્કર રીતથી થયું હશે. અ જૂની વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી પણ આ બધા હિંદુ જ હતા અને હિંદુ જ છે. તેમણે 'ઉપાસના' ની પદ્ધતિ કોઈની બળજબરીના લીધે બદલી હતી, ધર્મ અને જન્મભૂમિ નહિ.  ભારતમાં આજે મુસ્લિમોની સંખ્યા ૨૦ કરોડથી પણ ઉપર છે. તેમાંથી એક ટકાથી પણ ઓછા બહારથી એટલે કે અરબસ્તાન,તુર્કસ્તાન, ઈરાનથી આવેલાઓના વંશજ હશે. બાકીના બધા મૂળત હિંદુઓ જ છે. હવે આ લોકો પોતાના પૂર્વજોના ઘર/સમાજમાં પાછા આવવા માંગે છે. આ જ 'ઘરવાપસી' છે. આ તો હિંદુઓ અને દેશ માટે આલોચનાનો નહિ બલ્કે આનંદનો વિષય છે. 

હિન્દુઓએ ક્યારેય પણ બળપૂર્વક ધર્માન્તર કરાવ્યું નથી. જો આવું ના હોત તો ઇસ્લામના પ્રસારના કારણે ઈરાનથી ભાગીને આવેલા પારસીઓ હિન્દુસ્તાનમાં પોતાના ધર્મ અને ઉપાસનાની સાથે રહી શકે નહિ. આજે એક હજાર વર્ષ પછી પણ પારસી પોતાની પરંપરા અને આસ્થા સાથે આપણા ત્યાં રહે છે. તદુપરાંત દોઢ હજાર વર્ષ કરતા પણ વધારે સમયથી પોતાની માતૃભૂમિથી છૂટા પડી ગયેલા યહુદીઓને ઈસાઈ દેશોમાં અનેક અપમાન અને યાતનાઓ ભોગવવી પડી, પરંતુ ભારતમાં તેઓ સ્વમાનપૂર્વક સુરક્ષિત રીતે રહે છે. આનું માત્ર અને માત્ર કારણ એ છે કે ભારતમાં હિંદુ બહુસંખ્યક હતા. (રહેશે? ક્યાં સુધી? )

'એકમ સત વિપ્રા બહુધા વદન્તિ'

હિન્દુઓની એક મૌલિક માન્યતા છે કે પરમાત્મા એક જ હોવા છતાં તેના નામ અનેક હોઈ શકે છે તેમ જ પૂજા કરવાના પ્રકાર પણ અનેક હોઈ શકે છે. વિવિધતાનું સન્માન કરવું એ હિન્દુઓની સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે, બળપ્રયોગ કરી અથવા લાલચ આપી પોતાની સંખ્યા વધારવામાં હિન્દુઓને ક્યારેય રસ ન હતો, આજે પણ નથી. 

પણ હા, એક પરિવર્તન જરૂર થયું છે. પહેલાં જૂનવાણી રૂઢિઓને કારણે હિંદુ સમાજમાંથી માત્ર બહાર જવાનો જ રસ્તો હતો. એક વાર ગમે તે કારણસર જો હિંદુ ધર્મ છોડો તો પાછળથી વિચાર બદલાય અને ઈચ્છા હોય તો પણ પાછા હિંદુ ધર્મમાં આવી શકાતું ન હતું. આ એકતરફી રસ્તો હતો. હવે હિંદુ સમાજે પાછા ફરવાના દરવાજા ખોલી દીધા છે. જે લોકો ગયા હોય તે પરત ફરી શકે છે. પહેલાં આર્ય સમાજે આ કામ કર્યું. હવે ઘણી સંસ્થાઓ કરે છે. આજે જેને સનાતની કહેવામાં આવે છે તેમણે પણ પોતાનામાં ઘણું પરિવર્તન કર્યું છે.

વાત વર્ષ ૧૯૬૪-૬૫ની છે. દેશના બધા જ શંકરાચાર્ય, ધર્માચાર્ય, મહંત, પીઠાધીશ, સાધુ-સંતો કર્ણાટકના ઉડુપીમાં ભેગા થયા હતા. તેમણે એક અવાજે સંપૂર્ણ હિંદુ સમાજ વતી જાહેર કર્યું હતું કે જે લોકો ગયા છે તે પાછા આવી શકે છે.

હિન્દવ સોદરા: સર્વે
ન હિંદુ: પતિતો ભવેત |

ભારત હિંદુ બહુલ દેશ છે. માટે અહીનું રાજ્ય પંથનિરપેક્ષ(Secular) છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, લીબિયા વગેરે 'સેક્યુલર' કેમ નથી? આ પ્રશ્નનો ખુલ્લા હૃદયે વિચાર કરવો જોઈએ. માટે હિંદુ સમાજથી જે લોકો કોઈ પણ કારણસર અલગ થઇ ગયા હોય અને પોતાના સમાજમાં પાછા આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત કરવું જોઈએ. ઘરવાપસીનું સ્વાગત થવું જોઈએ, નિંદા નહિ.

No comments:

Post a Comment

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...