Thursday, November 28, 2019

હિન્દુ શૂરવીર - લાચિત બોરફૂકન

આજથી 5-6 વર્ષ પહેલાં વિકિપીડિયા પર અહીં-તહીં નાના લેખોનું સંપાદન કરતાં કરતાં એક નામ ધ્યાનમાં આવ્યું હતું. તે નામ હતું લાચિત બોરફૂકન. કિત્તુરની રાણી ચેન્નમા જેવા કેટલાંય આપણાં માટે અપરિચિત નામોમાનું એક એવું આ પણ દેશના શ્રેષ્ઠ શ્રેણીના યોદ્ધાનું નામ છે જે તમને અને મને બાળપણમાં ભણાવવામાં નહોતું આવ્યું. ખબર નહિ આપણો દેશ આઝાદ થયો ત્યારે એ સાલા કોણ દેશદ્રોહીઓ હતાં  કે જેમણે એવા દરેક રાજા/સેનાપતિ/રાણીની વાતો આપણા પાઠ્યપુસ્તકોમાંથી બાદ કરી દીધી જેમણે  આપણા ધર્મના રક્ષણાર્થે મુઘલો સામે ન કે માત્ર ઝીંક ઝીલી પણ તેમને પરાસ્ત પણ કર્યા. નક્કી આ મુઘલો એમના બાપ-દાદા લાગતાં  હશે. એ વખતે ઉતાવળમાં એક નાનો ગુજરાતી લેખ લખીને વિકિપીડિયા ઉપર મૂક્યો હતો. મને એમ હતું કે આટલા વર્ષોમાં 'કોઈકે' તો એ લેખમાં સુધાર/ઉમેરો કરીને વધુ માહિતી જોડી હશે, પણ કમનસીબે આજે 6 વર્ષ પછીયે મારો એ ગુજરાતીમાં પહેલવહેલો લાચિત બોરફૂકન ઉપર લખાયેલો લેખ અકબંધ છે. 

આજે આમ તો મારે કોઈ બીજા વિષય ઉપર લખવાની ઈચ્છા હતી પણ હજી ચાર દિવસ પહેલાં જ લાચિત બોરફૂકનની જન્મ જયંતિ ઉજવાઈ હોઈ થયું કે આજ લેખ મારા બ્લોગ ઉપર મૂકી દઉં, કદાચ આ બ્લોગ મારફતે વધુ લોકો લાચિત વિશે  જાણે. એટલે જો તમે કદાચ લાચિત બોરફૂકન વિષે ગુજરાતી વિકિપીડિયા ઉપર પહેલાં વાંચ્યું હોય તો એમ નહિ માનતા કે મેં ઉઠાંતરી કરી છે. આજે કોઈ ફેરફાર કે વધારો નથી કરવાનો, માત્ર એ મૂળ લેખની અહીં નકલ જ મૂકી રહ્યો છું...હા, કોઈ લાંછન લગાડે એ પહેલાં ચોખવટ કરી દેવી સારી :)

જન્મ:૨૪ નવેમ્બર ૧૬૨૨, ઘરગાંવ, આસામ 
મૃત્યુ:25 એપ્રિલ 1672,જોરહટ, આસામ 

લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યનો એક મહાન સેનાપતિ હતો જે સન ૧૬૭૧માં આસામના સરાઈઘાટમાં મુઘલો વિરુદ્ધની લડાઈમાં પોતાની કાબેલિયત અને નેતૃત્વ-ક્ષમતાના લીધે જાણીતો થયો હતો. મોગલોએ કામરૂપ શહેર પર ફરી કબજો જમાવવાના ઈરાદાથી રામસિંહ પહેલાના નેતૃત્વ હેઠળ હુમલો કર્યો હતો જે લાચિત ખૂબ જ ઓછા સેન્ય સાથે ખાળવામાં સફળ રહ્યો હતો.[૧] આ યુધ્ધના વર્ષ બાદ માંદગીના લીધે લાચિતનું અવસાન થયું હતું.[૨]

સંક્ષિપ્ત જીવન

લાચિત બોરફૂકનનો જન્મ સુકૂતિ  નામના અત્યંત સાધારણ એવા મજૂરી કરીને પેટ પાળનાર આસામી વ્યકતિના ઘરે થયો હતો. તેઓ તેમના ચોથા અને સૌથી નાના પુત્ર હતા. સુકૂતિ ભલે સાધારણ ઘરના હતા પણ તેઓ જે કાંઈ  પણ કામ કરતાં  તે અત્યંત હોંશ અને ખંતથી કરતા. તેમની કાર્યકુશળતા અને દક્ષતાની વાત વર્ષો વહેતાં ત્યાંના રાજા પ્રતાપ સિંહ સુધી પહોંચી. રાજાએ તેમનું કામ જોઈ તેમને 'બાર તમુલી' એટલેકે રાજ્યના શાહી બગીચાના માળી  તરીકે કરી. તેઓ તેમના સ્નેહાળ વર્તનના લીધે લોકોમાં 'મોમાઈ' [આસામી ભાષામાં મામા માટેનો શબ્દ ] તરીકે જાણીતા થયા. અને તેઓ રાજ્યના અધિકારી એટલે કે 'તમુલી' તો હતાં  જ, એટલે જ તેઓ 'મોમાઈ તમુલી' તરીકે જાણીતાં  થયા. આગળ જતાં તેઓ રાજ્યના અન્ય મોટા હોદ્દાઓ ઉપર વિરાજ્યા.  લાચિત બોડ્બરુઆના સૌથી યુવાન પુત્ર હતા જેઓ પ્રતાપ સિંહના શાસનકાળ દરમ્યાન પહેલા બોડ્બરુઆ (આસામના રાજ્યપાલ અને અહોમ સૈન્યના સેનાપતિ) હતા. લાચિતે પિતાના મોભા અને હોદ્દાના લીધે ઉચ્ચ કુટુંબોના બાળકોને મળતી એવી માનવતા, શાસ્ત્રો અને યુદ્ધકળા જેવા વિષયની તાલીમ લીધી હતી. તે જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ તેમની મોટી જવાબદારીઓ વાળા પદ પર નિયુક્તિ થતી ગઈ. સૌપ્રથમ તેમની નિયુક્તિ ધ્વજ-વાહક (સોલધર બરુઆ) તરીકે થઇ હતી જે એક મહત્વાકાંક્ષી રાજનેતા કે રાજકારણી માટે પ્રથમ પગથિયું ગણાતું. ત્યારબાદ તેઓ રાજા ચક્ર-ધ્વજ સિંહની શાહી અશ્વ-શાળાના ઉપરી (ઘોડ બરુઆ) તરીકે નિમાયા. તેઓ આગળ જતાં વ્યૂહાત્મક રીતે અત્યંત અગત્યના એવા સિમુલગઢ કિલ્લાના ઉપરી નિમાયા.  તેઓ શાહી ઘોડેસવાર રક્ષકોના દળના પણ ઉપરી હતા.

સરાઈઘાટના યુદ્ધની પૂર્વ-ભૂમિકા 

મુઘલોને આશરે ૧૬૦૨ની આસપાસ બ્રહ્મપુત્ર ખીણ અને તેની આજુબાજુના વિસ્તારોમાં (હાલનું આસામ) રસ પડવા માંડ્યો અને ઢાકાના નવાબે રાજા પરીક્ષિત નારાયણ શાસિત આસામના પશ્ચિમ છેડે આક્રમણ કર્યું. ત્યારથી લઈને ૧૬૬૦ સુધી મુઘલોએ ૧૭ વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા અને વીર તેમ જ રાષ્ટ્રપ્રેમી આસામી હિન્દુઓએ દરેક વખતે તેમને હરાવ્યા. ૧૬૫૮માં ઔરંગઝેબની દિલ્હીના ગાદીનો વારસદાર નિમાયાના ત્રણ જ વર્ષ બાદ ૧૬૬૧માં, ઔરંગઝેબના આદેશાનુસાર મીર જુમલાએ અહોમની રાજધાની ઘરગાંવ ઉપર આક્રમણ કર્યું અને તે સમયના અહોમ રાજા જયધ્વ્જ સિંહે માત્ર થોડાક દિવસની ધીરજ ગુમાવતાં જીતેલી લડાઈ હારી ગયો અને પરાજયના શોકમાં થોડાક જ દિવસમાં મૃત્યુ પામ્યો. મરણશૈયા ઉપર તેણે તેના અનુગામી ચક્રધ્વજસિંહને "અહોમ દેશની છાતીએ વાગેલો પરાજયના અપમાનનો ભાલો" ખેંચી કાઢી નાખવા હાકલ કરી હતી. આ પરાજયના લીધે પહેલીવાર અહોમ રાજ્યનું શહેર ગૌહાટી મુઘલોના હાથમાં જતું રહ્યું, એટલું જ નહિ, રાજ્યની બે રાજકુમારીઓને ઔરંગઝેબના 'આનંદ-પ્રામોદ' માટે એના જનાન ખાનામાં [જીતેલા રાજ્યોની સ્ત્રીઓને બળજબરીથી રાખવામાં આવતો મહેલ ] મોકલી આપવામાં આવી.

રાજા ચક્ર-ધ્વજે ગૌહાટીને મુઘલો પાસેથી છોડાવવા માટેની યોજના અને યુદ્ધની જવાબદારી લાચિતને સોંપી હતી. ઇ.સ. 1667ના ઉનાળામાં લાચિતે તૈયારીઓ પૂરી કરી લીધી અને સફળ યુદ્ધ બાદ ગૌહાટીને ક્રૂર મુઘલોના પંજામાંથી મુક્ત કરાવ્યું.  રાજાએ તેમને સફળતા બદલ સોનાના હાથાવાળી  'હેન્ગ-ડાન્ગ ' નામની તલવાર અને પારંપરિક આસામી પોશાક ભેટ આપ્યા.

સ્મારકો અને યાદગીરી

1) લાચિત દિવસ

દર વર્ષે ૨૪ નવેમ્બરના રોજ આસામમાં લાચિત શૌર્યને બિરદાવવા રાજ્યવ્યાપી લાચિત દિવસ ઉજવવામાં આવે છે.[૩][૪]

2) લાચિત બોરફૂકન સુવર્ણ ચંદ્રક

National Defense Academy [NDA] એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા અકાદમીમાં આસામ રાજ્ય સરકારના સફળ પ્રયાસ બાદ વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીને લાચિત બોરફૂકન સુવર્ણ-ચંદ્રકથી નવાજવામાં આવે છે.[૫][૬]

3) લાચિત બોરફૂકન મેદાન

લાચિતની યાદગીરીમાં જોરહાટ, આસામમાં લાચિત બોરફૂકન મેદાનનું સન ૧૬૭૨માં અહોમ રાજા ઉદયિત્ય સિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ હયાત છે.

જો ક્યારેક આસામ જાઓ તો આ નીચે જણાવેલ જગ્યા ઉપર જઈને આ દેશના સપૂતને પ્રણામ કરજો. આ એક એવો યોદ્ધો હતો જેના લીધે આજ દિન સુધી આસામમાં હિન્દુઓની વસ્તી છે. બહુ ઓછા એવા રાજ્યો/રજવાડાં છે કે જેમને મુઘલો લાખ પ્રયત્નો છતાં જીતી નહોતાં  શક્યા. આસામ એમાનું એક છે. અને મને અને તમને કોઈએ આ આજ સુધી કીધું જ નહિ, જબરું આપણા દેશનું તંત્ર નહિ!


હુલુંગપારા, જોરહાટમાં લાચિત સ્મારક.

             લાચિત મેદાનમાં લાચિત ભવન.


લાચિત બોરફૂકન સ્મારક, રાષ્ટ્રીય સુરક્ષા અકાદમી, ખડકવાસલા ખાતે

લાચિત બોરકૂકનનું બાવલું, ચર્ચ ફિલ્ડ, તેઝપુર


...જતાં  જતાં  જો તમને વધુ જાણવાંમાં રસ હોય તો આ પ્રસિદ્વ યુ ટ્યૂબર અતુલ મિશ્રા સાહેબનો આ નીચેનો અંક અચૂક સાંભળો.



...છેલ્લે છેલ્લે....આવા જ કોઈક મહાન સપૂતનું નામ કે જે આપણા પુસ્તકોમાંથી કાઢી નંખાયું હોય એવો તમને ખ્યાલ હોય અને તમે ઇચ્છતા હો કે એમના ઉપર પણ કૈંક ગુજરાતીમાં લખાય તો અહીં નીચે ટિપ્પણીમાં મને નામ જણાવવા વિનંતી.

No comments:

Post a Comment

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...