Wednesday, January 9, 2019

હિન્દુ શૂરવીર - હિન્દ કી ચાદર - ગુરૂ તેગ બહાદુર સિંહજી - નવમા શીખ ગુરૂ



દુનિયામાં ગમે તે ઠેકાણે રહેતા હો પણ એક ગુજરાતી [અથવા મરાઠી]  તરીકે તમે 'સ્વાધ્યાય પરિવાર' નું નામ તો સાંભળ્યું જ હશે.૧૯૭૮માં સ્થપાયેલ અને માત્ર ૪૦ વર્ષ 'યુવાન' આ સંસ્થા સમાજોપયોગી માણસો તૈયાર કરે છે. આ પરિવારના  સ્થાપક અને પ્રણેતા એવા સ્વર્ગસ્થ પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે કે જેમને લોકો 'દાદા'ના માનસૂચક નામથી સંબોધે છે એમના મેં ઘણાં પ્રવચનો સાંભળ્યા છે. એમના પ્રવચનો સનાતન સંસ્કૃતિના મૂલ્યોનો ખજાનો છે. આ ખજાનામાંનું એક રત્ન છે 'કૃતજ્ઞતા'. દાદા કેટ કેટલીય વાર ઈશ્વર કે જેણે આપણને આ મહામૂલો માનવ દેહ આપ્યો અને જનમથી મરણ સુધી ચલાવે છે તેના માટે કૃતજ્ઞતા વ્યકત કરે છે અને આપણને પણ કૃતજ્ઞતાનો ગુણ કેળવવા ખૂબ પ્રેરણા આપે છે.

આજે હિંદુઓ અને તેમના માટે શીખોએ  ભૂતકાળમાં આપેલા પરમ બલિદાનોના સંદર્ભમાં કૃતજ્ઞતાની વાત કરવી છે. આપણે સનાતાનીઓએ [હિંદુ/જૈન/પારસી/શીખ] સમાજ તરીકે એમને આપવું જોઈએ એટલું માન તો દૂર પણ આપણે તો એમની શહાદત અને ઉપકારોને ભૂલાવી બેઠા છીએ. આપણા ત્યાં આ 'ગાંધી જયંતી' ને 'ચિલ્ડ્રન ડે' જેવા દિવસો મોટે ઉપાડે ઉજવાય છે. નાના છોકરાઓને ટોપીઓ અને નહેરુ જેકેટ પહેવારીને પરેડ કરાવાય છે. આ ઉજવણીઓનો વિરોધ નથી પણ દરેકે એ હકીકત સ્વીકારવી રહી કે મહાત્મા ગાંધી હોય કે પંડિત જવાહરલાલ નહેરુ હોય, તેમણે દેશ કે ધર્મ માટે પરમ બલિદાન નહોતું આપ્યું.  દેશનું દુર્ભાગ્ય એ છે કે આપણાં ત્યાં પરમ બલિદાનીઓને બહુ સહજતાથી અને સરળતાથી ભૂલાવી દેવાય છે. આજે દેશના કોઈ પણ શહેરમાં કોઈ પણ કોલેજમાં આંખ મીંચીને કોઈ પણ વિદ્યાર્થીને પૂછો કે દેશમાં આજ દિન સુધી કેટલા સૈનિકોને મરણોપરાંત પરમવીર ચક્ર મળ્યા છે અને એમાંના માત્ર એકનું નામ આપો તો મોટે ભાગે વિદ્યાર્થીઓ માથું ખંજવાળતા જોવા મળશે. વાંક એમનોય નથી, આપણા શિક્ષણસ્તરનો છે. હાલના હિંદુ બહુમતી વાળી મોદી સાહેબની ભારત સરકારના શિક્ષણ મંત્રી પ્રકાશ  જાવડેકર વટથી કહે છે કે એમના ૪ વર્ષના કાર્યકાળ દરમ્યાન એકેય પુસ્તકનું પાનું બદલ્યું નથી. કોઈ એને જઈને કો કે ભાઈ એમાં બડાઈ હાંકવા જેવું કાઈ નથી, ઉલટાનું શરમજનક છે. અમને આશા હતી કે આ સરકાર મુઘલોના અત્યાચારની ગાથાઓના પ્રકરણો કાઢીને હિન્દુઓનો અને શીખોનો સંઘર્ષ અને સફળતાનો સકારાત્મક ઈતિહાસ રજૂ કરશે. પણ જવા દો, આ રાજનેતાઓ ના કરે તો કઈ નહિ આપણે નાગરિકો જાતે ટેકનોલોજીની મદદથી આપણો સાચો ઈતિહાસ લોકો સુધી લઇ જઈશું.

એના જ પ્રયાસ રૂપે આજે શીખોના નવમા ગુરૂ તેગ બહાદુર સિંહ જી અને તેમના જીવનની કહાણી લોકો સુધી લાવવા પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે જાણ્યા પછી લોકોના મનમાં તેમના માટે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થશે.

ગુરૂ તેગ બહાદુર સિંહ (૧૬૨૧-૧૬૭૫)




બાળપણ :

શીખોના દસ પૈકીના છઠા ગુરૂ, ગુરૂ હરગોવિંદ અને બીબી નાનકીના ત્યાં અવતરેલ ગુરૂ તેગ બહાદુર તેમના છ સંતાનોમાં સૌથી નાના હતા અને તેમનું બાળપણનું નામ ત્યાગ મલ હતું. તેમનો જન્મ ૧ એપ્રિલ, ૧૬૨૧ના રોજ અમૃતસરમાં થયો હતો. બીબી વીરો, બાબા ગુરદીત્તા, સૂરજ મલ, અની રાય અને અટલ રાય તેમના ભાઈ-બહેનો હતા. અમૃતસર તે કાળમાં [અને આજેય ] શીખ સમૂદાયનું કેન્દ્ર સ્થાન હોવાથી તેમનો ઉછેર શીખ રીત-રસમથી થયો હતો. તેથી જ તેઓએ બાળપણમાં જ તીરંદાજી, ઘોડેસવારી, તલવારબાજીની તાલીમ અને ધાર્મિક શિક્ષણ બાબા બુદ્ધ અને બાબા ગુરદાસ પાસેથી લીધું હતી. ત્યારની પ્રથા પ્રમાણે જ તેમણે પણ વેદો, ઉપનિષદો અને પુરાણોનું અધ્યયન કર્યું. તેઓ ખૂબ લાંબા સમય સુધી એકાંતમાં બેસીને ચિંતન કરતાં.

માત્ર ૧૨ વર્ષની નાની ઉમરે ત્યારના રીવાજો પ્રમાણે તેમના લગ્ન ૩જી ફેબ્રુઆરી ૧૬૩૩માં  લાલ ચંદ અને બિશન કૌરની સુપુત્રી માતા ગુજરી સાથે થયા હતા. તેમણે આજ કાચી ઉંમરે ૧૬૩૪માં મુઘલો સાથે ચાલ્યા આવતાં યુદ્ધોમાં પિતા ગુરૂ હરગોવિંદ સાથે કરતારપુરના યુધ્ધમાં ભાગ લીધો હતો. તેમણે આ યુદ્ધમાં અદમ્ય સાહસ અને વીરતા દેખાડી જેના લીધે તેમના પિતા એ તેમને 'બહાદુર'ની ઉપાધિ આપી. પણ લોહીયાળ યુદ્ધ બાદ તેમણે હિંસા છોડી ત્યાગ અને તપસ્યાનો માર્ગ પકડયો. જયારે પિતા ગુરૂ હરગોવિંદે પાછલા વર્ષોમાં કીરતપુરમાં શેષ જીવન શાંતિથી ગાળવા સ્થળાંતર કર્યું ત્યારે તેઓ અને પત્ની (માતા ગુજરી) સાથે જ આવ્યા હતા. અહીં તેમણે ૯ વર્ષ પોતાના પિતા ગુરૂ હર ગોવિંદજી સાથે ગાળ્યા. ત્યાર બાદ ૧૬૪૦ની આસપાસ, ગુરૂ હરગોવિંદના અંત કાલ નજીક સમગ્ર પરિવાર પૈતૃક ગામ બકાલામાં આવી ગયા હતા. તેઓ અહી પણ ત્યાગ, ધ્યાન અને એકાંતમાં જીવન ગાળતા પણ સાથે સાથે પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવતા. કારણકે તેઓ એક ત્યાગી/તપસ્વી જેવું જીવન ગાળી રહ્યા હતા એટલે તેમના પિતાએ એટલેકે ગુરૂ હરગોવિંદજીએ તેમને પોતાના ઉત્તરાધિકારી નહોતા નીમ્યા પરંતુ ગુરૂ પદ તેમના પૌત્ર એટલે કે હરી રાયને સોંપ્યું હતું. હરી રાય તેમના મોટા ભાઈ, ભાઈ ગુરદીત્તાના પુત્ર હતા. ગુરૂ હરી રાયને ગુરૂ પદ ૧૪ વર્ષની કાચી ઉંમરે ૮ માર્ચ, ૧૬૪૪ના રોજ સોંપવામાં આવ્યું હતું. તેમણે ગુરૂ પદ આશરે ૧૭ વર્ષ સુધી સંભાળ્યું. ગુરૂ હરી રાય બાદ તેમના પુત્ર હર કિશનને માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે ૭ ઓકટોબર ૧૬૬૧૧ના રોજ ગુરૂ નીમવામાં આવ્યા. તેઓનું શીતળાના લીધે ૮માં જન્મદિવસ પહેલા જ ઈ.સ ૧૬૬૪માં દિલ્હીમાં નિધન થયું. તેઓ દસ ગુરુઓ પૈકી સૌથી ટૂંકા ગાળા માટે (૨ વર્ષ, ૫ મહિના અને ૨૪ દિવસ) માટે શીખ સંપ્રદાયના ગુરૂ રહ્યા. તેમણે નાની ઉંમર અને નાદુરસ્ત તબિયત છતાં પોતાના અનુગામી તરીકે કોણ હોવું જોઈએ એ સવાલના ઉત્તરમાં "બાબા બકાલા" એમ જણાવ્યું હતું.

ગુરૂ-ગાદીની  સોંપણી :

આઠમાં ગુરૂ હાર કિશનના અણધાર્યા અને ઓચિંતા નિધન બાદ શીખોના ધાડેધાડાં નવા ગુરુની શોધમાં બકાલા પહોંચવા લાગ્યા. અહીં બકાલામાં એક સોઢી પરિવારના ૨૨ સભ્યો આગલાં ગુરુએ "બાબા બકાલા" એટલે કોણ એ સ્પષ્ટ ના જણાવેલ હોઈ તેનો ફાયદો ઉઠાવીને પોતાને ગુરૂ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું. શીખ સંગત (લોકો) આને લીધે નવા ગુરૂ કોણ એ સ્પષ્ટ ના હોવાથી ઘણી મૂંઝવણ અનુભવવા લાગ્યા. ત્યારે જ એક અદ્ભુત પ્રસંગ બન્યો.

બાબા મખન શાહ લબાના નામે એક ધનાઢ્ય શીખ વેપારી તેના ઘણાં સામાન ભરેલા જહાજો સાથે મધદરિયે તોફાનમાં ફસાયો હતો. એણે મનમાં સંકલ્પ કર્યો કે જો તે સુખરૂપ ઘરે પહોંચી જશે તો ગુરુના ચરણોમાં ૫૦૦ સોનાના સિક્કા ભેટ ધરશે. જયારે તે હેમખેમ પાછો આવી ગયો ત્યારે તેણે બાકીના શીખોની જેમ જ સાચા નવમા ગુરૂ કોણ અને કોના ચરણોમાં ભેટ મૂકવી તે અંગે દુવિધા અનુભવી. પોતાની વેપારી સમજણ પ્રમાણે તેણે સોઢી પરિવારના દરેક ૨૨ સભ્યો કે જે પોતાને ગુરૂ તરીકે ઓળખાવતા હતા તેમના ચરણોમાં ૨-૨ સિક્કા મૂક્યા. તેના આ સિક્કા અર્પણ કર્યા બાદ ત્યાંના એક સ્થાનિક બાળકે તેને કીધું કે બાજુની ગલીમાં એક સજ્જન સાધુ પુરુષ રહે છે. મખન શાહને થયું કે ચાલો એમના પણ દર્શન કરતાં જઈએ અને એમના ચરણોમાં પણ ભેટ મૂકતાં જઈએ. તે ગુરૂ તેગ બહાદુર ના ઘરે પધાર્યો ત્યારે ગુરુજી ધ્યાનમાં મગ્ન હતા. તેને જણાવવામાં આવ્યું કે તેગ બહાદુર  લોકોને બહુ મળતાં નથી.  તેણે ધીરજપૂર્વક તેમની ધ્યાન તપસ્યાના અંત સુધી રાહ જોઈ. ત્યારબાદ જયારે તેણે ૨ સોનાના બે સિક્કા ધર્યા ત્યારે ગુરૂ તેગ બહાદુર હસ્યા અને બોલ્યા, "મને તો એમ ધ્યાનમાં આવ્યું હતું કે તે ૫૦૦ સિક્કાઓનો સંકલ્પ કર્યો છે." આ સંભાળતા જ મખન શાહ ભાવવિભોર અને આનંદવિભોર થઇ ગયો. તે રીતસર છાપરે ચઢીને મોટે મોટેથી "ગુરૂ મળી ગયા, ગુરૂ મળી ગયા" ની જાહેરાત કરવા લાગ્યો. આ પ્રસંગની વાત પ્રસરી અને આમ ગુરૂ તેગ બહાદુરનો શીખોના  નવમા ગુરૂ તરીકે ઓગસ્ટ ૧૬૬૪માં અભિષેક થયો.

ભારત-ભ્રમણ/ પ્રવાસ :

ગુરૂ તેગ બહાદુરે હવે તપસ્યા અને એકાંત છોડીને શીખોના નેતૃત્વની જવાબદારી ઉપાડી લીધી અને ભારતભરમાં પ્રચાર અને પ્રસાર હેતુ પ્રવાસ ચાલુ કર્યા. તેમણે શીખોના જાણીતાં સ્થળો જેવા કે તરણ-તારણ, ખાદુર સાહિબ (અમૃતસર), ગોઈન્દવાલ સાહિબ (નોંધ ૧)  વગેરે સ્થળોની મુલાકાત લીધી. તેમણે આખાય પંજાબ (ભાગલા પહેલાનું જૂનું પંજાબ) નો પ્રવાસ કર્યો. તેઓએ કીરતપુર (નોંધ ૨) કે જે શીખ સમુદાયનું ખૂબ મહત્વનું પવિત્ર અને ધાર્મિક સ્થળ છે તેનો પ્રવાસ કર્યો. અહીં કીરતપુરમાં તેમને સોઢી કુટુંબની ઈર્ષ્યા અને અડચણોના લીધે નવા શહેરનો વિચાર સ્ફૂર્યો જે આગળ જતાં 'ચક નાનકી' શહેરની સ્થાપનામાં પરિણમ્યો.

હરિયાણાની યાત્રા બાદ જયારે ઔરંગઝેબ દિલ્હીમાં હાજર ન હતો તે દરમ્યાન તેમણે દિલ્હીની આજુબાજુના પ્રદેશોમાં લોકસંપર્ક ચાલુ રાખ્યો અને કુરુક્ષેત્ર, આગ્રા, ઇટાવા, પ્રયાગરાજ, મથુરા, વારાણસી,ગયા વગેરે સ્થળોએ પણ પ્રવાસ કર્યો. તેઓ જ્યાં જ્યાં ઉતારો રાખતાં ત્યાં ત્યાં આજે શીખ ગુરુદ્વારાઓ આવેલા છે. તેમણે જ્યાં જ્યાં ઉતારો કર્યો ત્યાં ત્યાં પાણી માટે સામુદાયિક કૂવાઓ તેમજ ગરીબ-ગુરબાં માટે સામુદાયિક લંઘર શરૂ કરાવ્યા. તેમના પ્રવાસોમાં તેમના પત્ની (માતા ગુજરી) અને માતા (માતા નાનકી) સાથે જ હોતાં હતા. તેઓ એપ્રિલ ૧૬૬૫માં રાજા દીપ ચંદના નિધનનો શોક પ્રગટ કરવા અને રાણી ચંપાને સાંત્વના આપવા હિમાચલ પ્રદેશમાં સ્થિત બિલાસપુર પહોંચ્યા. જયારે રાણીએ જાણ્યું કે ગુરૂ ધમતાનને (હાલના હરિયાણામાં) પોતાના નવા શહેર/કેન્દ્ર બનાવવા અંગે વિચારી રહ્યા છે ત્યારે તેમણે માતા નાનકીને વિનંતી કરીને કહ્યું કે ગુરૂને સમજાવે કે અહી બિલાસપુરમાં જ નવા શહેરની સ્થાપના કરે. ગુરુએ રાણીની મફત જમીન આપવાની રજૂઆતનો પ્રેમથી અસ્વીકાર કર્યો અને ૫૦૦ રૂપિયામાં બિલાસપુરની નજીક મહોવાલ ગામની ખંડેર પણ શાંત વિસ્તારમાં જમીન પસંદ કરી. અહીં તેમણે માતાના માનમાં "ચક નાનકી" નામના શહેરની સ્થાપના કરી જે આજે આનંદપુર સાહિબ તરીકે ઓળખાય છે. આનંદપુર સાહિબ આજે શીખોના અત્યંત મહત્વના ધાર્મિક સ્થળોમાનું એક છે.

ત્યાર બાદ તેમણે ભારતના પૂર્વ તરફના વિસ્તારો તરફ પ્રયાણ કર્યું અને પટનામાં અમુક સમય સુધી રોકાણ કર્યું.  માતા ગુજરી ગર્ભવતી હોવાથી તેઓ કુટુંબને પટનામાં ઉતારો આપીને (માતા ગુજરી અને માતા નાનકી) આગળનો પ્રવાસ એકલા ચાલુ રાખ્યો. તેમણે આસામથી લઈને ઢાકા સુધી પ્રથમ શીખ ગુરૂ ગુરૂ નાનકના ઉપદેશોનો ફેલાવો કર્યો. દેશના આ પૂર્વના પ્રદેશોમાં પહેલા ગુરૂ ગુરૂ નાનક બાદના  ગુરૂઓ પધાર્યા નહોતા. સ્થાનિક શીખ સંગત (લોકો)માં ગુરુના આગમનથી ખૂબજ આનંદોલ્લાસ અને ઉત્સવનું વાતાવરણ હતું. અહી જ પૂર્વના વિસ્તારોના પ્રવાસ દરમ્યાન તેમને ડીસેમ્બર ૧૬૬૬માં પુત્ર ગોવિંદ રાયના (નોંધ ૩)  જન્મ શુભ સમાચાર મળ્યા. અહી પૂર્વના વિસ્તારોમાં ગુરુએ ત્રણ વર્ષનો સમય ગાળ્યો અને વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કર્યો. ૧૬૬૮માં બંગાળમાં પ્રવાસ દરમ્યાન ધુબ્રીમાં  (જે હાલમાં આસામમાં છે)(નોંધ ૪)  તેમણે ઔરંગઝેબની મદદથી અહોમ (આસામ) રાજ્ય પર વિશાળ સૈન્ય સાથે ચઢાઈ કરનાર આમેરના (જયપુર નજીક) રાજા રામ સિંહ અને અહોમના રાજા ચક્રધ્વજ વચ્ચે સંધિ કરાવી. ઈ.સ. ૧૬૬૯-૧૬૭૦માં ગુરુએ પાછા પંજાબ તરફનો પ્રવાસ આદર્યો અને રસ્તામાં ફરી પટનામાં રોકાણ કર્યું. અહી તેમણે દીકરા ગોવિંદ રાયને પહેલીવાર પ્રત્યક્ષ નિહાળ્યો કે જયારે તેઓ ચાર વર્ષના થઇ ચૂક્યા હતા. જરાક વિચારી જોઈએ તો ખ્યાલ આવે કે પારિવારિક સુખોનો સમાજ ઉત્થાન માટે આ કેટલો મહાન ત્યાગ. તેમનો છેલ્લો પ્રવાસ ૧૬૭૨ના અરસામાં કાશ્મીર અને North-West Frontier (ત્યારનું વઝીરીસ્તાન કહો કે પશ્તુનિસ્તાન કે જે હાલમાં પાકિસ્તાનનો હિસ્સો છે, નીચેનો નકશો જુઓ.) ના વિસ્તારોમાં હતો. ઔરંગઝેબના શાસનમાં આ વિસ્તારોમાં બિન-મુસલમાનો ( હિંદુઓ અને શીખો) પરનો અત્યાચાર ચરમસીમાએ હતો અને તેથીજ લોકોને ધૈર્ય, હિંમત અને સાંત્વના આપવા ગુરુએ આ પ્રવાસ કર્યો હતો.



નોંધ ૧ : શીખોના ત્રીજા ધર્મ ગુર અમર દાસે આ જગ્યા ગોઈન્દવાલમાં ૩૩ વર્ષનો સમય ગાળ્યો હતો અને ઈ.સ. ૧૫૫૨માં અહીં ગોઈન્દવાલ સાહિબ ગુરુદ્વારાની સ્થાપના કરી હતી.

નોંધ ૨ :  કીરતપુરમાં છઠા ધર્મગુરુ એટલે કે ગુરૂ તેગ બહાદુરના પિતાજી એ "કીરતપુર સાહિબ" ગુરુદ્વારા ૧૬૨૭માં બંધાવડાવ્યું હતું કારણકે આજ સ્થળે પહેલા ગુરૂ નાનકે પ્રવાસ કર્યાનો ઉલ્લેખ છે. આજ સ્થળે સાતમા (ગુરૂ હરી રાય) અને આઠમા (ગુરૂ હાર કિશન)નો જન્મ થયો હતો તેમ જ અહીં જ આ બંને ધર્મગુરુઓને ગુરૂ-ગાદી સોંપાઈ હતી. શીખ સમુદાયના લોકો આજે પણ પોતાના સ્વજનોના અસ્થિ પધરાવવા કીરતપુર જાય છે.

નોંધ ૩ : ગોવિંદ રાય આગળ જતાં શીખોના દસમા ગુરૂ થયા જે પવિત્ર ગ્રંથ "ગુરૂ ગ્રંથ સાહિબ" ને સદાય માટેના ગુરૂ તરીકે સ્વીકારવામાં આવ્યા તે પહેલાંના  છેલ્લા માનવીય ગુરૂ હતા.

નોંધ ૪ : ગુરૂ તેગ બહાદુરની સ્મૃતિમાં બનેલું શ્રી ગુરૂ તેગ બહાદુર સાહિબ ગુરુદ્વારા આજેય ધુબ્રીમાં હયાત છે.


ઔરંગઝેબને પડકાર : 

ગુરુના પ્રવાસો દરમ્યાન દેશમાં ક્રૂર અને ઘાતકી રાજા ઔરંગઝેબના શાસન હેઠળ પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી હતી. અત્રે યાદ રહે કે ઔરંગઝેબ પોતાના પિતાને જેલમાં પૂરી અને બે ભાઈઓને મરાવી નાંખીને દિલ્હીની ગાદીએ બેઠો હતો. તે ખૂબજ ધર્માંધ અને ઝનૂની રાજા હતો. તે ભારતને કોઈ પણ પ્રકારે કાફિર-મુકત (હિંદુ, જૈન અને શીખો મુક્ત) કરવાના સપના જોતો હતો. તેને બીજા ધર્મો માટે રત્તીભર પણ માન કે વિવેક નહોતો. તેના જ આદેશથી હિન્દુઓના દરેક મુખ્ય તીર્થ સ્થાનો જેવા કે કાશી, મથુરા વગેરે જગ્યાના મુખ્ય મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ તેજ મંદિરોના કાટમાળમાંથી મસ્જીદો ચણવામાં આવી હતી. તેનું જીવંત ઉદાહરણ આજેય હયાત એવી જ્ઞાનવાપી મસ્જિદ કે જે કાશી વિશ્વનાથ મહાદેવ તોડીને બનાવવામાં આવ્યું હતું તેમાં જોઈ શકાય છે. નીચેનો ફોટો મંદિરના સ્તંભો ઉપર ચણવામાં આવેલ આ મસ્જિદના ગુમ્બજો સ્પષ્ટ બતાવે છે. [ ૧૬૬૯માં મંદિર તોડીને તેની ઉપર ચણવામાં આવેલી આ મસ્જિદ  ક્યારેક કાશી જાવ ત્યારે જોતા આવજો!]

મંદિરની મૂર્તિઓને તોડીને મસ્જિદોના પગથિયાંઓમાં દાટી દેવામાં આવતી કે જેથી કરીને મુસલમાન દરેક વખતે દાખલ થાય ત્યારે તેના ઉપર પગ મૂકીને જાય. આ ઉપરાંત ઔરંગઝેબે ઘણાંય જુલમી ફરમાન જારી કર્યા હતા. 

  • ૧૬૬૫માં તેણે દિવાળીમાં દીવાઓ પ્રગટાવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. 
  • ૧૬૬૮માં તેણે હિન્દુઓની જાત્રાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. 
  • ૧૬૬૯માં બધાં જ ગવર્નરોને કાફીરોના [હિંદુઓના] બધાં જ ધાર્મિક સંસ્થાનો/શાળાઓ અને મંદિરો તોડી પાડવા હુકમ કર્યો હતો. 
  • ૧૬૭૧માં તેણે એવો હુકમ બહાર પાડ્યો હતો કે માત્ર મુસલમાનો જ અમુક મોકાની જગ્યાઓના માલિક હોઈ શકે અને ઘણાં લોકોની જમીનો પચાવી પાડવામાં આવી હતી.
  • તેણે બધાં જ વાઇસરોયને હિદુ ક્લાર્કો અને નોકરિયાતોને નોકરીમાંથી બરખાસ્ત કરવા આદેશ આપ્યો હતો.
  • ૧૬૭૪માં ગુજરાતમાં હિન્દુઓના ધાર્મિક સ્થળોની જમીનોનો તેણે કબ્જો લઇ લીધો હતો. 

આવા દમન અને ભયના ઓથાર હેઠળ જીવતાં હિન્દુઓની હાલત નબળી જાણી કાશ્મીરમાં ઈફ્તેખાર ખાને ઔરંગઝેબના આદેશથી કાશ્મીરના હિંદુ પંડિતોને ઇસ્લામનો સ્વીકાર અથવા મોત એમ બે વિકલ્પ આપ્યા. કાશ્મીરના પંડિતોની ગણતરી હિંદુ સમાજમાં સૌથી વિદ્વાન અને સન્માનનીય પંડિતોમાં થતી હતી. ઔરંગઝેબની ગણતરી એવી હતી કે જો એમને મજબૂર કરી શકાય તો હિંદુ સમાજનું મનોબળ તૂટી જશે અને પછી સમાજમાં મોટા પાયે ધર્મ-પરિવર્તન કરાવવું સહેલું થઇ જશે. આ કપરી પરિસ્થિતિમાં ૫૦૦ કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિ-મંડળ પંડિત રામ કૃપા દત્તની આગેવાનીમાં ગુરૂ તેગ બહાદુરને મળવા આવ્યું અને તેમની સામે ઉભી થયેલી વિકટ સમસ્યા અંગે વાત કરી. જયારે ગુરૂ અને અન્ય પંડિતો આ ગંભીર વિષય ઉપર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમના ૯ વર્ષના પુત્ર ગોવિંદ રાય કક્ષમાં આવ્યા. નાના હતા પણ છતાય કક્ષનું ઉદ્વિગ્ન અને હતાશ વાતાવરણ તેમણે અનુભવ્યું. તેમણે પિતાને કારણ પૂછ્યું. ગુરુએ ગોવિંદ રાયને કહ્યું,



" જો કોઈ સાધુ માણસ પોતાના જીવનું બલિદાન નહિ આપે તો આ ગરીબ બ્રાહ્મણો અસહિષ્ણુતાની આગમાં હોમાઈ જશે". તો ગોવિંદ રાયે તરત વળતો જવાબ આપ્યો, " પૂજ્ય પિતાજી, તમારા સિવાય કોણ આ કાર્ય કરવા સક્ષમ છે? ગુરૂ તેગ બહાદુર દીકરા ગોવિંદ રાયને ભેટી પડ્યા અને તેઓ હર્ષના આંસુ રોકી ના શક્યા. "મને માત્ર તારા ભવિષ્યની ચિંતા છે, કારણકે તું હજી નાનો છે" - ગુરુએ કીધું.
"મને પ્રભુના ભરોસે છોડી ડો અને તમે મુઘલોનો સામનો કરો" - નાનકડા ગોવિંદે જવાબ આપ્યો. 
[ધન્ય છે આ બાપ અને દીકરાની જોડીને]

ગુરુએ પંડિતોને કહ્યું કે જાઓ ઔરંગઝેબને કહી દે કે જો તે ગુરુનું ધર્મ પરિવર્તન કરાવવામાં સફળ થશે તો કાશ્મીરના પંડિતો પણ ધર્મ-પરિવર્તન સ્વીકારી લેશે. તેમણે પોતાના દીકરા ગોવિંદ રાયને અનુગામી જાહેર કરી, પરિવાર તેમજ લોકોને છેલ્લી વારનું મળીને દિલ્હી જવાની તૈયારી શરૂ કરી. તેઓ મખોવાલ છોડી આગળ વધ્યા અને રોપરમાં તેમની ધરપકડ કરવામાં આવી. તેમની આનાકાની છતાં સાથે તેમના અનુયાયીઓ ભાઈ મતિ દસ, ભાઈ સતિ દસ અને ભાઈ દયાળ દાસ પણ જોડાયા હતા. તેમને બધાને સરહિન્દની જેલમાં ચાર મહિના સુધી કેદ રાખવામાં આવ્યા. ત્યાર બાદ નવેમ્બર ૧૬૭૫માં તેમણે દિલ્હી લઇ જવાયા.

ઔરંગઝેબે તેમને કહ્યું કે લોકો તમને "સચ્ચે પાદશાહ" (સાચો રાજા) તરીકે ઓળખે છે તો તમે તમારી પ્રભુ સાથેની નિકટતા કોઈ ચમત્કાર કરીને સાબિત કરો. ગુરુએ કહ્યું કે,

"ચમત્કારોતો માત્ર ગરીબ લોકોને છેતરવા માટે ઢોંગી બાવાઓ જ કરે. ભગવાનના સાચા ભકતને કોઈ ચમત્કારની જરૂર નથી. મારા માટે પ્રભુ એ એકમાત્ર ધર્મ છે. હું કોઈને ધર્મ બદલવા દબાણ કરતો નથી અને કોઈના દબાણને વશ થતો નથી." 

ઔરંગઝેબે ગુરૂને પાંજરામાં પૂરી દેવાનો હુકમ કર્યો  અને તેમનું મનોબળ તોડવા માટે તેમની આંખ સમક્ષ જ તેમના અનુયાયીઓને અત્યંત જ ઘાતકી રીતે મારી નાંખવાનો હુકમ કર્યો.


ભાઈ મતિ દાસની હત્યા : જીવતા કરવતથી કાપવામાં આવ્યા.














ભાઈ સતિ દાસની હત્યા : રૂ માં લપેટીને જીવતા સળગાવી દેવાયા.





















ભાઈ દયાળ દાસની હત્યા : જીવતા ઉકાળતાં પાણીના ઘડામાં નાખી દેવાયા.



આ લખતાં મારા આંગળા કાંપે છે. બીજાનો ધર્મ બચાવવા આવા પરમ બલિદાનીઓ દુનિયાભરમાં માત્ર અને માત્ર ભારતમાં જ  પેદા થયા છે એ આપણે હંમેશા યાદ રાખવું ઘટે.

આટલું જોયા પછીયે ગુરુએ ડર કે ગુસ્સો કે એવો કોઈ જ પ્રતિભાવ ના આપ્યો. તેમણે પોતાના મનની શાંતિ અને મુખ પરની સ્વસ્થતા જાળવી રાખી અને ધર્મ-પરિવર્તન નહિ સ્વીકારવાની વાત ઉપર અડીખમ રહ્યા. આખરે ઔરંગઝેબે તેમનો ધર્મ બદલાવી ના શકવાની નિષ્ફળતાથી અકળાઈને ૧૧ નવેમ્બર ૧૬૭૫ના રોજ તેમનું જાહેરમાં સર કલમ કરવાનો આદેશ આપ્યો. દિલ્હીના આજના જાણીતા ચાંદની-ચોક વિસ્તારમાં તેમનું ધડ એક ઝાટકે શરીરથી અલગ કરી દેવામાં આવ્યું. ઔરંગઝેબનો ખોફ એવો હતો કે ગુરુનું શરીર અને ધડ કોઈ અંતિમ ક્રિયા માટે ઉઠાવા આગળ ના વધ્યું. રાત્રે તોફાન અને અંધકારની આડમાં એક નીડર શીખ ભાઈ જૈતા સિંહે (કે જીવન સિંહ) ગુરુનું ધડ લીધું અને આનંદપુર સાહિબ સુધી લઇ આવ્યો. બીજો એક શીખ ભાઈ લખી શાહ ગુરુનું શરીર લઇ આવવામાં સફળ થયો પણ તેમનું જાહેરમાં અગ્નિ-સંસ્કાર કરવું અત્યંત જોખમી હોવાથી તેણે પોતાના ઘરે ગુરુનું પાર્થિવ શરીર રાખીને પોતાના જ ઘરને આગ ચાંપી દીધી. આ બાજુ ૧૬ નવેમ્બરે આનંદપુર સાહિબમાં ચંદનના લાકડાંઓની ચિતા ઉપર ગુરુના માત્ર ધડના નાનકડાં ગુરૂ ગોવિંદ રાયના હાથે અને માતા ગુજરીની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સ્મૃતિ : 

  • દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં સ્થિત ગુરુદ્વારા શીશ ગંજ સાહિબ એ જગ્યા છે જ્યાં ગુરુનું ધડ ઉતારીને તેમની હત્યા કરવામાં આવી હતી.
  • દિલ્હીમાં જ ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ એ જગ્યા છે જ્યાં ભાઈ લખી શાહે ગુરુના પાર્થિવ દેહનો પોતાનું ઘર સળગાવીને અંતિમ-સંસ્કાર કર્યા હતા. 
  • પંજાબમાં આજેય દર વર્ષે ૨૪ નવેમ્બર ગુરૂ તેગ બહાદુર શહીદી દિવસ તરીકે મનાવાય છે અને રાજ્યમાં જાહેર રજા હોય છે. 
  • ગુરુના લખેલા ૧૧૬ છંદોનો શ્રી ગુરૂ ગ્રંથ સાહિબમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • શીખ સમાજ તેમને હિન્દ કી ચાદર એટલે કે હિન્દુઓના રક્ષક તરીકે ઓળખે છે.  

આશા રાખું છું કે મારી કૃતજ્ઞતાની વાત અહી બંધ બેસે છે એમ આપ સૌ વાચકો સંમત થશો.

છેલ્લે,
આ નીચેનો વિડીયો સંક્ષિપ્તમાં ગુરુના જીવનનો અને કાર્યોનો ચિતાર આપે છે. મારા અને તમારા જેવા એક જાગૃત ભારતીયે સ્વ-મહેનતે ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે, અચૂક જોજો અને ખાસ કરીને ઘરમાં યોગ્ય ઉમરના બાળકો હોય તો તેમને પણ બતાવજો.


No comments:

Post a Comment

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...