Saturday, July 7, 2018

સ્ત્રીઓ દ્વારા નિર્મિત જાણીતા ભારતીય સ્થાપત્યો

જુદા જુદા ઐતિહાસિક કાળના સ્થાપત્યો ઠેર ઠેર આપણાં દેશમાં ચારે બાજુ ફેલાયેલા જોવા મળે છે. દેશનું ગમે તે રાજ્ય કે ગમે તે ખૂણો પકડો તમને કોઈક ભવ્ય સ્થાપત્ય જોવા મળશે જ. આ સ્થાપત્યો આપણા ગૌરવવંતા અને સમૃદ્ધ ઇતિહાસની જીવંત સાક્ષી પૂરે છે.

પણ હું તમને એમ પૂછું કે આમાંના કેટલા સ્થાપત્યો સ્ત્રીઓએ બનાવડાવ્યા હતા? જો સ્થાપત્યકળામાં ઋચિ હશે તો તમે ચોક્કસ જાણતા હશો, પણ મોટે ભાગે લોકો 'સ્ત્રી' અને 'સ્થાપત્ય' બે શબ્દનો ભેગો ઉલ્લેખ થાય એટલે પહેલું તાજ મહેલનું જ નામ લે. પણ વાત સ્ત્રીઓ માટે કે સ્ત્રીઓની યાદમાં બનાવાયેલા સ્મારકો કે બાંધકામો અંગે નથી!  સ્ત્રીઓ 'દ્વારા' બનાવડાવ્યામાં આવ્યા હોય એવા જાણીતા સ્થાપત્યોની વાત છે. આમ તો યાદી લાંબી છે પણ આપણે દેશના ચાર ખૂણાઓમાંના ચાર સ્થાપત્યોની વાત કરશું. અને જો તમને લાગે કે આ જાણીતા નથી તો અવશ્ય જોવા જજો, લોકોને કહેજો અને આ લેખ મિત્રો સુધી પહોંચાડજો એટલે જાણીતા થઇ જશે!! આપણી ધરોહર અને વિરાસત જાણીતી થવી જ જોઈએને!


















૧) મહારાણી મંદિર, ગુલમર્ગ (ઉત્તર)
કાશ્મીર ઘાટીમાં ગુલમર્ગ શહેરની વચ્ચોવચ એક નાના ટેકરા પર આવેલું મહારાણી શંકર મંદિર નાનું પણ સુંદર મંદિર છે. તે રાણીજી મંદિર તરીકે પ્રચલિત છે. એનું અધિકૃત નામ શ્રી મોહિનીશ્વર શિવાલય છે. આ મંદિર ૧૯૧૫માં મહારાણી મોહિની બાઈ સિસોદિયા કે જે ત્યારના મહારાજા રાજા હરી સિંહના પત્ની હતા તેમના દ્વારા બનાવડાવામાં આવ્યું હતું. તેઓ શ્રી મહારાણા મોહન દેવ સિસોદિયાના પુત્રી હતા. તેમની અટક પરથી ખ્યાલ આવે છે કે તેઓ રાજપૂતોની શાન સમા મેવાડના હતા. એ પણ ખ્યાલ આવે છે કે તેમણે તેમની પૈતૃક અટક જાળવી રાખી હતી. મંદિરનું અધિકૃત નામ તેમના નામ પરથી જ પાડવામાં આવ્યું હતું.

થોડાક જ પગથિયાં ચઢીને મંદિર પહોંચો ત્યાં તમને પૃષ્ઠ-ભૂમિમાં નયનરમ્ય બરફાચ્છાદિત શિખરો સાથેનું સુંદર મંદિર જોવા મળશે. મંદિર નાનું છે પણ આવા વિષમ વાતાવરણમાં અને કાશ્મીરના પાંખી વસ્તીવાળા આ વિસ્તાર માટે આ પૂરતું છે. વળી એ પણ ધ્યાનમાં રહે કે આ ત્યારે બનાવવામાં આવ્યું હતું જયારે રાજ-રજવાડાઓની સત્તા બ્રિટીશરોને આધીન હતી અને તેમનો સુવર્ણકાળ અસ્ત પામી ચૂક્યો હતો...



૨) વિરૂપાક્ષ અને મલ્લિકાર્જુન મંદિર,પત્તદ્કલ,કર્ણાટક (દક્ષિણ)

 પત્તદ્કલને ભારતીય મંદિર સ્થાપત્યની પ્રયોગશાળા મનાય છે. કર્ણાટકના લગભગ મધ્યમાં આવેલા આ સ્થાને ઉતર ભારતીય નગર શૈલી અને દક્ષિણ ભારતના દ્રવિડ શૈલી એમ બંને પ્રકારના મંદિરો આવેલા છે. પત્તદ્કલ એક સમૂહ છે કે જેમાંના મોટા ભાગના મંદિરો સાતમી અને નવમી સદીની વચ્ચે ચાલુક્ય વંશના રાજાઓએ બનાવ્યા હતા. પણ મલ્લિકાર્જુન મંદિર અને વિરૂપાક્ષ મંદિર રાજા વિક્રમાદિત્ય બીજાની રાણીઓએ બનાવડાવ્યા હતા.

રાણી લોકમાદેવીએ વિરૂપાક્ષ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવ્યું હતું. એમ મનાય છે કે આ મંદિર કાંચીપુરમના કૈલાસનાથ મંદિર ઉપરથી પ્રેરણા લઈને બનાવાયું હતું. અને આજ મંદિરની પ્રેરણાથી ઇલોરાનું  કૈલાસ મંદિર બનવવામાં આવ્યું હતું. આ મંદિરને રાણીની યાદમાં 'લોકેશ્વર' મંદિર તરીકે પણ ઓળખે છે.

મલ્લિકાર્જુન મંદિર રાણી ત્રિલોકમાદેવીએ બનાવડાવ્યું હતું. તે લગભગ વિરૂપાક્ષ મંદિર જેવું જ છે પણ થોડુંક નાનું છે.
બંને રાણીઓએ હકીકતમાં રાજા વિક્રમાદિત્યના કાંચીપુરમના પલ્લવો ઉપરના વિજયની યાદગીરી તરીકે આ મંદિરો બનાવ્યા હતા. પત્તદ્કલ એક યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સ્થળ છે.



3) દક્ષિણેશ્વર કાળી મંદિર (પૂર્વ) 

ઇસ ૧૮૫૫માં રાણી રાસમણી નિર્મિત કલકત્તા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાળી માતાનું મંદિર હુગલી નદીના કાંઠે આવેલું છે. આ 'ભવતારિણી' માતાકે જે સંસારના ભવસાગરમાંથી જીવોને તારવે એવા કાળી માતાનું મંદિર છે.પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદના ગુરૂજી એવા શ્રી રામકૃષ્ણ પરમહંસનો આ મંદિર જોડે નાતો છે.

આ ખૂબ જ વિશાળ મંદિર સંકુલ છે કે જેમાં મુખ્ય મંદિર ઉપરાંત વિશાળ મધ્ય-ચોક, ચારે તરફ ઘણાં ઓરડા, શિવજીને સમર્પિત ૧૨ નાના મંદિરો, રાધા-કૃષ્ણ મંદિર, સ્નાન-ઘાટ અને રાણી રાસમણીને સમર્પિત દેરી પણ આવેલ છે.

રાણી રાસમણી મહીશ્ય જાતિના હતા અને જાણ બજારના જમીનદાર હતા. તેઓ પોતાની દાનવૃતિ અને કૃપાળુ સ્વભાવ માટે જાણીતા હતા. સન ૧૮૪૭માં તેઓ માતાના દર્શન માટે હિન્દુઓના પવિત્ર એવા કાશીની જાત્રા માટે તૈયારી કરી ચૂક્યા હતા. તેઓ ૨૪ હોડીઓમાં સામાન, સગાં-વ્હાલાં, સેવકો અને સાધનો સાથે જવા તૈયાર હતા. લોકવાયકા પ્રમાણે સફરની આગલી રાત્રે જ તેમને માતાએ સ્વપનમાં દર્શન દીધા અને માતાએ તેમને કીધું કે

"કાશી સુધી જવાની જરૂર નથી, અહીં જ ગંગાના કિનારે મારું સુંદર મંદિર બનાવ અને હું અહી જ બિરાજમાન થઈશ અને તારી ભક્તિ સ્વીકારીશ."
  આ સાંભળીને રાણી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે તરત જ દક્ષિણેશ્વર ગામમાં ૨૫ એકરની જગ્યા લીધી. સન ૧૮૪૭થી ૧૮૫૫ સુધી ૯ વર્ષ સુધી કામ ચાલ્યું અને તે સમયના ૯,૦૦,૦૦૦ ના ખર્ચે મંદિર સંપન્ન થયું.  બંગાળની પરમ્પરાગત પધ્ધત પ્રમાણે 'નવ-રત્ન' અથવા તો નવ-શિખર વાસ્તુકળામાં બનાવાયેલ આ મંદિર ત્રણ માળ ઊંચું અને દક્ષિણ-મુખી છે. મુખ્ય મંદિર ૩૦ મીટર અથવા તો ૧૦૦ ફૂટ ઊંચું છે. શિવજીના ૧૨ નાના મંદિરો પૂર્વ-મુખી છે અને હુગલી નદીના ઘાટની બંને બાજુએ સ્થિત છે.  રાધા-કૃષ્ણ મંદિર મુખ્ય મંદિરની ઇશાન બાજુએ આવેલું છે. જ્યેષ્ઠ મહિનાની પૂનમ એટલેકે એ 'સ્નાન યાત્રા'ના પવિત્ર એવા ૩૧મી મે ૧૮૫૫ના દિવસે મંદિરમાં માતાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. પૂરા ૧ લાખ બ્રાહ્મણો દેશભરમાંથી પ્રાણપ્રતિષ્ઠા કરવા આવ્યા હતા.  રામકુમાર ચટ્ટોપાધ્યાય આ નવા શ્રી શ્રી જગદીશ્વરી મહાકાળી મંદિરના મુખ્ય પૂજારી નિમાયા. થોડાક જ વખતમાં તેમના નાના ભાઈ ગદાઈ કે ગદાધર પણ તેમની સાથે જોડાયા કે જે પાછળથી રામકૃષ્ણ પરમહંસ તરીકે ખ્યાતનામ થયા. મંદિરના ઉદઘાટનના વર્ષ બાદ જ રામકુમારનું અવસાન થતાં રામકૃષ્ણ અને તેમના પત્ની શારદા દેવીના હાથમાં સંચાલન સોંપવામાં આવ્યું.


સન ૧૮૫૬થી લઈને છેક ૧૮૮૬ સુધીના ૩૦ વર્ષોમાં રામકૃષ્ણજીના અથાગ પ્રયત્નો અને વિદ્વતાના લીધે જ આ મંદિર જાણીતું થયું અને દેશભરમાંથી લોકોને આકર્ષતું થયું.

મંદિરના શરૂ થયાના ૫ વર્ષ અને૯ મહિના બાદ જ રાણી રાસમણી ૧૮૬૧માં ગંભીર માંદગી બાદ અવસાન પામ્યા.

૪) રાણીની વાવ, પાટણ, ગુજરાત (પશ્ચિમ)
અમદાવાદથી આશરે ૧૪૦ કિમી ઇશાન દિશામાં સ્થિત અણહિલવાડ પાટણએ સોલંકી વંશની ગાદી (રાજધાની) હતી. સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાંની યાદમાં ૧૧મી સદીના અંત સમયમાં રાણી ઉદયમતી નિર્મિત અને ખૂબ સુંદર શિલ્પોથી અલંકૃત એવી રાણીની વાવ એ નિસંદેહ ગુજરાતનું આભૂષણ છે. આમ તો ગુજરાતના આ વિસ્તારમાં ઘણી બધી ઐતિહાસિક વાવ બાંધવામાં આવેલ છે પણ તેમાંથી કોઈ રાણીની વાવની તોલે ના આવે. આ વિશાળ વાવ સંકુલને ૨૦૧૪માં "યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ"  સ્થળ તરીકેની માન્યતા મળી છે. આ સ્થળની ખાસિયત એ છે કે તેની પાછળ માત્ર રાજાની યાદમાં સ્મારક બનાવવાનો હેતુ નહોતો પણ મુખ્યત્વે રાજ્ય/સમાજ કલ્યાણનો ઉમદા ભાવ હતો. ગુજરાતના સૂકા પ્રદેશો અને ત્યાં પાણીની અછત કોઈ નવી વાત નથી. તેથી આ વાવ સ્મારક હોવા ઉપરાંત સ્થાનિક લોકો માટે પાણી સંગ્રહ કરતું સુંદર સ્થાપત્ય છે. આ આખી વાવ જમીનની સપાટીથી નીચે છે. ટીકીટ લઈને સંકુલમાં દાખલ થાઓ તો સુંદર અને જાળવવામાં આવતા બગીચાની વચ્ચેથી નીચે ઉતારવાના પગથિયા સાથેની તમને મોટી વાવ જોવા મળશે. અને અંદર ઘણાં બધાં 'માળ' છે, સામાન્ય રીતે આપણે માળ જમીનથી ઉપર બાંધેલા મકાનોમાં જોઈએ છીએ. જેમ જેમ અંદર ઉતરતા જાઓ તેમ તેમ વધુને વધુ બારીક અને અદભુત શિલ્પો તમને જોવા મળે.પથ્થરોમાં કંડારાયેલી ભારતીય સભ્યતાની ચીર-સ્મરણીય વાતો તમને મંત્ર-મુગ્ધ કરી દેશે.સૌથી વધુ તમને ભગવાન વિષ્ણુના દશાવતાર અને સ્ત્રીઓના ૧૬ શણગાર સાથે જોડાયેલા શિલ્પો જોવા મળશે. એક રાણી દ્વારા નિર્મિત હોવાથી ૧૬ શણગારના શિલ્પનું કારણ સમજાય છે. ભગવાન વિષ્ણુનું શેષ શૈયા પરનું પ્રચલિત સ્વરૂપ પણ તમને અહી કંડારેલું જોવા મળશે. તે ઉપરાંત અમુક નાગ-કન્યાઓના પણ સુંદર શિલ્પ છે.


લેખ ગમે તો બીજાઓ જોડે વહેંચજો!!!

No comments:

Post a Comment

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...