Saturday, January 13, 2018

હિન્દુ શૂરવીર - ચંદ્રશેખર આઝાદ!

અમેરિકામાં રહીને બાળકને ગુજરાતી કક્કો શીખવાડતાં 'ઝ' સુધી પહોચ્યો. આમ તો ઝ થી ઝભલું ને ઝ થી ઝાડ. એ તો શીખવ્યું પણ ઝ થી 'આઝાદ' તો આવનારી પેઢીને શીખવવું જ પડે. ભલે પછી તેઓ અહીં તેમના વતન અમેરિકામાં મોટા થાયને રહે. ભલેને હજી નાના રહ્યા, વાંચી ના શકે પણ એમને વાતો કહી તો શકાય અને કહેવી જ જોઈએ.

ચંદ્રશેખર આઝાદ માટે નાનપણથી જ માન હતું. એમના નાના-મોટા ઘણાં પ્રસંગો વાંચ્યા છે પણ અમુક સ્મૃતિ-પટ પર જડાઈ જાય. નીચેના પ્રસંગ એમાંના જ  છે.

'ગીતા અને પિસ્તોલ' 
દેશની મુક્તિ કાજે મલકાતે મુખડે શહાદત વહોરી લેનાર ચંદ્રશેખર આઝાદ પોતાની પાસે હંમેશા લાલ વસ્ત્રમાં બાંધેલી 'ગીતા' રાખતા. ગીતા જાણે તેમના જીવનનું એક અનિવાર્ય અંગ બની ગઈ હતી! 'ગીતા' તેમની પાસે ના હોય એવું ક્યારેય બન્યું નહોતું. એકવાર તેમનો જૂનો મિત્ર તેમને મળવા આવ્યો. તેણે આઝાદને કહ્યું, "આઝાદ, તને એક પ્રશ્ન પૂછું?"

'જરૂર પૂછ !"

"તું હંમેશા એક હાથમાં પિસ્તોલ રાખે છે અને બીજા હાથમાં ગીતા રાખે છે. આમ ગીતા અને પિસ્તોલ બંને સાથે રખાય ખરા?"

'કેમ ન રખાય?'

મિત્રે કહ્યું, " જો, ગીતા તો પ્રાણ-રક્ષક છે, જીવનને સાત્વિક બનાવવા ગીતા પોતાની પાસે રાખી તેનું પઠન કરવું જોઈએ એ વાત માનું છું. પણ આ પ્રાણ-રક્ષક ગીતાની સાથે પ્રાણ-ઘાતક પિસ્તોલ રાખી શકાય ખરી?"

આનો તરત જ જવાબ આપતાં પોતાના આ મુસ્લિમ મિત્રને કહ્યું, " 'ગીતા' અને 'પિસ્તોલ' એ બંનેને સાથે રાખવામાં કશો જ વાંધો નથી. તું આ વિશે જે માને છે તે ભૂલભરેલું છે. આ બંનેમાંથી એકેય પ્રાણ-ઘાતક નથી બલકે પ્રાણ-રક્ષક જ છે."

એ મિત્ર પૂરા ધ્યાનથી મૌન રહીને આઝાદને સાંભળી રહ્યો હતો કેમકે તેને આઝાદના બોલવામાં વચ્ચે બોલીને વિક્ષેપ પાડવાની ઈચ્છા નહોતી.

આઝાદે પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, :' મિત્ર, ગીતા તો મારો એક પ્રેરણાસ્ત્રોત છે, જે બતાવે છે કે આતતાયીઓને "નહીં" મારવા એ પાપ છે. અંગ્રેજો ભારત માટે આતતાયીઓ છે અને આતાતાયીઓના અત્યાચારોને સહન કરવા એ ગીતાના આદેશની અવહેલના કરવા સિવાય બીજું કશું ગણાય નહિ.

આતતાયીઓના સંહાર માટે તો ખુદ ભગવાન પણ અવતાર લેતા હોય છે! વળી આ સાથે તું એક બીજી વાત પણ સાંભળી લે! ગીતા કર્મનો સંદેશ આપે છે અને પિસ્તોલથી હું ગીતાએ બતાવેલ મારું કર્મ આચરું છું. આમ પિસ્તોલ હું આતતાયીઓના સંહાર માટે રાખું છું, તેમાં ગીતાની કોઈ અવહેલના થતી નથી.'


આઝાદની આ વાત સાંભળી પેલો મુસ્લિમ મિત્ર આઝાદનો સદાનો સાથીદાર બની ગયો અને એ ઉપરાંત 'ગીતા'નો ભકત પણ!



અહેસાનનો બદલો 



ક્રાંતિકારી ચંદ્રશેખર 'આઝાદ' ફરારીનું જીવન ગુજારી રહ્યા હતા. સરકારે એમને પકડી લાવનારને પૂરા પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

એક તોફાની રાતે 'આઝાદ' લાચારીથી કોઈ એક વિધવાને તેના ત્યાં આશ્રય આપવા માટે વિનવી રહ્યા હતા. વિધવાએ પ્રથમ તો તેમને કોઈ ડાકુ ધારી લીધા, પણ આઝાદે જયારે પોતાનો પરિચય આપ્યો ત્યારે વિધવા તેમને આશીર્વાદ આપવા લાગી.

તેણે ભૂખ્યા આઝાદને ભોજન કરાવ્યું.

આ દરમ્યાન આઝાદને જાણવા મળ્યું કે વિધવાને એક લાગ્નોન્મુખ યુવાન પુત્રી છે પણ દહેજના અભાવને કારણે તેનું લગ્ન થઇ શકતું નથી. આઝાદને એક ઉપાય સૂઝી આવ્યો.

તેમણે વિધવાને કહ્યું, " મા, તમે મને આશ્રય આપ્યો તે ઉપકાર હું ભૂલી નહિ શકું. આ ઉપકારનું ઋણ મારે ચૂકવવું જ પડે. હું એક એવો ઉપાય બતાવું છું કે જેનાથી તમારી પુત્રીની સમસ્યા હલ થશે અને તેના લગ્ન લેવાઈ શકશે."

પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં આઝાદે કહ્યું, : ' મા, સરકારે મારી ધરપકડ માટે રૂપિયા પાંચ હજારના ઈનામની જાહેરાત કરી છે. તમે કાલે સવાર પડતાં જ મને પોલીસને હવાલે કરી દો. તમને ઇનામની રકમ મળી જશે અને દીકરીના લગ્નની સમસ્યા હલ થઇ જશે.'

આ સાંભળીને વિધવા રડી પડી. તે બોલી : 'બેટા, પાંચ હજાર તો શું, પાંચ લાખ આપે તોય તને પોલીસને હવાલે કરીશ નહિ.'

સવારે જાગીને વિધવાએ જોયું તો 'આઝાદ'નો ખાટલો ખાલી હતો પણ હા, ખાટલા પર રૂપિયાનો એક ઢગલો પડ્યો હતો. અને સાથે એક ચિઠ્ઠી!

કાગળમાં લખ્યું હતું, 'મા, મારી બહેનને આ પાંચ હજાર રૂપિયાથી સુંદર લગ્નજીવન પ્રાપ્ત થઇ શકશે. શું એક ભાઈ તેની બહેન માટે આટલું ના કરી શકે?'

નમન છે એ માને જેણે પોતાની કૂખે-જણેલી દીકરીના સુખી-સંસાર કરતાં પારકા દીકરાનો જીવ ક્યાંય ઉંચો ગણ્યો અને નમન છે એ 'આઝાદ'ને કે જેના વિચારો આવતી કઈ કેટલીય પેઢીઓને પોત-પોતાના દેશને આબાદ અને 'આઝાદ' રાખવા માટે પ્રેરણા આપતાં રહેશે.

જય હિન્દ.
દેશ-દાઝ.

No comments:

Post a Comment

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...