સ્વદેશની શોભા

૧૯મી સદીમાં થઇ ગયેલ એક જાણીતા લેખક દેવેન્દ્રકુમાર પંડિત(કે જેમના વિષે ઈન્ટરનેટ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી)ની લખેલ આ વાર્તા રજૂ કરું છું.(અમુક નજીવા સુધારા-વધારા કર્યા છે.)

બીજા વિશ્વ-યુદ્ધની જ્વાળા વિશ્વને ભરખી રહી હતી. ઇટલી-જાપાન અને જર્મનીના સયુંકત બળે આ વિશ્વ-યુધ્ધમાં વધારો કર્યો હતો. જાપાની વિમાનોએ રંગૂન પર બોમ્બમારો શરૂ કર્યો. ચોમેર નાસંનાસી અને ભાગંભાગી મચી પડી. જાન ને માલ બચાવવા રંગૂનમાં વસતા વિદેશીઓ ભાગવા માંડ્યા. સૌરાષ્ટ્રના ઘણાં વેપારીઓ રંગૂનમાં વસે. તેમણે આ બોમ્બમારો અને વિશ્વ-યુદ્ધની ચાલ પારખીને બર્મા છોડવા માંડ્યું. જેને જે વાહન જેટલું ધન ખર્ચતા મળ્યું તે લઇ રંગૂન છોડવા માંડ્યા. આ નાસભાગ કરનારાઓમાં સૌરાષ્ટ્રવાસી એક શેઠ પણ દસેક લાખ રૂપિયાની મૂડી લઇ એક એરોપ્લેનમાં સૌરાષ્ટ્ર ચાલ્યા આવ્યા.
Map of State of Gujarat,India
રંગૂનમાં એમને ઘર તથા દુકાન, અને સૌરાષ્ટ્રનો જ વતની કાંતિલાલ નામે મુનીમ. દુકાનમાં કંઇક માલ ખરો. શેઠ-શેઠાણી ગયા ત્યારે કાંતિલાલને વાત કરી ન હતી. એટલે નિયમ પ્રમાણે કાંતિલાલ જેવો ઘેર આવ્યો ત્યારે ઘરનાં કમાડ ઉઘાડાં દીઠાં. તેને વાવડ મળ્યાં કે શેઠ-શેઠાણી બધી માલમત્તા લઈને કલકત્તા વાટે સૌરાષ્ટ્ર જતાં રહ્યાં છે.

કાંતિલાલે ન જાણ્યું કે શેઠ જાણીજોઈને એને અહીં એકલો મૂકીને જતાં રહ્યાં છે. પણ એના દિલમાં તો વસી વફાદારીની વાત. 

તરત એ દુકાને આવ્યો. દુકાનમાં કંઇક માલ પણ પડ્યો હતો. ઉપરથી બોમ્બમારો અને જમીનમાર્ગે યુદ્ધની સંભાવના વધી રહી હતી. એટલે જેમ બને તેમ જલ્દી કાંતિલાલે નિર્ણય લેવાનો હતો. એણે શેઠનું મકાન તથા દુકાનનો માલ વેચી નાખવાનું નક્કી કર્યું ને મહામુસીબતે ગ્રાહક ગોતી, દુકાન ને માલ વેચી તેના એક લાખ કલદાર ઉપજાવી લીધા.

એ અરસામાં ટ્રેનવ્યવહાર બિલકુલ નહોતો. એટલે ઘણું જ દુઃખ વેઠી, જંગલોમાં પગે ચાલી વતન જવા નીકળ્યો. માર્ગમાં હિંસક અને ઝેરી જાનવરોનો ત્રાસ તો હતો જ. એ ઉપરાંત ઝેરી મનોવૃત્તિવાળા લુંટારાની દેહેશત પણ માથા પર તલવારની માફક તોળાયેલી હતી. આ બધાથી સાવચેત રહી બચતાં બચતાં કાંતિલાલ એ વિકટ વાટ કાપી કલકત્તા પહોંચ્યો. ત્યાંથી ટ્રેન મારફતે એ સૌરાષ્ટ્ર પોતાને ગામ પહોંચ્યો. ઘેર વૃદ્ધ માં-બાપ, પત્નીને બાળકો કાંતિલાલને ઘણે દિવસે આવેલ જોઈ પ્રસન્ન થયા.

ઘરની આર્થિક હાલત તંગ હતી, છતાં શેઠની એક લાખની મત્તામાંથી એક પાઈ લેવા પણ એનું દિલ ન લલચાયું. 
 માબાપને કહ્યું : મારી પાસે શેઠની આટલી મિલકત છે તે તેમને જલ્દી જઈને સોંપી આવું પછી મારા કાળજાંને શાંતિ થાય.

એટલે એક ક્ષણ પણ ઘેર ના રોકાતાં વળતી જ પળે શેઠને ગામ જવા નીકળ્યો. એક રાતની મુસાફરી કરી બીજે દિવસે તે શેઠને ત્યાં પહોંચ્યો.

શ્રીમંતો ને સત્તાધીશોને એમ ને એમ મળાતું નથી. એટલે કાંતિલાલે બહાર બેસી, દીવાનખાનામાં નોકર દ્વારા પોતાના આગમનની જાણ કરાવડાવી. શેઠે કાંતિલાલ ઘેર આવ્યો જાણી વિચાર્યું કે, ' નક્કી વખાનો માર્યો રંગૂનથી ભાગી મદદ માટે અહીં આવ્યો લાગે છે.'  એટલે સમાચાર મળ્યા છતાં શેઠ તેને તરત મળવા ના ગયા. અડધો કલાક રાહ જોવડાવી શેઠ તેની પાસે આવ્યા.

ક્ષેમકુશળતા કે બીજા સમાચાર પૂછવાનેબદલે કહ્યું,

 " કેમ આવ્યો, કાંતિ?"

"તમારું તમને આપવા"

શેઠના અપમાનજનક અને શુષ્ક આવકાર સામે પણ કાંતિલાલે શાંતિથી કહ્યું.

"મારું શું?"

કાંતિલાલે રૂપિયા એક લાખ થેલીમાંથી ઠાલવીને શેઠને આપતાં કહ્યું.

"તમે રંગૂન છોડીને ચાલ્યા આવ્યા, પણ તમારા ચાકર તરીકે મારી ફરજ  આપની માલમિલકતની રખેવાળીની હતી. એટલે મેં આપની દુકાનનો માલ તથા મકાન વેચી આ રકમ ઉપજાવી છે તે સ્વીકારી લો અને આ એક લાખ રૂપિયા ગણી લો."

શેઠ એક લાખ રૂપિયાની થપ્પી જોઈ આનંદમાં ગરકાવ થઇ ગયા ને જેવા ગણવા માંડ્યા એજ ક્ષણે કાંતિલાલ ઘર છોડી ચાલ્યો ગયો હતો.

આવા નિષ્ઠાવાન દેવપુરુષો જ આ દેશની શોભા અને સાચી સંપત્તિ છે.ઊંચાં  મકાનો અને મોટરો ને ધનથી  દેશની શોભામાં અભિવૃદ્ધિ થતી નથી. 

જય જય ગરવી ગુજરાત.
જય  હિન્દ
જય શ્રી રામ

Comments

Popular posts from this blog

Sagarika Ghose Calls Lord Ram a divine encroacher

Anandabai Gopal Joshi....A forgotten Indian icon

હનુમાન જયંતી