Saturday, April 15, 2017

હનુમાન જયંતી

હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે બધાં એ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી ઉજવી. આમ તો આ પોસ્ટ અગાઉથી લખવાની ઇચ્છા હતી પણ હશે, મોડું તો મોડું, લખીને વહેંચાય એટલે ઘણું.



આમ તો વૈષ્ણવ વાણિયા હોવાથી ઘરમાં પહેલેથી જ પુષ્ટિમાર્ગની રીત પ્રમાણે કૃષ્ણભક્તિ જોઈ અને જાણી છે. પણ નાનપણમાં અમુક પ્રસગો એવા બન્યા કે કુદરતી રીતે હનુમાનજી માટે આસ્થા થઇ. સૌથી પહેલું કારણ તે રામાનંદ સાગર રચિત રામાયણ કે જે અમારી પેઢીના દરેક બાળકે હોંશે હોંશે દર રવિવારની સવારે નાહી,ધોઈને પરવારીને ટીવી સામે સમૂહમાં ગોઠવાઈને દૂરદર્શન પર જોયું.એ તો જાણે આપણા સ્મરણપટ પર એવું જડાઈ ગયું છે કે જેમ શિલા પર કોતરેલો કોઈ લેખ. સાગરના મોજાં રૂપી કાળ કે નસીબની ગમે તેવી થપાટો તેને ભૂંસી ના શકે. એમાં સૌથી મજાની વાત એ છે કે Internet/Youtube ના આ જમાનામાં આ ટીવી શ્રેણીઓ ફરી ફરીને જોઈ શકાય છે. અને તે પણ નિશુલ્ક! ભગવાન રામાનંદ સાગર અને ઈન્ટરનેટની શોધમાં સહભાગી થયેલ દરેક જીવનું ભલું કરે.

બીજું કારણ તે સ્કૂલના ખાટા-મીઠાં અનુભવો. પિતાજીની મુંબઈ બદલી થઇ હોવાથી ત્યાં ભારત-ભરની મિશ્ર-પ્રજા જોડે રહેવા-ઉછરવાનો મોકો મળ્યો. ત્યારે ખ્યાલ આવી ગયેલો કે દાળ-ભાતીયાં અને ભીરુ ગુજરાતી વૈષ્ણવ બાળકો રમત-ગમતના મેદાનમાં ઠાકોર, દરબાર, રાજપૂત કે શીખ કે બિહાર/ઉત્તર પ્રદેશના ભૈય્યાઓના બાળકોનો મુકાબલો ના કરી શકે. અમુક "Bully kids" સામે અમે બિલ્લી kids  હતા એવું મને લાગતું. બધાં જ વૈષ્ણવ સરખાં હોય છે એવું કહેવાનો આશય નથી પણ મને તો એવું જણાયું હતું કે હું ને મારા પિતરાઈ ભાઈ-બહેનો આમાં 'ફીટ' નથી થતા. શારીરિક ક્ષમતાની ઊણપ બહુ કઠતી એટલે પછીદરેક હિન્દુના પહેલા (& All time favorite) એવા Superman Character હનુમાનજી જ યાદ આવે ને!

ત્રીજું તે દર-વર્ષે કાળી-ચૌદશના દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ શાહીબાગ નજીક કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા 'કેમ્પ'ના હનુમાનના દર્શન.ચોથું, દર શનિવારે મળતો પ્રિય નાળીયેરનો પ્રસાદ. બીજાંય કારણ હશે જેમ કે હિન્દી ચલચિત્રોમાં જોયેલું કે શક્તિ મેળવવા હનુમાનજીની ઉપાસના વગેરે. એટલે આમ ધીમે ધીમે કૃષ્ણભક્તિ સાથે સાથે હનુમાનભક્તિ શરૂ થઇ.

સ્વાભાવિક રીતે હનુમાન-ચાલીસાથી શરૂઆત થઇ. શરૂઆતમાં તો મમ્મી-પપ્પાએ ગોખાવેલું આખુંય પોપટની જેમ બોલી જતો. આજની તારીખેય રોકેટ-સ્પીડે પાઠ થઇ જાય! પણ મોટા થયાં પછી દરેક ચોપાઈનો અર્થ જાણવાની તાલાવેલી જાગી. હનુમાન-ચાલીસામાંથી જાણેલી ૨ રોચક વાતો મારે અહીં કરવી છે.
૧)
जुग सहस्त्र योजन पर भानु |
लील्यो ताहि मधुर फल जानू ||

આ ચોપાઈને ક્યારેય સમજવા પ્રયત્ન કર્યો છે? આજ ના whatsappના યુગમાં કદાચ તમે આના વિષે કોઈ forward દ્વારા જાણેલુંય હશે. પણ આ forwards માવઠાના મેઘ જેવા છે. ક્યારે આવીને જતાં રહે એની કોઈ ગેરંટી નહિં.એમનું કોઈ કાયમી સરનામું નહિ, એટલે જ મને બ્લોગ પસંદ છે કે આપણે માહિતી કાયમ માટે એક જગ્યાએ રાખી શકીએ.
लील्यो ताहि मधुर फल जानू

હનુમાનજી भानु -એટલે કે સૂર્યને મધુર ફળ માનીને તેને લેવા છલાંગ લગાવી એટલું તો બધાં જ સમજી જશે પણ તે ઉપરાંત આ ચોપાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આંકડામાં જણાવે છે તે ખબર છે?

આધુનિક ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને તેની ભ્રમણ-કક્ષા ગોળ નહિ પણ લંબગોળ છે. તેથી પૃથ્વીથી સૂર્યનું અંતર સમયની સાપેક્ષમાં સતત બદલાતું રહે છે. નીચેની આકૃતિથી સ્પષ્ટ ખ્યાલ આવશે.

દર વર્ષે જુલાઈ ૩ની આસપાસ આપણી પૃથ્વી સૂર્યથી સૌથી વધુ દૂર હોય છે. આશરે ૯૪,૫૫૫,૦૦૦ માઈલ એટલે કે ૧૫૨,૧૭૧,૫૨૨ કિલોમીટર!! તેવી જ રીતે જાન્યુઆરી ૩ની આસપાસ પૃથ્વી સૂર્યથી સૌથી વધુ નજીક હોય છે, ૯૧,૪૪૫,૦૦૦ માઈલ અથવા ૧૪૭,૧૬૬,૪૬૨ કિમી. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર ૯૨,૯૫૫,૮૦૭ માઈલ અથવા ૧૪૯,૫૯૭,૮૭૦ કિમી.

હવે આપણે તે ચોપાઈ જોઈએ. વેદિક ગણિત મુજબ,
 जुग - ૧ યુગ = ૧૨,૦૦૦
 सहस्त्र  - સહસ્ત્ર  = ૧,૦૦૦
योजन - યોજન  = ૮ માઈલ.

એટલે  ૧૨,૦૦૦ X ૧૦૦૦ X ૮ = ૯૬,૦૦૦,૦૦૦ માઈલ.  
૧ માઈલ = ૧.૬ કિમી. માટે કુલ થયા ૧૫૩,૬૦૦,૦૦૦ કિમી.

લો બોલો, ૪૦૦ વર્ષ પહેલાં૧૬મી સદીના શરૂઆતમાં તુલસીદાસ રચિત હનુમાન ચાલીસમાં વિજ્ઞાન/ગણિત ક્યાંથી આવ્યું? અને તે પણ એકદમ સટીક!? કારણકે હિંદુ/સનાતન ધર્મનો પાયો જ વિજ્ઞાન છે! જેણે ઊંડાણથી જાણવા મહેનત ના કરી એવાઓએ આપણા ધર્મને અંધ-શ્રદ્ધામાં ખપાવીને પોતાનાથી અળગો કરી દીધો.

૨)                                   अष्ट सिद्धि नौ निधि के दाता। 
                                      अस बर दीन्ह जानकी माता।। 

જે[હનુમાન જી] જાનકી માતા [સીતાજી]ના આશીર્વાદથી ભક્તોને अष्ट सिद्धि- આઠ સિધ્ધિઓ અને नौ निधि - નવ નિધિઓ પ્રદાન કરી શકે છે. ગુજરાતીમાં સમજ તો પડી ગઈ પણ આ આઠ સિધ્ધિઓ વળી કઈ? આ જાણવું હોય તો હિંદુ દર્શન શાસ્ત્ર વાંચવું પડે. અહી મને કૃષ્ણભક્તિ કામે લાગી અને ઘરમાં ISKCONમાંથી લીધેલા એક પુસ્તકમાંથી આનો ઉત્તર મળ્યો. આ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે.

૧ - પરમાણુ (સૂક્ષ્મ અણુ)થી પણ નાના થઇ શકવાની વિદ્યા (અણીમા)
૨ - પર્વતથી પણ વધુ મોટા થઇ શકવાની વિદ્યા (ગુરૂમા)
૩ - હવાથી પણ વધુ હલકાં થઇ શકવાની વિદ્યા (લઘીમા)
૪ - સૌથી ભારે ધાતુ(ઓસ્મિયમ અને ઈરીડીયમ - Osmium and Iridium) કરતાં પણ વધુ ભારે થઇ જવાની વિદ્યા 
૫ - ઈચ્છા અનુસાર કોઈ પણ ભૌતિક સુખ પામી લેવું કે સર્જન કરવું. દા.ત. સૃષ્ટિનું સર્જન (ઈશત્વ)
૬ - પ્રભુની જેમ કોઈપણ જીવને પોતાના વશમાં કરવું.
૭ - સંપૂર્ણ બ્રહ્માંડમાં કોઈ પણ લોક (સ્વર્ગલોક, મૃત્યુલોક[આપણી પૃથ્વી] , પાતાળલોક વગેરે )માં મુક્તપણે વિચરવું/વિહરવું.
૮ - સ્વેચ્છાએ પસંદગીના સ્થળ/સમયે દેહત્યાગ કરવો અને પસંદગીની જગ્યાએ પુનર્જન્મ લેવો. 

મારો ઉદ્દેશ્ય તમને પણ રસ લેતાં કરવાનો છે. રસ પડ્યો હોય તો કદાચ હવે નવ નિધિઓ વિષે જાણવાની ઉત્સુકતા જાગી હશે. એટલે વધુ જાણવું હોય તો જાતે શોધ-ખોળ કરો! [અને બ્લોગ લખીને મને મોકલજો!]

જો તમને પણ હનુમાનજીમાં આસ્થા/પ્રેમ જાગે અને સરળ ઉપાસના શીખવી હોય તો નિમ્નલિખિત પદ્ધતિ સર શરૂઆત કરી શકો છો. આ માહિતી બદલ શાસ્ત્રીજી હિમાંશુભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.લખેલું બધું જ શક્યના હોય તો વાંધો નહિ, થાય એટલું કરવું. હનુમાનજી હોય કે રાધાજી કે કોઈ પણ આરાધ્ય દેવ. પ્રભુ ભાવ જુએ છે, કેટલું કર્યું ને કેટલું ના કર્યું એનો કઈ હિસાબ નથી રાખતા.  

ઉપાસનાની સરળ રીતઃ
દરરોજ પ્રાતઃકર્મ પતાવી સ્નાન કરી હનુમાનજી ચાલીસાનો પાઠ કરવો. મંગળવાર તથા શનિવારે હનુમાનજીનું પૂજન કરી તેમના કપાળમાં સિંદૂર લગાવવું. તેમને જે ભક્ત સિંદૂર ચડાવે છે તે ભક્તના મનમાંથી ભયની લાગણી સદા માટે ચાલી જાય છે. શત્રુઓ ફાવતા નથી. તબિયત સારી રહે છે. દર શનિવાર તથા મંગળવારે આંકડાના મોટા ફૂલની માળા અવશ્ય ચડાવવી, તેમને પ્રસાદમાં બુંદી, સૂકો મેવો કોઇ ફળ કે મલિદો ચડાવી શકાય છે.
હનુમાનજીની તત્કાળ પ્રસન્નતા મેળવવા જે તે ભાવકે રાતના નવ પછી શનિવારે સો હનુમાન ચાલીસાના પાઠ કરવા. ૧૦૧ કે ૧૦૮ કરવા નહીં ફક્ત ૧૦૦ હનુમાન ચાલીસા કરવા કારણ કે હનુમાન ચાલીસામાં સ્વયં તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે, જો શત બારપાઠ કરે કોઇ છૂટે હિ બંદિ મહાસુખ હોઇ. હનુમાન ચાલીસાને પોતાની જિંદગીભરનું પુણ્ય અર્પણ કરીને શ્રી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાને અપાર સિદ્ધિ અર્પણ કરી છે. પાઠ બને તો મોઢે કરવા. જેમને પાઠ મોઢે નથી તેવા ભક્તે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાના પાઠ કરવા. કારણ કે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાનું મહત્ત્વ વધારે છે. તે રંગ હનુમાનજીને ખૂબ પ્રિય છે. પાઠ બને તો લાલ પીતાંબર પહેરીને જ કરો. હા પાઠ કરવા બેસતી વખતે એક અખંડ દીપક સિંગતેલનો ચાલુ રાખવો. અગરબત્તી અખંડ રાખવી. કપાળે એક તિલક સિંદૂરનું કરવું. પાઠ પૂર્ણ થયેથી બને તો સુંદરકાંડનો એક પાઠ કરવો. પાઠ પૂર્ણ થયા પછી વડીલોને પગે લાગવું. તેમની આરતી કરવી. પ્રસાદ વહેંચવો. પાઠમાં બેસતાં પહેલાં ગણપતિ મહારાજને ૧૦૦ પાઠ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવી. પાઠ દરમ્યાન ઇશારા કરવા નહીં, બોલવું નહીં.
હનુમાનજી વીર છે, વીર તથા ઉગ્ર દેવ દેવીની ઉપાસના રાત્રે નવ પછી કરવાનું શાસ્ત્રોકત વિધાન છે. રાતના નવ પછી વીર તથા ઉગ્ર દેવ દેવી પૃથ્વી પર વિચરણ કરતા હોય છે. જ્યાં તેમની સાધના ઉપાસના રાત્રે નવ પછી થતી હોય છે ત્યાં તેઓ તત્કાળ પહોંચી જઇ પ્રસન્નતા અનુભવે છે, તે ખુશ થતાં જ તેઓ જે તે ભક્તની મનની ઇચ્છા જાા તેને પૂર્ણ કરે છે.

                                           સાવધાની
મન, કર્મ, વચનથી પવિત્ર રહેવું, પારકી સ્ત્રીને હંમેશાં માતા કે બહેન કે દીકરીનાં સ્વરૂપે જોવાં, કોઇ સ્ત્રી માટે મનમાં કુભાવ લાવવો નહીં, બને તેટલું બ્રહ્મચર્ય પાળવું.

સમગ્ર ભારતમાં તમને ઠેર ઠેર શિવાલય અથવા હનુમાનજીનાં નાનાં-મોટાં મંદિરો જોવા મળશે. જેટલા શિવાલય હશે તેટલાં જ તેનાથી વત્તા કે ઓછા અંશે હનુમાનજીનાં પણ મંદિર જોવા મળે જ છે. હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમની સાધના જો કોઇ મન, વચન, કર્મથી પવિત્ર રહીને કરે તો જે તે હનુમાનજી ઉપાસકનાં કઠિનમાં કઠિન કે ખૂબ ભયંકર કષ્ટ દૂર થાય છે. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રીરામ ભક્ત હનુમાનજી છે. જેમ શંકરનું શિવાલય નંદિ વગરનું નથી હોતું તેમ શ્રીરામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજ અવશ્ય જોવા મળે છે.
હનુમાનજી, બળ, બુદ્ધિમાં સંપન્ન છે. તેઓ માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્યિક તત્વજ્ઞાન વગેરેનું ઊંડું જ્ઞાન ભગવાન સૂર્યદેવ પાસેથી શીખ્યા હતા. અર્થાત્ તેઓ શ્રી સૂર્યનારાયણના પ્રિય શિષ્ય છે.

જય શ્રી રામ. જય પવનપુત્ર હનુમાન.

આધાર-ભૂત માહિતી સ્ત્રોત :

http://www.sciencebehindindianculture.in/distance-between-sun-and-earth-is-mentioned-in-hanuman-chalisa/

http://sambhaavnews.com/aastha/hanumanji-3

http://scienceline.ucsb.edu/getkey.php?key=2687

Sunday, March 26, 2017

રામ જન્મભૂમિ વિષે આટલું જાણો.....ભાગ ૧

તમને ક્યારેય એવું થયું છે કે રાતના હળવું(ઓછું) ભોજન કર્યું હોય એટલે સવાર વહેલી પડે? મારી શરીર રચનામાં એવું કૈક છે. એટલે તો આજે વહેલો ઉઠીને આ પોસ્ટ લખવા બેઠો.
નિત્ય ઘરમાં પૂજા-પાઠ કરાતાં એવા અત્યંત ધાર્મિક કુટુંબ,મા-બાપના સાનિધ્યમાં ઉછર્યા એટલે પ્રભુ રામ અને રામ-મંદિરમાં આસ્થા તો બાળપણથી જ હતી. પણ તેની સાથે તેની સાથે જોડાયેલી વાતો અને ઈતિહાસ અંગે જાણવાની કૂતુહલતા કોલેજકાળમાં જાગી હતી. તે દરમ્યાન અહીં-તહીં વાંચીને માહિતી ભેગી કરી હતી. આજે હવે તેય ભૂલાઈ ગયું છે અને મારે દીકરાને (એમ કહો કે આવતી પેઢીને ) તે અંગે જણાવવું છે (Pass-down the knowledge orally). એટલે આપણા બધાના latest God એવા Google પર ગુજરાતીમાં "કોઈક" લેખ/બ્લોગ પોસ્ટ શોધવા બેઠો... તમેય પ્રયત્ન કરી જોજો, સાલું સમ ખાવા પૂરતું ય એક લેખ નહિ (સમાચાર પત્રોની links હતી એમાં કોઈજ ઐતિહાસિક માહિતી નઈ). દુઃખ થયું. આમ આપણું ગુજરાત એક રીતે ખૂબ જ ધાર્મિક લોકોનું રાજ્ય ગણાય છે. અહીં ધર્મને જે આસ્થાથી અને વિશ્વાસથી પાળવામાં આવે છે એનો આપણને બધાય ને ગર્વ છે. તો પછી આવું કેમ? તમને ખબર છે ૧૯૯૨માં રામ-જન્મભૂમિ ચળવળમાં રાજ્યના ૧૮,૦૦૦ ગામડાં પૈકી ૧૨,૦૦૦ ગામોથી રામ નામની ઇંટો અયોધ્યા મોકલવામાં આવી હતી. આટલી બધી આસ્થા પણ ઇતિહાસની સરખી માહિતી ના મળે online? એટલે આ પોસ્ટનો જન્મ થયો કે જેથી મારા જેવા બીજા વાલીઓ રામ-મંદિરના ઈતિહાસ વિષે બાળકોને જણાવી/શીખવી શકે.

માહિતી પૂરી પાડવા બદલ Hindupost.in ના લેખક ગરિમાબેનનો ખૂબ ખૂબ આભાર.

તો હવે આપણે આજના વિષય રામ-જન્મભૂમિ પર આવીએ.
ઈતિહાસ :
ઇસ ૧૮૬૨થી લઈને આજ સુધીમાં અયોધ્યામાં ૫ વાર ભૌગોલિક સંશોધનો અને સર્વેક્ષણો થયા છે.
( છેલ્લા ૩ જે સ્વતંત્ર ભારતમાં થયા તેમાં  દરેક વખતે ખોદકામ કરીને જૂના અવશેષોને કાઢીને તેનો વૈજ્ઞાનિક પધ્ધતિસર અભ્યાસ કરવામાં આવ્યો છે)

૧) Alexander E. Cunningham દ્વારા ૧૮૬૨-૬૩માં
૨) A. Fuhrer દ્વારા ૧૮૮૯-૯૧માં
૩) A.K. Narain (એ.કે. નારાયણ) ૧૯૬૯-૭૦માં
૪) પ્રોફેસર B.B. Lal (બી. બી. લાલ) કે જેમનો અહેવાલ/રિપોર્ટ સૌથી વધુ જાણીતો છે.
૫) ભારતીય પુરાતત્વ નિગમનો (Archeological Survey of India) ૨૦૦૩નો અહેવાલ.

આ બધાં અહેવાલોમાં અઢળક માહિતી છે અને તે બધાનો અહીં સમાવેશ કરવો શક્ય નથી પણ આટલું જાણો. આ પૈકી પ્રોફેસર લાલના અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ૧૯૯૨માં તોડવામાં આવેલા બાબરી મસ્જિદની નીચે રામ મંદિરના અવશેષો છે જેનું કાર્બન ડેટિંગ( Carbon Dating) પદ્ધતિથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે પથ્થરો અને મંદિરના સ્તંભો ૧૧મી સદીમાં હયાત એવા મંદિરના છે એમ સાબિત થઇ ચૂક્યું છે.





ASIના ડીરેક્ટર જનરલ રહી ચૂકેલા પ્રોફેસર લાલે નોંધ્યું છે કે અયોધ્યમાં કુલ ૧૪ જગ્યાઓ જેવી કે હનુમાન ગઢ, કૌશલ્યા ઘાટ, સુગ્રીવ ટીલો, રામ જન્મભૂમિ વગેરે જગ્યાએથી પુરાતન ખાતાએ અવશેષો એકઠા કર્યા હતા. હકીકતમાં અયોધ્યા એક માત્ર શહેર ન હતું. ASIના એક મોટા પ્રોજેક્ટ કે જેનું નામ "Archaeology of the Ramayana Sites" હતું તેના અંતર્ગત અયોધ્યામાં પણ સંશોધન થયું હતું. આ મોટા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશ-ભરમાં જેટલી પ્રચલિત રામાયણ આધારિત જગ્યાઓ છે તેના અંગે માહિતી ભેગી કરવાનો અને રામાયણને પ્રમાણિત કરવાનો હતો. [ જે સફળતાપૂર્વક પાર પડ્યો છે.]

આ બધી વાતો તો થઇ ૧૮-૧૯મી સદીની વાતો. ઇતિહાસમાં હજી થોડા પાછળ જઈએ.

હાલના પ્રખર ઇતિહાસકાર કોનરાડ એલ્સ્ત સહીત અન્ય ઇતિહાસકારોના મત મુજબ રામ-મંદિર સૌ પ્રથમ ૧૧૯૪-૧૨૦૦ની આજુ-બાજુ દીલ્હી સલ્તનતના શરૂઆતના દિવસો દરમ્યાન જમીન-દોસ્ત કરવામાં આવ્યું હતું. ૧૨૦૦થી લઈને ૧૫૦૦ સુધીના ઈતિહાસ વિષે ઓછી માહિતી મળે છે. [સંશોધનનો વિષય છે.]

 ઇસ ૧૫૨૬ માં જયારે બાબર પાણીપતના યુધ્ધમાં ઈબ્રાહીમ લોધીને હરાવીને તત્કાલીન લોધી સામ્રાજ્યનો અંત આણીને દિલ્હીની ગાદીએ બેઠો ત્યારે પવિત્ર એવી રામ-જન્મભૂમિ સિદ્ધ મહાત્મા શ્યામાનંદજી મહારાજ હસ્તક હતી. મહારાજની સિદ્ધિઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફલાયેલી હતી. એક ખ્વાજા ફઝલ અબ્બાસ મૂસા તેમનાથી પ્રેરાઈને તેમની પાસે આવીને રહ્યા અને તેમના શિષ્ય બન્યા અને હિંદુ દર્શન તેમજ તત્વજ્ઞાન શીખ્યા. ધીમે ધીમે અબ્બાસ મૂસા પણ મહારાજના જાણીતા શિષ્ય તરીકે ઓળખવા લાગ્યા. તેમનાથી પ્રેરાઈને જલાલશાહ નામના એક ફકીર પણ આવીને શ્યામાનંદજીના શિષ્ય થયા. જોકે તેનો અયોધ્યા આવવાનો હેતુ કૈક અલગ હતો. તે કટ્ટર મુસલમાન હતો અને ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર તેનું એકમાત્ર ધ્યેય હતું. તે રામ-મંદિર સંકુલને ધ્વસ્ત કરાવીને અયોધ્યાને પૂર્વના મક્કા(Mecca of the East) તરીકે સ્થાપિત કરવાનું સ્વપન સેવતો હતો. તેણે ફઝલ મૂસાને ઇસ્લામના નામે ઉશ્કેર્યા અને પોતાના મનસૂબા જણાવ્યા અને સાથ આપવા હાકલ કરી. તેઓએ બાબરને મળીને પોતાના વિચાર રજૂ કર્યા અને તેની મંજૂરીથી હિન્દુઓને અપમાનિત કરવાના હેતુથી મુસલમાનો માટે રામ-જન્મભૂમિની નજીકમાં દફનાવવા માટે કબ્રસ્તાન ઉભું કર્યું.

તેના થોડા સમય બાદ બાબરે એક શાહી ફરમાન બહાર પાડયું હતું. આ ફરમાન બાબરના દરબારના અધિકૃત ઈતિહાસકારોએ લખેલા 'બાબરનામા'માં પ્રાપ્ય છે. [ લગભગ દરેક મુઘલ શાસકના સત્તાવાર 'નામા'ઓ (Official record) વાંચવા જેવા છે જેમાં તેઓએ પોતે જ હિંદુઓ પર કઈ હદ સુધી જુલમો અને અન્યાય કર્યા તેનું વિસ્તારથી અને વટથી વર્ણન કર્યું છે. ખાતરી સાથે કહું છું કે વાંચી નહિ શકો. ]

તારીખ ૬.૭.૧૯૨૪ના 'Modern Review' ના અંકમાં પ્રકાશિત એવા સ્વામી સત્યદેવ પરીવ્રાજ્કે લખેલા લેખમાં તેમણે બાબરના શાહી ફરમાનનું સૌ પ્રથમ વાર ભાષાંતરણ હિંદુઓ સમક્ષ મૂક્યું.

"જહાંપનાહ શહેનશાહે-હિંદ, બાદશાહ બાબર અને હઝરત જલાલ-શાહના આદેશથી, અયોધ્યા સ્થિત રામ-જન્મભૂમિનું મંદિર જમીનદોસ્ત કરવા તેમજ તેનાજ કાટમાળમાંથી મસ્જિદ ઉભી કરવામાં આવશે. હિન્દુસ્તાનના બીજા કોઈ પણ વિસ્તારમાંથી હિન્દુઓને અયોધ્યા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અયોધ્યા કે તેની આસપાસના વિસ્તારમાં કોઈ પણ હિંદુ જોવા મળશે તો તેના ઈરાદાઓ ઉપર વહેમ કરવામાં આવશે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવશે"

બાબર અને મુઘલોને જાણ હતી કે રામ-મંદિર સંકુલને ધ્વસ્ત કરવું એ કઈ ખાવાના ખેલ નથી. તેમને ખ્યાલ હતો કે આમ કરવામાં આવશે તો હિન્દુસ્તાનની ગુલામ ને નબળી પ્રજા જીવ પર આવી જશે. એટલે જ પ્રજામાં ભય ફેલાવવા અને તેમની હિમ્મત ભાંગવા આવો આગોતરો ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો.

મહારાજ શ્યામાનંદજીને પોતાના શિષ્યોની કરતૂતોની જાણ થતાં ખૂબ દુઃખ થયું અને તેમણે રામ દરબારની મૂર્તિઓને સરયૂમાં પધરાવીને હિમાલય તરફ પ્રયાણ કર્યું.બાકીના પૂજારીઓ તેમ જ સેવકોએ ત્યાં જ રહીને મંદિરનું રક્ષણ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. જે સમયે આ બાબરનું ફરમાન બહાર પડયું  તેજ વખતે ભીટીના મહારાજા મેહતાબ સિંહ બદરી - નારાયણની યાત્રાએ નીકળેલા હતા. રસ્તે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમેને આ સમાચાર મળ્યા અને તેમણે પોતાની યાત્રા માંડી વાળીને અયોધ્યામાં જ રહીને પોતાની સેના સાથે અયોધ્યામાં રહેલા રામ-ભક્તો સાથે બાબરના સૈન્યનો સામનો કરવાનું નક્કી કર્યું. 

સર એલેકઝાંડર કનિંગહામે "લખનૌ ગેઝેટિયર"ના ૬૬માં અંકમાં ત્રીજા પાને નોંધ્યું છે કે ૧,૭૪,૦૦૦ રામ-ભક્તો અયોધ્યામાં પ્રતિકાર કરવા ભેગા થઇ ગયા હતા કે જેઓ છેલ્લી વારનું પોતાના મા-બાપ, પત્ની, બાળકો, બહેનો અને ભાઈ-ભાંડુંઓને મળીને કહીને આવ્યા કે આવતી પેઢીને કહેજો કે અમે મંદિરના રક્ષણ માટે હસતે મોંઢે મોતને વ્હાલું કર્યું હતું. તેઓએ કેસરિયા થઈને (મોત પાક્કું જ છે જાણીને) ૪,૫૦૦,૦૦૦ સૈનિકોની મીર બાંકીના નેતૃત્વ નીચેની વિશાળ મુઘલ સેનાનો પૂરા ૭૦ દિવસ સુધી ભયંકર સામનો કર્યો.  એક પણ હિંદુ સૈનિક વીરગાથાઓ કહેવા જીવતો ના રહ્યો. છેવટે મુઘલ તોપોએ આખાય મંદિર પરિસરનો વિનાશ કર્યો. મુખ્ય ચાર પૂજારીઓના માથાં ધડથી અલગ કરી દેવાયા. સાહેબ, હેમિલટને "બારાબંકી ગેઝેટિયર"માં નોંધ્યું છે કે જલાલશાહે હિન્દુઓના લોહીથી લાહોરથી મંગાવેલા પથ્થરોને રંગીને તેમાંથી નવી મસ્જિદ નિર્માણ કરી. હિન્દુઓની એ હદ સુધી ખાના-ખરાબી થઇકે અમુક વર્ષો સુધી તેઓ ઉભા થઇ શકવાની સ્થિતિમાં નહોતા. સામે પક્ષે પણ ખુવારી ઘણી હતી પણ તેઓ તોય દિલ્હીની ગાદી પર બેઠા હતા.

બાબરના પુત્ર હુમાયુના સમય દરમ્યાન હિન્દુઓએ ફરી પ્રયત્ન કર્યો. અયોધ્યાથી આશરે ૬ માઈલ દૂર એવા સનેધુ ગામે સ્થિત પંડિત દેવીદીન પાંડેએ આજુબાજુના સરાય, સીસીંડા, રાજેપુર વગેરે ગામોમાંથી ૯૦,૦૦૦ સૂર્યવંશી ક્ષત્રિયોની સેના તૈયાર કરી. તેમેણે ક્ષત્રિયોને તેમના પૂર્વજ એવા શ્રી રામ અને પોતાના પૂર્વજ એવા શ્રી મહર્ષિ ભારદ્વાજની આણ ખાતર ફરી મંદિરનો કબજો લેવા પ્રેરણા આપી. તેમણે ઓચિંતો અને જબરજસ્ત હુમલો કર્યો. અને ૫ દિવસના ભીષણ યુધ્ધમાં અયોધ્યામાં હાજર શાહી સેનાનો ખુરદો બોલાવી દીધો. પણ દિલ્હીથી આવેલી નવી સેનાઓ સામે તેઓ ટકી શક્યા નહિ. લોકવાયકા એવી છે કે પંડિત દેવીદીન ૭૦૦ સૈનિકો સામે ૩ કલાક સુધી એકલા ઝઝૂમ્યા હતા અને છેવટે તેમના જ અંગ-રક્ષકે તેમને માથે જોરથી ઈંટ મારી હતી અને માથું ફાટી ગયું હોવા છતાં તેમણે તલવારથી પોતાના અંગ-રક્ષકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારે મીર બાંકી એ છુપાઈને તેમને ગોળી મારી. આમ યુધ્ધના છઠા દિવસે પંડિત દેવીદીને મીર બાંકીનો સામનો કર્યો અને પોતાના જ અંગ-રક્ષક્ની ગદ્દારીના લીધે વીરગતિ પામ્યા. તેમના ૯૦,૦૦૦ હિન્દુઓનું લોહી રેડાયું. મુઘલ સેનાએ ખુન્નસમાં સનેધુ અને આસ-પાસના ગામડાં કે જ્યાંથી સૂર્યવંશી ક્ષત્રિયો આવ્યા હતા તે દરેક ગામે જઈને આખેઆખા ગામોમાં માનવ,પશુ સહિત બધી જ સાધન-સંપત્તિનો સંપૂર્ણ વિનાશ કર્યો. 

આ ઘટનાના માત્ર ૧૫ જ દિવસ બાદ કે જયારે મુઘલ સેના હજી પાછી બેઠી થઇ રહી હતી ત્યારે હંસવરના મહારાજ રણવિજય સિંહે માત્ર ૨૫,૦૦૦ સૈનિકો સાથે ફરી હુમલો કર્યો. ૧૦ દિવસ સુધી ચાલેલ આ છાપામાર યુદ્ધ અને આ ૨૫,૦૦૦ હિન્દુઓના બલિદાન પછી ય સફળતા ના મળી. રાણી જયરાજ કુમારી કે જે સ્વર્ગસ્થ રાજા રણવિજય સિંહની પત્ની હતા તેમણે લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો. રાણીના ગુરુજી સ્વામી મહેશ્વારાનન્દજીએ તેમને પૂરો ટેકો આપ્યો. તેમણે ૨૪,૦૦૦ સન્યાસીઓને લડવા માટે ઉભા કર્યા.  ૩૦૦૦ સ્ત્રી સૈનિકોની સાથે કુલ ૨૭,૦૦૦ હિન્દુઓએ ખૂબ લડત આપી અને ૧૦ છાપામાર યુધ્ધો પછી પહેલી સફળતા મળી. [બોલો જય શ્રી રામ.] 
૩,૦૦,૦૦૦ હિન્દુઓના બલિદાન પછી કે જેમાં વીરાંગનાઓ પણ લડી હતી અયોધ્યા ફરી એક વખત હિન્દુઓના કબજામાં આવ્યું.

જોકે આ બહુ જ અલ્પકાળ માટે રહ્યું કારણકે લગભગ મહિના પછી હુમાયુ એ ફરી દિલ્હીથી સેના મોકલી. સ્વામી મહેશ્વરાનંદજી બાદ સ્વામી બલરામચારીજી એ યુદ્ધનું નેતૃત્વ સંભાળ્યું. હવે પછીના યુદ્ધોથી થોડા થોડા સમયે અયોધ્યા પર અધિકારમાં ફેર-બદલ થવા માંડી. થોડો સમય હિંદુઓ પાસે અધિકાર આવતો, ફરી પાછા મુઘલ જીતે તો તેમનો અધિકાર સ્થાપિત થઇ જતો. 
હવે હુમાયુના દીકરા અને બાબરના પૌત્ર અકબરનો સમય આવ્યો. અકબર સમજુ હતો અને તે પિતા અને દાદા વખતના ઈતિહાસથી સમજી ગયો હતો કે અયોધ્યા પર કાયમી અધિકાર રાખવો શક્ય નથી. તેને એ પણ સમજાઈ ગયું હતું કે આ વર્ષોથી ચાલતા લોહિયાળ યુદ્ધોથી મુઘલ સામ્રાજય નબળું થઇ ગયું છે અને તેની તિજોરી ખાલી થઇ રહી છે. આથી રાજા ટોડરમલ અને રાજા બીરબલની સલાહ માનીને તેણે હિન્દુઓને રામ જન્મભૂમિ સ્થાને અસ્થાયી ઓટલો બાંધીને તેના ઉપર નાની દેરી ચણીને તેમાં "રામ-લલ્લા" (બાળક-રામ)ની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી. 

અકબરના દરબારની અધિકૃત તવારીખ(ઈતિહાસ)  'આયને-અકબરી' માં સ્પષ્ટ લખેલું છે કે 

"હિન્દુઓના ૨૦ વાર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં લઈને અકબરે રાજા ટોડરમલ અને રાજા બીરબલની સલાહ મુજબ હિન્દુઓને રામ જન્મભૂમિ સ્થાને અસ્થાયી ઓટલો બાંધીને તેના ઉપર નાની દેરી ચણીને તેમાં "રામ-લલ્લા" (બાળક-રામ)ની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી. અને હિન્દુઓને ત્યાં પૂજા કરવા દેવાનો અધિકાર આપ્યો છે." 


અકબરનું આ ફરમાન તેની પછીની ૨ પેઢીઓ એટલે કે દીકરો જહાંગીર અને પૌત્ર શાહજહાંએ પણ માન્ય રાખ્યું હતું. તેથી અકબર, જહાંગીર અને શાહજહાં આ ત્રણ પેઢીઓ એટલે કે અમુક દસકાના મુઘલ શાસન દરમ્યાન કૈંક અંશે શાંતિ ફરી આવી અને હિન્દુઓએ પોતાની આસ્થાના પ્રતિક અયોધ્યામાં દર્શનાર્થે આવવા-જવાનું ચાલુ રાખ્યું.

અકબરના પ્રપૌત્ર એટલે કે શાહજહાંના દીકરા ઔરંગઝેબના આવ્યા બાદ પરિસ્થતિ ફરી બગડી. તે તેના આગલા વંશજો જેવા કે બાબર જેવો કટ્ટર મુસલમાન હતો.

ખૂબ લાંબા લેખો એક બેઠકે લખવા અઘરાં છે ને કદાચ વાચકો માટે પણ "બૌ વધારે" પડતું થઇ જશે. બાકીનું ભાગ ૨મા..................

બાળપણમાં સમજ્યા વગર ત્યારનું પ્રચલિત સૂત્ર "મંદિર વહીં બનાયેંગે" ગણગણતા હતા, હવે મોટા થઈને ઈતિહાસ, વિજ્ઞાન અને ભૂગોળ બધું જ પૂરેપૂરું સમજયા પછી અને આ લખવા હેતુ વાંચી ના  શકાય એટલી હદે પીડા આપતો ઈતિહાસ વાંચ્યા પછી પૂરા વિશ્વાસ સાથે કહું છું  ભલે ને હાલના સંજોગો ગમે તેટલો સમયને બલિદાન માંગે, "મંદિર વહીં બનાયેંગે". કોઈના બાપની તાકાત હોય તો સનાતાનીઓને રોકી બતાવે.



આધાર-ભૂત માહિતી સ્ત્રોત : 
http://www.thehindu.com/news/national/other-states/The-ASI-Report-a-review/article16052925.ece

http://kavitakosh.org/kk/%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE_/_%E0%A4%87%E0%A4%95%E0%A4%BC%E0%A4%AC%E0%A4%BE%E0%A4%B2

http://sambhaavnews.com/gujarat/gmdc-ground-hindu-samelan-ram-mandir/

http://www.hvk.org/1998/0798/0017.html

http://sanatanprabhat.org/english/1304.html

http://indiafacts.org/ayodhya-time-build-rama-temple/

http://vhp.org/shriram-janmabhumi-mukti-andolan/mov1-shriram-janmabhumi-mukti-andolan/

https://www.myind.net/Home/viewArticle/institutionalized-slavery-muslim-regimes-and-indic-mercantile-complicity

http://online.wsj.com/public/resources/documents/AyodhyaFinalSeries.pdf

Monday, January 23, 2017

અમેરીકન બ્રાહ્મણ



વાતની શરૂઆત ૧૮૪૯થી થાય છે. ડો. જેમ્સ બોલ્ટન ડેવીસ(James Bolton Davis) જે સાઉથ કેરોલીનાના ફેરફિલ્ડ કાઉન્ટીમાં સ્થિત હતા તેમને સૌ-પ્રથમ વાર અમેરિકાની ધરતી પર ભારતીય "ગાય" લાવવાનું શ્રેય જાય છે. એમ મનાય છે કે તેઓ જયારે તુર્કીના સુલતાનના ખેતીવાડી ખાતાના સલાહકાર હતા તે દરમ્યાન તેમણે ભારતીય ગૌ-વંશ અંગે માહિતી અને જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ દક્ષિણ અમેરિકાનું રાજ્ય લુઈઝીઆના. જે એ વખતે ૨,૫૦૦,૦૦૦ એકરમાં ફેલાયેલું જંગલી ઘાસ અને ફૂલોથી આચ્છાદિત પ્રદેશ હતો. આ વિશાળ પ્રદેશમાં સેન્ટ ફ્રાન્સિસ-વિલ નામે ખેતી-નિર્ભર એક નાનું ગામ. મિસીસિપી નદીના ખોળે પોતાના કપાસ, શેરડી અને નેસ માટે પ્રખ્યાત.

ત્યાં, તે દિવસે રીચાર્ડ બેરોને એક ખાસ અને અજુગતું કહી શકાય એવું, છેક ભારતથી નિર્યાત થયેલું એવું કૈક મળ્યું કે જે પહેલા આ દેશમાં કોઈએ ક્યારેક નિહાળ્યું નહોતું. તે આશ્ચર્ય-ચકિત હતો, એમ કહો કે હત-પ્રભ હતો.  જયારે તેણે જોયું ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. એવું તે શું હતું એ? તેની સમક્ષ ભારતના બે મહાકાય આખલાઓ હતા. તેમને જોયા એજ ક્ષણે તે સમજી ગયો હતો કે આજથી તેનો સમય પલટાઈ જશે. એને માત્ર એ નહતી ખબર કે એનો નહિ આખાય અમેરિકન સમાજ સહીત દુનિયાનો સમય બદલાઈ જશે...

નાના એવા ગામમાં વાત વાયુ-વેગે પ્રસરી ગઈ. તે બે ભારતીય આખલાઓ વિશિષ્ટ હતા, કૈક અલગ હતા અહીના લોકો માટે. તેમને લાંબા કાન હતા અને જે પીઠ ઉપર ખૂંધ હતા તે તો કઈ નવું જ હતું. તે ઘડીએ, તે દિવસે "બોસ ઈન્ડીકસ"નું(BosIndicus) અમેરિકામાં આગમન થયું.

તે વખતની જાલિમ બ્રિટીશ હકૂમતે મિ. બેરોને ભારતીય આખલા ભેટ આપ્યા હતા. મિ. બેરોએ બ્રિટીશ અધિકારીઓને કપાસ અને શેરડી અંગે ખાસ શિક્ષણ આપ્યું હતું, તેના વળતર રૂપે તેમને આ ભેટ મોકલવામાં આવી હતી.

આ એ કાળ હતો જયારે યાંત્રિક યુગની, ઓદ્યોગીકરણની શરૂઆત માત્ર હતી. અમેરિકા પોતાના ગુલામ/વેઠિયા-મજૂરોની કાળી મજૂરીના ટેકે વર્ષોથી બ્રિટીશરોને કપાસ પૂરું પાડતો હતો. ભારત તે વખતે કપાસના કાચા માલ માટે પહેલાં જેવો આકર્ષક સ્ત્રોત રહ્યો નહોતો. જેના લીધે અમેરિકાના લાંબા-રેસા વાળા કપાસને ધ્યાનમાં રાખીને વણાટના યંત્રો/ઓજારો વિકસાવવામાં આવ્યા હતા. બ્રિટીશ અધિકારીઓ આ લાંબા-રેસા વાળું કપાસ ભારતમાં ઉગાડવા માટેની જરૂરી પધ્ધત શીખવા અમેરિકા આવેલ હતા. આ આખલાઓ આ જ ઉપકારના વળતર રૂપે ભેટ અપાયા હતા.

ઉત્તર અમેરિકા પાસે ક્યારેય પોતાની કહી શકાય એવા કોઈ ઢોર/ગાયની પ્રજાતિ હતી નહિ. અહી સૌથી પહેલા યુરોપથી સ્થળાંતર કરીને આવેલા સ્પેન અને ઇંગ્લેન્ડના વસાહતી લોકો પોતાની સાથે પશુઓ લઈને આવ્યા હતા. આ ગાયો હતી બોસ-ટોરસ (Bos Taurus), યુરોપિયન પ્રજાતિની.

બોસ ઇન્ડીકસ અથવા ઝેબુ(Zebu) તરીકે ઓળખાતી આપણી ગુજરાતી/ભારતીય ગાયો  ખડતલતા,પ્રજનનક્ષમતા/ફળદ્રુપતાના ગુણોવાળી અને ગમે એવી કઠોર આબોહવામાં ગુજારો કરવાનું સામર્થ્ય ધરાવતી હતી. તદ્દ-ઉપરાંત તેઓ ગરમી સહન કરવાની આવડત અને માખી/મચ્છર/જીવ-જંતુ વિરુદ્ધની ગજબનાક રોગપ્રતિકાર-ક્ષમતા માટે જાણીતી હતી.

અમેરિકાના દક્ષિણ ભાગમાં જ્યાં ઘણે અંશે ગુજરાત જેવું શુષ્ક અને ગરમ વાતાવરણ હોય છે ત્યાં આપણી ગાયોએ કાઠું કાઢ્યું અને જોત-જોતામાં તો આ ભાઈ મિ. બેરો પાસે હૃષ્ટ-પુષ્ટ અને એકદમ સ્વસ્થ પશુ ધન થઇ ગયું. એ આજુ-બાજુના અન્ય પશુ-પાલકોની આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યો.

માત્ર ૬ જ વર્ષના ગાળા બાદ ન્યૂ ઓરલીન્સના પશુ બજારોમાં બોસ ઇન્ડીકસ લોકોમાં "લુઈઝીઆનાના લાંબા કાન વાળી ગાયો" તરીકે જાણીતા થઇ ગયા. 

અમેરિકાના પશુ બજારોમાંઆપણા દેશી આખલાના વંશમાંથી ઉદભવેલી ગાયોની માંગ વધતી ચાલી. મિ. બેરોની સફળતાને ધ્યાનમાં લઈને ૧૮૮૫માં જે. એમ. ફ્રોસ્ટ(J. M. Frost) અને આલ્બર્ટ મોન્ટગોમરી(Albert Montgomery)એ હ્યુસ્ટન ટેકસાસમાં બીજા બે ભારતીય આખલાઓ આયાત કર્યા. હવે તો સરકસના નામે ભારતીય ગૌ-ઘન, પશુ-ધનની આયાત ચાલુ થઇ ગઈ. એક જાણીતા સોદામાં "પ્રિન્સ" નામનો લાલ છાંટની રૂવાંટી વાળો ભારતીય આખલો વિક્ટોરિયા,ટેક્સાસના એ.એમ. મેક્ફદ્દીને (A.M. McFaddin) ૧૯૦૪માં "હેગનબાક પશુ-પ્રદશન"(Haggenbach Animal Show) વાળાઓ પાસેથી  વેચાતો લીધો. આજ પશુ-પ્રદર્શન વાળાઓએ બીજા ૧૨ ભારતીય પશુઓ ડો. વિલિયમ જેકોબ (Dr. William States Jacobs) ને હ્યુસ્ટનમાં વેચ્યા હતા. ૧૯૦૫ અને ૧૯૦૬માં પીઅર્સ, ટેક્સાસ ખાતે આવેલા પીઅર્સ નેસના કર્તા-હર્તા એવા  એબલ પી. બોર્ડને,(Able P Borden) વિક્ટોરિયા,ટેક્સાસના થોમસ. એમ. કોન્નોર(Thomas M. O'Connor) ની સહાયતાથી ૩૦ ભારતીય વંશના આખલા અને ૩૦ જુદી જુદી પ્રજાતિની ગાયો આયાત કરી.

1923-૨૪માં "ગુજરાત", "ગીર" અને "નેલોર" વંશના ૯૦ આખલા બ્રાઝીલથી આયાત કરવામાં આવ્યા. ૧૯૨૫માં બીજા ૧૨૦ આખલા અને ૧૮ ગાયો આ ધરતી પર આવ્યા. આ બંને જૂથ પહેલા બ્રાઝીલથી મેક્સિકો જહાજ મારફતે લવાયા અને મેક્સિકોથી જમીન-માર્ગે અમેરિકાના ટેક્સાસ રાજ્ય સુધી પહોંચ્યા. આ મુખ્ય ત્રણ પ્રજાતિ અને આંધ્ર-પ્રદેશથી લાવવામાં આવેલી "ઓન્ગોળ" (હાલના પ્રરકાસમ જીલ્લામાં સ્થિત) જાતિ એમ ૪ જાતિઓના સંવર્ધન અને પ્રજનન દ્વારા ઉત્પન્ન કરાયેલી પહેલી સંકર જાતિ અને અમેરિકન ગાય  તે "અમેરીકન બ્રાહ્મણ".... સાંભળીને "ના હોય!!" નો ભાવ પ્રગટ થયો હોય તો વાંધો નહિ, મનેય થયો. એટલે જ તો અડધી રાતે બે વાગે  આ પોસ્ટ લખવા બેઠો. (કાલે ઓફિસમાં મીટીંગમાં બગાસાં પાક્કા!)

આ અમેરિકન બ્રાહ્મણ ગાયોનો આજે એક પ્રકારનો દુનિયાભરમાં દબદબો છે, જે ખૂબજ અનિચ્છીત પ્રકારનો છે. વિગતો જાણશો તો મારી જેમ કાપો તોય લોહી ના નીકળે એવી દશા થશે. કઈ વાંધો નહિ,ચાર જણ જાણેને કદાચ કોઈ  મારા જેવા વિશ્વના ખૂણે-ખૂણે  રહેલા ગૌ-માતા પ્રેમીઓ સંગઠિત થઈને આજે નહિ તો વર્ષ/દસક/સદી પછીય કૈક કરીને ગાયોને કતલખાને જતી બચાવી શકે એ આશાએ જ લખું છું...કારણકે આશા અમર છે.

 આજે દુનિયા ભરમાં આ મૂળ ભારતીય ગાયોની કૂખે અવતરેલી આ ગાયોની "અમેરિકન બ્રાહ્મણ" પ્રજાતિ "Beef" એટલે કે ગૌ-માંસના ઉત્પાદન માટે અવ્વલ નંબરની પ્રજાતિ ગણાય છે. આ અમેરિકન બ્રાહ્મણ પ્રજાતિ અહીંથી નિર્યાત થઈને કેટ-કેટલાય દેશોમાં કેટ-કેટલાય મોટા મોટા ઉદ્યોગ એકમોમાં માત્ર અને માત્ર માંસ ઉત્પાદન માટે જ  ઉછેરવામાં આવે છે. વધુ માહિતી જાણવામાં રસ હોય તો હ્યુસ્ટન સ્થિત "અમેરિકન બ્રાહમણ પશુપાલક મંડળ" (American Brahman Breeders Association)નો સંપર્ક કરી શકો છો...

માહિતી :
૧) http://www.ansi.okstate.edu/breeds/cattle/brahman/
૨) https://www.facebook.com/HinduismDeMystified/photos/a.855326181167027.1073741828.855304897835822/1449693995063573/?type=3&permPage=1

Sunday, December 18, 2016

ભારતીય તોપખાનું આધુનિકીકરણ કાર્યક્રમ

અમેરિકી લશ્કરની એમ-૭૭૭ અફઘાનિસ્તાન યુદ્ધ દરમ્યાન.

આજે ઉત્સાહમાં આપણા જાણીતા ગણાય એવા ગુજરાતી (સંદેશ, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, અકિલા ), હિન્દી (દૈનિક જાગરણ) અને અંગ્રેજી (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિંદુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયન એક્ષ્પ્રેસ) વગેરેની ઈ-કોપી ફેંદી મારી.એક પણ, એક પણ છાપામાં પહેલાથી છેલ્લા પાના સુધી ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નઈ હો!

આ મુંબઈ સમાચારનું બીજું પાનું એક ઉદાહરણ તરીકે જુઓ, છાપાના બીજા જ પાનાં પર (પહેલા પર તો તમે જાહેરાતો છાપી, તે બરાબર છે, આવક માટે જરૂરી છે ) દેશના મોટા સમાચાર હોય કે "મનોરંજન" સમાચાર?

જવા દો, આપણા ત્યાં છાપાવાળાઓને શેને પ્રાથમિકતા આપવી એની ગતાગમ ઓછી છે એ તો જૂની વાત થઇ ગઈ, મુદ્દા પર આવીએ.

૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ એ આપણા દેશના સંરક્ષણ માટે સુવર્ણ દિવસ હતો. આ મંગળવારની બપોરે ૪:૩૦ વાગે ઓરિસ્સાના બાલાસોરમાં સંપૂર્ણ સ્વદેશી બનાવટની ૧૫૫-મીલીમીટરની ભારતીય તોપે પ્રાયોગિક સાબિતીના ભાગ રૂપે પહેલો ગોળો દાગ્યો!!! જે ભારતીય લશ્કરના સાધન-સરંજામ (સાચું કહો તો એની તીવ્ર અછત) વિષે જાણે છે એજ આનું વિરાટ મહત્વ સમજી શકશે.

Advanced Towed Artillery Gun System (ATAGS) - આધુનિક ખેંચીને લઇ જવામાં આવતી ૧૫૫-મિમી, ૫૨-કેલીબરની રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO - Defense Research and Development Organization) દ્વારા નિર્મિત આ તોપ બે ખાનગી પેઢીઓના સહયોગથી બનાવવામાં આવી છે. કલ્યાણી ગ્રુપ અને તાતા પાવર(વ્યૂહાત્મક ઇજનેરી ડીવીઝન) ભાગીદારો છે. તે ઉપરાંત રક્ષા મંત્રાલય હેઠળ આવતું OFB-Ordinance Factory Board પણ આ પરિયોજનામાં જોડાયેલ છે. જમીનથી જમીન પર માર કરતી આ તોપના બે દિવસ પ્રયોગ થયા છે અને તકનીકી માપદંડો ઉપર તે સફળ નીવડી છે. કોઈ પણ નિર્માણાધીન/વિકાસાધીન શસ્ત્ર/સાધનનો પહેલી વાર ઉપયોગ એક ખૂબ મોટી કસોટી અને મોટું સીમા-ચિન્હ છે. કેટ કેટલાય ઇજનેરો અને ટેકનિશિયનોના રાત-દિવસના ઉજાગરા અને મહેનતની કસોટી થઇ હશે અને કેવી રીતે તેઓ ફાટી આંખે પહેલો ગોળો નિર્ધારિત લક્ષ્યને જઈને વીંધે છે કે નહિ તે જોઈ રહ્યા હશે. એક ઇજનેર તરીકે મારા એ બધાં જ જાત-ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન.

આજની તારીખે ભારતીય તોપખાનામાં ૧૫૫-મિમીની તોપોની અછત એ ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે અને જગ-જાહેર છે. અછત એટલી તીવ્ર છે કે ધારી લો કે એક સાથે ૫ જુદી જુદી જગ્યાએ કારગીલ ઉભા થાય તો આપણા લશ્કરની કળ વળી જાય. અને ચીન-પાકિસ્તાનની મિત્રતા એટલી ગાઢ થતી જાય છે કે આવનાર ભવિષ્યમાં આપણે એક-સામટા બે દુશ્મનો સામે બાથ ભીડવી પડે એ સાચી શક્યતા છે. પાકિસ્તાન એ ચીનનો દત્તક પુત્ર થઇ ચૂક્યો છે, ભવિષ્યના યુદ્ધમાં દીકરાને હાથ લગાડશો તો બાપ કઈ છાનો બેસી રહેવાનો નથી. 

દેશ-દ્રોહી, મુસલમાનોના તુષ્ટિકરણ અને હિન્દુઓના પતન માટે કટિબદ્ધ એવી કોંગ્રેસના છેલ્લા ૧૮ વર્ષના શાસનકાળમાં ૧૫૮૦ નવી તોપ માટેના આંતર-રાષ્ટ્રીય ટેન્ડરો કેટલીય વાર બહાર પડ્યા અને રદ્દ થયા. પરિણામ એ છે કે ૧૯૮૬માં ખરીદાયેલી ૪૧૦ હોવીત્ઝર (કારગીલ યુધ્ધમાં ટીવી પર જોઈ હશે) બાદ છેલ્લા ૩૦ વર્ષમાં એક પણ નવી તોપ લશ્કરમાં જોડાઈ નથી. ઘણાં વર્ષોના આ ટેન્ડરોના ખેલ બાદ, DRDOના પુણે સ્થિત ARDE(Armament Research and Development Establishment) - શસ્ત્રસરંજામ શોધખોળ અને વિકાસ વિભાગને દેશ માટે સ્વદેશી તોપ બનાવવાનું કાર્ય સોંપાયું હતું. OFB અને ભારત ફોર્જને નાળચા બનાવવાનો આદેશ અપાયો છે. 

માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના "Make in India" કાર્યક્રમ હેઠળ, ઉલ્લેખિત ખાનગી કંપનીઓના સહયોગથી લશ્કરની ખૂબ મોટી જરૂરીયાતને પહોંચી વળવા ૨ ઉત્પાદન એકમો આકાર લઇ રહ્યા છે એમ DRDOના વડા શ્રી ડો. એસ. ક્રિસ્ટોફરે જણાવ્યું.

નંગ દીઠ ૧૫ થી ૧૮ કરોડના ભાવે ૧૫૮૦ ATAGS તોપો માટે રૂ ૨૫,૦૦૦ કરોડનો કરાર કરવામાં આવ્યો છે. 

કોઈ પણ યુધ્ધમાં સૌથી વધુ સૈનિકોની શહીદી કે ઇજાનું કારણ તોપમારો હોય છે જે ૨૦-૩૦ કિલોમીટર દૂરથી કરવામાં આવે છે. પહેલા ભારે તોપમારો દુશ્મનનો કચ્ચરઘાણ વાળી દે પછી પાયદળ અને ટેન્કોની ટુકડીઓ ઓછામાં ઓછા સંઘર્ષ સાથે આગળ જઈને કબજો જમાવે છે. લશ્કરી ભાષામાં તોપ એ પાયદળની કરોડરજ્જુ છે... કરોડ ટટ્ટાર તો લશ્કર તૈયાર. એના વિના બધું નકામું. 

ભારતીય થળસેના પાસે ૨૬૪ તોપ રેજીમેન્ટ છે, દરેક પાસે ૨૧ તોપ હોય છે. મોટા ભાગની રેજીમેન્ટમાં હાલમાં હલકી ૧૦૫-મિમીની તોપો છે. પણ ભારતીય સેના ૧૫૫-મીમીની તોપને દરેક રેજીમેન્ટની પ્રાથમિક તોપ બનાવવાનું સ્વપન સેવે છે કારણકે ૧૫૫-મિમીનો મોટો ગોળો ઘણો વધારે વિનાશ નોતરે છે. 

૨૬૪ પૈકી જો માત્ર અડધી એટલે કે ૧૩૨ રેજીમેન્ટનું પણ આધુનિકીકરણ કરવા માટે 2772 તોપ જોઈએ જે હાલના ૧૫૮૦ તોપના ઓર્ડરથી ય પહોંચી ના વળાય. 

૨૫મી નવેમ્બર,૨૦૧૬ના  રક્ષા મંત્રી શ્રી મનોહર પારીકરે સંસદમાં જણાવ્યું કે ATAGS એ DRDOનો અત્યંત આગવી પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમોમાંથી (એક) છે જે સપ્ટેમ્બર,૨૦૧૫ સુધી માં સમાપ્ત કરવાનું લક્ષ્ય હતું જે હવે માર્ચ ૨૦૧૭ સુધી પાછો ઠેલાયો છે.

આ ઉપરાંત બીજી પણ તોપો હસ્તગત કરવાની યોજનાઓ કાર્યરત છે. ૧૯૮૬માં ખરીદાયેલી FH-77 બોફોર્સ ૩૯ કેલીબરના ગોળા દાગે છે. તેની ઉપલબ્ધ તકનીકી માહિતીના આધારે OFB તેની સુધારેલી આવૃત્તિની  ૧૫૫-મિમીની ૪૫-કેલીબરની તોપ બનાવી રહી છે. કેલીબર વધે એટલે તોપના નાળચાની લંબાઈ વધે અને તેની સાથે સાથે તોપની વધુ દૂર સુધી ત્રાટકવાની મારક-ક્ષમતા! આ સુધારેલી આવૃત્તિ તોપની મારક-ક્ષમતા ૨૭ થી વધીને ૩૫ કિલોમીટર થઇ જશે!!!! :)

૫મી ઓગસ્ટે રક્ષા મંત્રી શ્રીએ સંસદમાં જણાવ્યું કે આ સુધારેલી ૧૧૪  "ધનુષ" તોપ માટે OFBને ઓર્ડર આપવામાં આવ્યો છે. થળસેનાને પસંદ પડશે તો ઓર્ડર વધારીને ૪૦૦ તોપનો કરવામાં આવશે.

આ ઉપરાંત ભારતે અમેરિકા પાસેથી ૧૪૫ અત્યંત હળવી એવી ૧૫૫-મિમીની ૩૯-કેલીબરની BAE systems દ્વારા નિર્મિત તોપો માટે સોદો કર્યો છે એમ મંત્રી શ્રી એ ૨જી ડિસેમ્બરે  જણાવ્યું છે.

નવેમ્બર ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે ૧૫,૭૫૦ કરોડના ખર્ચે જીપ કે તેના સમાન વાહન પર લદાય એવી ૮૧૪ Mounted Gun Systems (MGS) (સન્ની દેઓલનું બોર્ડર યાદ છે?!)  મંજૂર કરી હતી. ૨૮૦ સ્વયં-સંચાલિત  તોપો માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ બધી જ ૧૫૫ મિમીની ૫૨-કેલીબરની તોપો છે.

એક દિવસ એવો પણ આવશે કે કોઈ મને પૂછે કે "કોણ મોટી તોપ છે?" તો હું વટથી કહીશ કે મારો દેશ! 

સંક્ષિપ્તમાં ભારતની નવી ૧૫૫ મિમીની હાલમાં સંપાદન કરાઈ રહેલી તોપોની યાદી
  • ૧૫૮૦ ખેંચીને લઇ જવાતી તોપ, ૨૫,૦૦૦ કરોડની લાગતે
  • ૧૧૪ "ધનુષ" તોપ, બોફોર્સની સુધારેલી આવૃત્તિ OFB નિર્મિત
  • ૧૪૫ અમેરિકી અત્યંત હળવી BAE Systems દ્વારા નિર્મિત, ૫,૦૦૦ કરોડની લાગતે
  • ૮૧૪ MGS, જીપ પર લાદવામાં આવતી તોપો, ૧૫,૭૫૦ કરોડની લાગતે
  • ૨૮૦ સ્વયં-સંચાલિત tracked and wheeled તોપો
તા.ક. : આ બધું આવતા ૧૦ વર્ષોમાં થશે તે બાદ આપણે ચીનનો સામનો કરવા "અમુક અંશે" તૈયાર થઇ શકશું. સાંભળીને આશ્ચર્ય થયું કે!? જો તમે નિયમિત આપણા લશ્કરી સમાચાર વાંચતા હો તો અને ભ્રષ્ટ કોગ્રેસના રાજમાં દેશનું કેટલું નુકસાન થયું છે તે જાણતાં હોત તો ના થાત. હાલમાં સાધનોની તીવ્ર અછત આપણા લશ્કરને પાંગળું બનાવી રહ્યું છે... આ જુઓ ભારત-ચીન સરખામણી


Saturday, April 23, 2016

એક ટ્રેન-સફર અને બે મુસાફરો.....

૨૪ વર્ષ પહેલાની વાત છે. ૧૯૯૦નો ઉનાળો હતો. ભારતીય રેલ સેવાના અસ્થાયી કર્મચારી એવી હું  અને  મારી મિત્ર લખનૌથી દિલ્લી જઈ રહ્યા હતા. અમારી જ બોગીમાં  બે સંસદ  સભ્યો પણ મુસાફરી કરી રહ્યા હતા. એ ઠીક હતું પણ તેમની સાથેના ૧૨ માણસો જે વગર ટિકિટે બેઠા હતા તેમનું  વર્તન ડરામણું હતું.  તેઓએ બળજબરીથી અમારી બર્થ  ખાલી કરાવી અને અમને  અમારા સામાન પર બેસવા ફરજ પાડી. તે ઉપરાંત તેમણે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણીઓ કરી. અમે ગભરામણથી કોકડું વાળીને સમસમીને બેસી રહ્યા. અસામાજીક તત્વોની સોબતમાં અ બહુ જ ભયાનક રાત હતી. ક્યારે રાત પસાર થઈ જાય અને નવો સૂરજ ઉગે એની અમે અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાકીના મુસાફરો અને ટી.સી. તો ક્યાંય છૂ થઇ ગયા હતા.

બીજે દિવસે સવારે અમે દિલ્લી પહોચ્યાં. અમે શારીરિક રીતે સ્વસ્થ હતા પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મારી મિત્ર તો એટલી હતપ્રભ થઇ ચૂકી હતી કે તેણે આગળની તાલીમ માટે અમદાવાદ જવાનું માંડી વાળ્યું. મેં બીજી એક સખીનો સંગાથ હોવાથી તાલીમ ચાલુ રાખી. (તેનું નામ ઉત્પલ્પર્ણ હઝારિકા છે, જે રેલ બોર્ડમાં ખૂબ ઉંચા હોદ્દા પર છે)  અમે ગુજરાતની રાજધાની માટે રાતની ટ્રેનમાં ચઢ્યા. ઉતાવળે નક્કી થયું હોવાથી પાકી ટીકીટ મળી નહિ અને વેઈટ-લીસ્ટમાં નામ હતા.

અમે પ્રથમ-શ્રેણીની બોગીના ટી.સી.ને મળીને અમદાવાદ સુધી કેમ સફર કરવી એના અંગે વાત કરી. ટ્રેન ખચોખચ ભરેલી હતી અને સીટ મળવી મુશ્કેલ હતું. તે અમને વિવેકથી એક બીજી બોગીમાં લઇ ગયો. મેં સહ-યાત્રીઓ તરફ નજર કરી. ખાદી-વેશભૂષા પરથી બે નેતા જેવા લાગતા વ્યક્તિઓને જોઈને હું ચિંતાતુર થઇ ગઈ. "તેઓ સારા માણસો છે, નિયમિત મુસાફરો છે, ચિંતા કરશો નહિ" - ટી.સી. એ અમને ભરોસો આપ્યો.
 એક ભાઈ ચાલીસની આસપાસના હશે, હાવ-ભાવ પરથી આત્મીયતા વાળા અને મળતાવડા લાગતાં હતા. બીજા ભાઈ, ત્રીસની આસપાસના અને ગંભીર પ્રકૃતિના લાગ્યા. તેઓએ તરત જ ખૂણામાં સંકેલાઈને અમારા માટે જગ્યા કરી.

ગુજરાત ભાજપના નેતા તરીકે તેઓએ પોતાનો પરિચય આપ્યો. તેમણે નામ જણાવ્યા પણ ત્યારે નામ અમારા માટે ખાસ જરૂરી ના હોવાથી યાદ રાખવા કઈ ઝાઝો પ્રયત્ન કર્યો ન હતો. અમે પણ આસામથી આવેલ રેલના તાલીમ કર્મચારી તરીકે અમારી ઓળખાણ આપી. અમે વાતે વળગ્યાં અને જુદા-જુદા વિષયો પર વાર્તાલાપ થયો, ખાસ કરીને ઇતિહાસ અને રાજકારણ અંગે. મારી મિત્રે દિલ્હી યુનીવર્સીટીમાંથી ઇતિહાસમાં અનુ-સ્નાતક હોવાથી તેણે રસપૂર્વક ભાગ લીધો. મેં પણ કંઇક અંશે યોગદાન આપ્યું. વાત વાતમાં હિંદુ- મહાસભા અને મુસ્લિમ લીગના જન્મ/સ્થાપના અંગે વાત ચાલી.

પેલા મોટા-ભાઈ બહુ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી રહ્યા હતા. નાના ભાઈ શાંત હતા, ખાસ બોલી નતા રહ્યા પણ તેઓ પણ આ વાતચીતમાં પૂરેપૂરા ઓતપ્રોત હતા તેવું તેમના હાવભાવ પરથી સ્પષ્ટ  હતું. પછી મેં શ્યામા-પ્રસાદ મુખર્જીના અકાળ અવસાન અને તેના વણ-ઉક્લાયેલા રહસ્યની વાત કરી. ત્યારે તે નાના ભાઈએ તરત પૂછ્યું,  "તમને શ્યામા-પ્રસાદ મુખર્જી અંગે કેવી રીતે ખબર?"  મેં જણાવ્યું કે જયારે મારા પિતા કલકત્તા-યુનિવર્સીટીમાં અનુ-સ્નાતક તરીકે શિક્ષણ લઇ રહ્યા હતા ત્યારે વાઈસ-ચાન્સેલર તરીકે મુખર્જીએ આસામના વિદ્યાર્થીઓ માટે શિષ્ય-વૃતિની વ્યવસ્થા કરી આપી હતી. મારા પિતા ઘણી વાર તેમના અકાળ
અવસાન અંગે ખેદ વ્યકત કરે છે. [૫૧ વર્ષની વયે જૂન- ૧૯૫૩માં]

તે નાના ભાઈ તરત જ  ધીમા અવાજે બોલ્યા, "સારું કહેવાય આમને  આટલી બધી જાણકારી છે."
ત્યારબાદ મોટા ભાઈએ તરત જ અમારી સમક્ષ તેમના રાજનૈતિક દળમાં ગુજરાતમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે હસ્યાં ને કહ્યું કે અમે ગુજરાતના નથી.નાના ભાઈએ તરત ભારપૂર્વક કહ્યું, " તો શું થયું? અમને એની સામે કોઈ વાંધો નથી. પ્રતિભાવાન લોકો અમારે ત્યાં આવકાર્ય છે!" મેં એમની આંખમાં આશાનો ચમકારો જોયો હતો.

ભાણું આવ્યું. ચાર શાકાહારી થાળીઓ. બધાં શાંતિથી જોડે જમ્યા. જયારે પેન્ટ્રી અધિકારી પૈસા લેવા આવ્યા ત્યારે નાના ભાઈએ અમારા બધાના પૈસા ચૂકવી દીધા. મેં નમ્ર ભાવે આભાર પ્રગટ કર્યો પણ તેમણે એક નાની વાત હોય એમ ખાસ નોંધ ના લેવા વિવેક કર્યો. તે ભાઈ ખૂબ ઓછું  બોલતા હતા, મોટે ભાગે સાંભળતા હતા.

એટલામાં ટી.સી. આવ્યા અને એમણે ખેદ વ્યકત કર્યો કે સીટની વ્યવસ્થા થઇ શકી નથી. બંને ભાઈઓ તરત જ ઉભા થઈને  બોલ્યા, "કશો  વાંધો નહિ, અમે ચલાવી  લઈશું."  તેઓએ તરત જ ભોંય પર કપડું પાથર્યું અને સૂઈ ગયા અને અમે બંને એ બર્થ પર લંબાવ્યું.

કેવો વિરોધાભાસ! હજી આગલી જ રાતે મેં બે રાજનેતાઓ જોડે ટ્રેનમાં ગૂંગળામણ અનુભવી  હતી. અને આજે અમે બે રાજનેતાઓ જોડે શાંત ચિત્તે સફર કરી રહ્યા હતા...

બીજે દિવસે સવારે જયારે ટ્રેન અમદાવાદ નજીક પહોંચી ત્યારે બંને નેતાઓએ અમને શહેરમાં રહેવાની વ્યવસ્થા અંગે પૂછ્યું. મોટા ભાઈએ જણાવ્યું કે કઈ પણ તકલીફ હોય તો તેમના ઘરના દરવાજા હમેંશા માટે ખુલ્લા છે. નાના ભાઈએ પણ કીધું કે "મારી પાસે આમંત્રણ આપવા માટે કોઈ સ્થાયી ઘર નથી પણ તમે એમના [મોટા ભાઈના] ઘરે સલામત વાતાવરણમાં રહી શકશો."

અમે તેમને ખાતરી આપી કે અમારા ઉતારાની સગવડ થઇ ચૂકી છે અને કોઈ અગવડ નહિ પડે.

ટ્રેન ઉભી રહી તે પહેલાં મેં મારી નોંધપોથી કાઢી અને તેમના નામ ફરીથી પૂછ્યા. મારે બે એવા મોટા-મનના અને ભલા નેતા કે જેમણે "નેતાઓં" પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલવા વિવશ કર્યા તેમને યાદ રાખવા હતા. ટ્રેન થમી એ પહેલાં મેં નામો નોંધી લીધા. તેઓ હતા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર દામોદરદાસ મોદી.

જયારે પણ હું તેમને ટી.વી પર જોઉં છું ત્યારે તેમના તે દિવસના હૂંફાળા આવકાર, સહ-ભોજન, વિવેક અને સાર-સંભાળ માટે મનોમન વંદન કરું છું.

(લેખક લીના શર્મા રેલ્વે-ઇન્ફોર્મશન બોર્ડમાં દિલ્હીમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છે.)
lotpot.com  પર મૂકાયેલા લેખનું ભાષાંતર....

Tuesday, October 27, 2015

શું હનુમાન જીવે છે?


લંકાના યુદ્ધ વખતની વાત છે. રાવણના જ્યેષ્ઠ પુત્ર ઇન્દ્રજીતે રામના સૈન્ય પર ખૂબ જ ભીષણ અને ઘાતક હુમલો કર્યો હતો. ઘણાં વીર યોદ્ધાઓ અને સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા. જયારે સેનાપતિ જામ્બ્વન રણ-મેદાનમાં પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલો પ્રશ્ન કર્યો, " શું હનુમાન જીવે છે?"

એક સૈનિકે આ વાતનું માઠું લાગતાં  તરત  વળતો  પ્રશ્ન  કર્યો, "કેમ  તમે માત્ર  હનુમાનની  ક્ષેમ-કુશળતાના સમાચાર પૂછ્યાં? તમે માત્ર એમની જ  ચિંતા  રાખો છો?"  જામ્બ્વને  તરત  ઉત્તર  આપ્યો કે  "જો બીજા બધા જ  મૃત્યુને ભેટ્યા હોય  અને માત્ર હનુમાન જીવિત  બચ્યાં હોય તો ય આપણે યુદ્ધ જીતી જઈશું, પણ જો હનુમાન વીરગતિ પામ્યા હોય  અને બાકી બધા જીવતા હોય તો ય આપણી હાર નક્કી છે"

હા, હનુમાનમાં એટલું બધું અપ્રતિમ અને અપાર શારીરિક બળ હતું કે એકલે હાથે રાવણની સેનાનો સંહાર કરી શકે પણ આ વાર્તાનો માત્ર શાબ્દિક (મૂળ અર્થ) નહિ પણ તેની પાછળનો સૂક્ષ્મ અર્થ (અથવા તો મર્મ) જાણવો અને સમજવો જરૂરી છે.

હનુમાન એ સમર્પણ, ત્યાગ અને દ્રઢતા ના પ્રતિકરૂપ છે. પૈસો/શક્તિ/વગ/પહોંચ/આવડત હોય કે ના હોય પણ જ્યાં સુધી સમર્પણ, ત્યાગ અને દ્રઢતા આ ત્રણ ગુણોનું ભાથું આપણી પાસે હોય ત્યાં સુધી જીવનમાં ગમે તેવી વિકટ/અસહ્ય/અશક્ય પરિસ્થિતિ અને તકલીફોથી આપણે સફળતાપૂર્વક લડી લઈને હેમખેમ પાર ઉતરી જઈએ. આ ગુણો હોવા એટલે હનુમાન આપણી પાસે હોવા સમાન છે. જ્યાં સુધી હનુમાન આપણામાં છે ત્યાં સુધી બધું જ શકય છે.

દુનિયાની સૌથી વધુ જૂની, લાંબી અને લયબદ્ધ કાવ્યરચના તે આપણું રામાયણ. એમાં જ આખી સૃષ્ટિનું જ્ઞાન છે, પ્રેમથી વાંચો અને વંચાવો.... જય હનુમાન. જય શ્રી રામ.

Friday, September 18, 2015

આતંકી હુમલા ચાલુ..... અને સ્વ-રક્ષણના સાધનોની અછત પણ...

27 જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુદાસપુર પંજાબમાં ૩ આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો તે યાદ છે? (ના હોય તો વાંધો નહિ હો, આ તો સદીઓ પૂરાણી આપણી રાષ્ટ્રીય નબળાઈ છે.) ૨-GPS, ૩-AK47, ૧૦-મેગેઝીન અને ૨ ચીની બનાવટના ગ્રેનેડ... ઓહોહોહો! આપણને હાનિ પહોંચાડવા પૂરતી તૈયારી કરીને અને સામગ્રી લઈને આવ્યા હતા... હવે જરા આપણા સુરક્ષા-કર્મીઓને (જે લડતાં લડતાં શહીદ થઇ ગયા તેમના) જો TV પર "લાઈવ" જોયા હોય તો યાદ કરો....લો થોડું યાદ કરાવું...

કઈ ધ્યાનમાં આવ્યું? ના બખ્તર, ના હેલ્મેટ... અરે ભાઈ, મુંબઈ પરના હુમલાને હજી ૭ જ વર્ષ થયા છે, અમે ભારતીયો કઈ આટલા જલ્દી સુધરીએ નઈ હોં! દુર્ભાગ્યની વાત છે કે આપણું લશ્કર અને પોલીસદળ આજે પણ અત્યંત જરૂરી ગણાતાં એવા શરીર કવચથી  (Body Armour) વંચિત છે.

ભારતીય લશ્કરની સ્થિતિ તો સૌથી વધુ દયનીય છે. રોજે સીમા પર પાકિસ્તાનીઓ સાથે ગોળીબારની આપ-લે કરતાં, કાશ્મીર અને ઇશાનના રાજ્યોમાં ખૂંખાર ત્રાસવાદીઓ જોડે લડતાં લાખો સૈનિકોના જીવ જોખમમાં છે. રક્ષા મંત્રાલયના આકંડાઓ પ્રમાણે છેલ્લાં ૩ વર્ષમાં પાકિસ્તાન સાથે થયેલા ૩૫૭ ગોળીબારોમાં ૧૭ સૈનિકો શહીદ થયા છે. હાલમાં સૈન્યને ઉપલબ્ધ હેલ્મેટોની ગુણવત્તા શું છે જાણો છો? તે મોટર-સાઇકલ ચલાવતા પહેરવાની હેલ્મેટો છે, ૯-મિલીમીટરની ગોળીઓ ઝીલવાની ક્ષમતા તો બીજના ચન્દ્ર જેટલી દૂરની વાત છે.

આ સાધન સરંજામ ખરીદવા કઈ અઘરી વાત નથી.. લડાયક વિમાનો કે બોફોર્સ-ગન કે સબમરીન જેવી ઉચ્ચ તકનીકી અને મોંઘી શસ્ત્ર-સામગ્રીની ખરીદીમાં ટેકનોલોજી આપ-લે, કિંમત, વેચનાર દેશ જોડેના આપણા સબંધો વગેરે ઘણા મુદ્દા સંકળાયેલા હોય છે અને તેથી કરીને અમુક અંશે તેમાં વિલંબ થાય તે સમજાય છે. પણ હેલ્મેટો અને કવચો? યાર, જર્મન લશ્કરને આ વસ્તુઓ આપણા દેશની ખાનગી કંપનીઓ પૂરા પાડે છે.....

તે છતાં આપણા ૧૨ લાખ સૈનિક-સજ્જ લશ્કર માટે માત્ર ૨ ઓર્ડરો હાલમાં અમલમાં છે.  પહેલો ૧,૮૬,૧૩૮ પીસનો ઓર્ડર અને બીજો ૫૦,૦૦૦ પીસનો "ચકાસણી કમિટી" દ્વારા ચકાસણી માટે.

MKU - કાનપુર સ્થિત મધ્યમ કદની ખાનગી કંપની કે જે યુરોપના સંયુક્ત લશ્કર નાટોને (NATO-  North Atlantic Treaty Organisation (NATO) militaries) કવચો પૂરા પાડે છે તે દર મહીને ૫૦૦૦ કવચ અને ૨૫,૦૦૦ હેલ્મેટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ દુનિયાની વિશાળ અને અદ્યતન કંપનીઓમાંની એક છે. તેની પાસે એક્વેડોર, ઈજીપ્ત, શ્રી લંકા અને જર્મની ઉપરાંત ઘણા વિદેશી ગ્રાહકો છે.પણ MKU અને તેના હરીફ TAS(Tata Advanced Systems) કે SM Pulpને થળસેનાના નોર્ધન કમાંડના(Northern Command) નાના સ્થાનિક ઓર્ડરથી વિશેષ કઈ હાથ લાગ્યું નથી. 

નાની પેઢી હોવા છતાં  MKU વાર્ષિક ૬-૮ ટકા જેટલી આવક સંશોધન અને વિકાસમાં વાપરે છે જે તેમને હરીફોથી એક પગલું આગળ રાખે છે. આપણા દેશમાં હકીકતમાં ગોળીબાર કરીને કવચ ચકાસવા ઉપર કાયદાકીય અવરોધ હોવાથી તેઓએ હાલમાં જ જર્મનીમાં હેમ્બર્ગ નજીક એક કંપની હસ્તગત કરી છે. ત્યાં તેઓ પોતાના માલની ગુણવત્તાની ચકાસણી કરે છે. આ સંશોધનો અને ગુણવત્તા માટેનો આગ્રહ તેમના માટે રંગ લાવ્યો. ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે કરેલ ચકાસણીમાં માત્ર તેમની હેલ્મેટો જ નિયમિત માપદંડો પર ખરી ઉતરી. લગભગ ૩૦૦ કરોડનો ૧,૫૮,૦૦૦ હેલ્મેટોનું ટેન્ડર માત્ર તેઓ જ ભરી શકશે.

સારી વાત છે, ના મામા કરતાં કાણો મામો સારો. દિલાસો લેવા માટે ઠીક છે પણ આ જરાય પૂરતું નથી. માહિતી તો હજી ઘણીયે છે પણ હાલ આટલું ઘણું છે. આ વાંચ્યા પછી મારી જેમ દેશના જાંબાઝ સૈનિકો માટે (કે જેમને ત્યાગ અને બલિદાનના ભોગે આપણે અમદાવાદ/મુંબઈ/દિલ્હી જેવા 'વર્લ્ડ-ક્લાસ' શહેરોમાં હરીએ-ફરીએ અને જલસા કરીએ છે) મન કકળતું હોય તો માત્ર એટલું કરજો કે ઈ-મેઈલ, ટ્વીટર, ફેસબુક કે ફેક્સ, કોઈપણ માધ્યમ દ્વારા આ વાત રક્ષા સચિવ, રક્ષા મંત્રી, PMO, પ્રધાન-મંત્રી કોઈકના સુધી વાત પહોંચાડશો... નહિ તો ફરી ભવિષ્યના ગુરુદાસપુર પરના હુમલામાં ફરી દેશના અદના સેવકો શહીદ થશે.... અને જેમ આજે હું અને તમે જીવ બાળીએ છે તેમ આપણા છોકરાં જીવ બાળતાં હશે....

જય હિન્દ.
--દેશદાઝ.

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...