Friday, December 27, 2013

વિરોધાભાસ

હમણાં સંજોગોવશાત એવું થયું કે બે અસંબદ્ધ વાતો એક સાથે ધ્યાનમાં આવી. લાગ્યું કે બંને રસપ્રદ છે ને બ્લોગ પર મૂકવી જોઈએ.

પહેલી વાત : જનકલ્યાણમાંથી સાભાર,
 "વ્યસનમુક્તિ" - ચંદ્રકાન્ત નિર્મલ.

'મા, આજે અમે નિશાળેથી વહેલા છૂટીશું. રીસેસ બાદ એક જ પીરીયડ છે પછી સ્વામી રુચિરાનંદજીનું પ્રવચન છે. પ્રવચન પછી રજા પડી જશે. હું આજે રીસેસમાં ઘરે નહિ આવું." અમિત માને કહી રહ્યો હતો. ૯ વર્ષનો અમિત શહેરની સરકારી નિશાળમાં ચોથા ધોરણમાં ભણતો હતો. તેનો બાપ નાની મોટી મજૂરી કરતો. મા પારકા કામ કરી ઘર ચલાવતી. અવારનવાર તેનો બાપ નશો કરીને આવતો, તેની માને મારતો, ક્યારેક તો તેને પણ માર પડતો.

અમિત અને તેનો પરિવાર પરામાં ગામને છેવાડેની વસ્તીમાં કાચાપાકા મકાનમાં રહેતા. તેના મકાનથી ચાર-પાંચ મકાન છોડીને તેનો મિત્ર સુનિલ રહેતો. તે પણ તેની સાથે તેના ક્લાસમાં જ ભણતો. બંને સાથે નિશાળે જતાં, સાથે આવતા. માને વાત કરીને તે બહાર નીકળ્યો. તેનો મિત્ર સુનિલ આવતો દેખાયો. બંને શાળા તરફ ચાલ્યા. તેઓ કદી શાળામાં મોડા પડતા નહીં.

પ્રાર્થનામાં  વર્ગશિક્ષકે સ્વામી રુચિરાનંદ વિશે વાત કરી. આજે સ્વામીજી ખાસ વ્યસનમુક્તિ ઉપર પોતાનું પ્રવચન આપશે. સાથે જ તે વિષયનું તેમનું પુસ્તક 'વ્યસન છૂટી શકે છે' જેની કિંમત રૂ. ૫૦ છે તે બાળકોને માત્ર રૂ. ૧૦માં અપાશે. જેને જોઈએ તેણે પ્રવચન પૂર્ણ થયા પછી શાળાની ઓફીસ બહાર કાઉન્ટર ઉપરથી મેળવી લેવું.

મા તેને રોજ ૧ રૂ. વાપરવા આપતી પણ તે રકમમાંથી બચાવી તે હંમેશા ૪-૫ રૂ. પોતાની પાસે રાખતો. અત્યારે તેની પાસે પૂરા ૬ રૂ. હતા. તેણે સુનિલને પૂછ્યું, તેની પાસે પણ ૫ રૂ. હતા. તેણે વિચાર્યું પોતે સુનિલ પાસેથી ચાર રૂપિયા ઉછીના લઈને પુસ્તક ખરીદશે. આ પુસ્તક બાપુને વંચાવશે, તેઓ નશો કરવાનું છોડી દેશે, મા રાજી થશે અને અમે બધાં શાંતિથી રહીશું.

રીસેસ પછીનો પિરિયડ પૂરો થયા પછી બધાં શાળાના પ્રાર્થના ખંડમાં આવ્યા. આચાર્યશ્રી સ્વામીજીને લઈને પ્રાર્થના ખંડમાં દાખલ થયા. બધાએ ઊભા થઇ સ્વામીજીનું સ્વાગત કર્યું, 'મારા વ્હાલા બાળકો' , સ્વામીજીએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું, 'વ્યસન કોઈ પણ પ્રકારનું હોય વ્યસન એ વ્યસન છે. તમાકુ,ગુટકા, બીડી-સિગારેટ, દારૂ, ગાંજો આ બધાં જ વ્યસનો માણસની તંદુરસ્તી તો બગાડે જ છે, સાથે જીવન પણ બગાડે છે.  વિદ્યાર્થી જીવનમાં સૌથી વધુ ફેલાયેલ વ્યસન હોય તો તે ગુટકા, બીડી-સિગારેટનું છે જે માણસને કેન્સર જેવી મહા-બીમારી તરફ લઇ જાય છે. વ્હાલા બાળકો મારી તમને ખાસ વિનંતી છે કદી પણ આ વ્યસને ચડશો નહીં, જો તમારા કોઈ મિત્ર એ તરફ જતા હોય તો તેને રોકજો.

'માણસને પાયમાલ કરતું બીજું વ્યસન છે દારૂનું. આ વ્યસન માણસને પાયમાલ કરે છે, તેના પરિવારની શાંતિ હરી લે છે. તેની વિચારશક્તિ ક્ષીણ થઇ જાય છે. સારા નરસાનો ભેદ વ્યસની માણસ સમજી શકતો નથી'

આ ઉપરાંત સ્વામીજીએ ઘણી બધી વાતો કરી. પ્રવચન પૂરું થયે બધાં ઘર તરફ રવાના થયા. અમિત પણ સ્વામીજીનું પુસ્તક લઈને ઘર તરફ ચાલ્યો. (વાર્તાનો અંત કરુણ છે એટલે જાણી જોઇને અહીં અધૂરી મુકું છું. જાણવામાં રસ હોય તો કોમેન્ટમાં લખજો અને હું મોકલી આપીશ)

બીજી વાત :
આ નીચે મુકેલ વિડીયો લિન્કમાં બતાવ્યું છે તેમ હાલમાં સંપન્ન થયેલ દિલ્હીની વિધાન-સભાની ચૂંટણી દરમ્યાન AAP-આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સંભવિત કોંગ્રેસ/ભાજપના માણસો દ્વારા ગરીબ વસ્તીમાં ભર અજવાળે ખુલ્લેઆમ દેશી દારૂની વહેંચણી કેમેરામાં કેદ કરી લીધી છે. (ઇલેકશન કમિશનના અધિકારીઓને તાત્કાલિક જાણ કરીને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અને થતું આવ્યું છે એમ ભીનું સંકેલાઈ ગયું હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય.) 



નીચેના ફોટામાં ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાયેલ વિધાન-સભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના "મહિલા" અધ્યક્ષ રીટા બહુગુણા જોશી રોયલ સ્ટેગ(Royal Stag)ની દારૂની બોટલોને સંતાડવાનો પ્રયત્ન કરતાં જોઈ શકાય છે.  એમના સાથીદાર રાજબીર ટીટુની આ દારૂ વહેંચીને મતદારોને પ્રલોભન આપવાના ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી.

આ બંને વાતો હકીકતમાં આપણા દેશ દ્વારા સફળતાના શિખરો સર કરવા માટે કરાઈ રહેલા સંઘર્ષની વાર્તા છે...એક બાજુ સામાન્ય ભારતીયો છે જે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાંથી માર્ગ કરી પોતાની અંગત તેમ જ દેશની સફળતા માટે કટિબદ્ધ છે અને કોઈ નોંધ લે કે ના લે ચૂપચાપ પોતાનું કામ કર્યે જાય છે. અને બીજી બાજુ આ આધુનિક યુગના "જયચંદો" છે જેઓ પોતાના તુચ્છ અંગત સ્વાર્થ ખાતર ગમે તે હદ સુધી જઈ શકે છે.(જયચંદની વાર્તા તો જાણો છો ને?) આતો થઇ ખાલી દારૂ પાઈને વોટ લેવાની વાત. બીજી ઘણી એવી વાતો છે જે જલ્દી લોકોના ધ્યાનમાં આવતી નથી. RTI( રાઈટ ટુ ઇન્ફોર્મેશન), માહિતી અધિકાર હેઠળ માત્ર સરકાર પાસે માહિતી માંગવાનો 'ગુનો' કર્યા બદલ કેટલા દેશભક્તોએ છેલ્લા ૫ વર્ષમાં શહીદી વહોરી છે જાણો છો?  સમય અને મોકો મળે એ વિષય ઉપર પણ લખીશ.


No comments:

Post a Comment

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...