લો હાશકારો ખાઓ 2020 તો પત્યું! આ ગયા વર્ષમાં જાણે કોઈ જ સારા આનંદદાયક સમાચાર જ નહોતા નહિ? એટલે આ નવા વર્ષમાં સારા સમાચારથી વર્ષ ચાલુ કરવાના આશયથી આ લેખ લખવાનું નક્કી કર્યું. આ ઉપર મૂકેલ ચિત્ર પહેલાં કદી જોવામાં આવ્યું છે ? બસ આ ચિત્ર જ સારા સમાચાર છે! આવનાર જાન્યુઆરી 18, 2021 ના રોજ આ DFC એટલે કે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor )ના નિર્માણ માટે રચાયેલ અને રેલવે મંત્રાલયને આધીન એવા DFCCIL ને 15 વર્ષ પૂરા થશે. ચાલો જરા માંડીને વાત કરીએ.
સ્વર્ગીય પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ નિર્માણ કરેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના (Golden Quadrilateral ) કે જે દેશના ચાર મહાનગરોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના 4 લેનના ઘોરીમાર્ગોથી (Highway) જોડે છે તે યાદ છે? બસ આ DFC પણ કૈક એવું જ છે, ફરક માત્ર એટલો કે હું અને તમે એના ઉપર આપણી 4 પૈડાની ગાડીઓ સડસડાટ દોડાવીના શકીએ. એના ઉપર માત્ર ચાલશે દોઢ કિલોમીટર લાં......બી માલવાહક ગાડીઓ. કોઈ પણ પ્રકારની યાત્રિક ટ્રેનો નહિ, માત્ર માલવાહક ટ્રેનો. કોઈ કહેશે માલવાહક ગાડીઓ તો હાલમાંયે આખા દેશમાં ભારતીય રેલવે દોડાવે જ છે ને એમાં શું નવાઈ ? અરે ભાઈ, ખરી નવાઈ તો એ છે કે આ પરિયોજના હકીકતમાં દેશની કાયાપલટ કરવાની છે અને તે છતાંય ક્યાંય કોઈ રાષ્ટ્રીય સમાચારમાં એનો ઉલ્લેખ નથી. નિમ્નલિખિત આંકડાઓ અને માહિતી તેની તાતી જરૂરિયાત છે એટલું જ નહિ પણ તેના વગર દેશનો વિકાસ રૂંધાઇ જશે થઇ જશે તેની નક્કર સાબિતી છે.
આ ઉપરનો આલેખ જુઓ. છેલ્લા 65 વર્ષોમાં ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેરમાં રેલવેનો હિસ્સો 85% થી ઘટીને 33% થઇ ગયો જયારે ઘોરીમાર્ગોનો હિસ્સો 15%થી વધીને 58% થઇ ગયો. આના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ છે જેમ કે
- હમેંશા પહેલી સમસ્યા પૈસાની જ હોય. યાત્રી ટ્રેનો એ ભારતીય રેલવે માટે મોટે ભાગે ખોટનો ધંધો છે, અમુક રૂટને બાદ કરતાં ઘણાંય રૂટ દેશમાં આવાગમન અને જોડાણ વધારવા માટે દોડાવવામાં આવતા હોય છે, રેલ તંત્ર માટે ખરી આવક જ માલવાહક ગાડીઓ છે. જેમ જેમ ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેરમાં રેલવેનો હિસ્સો વર્ષે દર વર્ષે ઘટે છે એમ એમનો ચોખ્ખો નફો ઘટે છે.
- ઔદ્યોગિક માલનું પરિવહન ધોરીમાર્ગો પર ટ્રકો દ્વારા થતાં ટ્રાફિકની અત્યંત વિકટ સમસ્યાઓ દેશના દરેક શહેરમાં માથાનો દુખાવો બની ચૂકી છે. આપણા ગુજરાતની વાત કરીએ તો જેઓ સુરત-ભરૂચના બ્રિજ પાસે ટ્રાફિકમાં અટવાયા હશે એમને ખ્યાલ આવશે.
- હાલમાં આ જે ઔદ્યોગિક માલનું પરિવહન સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગો દ્વારા થાય છે તે દેશના કુલ રોડ માર્ગના માત્ર 0.5% હિસ્સો છે પણ તે 40%થી વધુ રોડ માલ પરિવહનમાં વપરાય છે અને હમેંશા વ્યસ્ત રહે છે જેનાથી ટ્રાફિકની સમસ્યા વકરે છે.
- ભારતમાં હજીયે 1970-80ના દાયકાના ટેકનોલોજીની દ્રષ્ટિએ પછાત એવા ડીઝલ ટ્રકો ચાલતાં હોવાથી આ ટ્રકો પ્રદૂષણમાં ખૂબ વધારો કરે છે જેને લીધે સ્વાસ્થ્યની કેટલીયે ગંભીર સમસ્યાઓ સામે આપણે લડી રહ્યા છીએ. દેશની રાજધાની દિલ્હીના હાલ તો એવાં છે કે ત્યાં પ્રદૂષણનું સ્તર પ્રદૂષણ માપવાના વિદેશી મશીનોની મહત્તમ ક્ષમતા કરતાંયે ઉપર છે.
- ધોરીમાર્ગો દ્વારા મોકલવામાં આવતાં માલસામાનના લીધે આંતર-રાજ્ય ચેક પોઇન્ટ સ્થાનો ઉપર દિવસો સુધી હજારો ટ્રકોનો ભરાવો, ત્યાં ચાલતો ભ્રષ્ટાચાર અને અન્ય કુરીતિઓ.
- ધોરીમાર્ગો ઉપર થતાં 75%થી વધુ જીવલેણ અકસ્માતોમાં ટ્રકો જેવા મોટા વાહનો સંડોવાયેલા હોય છે.
- ધોરીમાર્ગો ઉપર થતાં પરિવહનથી ઝડપી તેમજ એકદમ સમયસર માલ નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં ઉદ્યોગોને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. આ મુદ્દો અત્યાધિક અગત્યનો છે. ભારત સરકારના એક અનુમાન અનુસાર દર વર્ષે દેશને આ કારણસર 1% GDPનું નુકસાન થાય છે. હાલનો આપણાં GDP પ્રમાણે તે 2200 કરોડ કરતાં વધુ થયા.
- સમર્પિત માલવાહક માર્ગ નેટવર્ક ના હોવાને કારણે યાત્રી ટ્રેનો અને માલવાહક ગાડીઓ હાલમાં એક જ માર્ગ નેટવર્કનો ઉપયોગ કરે છે જેને લીધે આ નેટવર્ક તેની ક્ષમતા કરતાં વધુ વપરાય છે (150%), વધુ ઘસારો પહોંચે છે અને તેમાં જાળવણી, નાના-મોટાં રીપેરીંગ માટે ટ્રેક ઓફલાઈન લેવામાં તકલીફ ઉભી થાય છે અને જો ઑફલાઇન લેવાય તો કેટલીય વાર યાત્રી અને માલવાહક ટ્રેનો ખૂબ જ મોડી પડે છે અને નિર્ધારિત સમયો સાચવી શકતી નથી.
- દિલ્હી-મુંબઈ-ચેન્નાઇ-હાવડા(કોલકાતા) આ ચાર મહાનગરોને જોડતું હાલનું ચતુષ્કોણીય સમર્પિત રેલ નેટવર્ક તેના બે વિકર્ણો સહિત કુલ 10,122 કિમી લાબું છે અને તે છતાંય દેશના કુલ રેલ નેટવર્કનું માત્ર 16% નેટવર્ક છે. પણ આ નેટવર્ક ઉપર દેશના 52% યાત્રિકો અને 58% માલનું વહન થાય છે. DFC આ હાલના નેટવર્કને સમાંતર બીજું સમર્પિત માલવાહક માર્ગ નેટવર્ક છે જેના લીધે યાત્રી ટ્રેનોની સંખ્યા અને તેમની સમયબદ્ધતામાં વધારો થશે.
- માલવહન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો. હાલની માલવાહક ટ્રેનની મહત્તમ ક્ષમતા 5000 ટનથી વધીને સીધી 13,000 ટન એટલે કે લગભગ ત્રણ ગણી !!
- Make in India કાર્યક્રમ હેઠળની સૌથી મોટી પરિયોજના કે જેમાં હજારો કરોડના સ્થાનિક કોન્ટ્રાકટ અપાઈ ચૂક્યા છે, જેમાં ઘણાં એવા છે જેમાં વિદેશી કંપનીઓને 50% સુધીનું ટેક્નોલોજી ઉત્પાદન દેશમાં કોઈ સ્થાનિક કંપની સાથે જોડાણ કરીને કરવા માટે બાધ્ય કરવામાં આવી છે. એમાં સૌથી વધુ નોંધનીય ફ્રેન્ચ આંતરરાષ્ટ્રીય કંપની અલ્સ્ટોમને અપાયેલો કોન્ટ્રાકટ છે. વધુ જાણવા અહીં ક્લિક કરો.
- દેશમાં પહેલીવાર રેલ મંત્રાલય દ્વારા પરિયોજનાની સમયબધ્ધ પૂર્ણતા માટે ડ્રોન ટેક્નોલોજી દ્વારા દેખરેખ.
- દુનિયાની સૌથી પહેલી ડબલ-સ્ટેક કન્ટેઈનરો માટેની ઇલેક્ટ્રિક ટ્રેન માટેની ટનલ.
- દેશમાં પહેલીવાર 6000 ટનની માલવાહક ટ્રેનો 120 કિમી/કલાકની ઝડપથી દોડશે.