Saturday, December 30, 2023

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલાદેવીના ત્યાં જન્મ્યા. કહેવાય છે કે ગુહીલોત એ પ્રભુ શ્રી રામના પુત્ર લવથી શરુ થયેલી વંશાવલિ છે. આજ ગુહીલોત વંશ આગળ જતાં સિસોદિયા વંશ તરીકે પ્રખ્યાત થયો અને આજની તારીખેય ઉદયપુરના રાજ પરિવારમાં તેમની 1400 વર્ષોથી ચાલી આવતી અખંડ વંશાવલિની માહિતી મળે છે. એકલિંગ મહાત્મ્ય અથવા એકલિંગ પુરાણમાંથી મળતી માહિતી પ્રમાણે નાગાદિત્યના ઈડરના ભીલો સાથેના યુદ્ધમાં મૃત્યુ બાદ કમલાદેવી માત્ર 3 વર્ષના કાલભોજને લઈને પોતાના વડનગરા(નાગર) જાતિના વંશજો પાસે જતી રહી. તેમના વંશજો ગુહીલોત કુળના રાજ પુરોહિત હતા. ભીલોના આતંકના લીધે તેમના કુળના બ્રાહ્મણ કાલભોજને લઈને મેવાડના જંગલોમાં ભીંડેર નામના સ્થાને સ્થળાંતર કર્યું. અહીં યદુ કુળના ભીલોએ તેમને સંરક્ષણ આપ્યું અને ભીલોના રાજા માંડલિકે તેમને રક્ષણ આપવા સાથે સાથે તેમને યુદ્ધ કળાઓ અને યુદ્ધ કૌશલ શીખવ્યું. બપ્પાના સમયમાં વિકસેલા આ ભીલો અને સિસોદિયા વંશના સબંધો આજે પણ અકબંધ છે.

સમય જતાં બપ્પાનો ઉછેર રાજ પુરોહિત કુળની એક બ્રાહ્મણ સ્ત્રીએ ઉદયપુરથી થોડે દૂર નાગદામાં કર્યો હતો જેણે તેમને ગાયો ચરાવવાનું અને તેમની કાળજી લેવાનું કામ સોંપ્યું હતું. બાપા રાવળ ગાયોને ચરાવતા હતા. તેમાંથી એક ગાય વધુ દૂધ આપતી હતી પરંતુ સાંજે ગાય જંગલમાંથી પાછી ફરતી હતી તો તેનાં આંચળમાં દૂધ રહેતું નહોતું. બપ્પા રાવળ આ રહસ્ય જાણવા ગાયની પાછળ જંગલમાં ગયા. તેમણે જોયું તો ગાય હારિત ઋષિના શિવલિંગ પર દુગ્ધાભિષેક કરતી હતી. તે પછી બપ્પા રાવળ હારિત ઋષિની સેવામાં લાગી ગયા. એમ કહેવાય છે કે હારિત ઋષિના આશીર્વાદથી તેઓ મેવાડના રાજા બન્યા. સંભવત: આ હારિત ઋષિની પ્રેરણાથી જ બપ્પા રાવળે અહીં એકલિંગજી મંદિર પણ બંધાવ્યું હતું. તેઓ ગુહિલૌત (કદાચ અત્યારે ગહલોત અટક આવે છે તે હોઈ શકે) વંશના આઠમા શાસક હતા. ગુહિલૌત પહેલાં ગુહિલ કહેવાતા હતા એવો ઉલ્લેખ પણ ક્યાંક ક્યાંક મળે છે. અને ગુહિલોત પોતાને પ્રારંભમાં બ્રાહ્મણ કહેવડાવતા હતા. (ડૉ. ભાંડારકરે લખ્યું છે કે ગુહિલૌત આનંદપુર(ગુજરાતનું હાલનું વડનગર)ના નાગર બ્રાહ્મણ હતા.- આર. સી. મજુમદાર, શિવસિંહ ચૌહાણ લિખિત શ્રેણ્ય યુગ ભારતીય જનતા કા ઇતિહાસ ઔર સંસ્કૃતિ પુસ્તકમાં આ નોંધ આપેલી છે.)
ઉદયપુર પર રાજ કરનારા ગુહિલૌત વંશના લોકો આસપાસનાં ક્ષેત્રો પર પણ રાજ કરી રહ્યા હતા. જયપુરથી ૨૬ માઈલ દૂર દક્ષિણમાં ચત્સુ નામના એક નગરમાં મળેલા એક અભિલેખથી આ વંશના આવા જ એક વ્યક્તિની જાણ થાય છે. ગુહિલૌતની આ શાખાની સ્થાપના સાતમી સદી કે છઠ્ઠી સદીના અંતમાં કોઈ ભતૃ પટ્ટ (કે ભટ્ટ?)એ કરી હતી. ઉક્ત પુસ્તક શ્રેણ્ય યુગ અનુસાર, આ અભિલેખ મુજબ, ભતૃ પટ્ટ પરશુરામ સમાન હતા, જેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેના ગુણો હતા. તે સમયે બલિ પ્રથા હતી. બાપા રાવળની શક્તિ વિશે એમ કથા છે કે તેઓ એક જ ઝાટકામાં બે ભેંસની બલિ આપી શકતા હતા. તેમનું વ્યક્તિત્વ વિશાળકાય હતું.

બપ્પાને માં ભવાનીએ સ્વપ્નમાં દર્શન દીધા અને તત્કાલીન સમયના શક્તિશાળી અને સાર્વભૌમ એવા ચિત્તોડના મોરી વંશના શાસકોને ત્યાં સેવા કરવા જોડાવાની પ્રેરણા આપી. બપ્પા ત્યારના શાસક મનમોરીને જઈને મળ્યા અને રાજાએ તેમને સ્વીકારીને અમુક વિસ્તાર આપીને સામંત તરીકે નીમ્યા. આ એજ સમય હતો જયારે ઇસ્લામી આક્રમણકારીઓએ પહેલીવાર સિંધુ નદી ઓળંગીને ભારતવર્ષમાં પગ મૂક્યો હતો. સન 712માં માત્ર 17 વર્ષની ઉંમરે ધર્મઝનૂની મહંમદ બિન કાસમે સિંધના બ્રાહ્મણ રાજા દાહિર ઉપર હુમલો કર્યો હતો. કાસમના શરૂઆતના આક્રમણો દાહિર અને એના પરાક્રમી ભાઈએ નિષ્ફળ કર્યા હતા. કમનસીબે સિંધ પ્રાંતના બુદ્ધને માનનારા લોકોએ દાહિર સાથે છેડો ફાડી કાસમનો સાથ આપ્યો. નેરૂનમાં બુદ્ધ સમાજના આગેવાન ભાંડારકર  સામાનીએ કાસમના લશ્કરને સિંધુ પર કરવામાં મદદ કરી, એટલું જ નહિ તેણે  તેના લશ્કરને જરૂરી ખોરાક-પાણી પુરવઠો પૂરો પાડ્યો. આ ગદ્દારી/દગાબાજીના લીધે દાહિર અરોરના યુદ્ધમાં હાર્યા અને કાસમે તેનો અને તેના ભાઈનો શિરચ્છેદ કર્યો. તેમનું કપાયેલું મસ્તક બસરા સ્થિત અરેબિયાના ગવર્નર હજ્જાજ બિન યુસુફ ને મોકલવામાં આવ્યું અને તેની રાજકુમારીઓ સૂર્યા દેવી અને પ્રેમલા દેવીને હજ્જાજ બિન યુસુફ મારફતે ત્યારના ઉમ્મયદ ખિલાફતના પાંચમા ખલિફા અબ્દ-અલ-મલિક પાસે વેશ્યાઓ તરીકે દમાસ્કસ(હાલમાં સીરિયા નામના દેશની રાજધાની) મોકલી આપી. [હિન્દૂ વીરાંગનાઓ સૂર્યા દેવી અને પ્રેમલા દેવીએ કેવી રીતે પોતાના પિતા, કાકા અને રાજ્યના વિનાશનો બદલો લીધો તેની કથા પણ ખૂબ રસપ્રદ છે.]

એ કાળ અરેબિયાના ભાડૂતી સૈનિકોનો કાળ હતો. કાસમે સિંધમાં દાહિરની અઢળક સંપત્તિ હાથ લાગતા પોતાનું લશ્કર વધારવા માંડ્યું અને તેની નજર આગળ વધીને સિંધ કરતાંય વધુ મોટા, સંપન્ન અને શક્તિશાળી મેવાડ સામ્રાજય ઉપર હતી. પિતા અને કાકાની અરોરના યુદ્ધમાં વીરગતિ બાદ દાહિરના પુત્રે છટકી જઈને બપ્પા રાવળને જઈને મળીને આંખે દેખ્યો અહેવાલ આપ્યો. ખાસ કરીને કેવી રીતે હારેલા રાજ્યની સ્ત્રીઓ ઉપર હિન્દૂ સમાજે ક્યારેય ના સાંભળ્યું કે કલ્પના કરી હોય એવા જુલમ-દમનની વાત કરી. સ્ત્રીઓને જીવંત વ્યકતિ તરીકે ના જોતા માત્ર એક ઉપભોગની વસ્તુ તરીકે જોતા જિહાદીઓની આ વિકૃત રીત હિન્દૂ સમાજ માટે માનસિક આંચકારૂપ હતી. હા, યુધ્ધો તો પહેલાંય થતાં હતા અને હિન્દૂ રાજાઓ અંદર-અંદર લડતા જ હતા પણ લડતના અંતે જો પરાજિત રાજા જીવિત હોય તો કાં તો પરાજિત રાજાને દેશવટો અપાતો અથવા તે વિજયી રાજાનું આધિપત્ય સ્વીકારીને સામંતપદ સ્વીકારી લેતો. આમ માત્ર સત્તાનું હસ્તાંતરણ થતું, સામાન્ય નાગરિકો, વેપારી વર્ગ, કલાકારો, સંત સમાજ  કે કૃષિ સમાજના રોજબરોજના જીવનમાં કોઈ ખાસ અંતર પડતું ન હતું. 

બપ્પા રાવળ આ વૃતાન્ત સાંભળીને ક્રોધિત થઇ ગયા. એક કાબેલ રાજાને છાજે એવા દૂરંદેશીપણાના લીધે તેમને તરત જ એક સંગઠિત હિન્દૂ સમાજ દ્વારા મ્લેચ્છોના પ્રતિકારની જરૂરિયાત વર્તાઈ. અને આ સંભવિત યુદ્ધ લાબું અને લોહિયાળ હશે તેનો પણ તેમને ખ્યાલ આવી ગયો. તેમણે પોતાની રાજકીય કુનેહનો પરિચય આપતાં માળવા (હાલના મધ્ય-પ્રદેશ) પ્રાંતના ગુર્જર-પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ પહેલા સાથે લશ્કરી જોડાણ સાધ્યું. ત્યાર બાદ નાગભટ્ટ મારફતે દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના રાજા જયસિંહ વર્મનને પણ ધર્મ-યુદ્ધ માટે નિમંત્રણ મોકલાવ્યું. જયસિંહ વર્મને તરત જ પોતાના કુમાર પુલકેશી રાજાને મોકલીને જોડાણ સ્વીકાર્યું. તે ઉપરાંત બપ્પાએ ગુજરાત પ્રાંતના જયભટ્ટને પણ સમજાવીને સાથે લીધો. આમ ધર્મને સર્વોપરી માનતા હિન્દૂ રાજાઓએ એક થઈને ધર્મ યુદ્ધને માટેની તૈયારીઓ શરુ કરી. આ બાજુ ઉમ્મયદ ખિલાફતે જુનૈદ અલ મુરીને 60,000 ના ભાડૂતી લશ્કર સાથે દક્ષિણ ગુજરાત, દક્ષિણ રાજસ્થાન ઉપર હુમલો કરવા મોકલ્યો. સન 738માં હાલના જોધપુર શહેરની આજુબાજુના વિસ્તારોમાં હિન્દૂ રાજાઓના 5000-6000ના સંયુક્ત સૈન્યે આરબોની 60,000 ની સેનાનો સામનો કર્યો અને તાલીમવિહીન ભાડૂતી સૈનિકોનો કચ્ચરઘાણ વાળી દીધો. આ યુદ્ધમાં કે જે ઇતિહાસમાં રાજસ્થાનના યુદ્ધ તરીકે ઓળખાય છે એમાં જુનૈદ મરાયો. આનાથી ઉમ્મયદ ખિલાફત અને ખલિફાને પવિત્ર વૈદિક ભૂમિ ઉપર પગ મૂકવું તો દૂર, તેની તરફ આંખ ઊંચી કરીને જોવું પણ નહિ તેનો સ્પષ્ટ સંદેશ મળ્યો. હજી 6ઠી જ સદીમાં ઉદ્ભવેલ નવા પંથના જે સંસ્કૃતિવિહીન જંગલી માનસિકતાવાળા અરબી લોકો કે જેઓએ માત્ર 20-30 વર્ષના ગાળામાં પર્શિયા(પારસીઓનો મૂળ દેશ - ઈરાન), મેસોપોટેમીયા(ઇરાક), સીરિયા (સૂર્ય), ઉત્તરી આફ્રિકા જેવી કેટલીય જગ્યાએ જૂની અને સમૃદ્ધ સભ્યતાઓનો ખુરદો બોલાવી દીધો તેમની હિન્દૂ રાજાઓ વિરુદ્ધ કારમી હાર થઇ. શરૂઆતના કાળના આ ઝનૂની અને વિસ્તારવાદી ઇસ્લામી આક્રમણકારીઓની હારની માત્ર ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વ ઉપર ખૂબ લાંબા ગાળાની અસર પડી. જો સંયુક્ત હિન્દૂ સેના હારત તો આ સમૃદ્ધ હિન્દૂ રાજાઓના ધનના જોરે ઇસ્લામે ચીન ઉપર પણ ચઢાઈ કરી હોત અને ઉપર નોંધેલ અન્ય સભ્યતાઓની જેમ તેની સભ્યતાનો પણ નાશ કર્યો હોત.એટલે કે બપ્પાના સંગ્રામનો ચીનને મફતમાં આડકતરો ફાયદો મળી ગયો. અને માત્ર ચીન જ નહિ પણ પશ્ચિમમાં યુરોપના રાજ રજવાડાંઓને પણ ફાયદો થયો, પૂર્વમાં હિંદુઓને જીતી લીધા બાદ ઇસ્લામી આક્રમણકારીઓ પોતાની બધી જ તાકાત અને ધ્યાન તેમના પર કેન્દ્રિત કરત. એટલે કે સયુંકત હિન્દૂ સેના માત્ર વૈદિક ભૂમિ ઉપર રહેતાં સનાતનીઓ જ નહિ પણ વિશ્વના બધાં જ લોકો માટે ઇસ્લામ વિરુદ્ધ ઢાલ બની. નોંધવાની વાત એ છે કે કાળાન્તરે ધર્મના રક્ષણ માટે હિન્દૂ રાજાઓ પોતાની આપસી દુશ્મનાવટ કે હરીફાઈ ભૂલાવીને ઘણીવાર એક થયા જ છે પણ 1947 બાદના સ્વતંત્ર ભારતમાં સાલા કમ્યુનિસ્ટ અને ઇસ્લામી ઇતિહાસકારોએ આ બધાં તથ્યો ક્યારેય ભારતના હિન્દૂ સમાજને જાણવાં જ ન દીધા અને રાજસત્તાના જોરે બેફામ અપપ્રચાર કર્યો કે હિંદુઓ ક્યારેય એક થઇ શક્યા નથી અને માત્ર અંદરો-અંદર લડી મરતા હતા. બપ્પા રાવળમાં એટલી દીર્ઘ-દ્રષ્ટિ હતી કે ઇસ્લામી આક્રમણકારોને માત્ર રાજસ્થાનમાં હરાવીને તેઓ જંપ્યા નહિ. તેમને છેક ઇરાનની સરહદો સુધી પીછો કરી કરીને માર્યા. અરબી ઇતિહાસકારોએ નોંધ્યું છે કે સિંધુના પૂર્વી તટે તો શું, તેના પશ્ચિમી તટથી ઈરાનની સીમાઓ સુધી કોઈ જગ્યા ઇસ્લામી આક્રમણકારીઓ માટે સુરક્ષિત નહોતી. જીત્યા પછી દુશ્મનને જીવતો છોડાય જ નહિ એટલી સામાન્ય લશ્કરી સમજ અને સાહસ જે બપ્પા અને નાગભટ્ટમાં હતી તે સ્વતંત્ર હિન્દુસ્તાનના શાસક વર્ગમાં આજે 75 વર્ષે પણ જોવા મળતી નથી. જીવતા છોડે તો ફરી હુમલો કરે ને! ભારતના 1971ના મહા-મૂર્ખ શાસક વર્ગે 90,000 પાકિસ્તાની સૈનિકોને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાછું લીધા વગર જ જીવતા પાછા આપી દીધા. 

આરબોની બીજી સેના ગુજરાત થઈને દક્ષિણ ભારત તરફ જઈ રહી હતી. નવસારિકા (આજનું નવસારી) પાસે હિન્દુ રાજાઓના સંગઠને તેને લલકારી. આ યુદ્ધમાં સેનાનું નેતૃત્વ ચાલુક્ય રાજકુમાર પુલકેસી કરી રહ્યો હતો. આરબ સેના પર ભયંકર પ્રહાર થયો. આરબ સેના મુઠ્ઠી વાળીને પાછી ભાગવા લાગી. આથી તેમની સેના જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાંના શાસકો આરબ સેના પર અચાનક હુમલો કરી આરબ સેનાને મારી નાખતા હતા. આ રીતે મેવાડમાં બાપા રાવળ, જાલોરમાં પ્રતિહારો, ઉત્તર ગુજરાતમાં ચપોત્કટ (ચાવડા), દક્ષિણ ગુજરાતમાં ચાલુક્ય, સૌરાટ્રના સૈન્ધવ, કચ્છના કાછેલા, કચ્છ અને સૌરાષ્ટના સમુદ્રી પ્રદેશ વચ્ચે મેર (મહેર)એ વીણી વીણીને આરબોને મારી નાખ્યા. સેનાના સેનાપતિ અલ હાકમનો વધ મેરોએ કરી નાખ્યો.આમ પીછો કરતાં કરતાં બપ્પા અફઘાનિસ્તાનના ગઝની સુધી પહોંચી ગયા અને ત્યાં ત્યારે કોઈ સલીમનું રાજ હતું.બપ્પાએ સલીમને યુદ્ધમાં હરાવ્યો અને તેની દીકરી સાથે વિવાહ કર્યા. અને જતાં જતાં તેમણે તેમના ભત્રીજાના હાથમાં ગઝનીનું સુકાન સોંપ્યું. બપ્પાના વિજયના લીધે ગઝનીમાં અમુક સદીઓ સુધી હિન્દૂ શાસન રહ્યું.આ એજ ગઝની કે જ્યાંથી આગળ જતાં 11મી સદીમાં મહમૂદ ગઝનીએ સમૃદ્ધ હિન્દૂ રજવાડાંઓ અને મંદિરો (ખાસ કરીને સોમનાથ) લૂંટવા માટે 17 વાર ચઢાઈ કરી. અને માત્ર ગઝનીનો સલીમ જ નહીં, સિંધુની પશ્ચિમી બાજુએ આવેલા ઘણાં નાના મુસલમાન રાજાઓને હરાવ્યા અને તેમની દીકરીઓ સાથે લગન કર્યા. કહેવાય છે કે આ જુદી જુદી રાજકુમારીઓથી બપ્પાના 130 સંતાનો હતા કે જે તેમની માતાઓના કુળથી ઓળખાતા. આજની તારીખે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસતા નૌશેરા પઠાણો બપ્પાના વંશજ છે. આ બધા યુધ્ધો બાદ જયારે બપ્પા રાજસ્થાન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે થોડે થોડે અંતરે લશ્કરી ચોકીઓ ઉભી કરી જે ભવિષ્યમાં આક્રમણો ખાળવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે. બપ્પાના નેતૃત્વમાં હિન્દૂ સેનાએ એવી ભવ્ય વિજયપતાકા લહેરાવી અને એટલું જ નહિ, પણ ઇસ્લામી આક્રાંતાઓના મન/મસ્તિષ્કમાં એવો ભય પેદા કરી દીધો કે આવનાર 400 વર્ષો સુધી તેમણે ફરી હિન્દુસ્તાન તરફ આંખ ઊંચી કરીને જોયું નહિ. બપ્પાના વિજયનો સૌથી મોટો પુરાવો એ છે કે આજની તારીખે તેમણે સ્થાપેલું મૂળ લશ્કરી થાણું રાવલપિંડી (પંજાબીમાં રાવળોનું પિંડ - ગામ ) આજે એક મોટું અને જાણીતું શહેર છે. 

આ રાજસ્થાનના યુદ્ધમાં ભવ્ય વિજય બાદ બપ્પાનું ઘર-આંગણે કદ અને માન-સન્માન વધી ગયા. તેઓ હવે ચિત્તોડના મોરી વંશ પાસેથી સત્તા પડાવીને સામંતમાંથી રાજા થયા. આ યુદ્ધ બાદ જ તેઓ હિંદુઆ સૂરજ (હિન્દુઓના સૂર્ય) નામની ઉપાધિથી ઓળખાયા. ભીલોના રાજાએ બપ્પાને "રાવળ" (રા-રાજ્યના, વ-વરત્વ એટલે કે આશીર્વાદ, લ - લક્ષ્મી, એટલે કે રાજ્ય માટે આશીર્વાદ અને સંપત્તિ રૂપ) નું ઉપનામ આપ્યું. બપ્પાએ ચિત્તોડ ઉપર ત્યારબાદ 27 વર્ષ સુધી શાસન કર્યું અને પછી પોતાની આધ્યાત્મ ઉન્નતિ માટે રાજપાટ છોડી તેમના જ દ્વારા નિર્મિત એકલિંગજી મહાદેવ ( હાલના ઉદયપુરથી આશરે 30 કિમી ઉત્તરમાં)ની આસપાસના જંગલોમાં એકાંતમાં નિવાસ કરવા જતા રહ્યા. તેમણે એક સિદ્ધ તપસ્વી તરીકે બાકીનું જીવન ગાળ્યું અને આશરે 100 વર્ષ જીવ્યા. બપ્પા એક અજ્ઞાત સાધક તરીકે શેષ જીવન ગાળીને એકલિંગજી મંદિર નજીક કૈલાશ પુરી પાસે મોક્ષ પામ્યા. આજની તારીખેય ત્યાં એક શિવ મંદિર હયાત છે જેમાં બપ્પાના ગુરુ હરિત ઋષિ અને બપ્પાની પૂર્ણ કદની પ્રતિમા વિરાજમાન છે કારણકે મનાય છે કે અહીં જ તેમણે સમાધિ લીધી હતી. 

સી.વી. વૈદ્યે પોતાના પુસ્તક "મધ્યકાલીન હિન્દૂ ભારત"માં બપ્પાના જીવનની તુલના તેમના સમકાલીન ફ્રાન્સના ચાર્લ્સ માર્ટેલ સાથે કરી છે. બપ્પાની જેમ જ માર્ટેલ પણ શૂન્યથી શરુ કરીને પેરિસમાં સત્તા સુધીની સફર કાપી. બપ્પાની જેમ જ માર્ટેલે પણ ઉમ્મયદ ખિલાફતના અબ્દ-અલ-રહેમાન-અલ-ગફીકીને ટુર્સના યુદ્ધમાં હરાવીને પશ્ચિમી યુરોપમાં ઇસ્લામના વિસ્તારને અટકાવ્યો. માર્ટેલ બાદ તેના પુત્ર પેપિન અને અન્ય વંશજો દ્વારા માર્ટેલ વંશ અમુક જ પેઢીઓ સુધી હયાત રહ્યું જયારે બપ્પા રાવલનો સ્થાપેલો મેવાડનો સિસોદિયા વંશ આજેય 1400 વર્ષોથી અખંડ છે અને ભારતની લોક્શાહીમાંયે ઉદયપુરની રાજગાદીએ વિરાજે છે. બપ્પા બાદ શક્તિ કુમાર, ખુમાણ પહેલો, ખુમાણ બીજો, ખુમાણ ત્રીજો વગેરે મેવાડનું સામ્રાજ્ય વધારતાં ગયા અને રાક્ષસી વૃતિના ઇસ્લામી આક્રમણકારીઓનો પ્રતિકાર કરતા રહ્યા. એમ કહેવામાં જરાક પણ અતિશયોક્તિ નથી કે બપ્પાની વીરતા અને અદમ્ય સાહસ અને એના પરિણામ સ્વરૂપ વિજય ના થયોહોત તો આજે ભારત નામનો કોઈ દેશ જ હયાત ના હોત અને આખાય વૈદિક ભારતનું સાતમી સદીમાં જ ઇસ્લામીકરણ થઇ ચૂક્યું હોત. પીડા અને ગુસ્સો માત્ર એટલી જ વાતનો કે જેના વીરતાના લેખ દરેક હિન્દૂ બાળકના મસ્તિષ્કમાં બાળપણમાં પ્રેરણા સ્ત્રોત રૂપે ઘૂંટાવા જોઈતા હતા તેને આજે કેટલાક ગણ્યા-ગાંઠ્યા હિંદુઓ જ ઓળખે છે. આ લેખ વાંચીને આપણા મહાન યોદ્ધાઓ અને તેમના અથાગ પ્રયત્નોને બીજા 2-4 હિંદુઓ પણ જાણે અને આપણો અમૂલ્ય વારસો સાચવે એટલી જ આકાંક્ષા સાથે...રામ રામ.

જતાં જતાં, કલ્પના કરો કે બપ્પા રાવળના સમયમાં આજની જેમ "Meme" બનવાનું પ્રચલન હોત તો લોકો કેવા બપ્પાના meme બનાવત એના 2-4 દાખલા.....

સ્ત્રોત : 

Book : Maharanas, A thousand year war for dharma - by Omendra Ratnu. 



Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...