Monday, June 20, 2022

હિન્દુ શૂરવીર - અલ્લુરી સીતારામ રાજુ - રામપા વિદ્રોહ

દેશદાઝ પર ભૂતકાળમાં આપણે એવા વિષયો ઉપર લેખોનો સમાવેશ કર્યો છે કે જે જયારે પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારે તે વિષયો ઉપર પહેલવહેલા લેખ હતા અને એમના ઉપર આજે પણ ઇન્ટરનેટ ઉપર ખાસ માહિતી મળતી નથી. ઉદાહરણ તરીકે. 

1) રામ જન્મભૂમિ ઇતિહાસ

2)કૃષ્ણ જન્મભૂમિ ઇતિહાસ 

3) લાચિત બોરફુકન 

4) આનંદબાઇ ગોપાલ જોશી 

5) અયોધ્યા મુક્તિ સંગ્રામના ભૂલાઈ ગયેલા શૂરવીરો 

6) સંભાજી મહારાજ 

7) માનગઢ હત્યાકાંડ 

હવે આજ શૃંખલાને આગળ વધારતાં આપણે આજે વાત કરશું આંધ્રના પરમ દેશભક્ત એવા આદિવાસી નેતા અલ્લુરી સીતારામ રાજુની. આપણે લેખને ચાર સરળ ભાગમાં વહેંચી દઈશું. 

1) પૂર્વાધ :

બ્રિટિશ રાજમાં મોટાભાગનું વિંધ્યના પહાડોની દક્ષિણનું ભારત કે જેમાં આજના રાજ્યો જેવા કે કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર અને કેરળનો સમાવેશ થાય છે તે બધાં જ "મદ્રાસ પ્રેસિડેન્સી" નામના વિશાળ પ્રશાસનિક રાજ્યનો હિસ્સો હતા. અત્રે ધ્યાન રહે કે આ મદ્રાસ પ્રેસિડેંસીમાં નકશામાં દેખાતા નાના પાંચ રજવાડાઓ ન હતા, આ નીચેના પાંચ રજવાડા "મદ્રાસ પ્રિંસલી સ્ટેટ્સ એજન્સી" નામક અન્ય પ્રશાસનિક વિસ્તાર હેઠળ હતા. 

1) ત્રાવણકોર

2) કોચીન

3) પુડુકોટ્ટાઇ

4) બાંગનાપલ્લે

5) સંદૂર
મદ્રાસ પ્રેસિડેન્સીનો નકશો
મદ્રાસ પ્રેસિડેન્સીનો નકશો

આ મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળનો જંગલ વિસ્તાર જ 1902 સુધી 19,566 ચોરસ માઈલ હતો જે 1907 સુધીમાં વધીને 19607 ચોરસ માઈલ થયો હતો. 1922માં મદ્રાસ પ્રેસિડેંસીનો માત્ર આંધ્ર વિસ્તાર જ વધીને 19287 ચો. માઈલ થઇ ગયો હતો જેમાં ગંજામ, વિશાખાપટનમ અને ગોદાવરી મુખ્ય વિસ્તારો હતા. મદ્રાસ પ્રેસિડેન્સીના આ આંધ્ર વિસ્તારનો પહાડી ભૂભાગ મુખ્ય બે વિભાગોમાં વહેંચાયેલો હતો, રામપા અને ગુડેમ, જે અનુક્રમે 700 અને 740 ચો. માઈલમાં ફેલાયેલા હતા. રામપા 30 અને ગુડેમ 10 જાગીરોમાં વહેંચાયેલા હતા. સ્થાનિક ભાષામાં જાગીરોને "મુત્તા" અને જાગીરદારોને "મુત્તાદાર" કહેવાતું હતું. અંગ્રેજોના આગમન પહેલાં આ મુત્તાદારો જ સ્થાનિક પ્રજા ઉપર નિરંકુશ રાજ ભોગવતા હતા, જેતે રાજા દ્વારા નિમાયેલા શાસક તરીકે એમની મરજી પ્રમાણે કર વસૂલવો, એમાં ફેરબદલ કરવો, વગેરે. આ રામપા વિસ્તારમાં બ્રિટિશ રાજ દરમ્યાન 2 વાર આદિવાસીઓએ તેમની સામે બળવો કર્યો હતો. સૌથી પહેલો બળવો 1879માં થયો હતો જે રામપાના પ્રથમ વિદ્રોહ તરીકે જાણીતો છે અને બીજો વિદ્રોહ 1922માં થયો હતો. આપણે આ દ્વિતીય બળવા ના પૂર્વાર્ધ વિશે વાત કરશું. 

બ્રિટિશ રાજમાં આ મુત્તાદારોની નિરંકુશ સત્તામાં ઘણો મોટો કાપ આવી ગયો હતો, તેઓ હવે બ્રિટિશ સરકારના વચેટિયા માત્ર રહી ગયા હતા અને તેમને બ્રિટિશ રાજ માટે સ્વાભાવિક રીતે આક્રોશ હતો. તેઓ એક સમયે સ્થાનિક પ્રજા ઉપર જુલમ ગુજારતાં હતા, શોષણ કરતા. પણ હવે શોષિત અને શોસક બંને બ્રિટિશ રાજના વિરોઘી થઇ ગયા હતા. આદિવાસીઓના બ્રિટિશ વિરોધ પાછળ નિમ્ન મુખ્ય કારણો હતા. 

1.1) પોડુ કૃષિ પદ્ધતિ ઉપર પ્રહાર 

આજે પણ આંધ્રમાં વસતા આ કોયા પ્રજાતિના આદિવાસીઓ સામાન્ય રીતે પહાડોના ઢાળના વિસ્તારોમાં અમુક નાના વિસ્તારના વૃક્ષો કાપી જમીનનો ઉપયોગ ખેતી માટે કરતા. ઝાડ ડિસેમ્બરની આસ-પાસ કાપવામાં આવતા અને તેમના લાકડાનો શિયાળાની ઠંડીમાં બળતણ તરીકે ઉપગોય થતો, તેની રાખને તેઓ ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગ કરતા. તેઓ સામાન્ય રીતે મકાઈ, રાગી અને સમાઈનું વાવેતર કરતા. નવા વર્ષે નવા ઢાળ ઉપર આજ ક્રમનું પુનરાવર્તન થતું અને આગલા વર્ષે જે જગ્યામાં વાવેતર થયું હોય તે વિસ્તારમાં બીજા 10-15 વર્ષ સુધી કે જ્યાં સુધી તે વિસ્તાર ફરી જંગલમાં પરિવર્તિત ના થઇ જાય ત્યાં સુધી ફરી વાવેતર કે ઝાડની કાપણી થતી નહિ. તેઓ જરૂર પૂરતાં નાના વિસ્તારમાં જ પોડુ કૃષિ કરતાં અને તેઓ જંગલ અને ઝાડના પૂજક હતા એટલે અંધાધૂંધ કાપણી દ્વારા જંગલ સંપત્તિનો વિનાશ તેમનો ઉદ્દેશ્ય નહોતો. પણ બ્રિટિશ રાજના કાયદાઓ મુજબ જંગલના કેટ કેટલાય માઈલોના વિસ્તારને "આરક્ષિત" જાહેર કરી દેવામાં આવ્યા અને પોડુ કૃષિને રાતોરાત ગેર-કાયદેસર જાહેર કરી દેવામાં આવી. સંપૂર્ણ-પણે પ્રકૃતિ ઉપર નિર્ભર અને સાવ અભણ આદિવાસીઓ માટે બ્રિટિશ રાજના કાયદાઓના લીધે "Forced  Famine " એટલે કે કુદરતના લીધે નહિ પણ બ્રિટિશ રાજ નિર્મિત ભૂખમરાની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. 

1.2) જંગલમાં સંગ્રહ ઉપર પ્રતિબંધ. 

બ્રિટિશ રાજ પહેલાં આદિવાસીઓ જંગલમાંથી બળતણ માટેનું લાકડું, ફૂલો, ફળો, ઔષધીય વનસ્પતિઓ વગેરે સંગ્રહીને વેચીને પેટગુજારો કરતા અને તેમની સમજણ પ્રમાણેની આર્થિક પ્રવૃતિઓ કરતા. ટૂંકમાં તેઓ જંગલમાં કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે સ્વતંત્ર હતા અને હજારો વર્ષોથી તેઓ આમ જ જીવન ગુજારવા ટેવાયેલા હતા. બ્રિટિશ વન વિભાગે 1882ના મદ્રાસ ફોરેસ્ટ એક્ટ હેઠળ આ જંગલ સંપત્તિના 'સંગ્રહ' ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો. અને હવે આ પ્રવૃત્તિ માત્ર અને માત્ર વન વિભાગના અધિકાર હેઠળ મૂકવામાં આવી, વન વિભાગે "ફૂલી" મજૂરી [ રેલવે પ્લાટફોર્મો ઉપર ફૂલી પ્રથા ક્યાંથી આવી ? ]  પ્રથા શરુ કરી અને ખૂબ જ અલ્પ મહેનતાણું આપીને આદિવાસીઓ પાસે આ વસ્તુઓ ભેગી કરાવવાનું શરુ કર્યું. આ વસ્તુઓને વેચીને બ્રિટિશ સરકારે, પોતાની તિજોરીઓ ભરવાનું કુકર્મ શરુ કર્યું અને આદિવાસીઓની જીવનચર્યા ઉપર વજ્રઘાત કર્યો. 

1.3) ફૂલી મજૂરી

બેકાર થઇ ગયેલા આદિવાસીઓને બ્રિટિશ સરકાર જંગલો કાપીને રોડ બાંધવાના કામ માટે મજૂરો તરીકે ઉપયોગમાં લેવા લાગી અને કાગળ પાર એવું બતાવવામાં આવતું કે ત્યારના પ્રવર્તમાન ધોરણો પ્રમાણે મજૂરી ચૂકવાઈ રહી છે પણ હકીકત કઈંક જુદી જ હતી. ભાષાના અવરોધના લીધે આદિવાસીઓ સાથે સંપર્ક માટે નિમાયેલી "ઐય્યપન કમિટી" નોંધે છે કે અમુક પ્રકારના કામ માટે કોઈ જ મહેનતાણું ચુકવાતું નહોતું. તદુપરાંત વન વિભાગના અધિકારીઓ જ સ્વીકારતા કે સરકારે નક્કી કરેલું મહેનતાણું છૂટક મજૂરી માટેના બજાર ભાવ કરતાં ઓછું હતું. વિશાખાપટનમના રાજના એજન્સી કમિશ્નર F. W. Stewart નરસપટમ સ્થિત ચીફ સેક્રેટરીને સપ્ટેમ્બર 12 1922ના રોજ લખેલા પત્રમાં નોંધે છે કે "રામપાના તહેસીલદારે રોડ બાંધકામના કાર્યમાં જોડાયેલા મજૂરોને એક પણ પૈસાની મજૂરી ચૂકવી નથી." 

વન વિભાગના અધિકારીઓ અને સરકાર માટે સંગ્રહનો ઠેકો લેતા ઠેકેદારોની મિલીભગતના લીધે આદિવાસીઓનું ખૂબ શોષણ થતું હતું. ઘણીવાર રાજના કામો માટે 1858 એક્ટ 1 નો દુરુપયોગ કરીને ફરજીયાત અને વગર પૈસા ચૂકવે મજૂરી કરાવવામાં આવતી તેને ત્યાં સ્થાનિક ભાષામાં 'વેત્તિ' કહેતા.[જેને આપણે ગુજરાતીમાં "વેઠ" કહીએ છીએ] વેત્તિ કરતાં પણ વધુ શોષણ "ગોઠી" પ્રકારની મજૂરીમાં થતું કે જેમાં આદિવાસીઓને બંધક મજૂર બનાવવામાં આવતા. એટલું જ નહિ પણ જે કમનસીબ આદિવાસી બંધક મજૂર બનાવવામાં આવ્યો હોય તેના બાળકોને પણ આગળ જતાં આ પ્રકારની ખૂબ જ જુલ્મી અને શોષણવાળીવ્યવસ્થાનો વ્યવસ્થાનો ભાગ બનવું પડતું. 

2) બાળપણ

છાપામાર યુદ્ધમાં પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી અમર થઇ જનાર એવા અલ્લુરી સીતારામ રાજુનો જન્મ વિશાખાપટનમથી આશરે 50 કિમી ઉપર ઈશાન (ઉત્તર-પૂર્વ)માં પંડારંગી નામે ગામમાં 4થી જુલાઈ 1897ના રોજ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. અલ્લુરીના પિતા વેંકટરામ રાજુ વ્યવસાયે ફોટોગ્રાફર હતા અને તનજીકના મોટા શહેર રાજમુંદરીમાં ઠરીઠામ થયેલા હતા. વેંકટરામ ખૂબ જ સ્વતંત્ર મિજાજના હતા અને કોઈની હેઠળ કામ કરવું તેમને ફાવતું નહોતું. તે સમયે રસ્તા પરથી જો કોઈ યુરોપિયન વ્યકતિ પસાર થાય તો તેમના માનમાં ઝુકવાની કે સલામી આપવાની પ્રથા હતી, એક વાર વેંકટરામ અલ્લુરીને આવી રીતે કોઈ યુરોપિયનને સલામ કરતા જોઈ ગયા તો તેમણે તેને ઠપકો આપ્યો અને ફરી ક્યારેય આવી રીતે સલામી ન આપવા તાકીદ કરી. અલ્લુરીના માતા નારાયણમ્મા એક ધાર્મિક સ્ત્રી હતા. અલ્લુરીએ માત્ર 8 વર્ષની કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. ગામડે જ પ્રાથમિક શાળા પતાવ્યા બાદ હાઈ સ્કુલ માટે તેઓ કાકીનાડા ગયા જ્યાં તેમનો સંપર્ક મદદુરી અન્નપૂર્ણયા સાથે કે જે આગળ જતાં ગાંધી ચિંધ્યા સત્યાગ્રહના માર્ગે જોડાયા અને રાષ્ટ્રીય સ્તરે જાણીતાં થયા. તેઓ બંને ભેગા માતૃભૂમિના સ્વાતંત્ર્યના સ્વપ્નો જોતા અને ભણવાના ભોગે તેની વાતો, કલ્પના કરતા. અલ્લુરીને ધ્યાનમાં બેસવું પણ ગમતું એવું નોંધાયું છે. 1912માં તેઓ IV ફોર્મ (આજના શિક્ષણ સાથે આ ક્યાં બંધ બેસે તેની જાણ નથી) ભણવા વિશાખાપટનમ ગયા. ત્યાં તેમના કોઈ મિત્રની બહેન સીતા માટે તેમને ખૂબ પ્રેમ હતો જે તેઓ ક્યારેય વ્યક્ત કરી શક્યા નહોતા. કોઈ આકસ્મિક સંજોગોમાં જયારે તેનું અચાનક અવસાન થયું ત્યારે તેઓ ખૂબ જ નાસીપાસ થઇ ગયા અને તે સીતાની યાદમાં તેમણે પોતાના મૂળનામ અલ્લુરી રામમાં "સીતા" ઉમેરી દીધું ત્યારથી તેઓ અલ્લુરી સીતારામ તરીકે ઓળખાયા. ત્યારબાદ તેમના કાકા રામકૃષ્ણ રાજુ કે જે નરસપુરના તહેસીલદાર હતા તે તેમને તેમની પાસે લઇ આવ્યા અને તેમને ત્યાંની "Taylor" હાઇ સ્કૂલમાં દાખલ કર્યા. પણ મૂળ બળવાખોર પ્રકૃતિના અલ્લુરીને આ ગોઠ્યું નહિ, તેઓ તો કાકાનો ઘોડો લઈને તેને ડુંગરોમાં લાંબી સવારી માટે નીકળી પડતા. તેમને ઘોડેસવારી ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા અભ્યાસમાં અને સ્થાનિક ઔષધીય વનસ્પતિઓમાં પણ રસ હતો. તેમણે વિદેશી પદ્ધતિ પ્રમાણેનો અભ્યાસ પડતો મૂક્યો પણ જાતે જ તેલુગુ, સંસ્કૃત, ઈંગ્લીશ અને હિન્દી ઉપર પકડ મેળવી. યુવાન વયે તેમને દેશાટનનો પણ ચસ્કો હતો. કહેવાય છે કે તેઓ હિમાલય ખૂંદવા નીકળ્યા હતા અને ગંગોત્રી અને નાસિક કે જે અનુક્રમે મા ગંગા અને ગોદાવરીના ઉદગમ સ્થાનો છે ત્યાંની મુલાકાતે ગયા હતા. હિમાલયમાં તેઓ મહાન ક્રાંતિકારી પૃથ્વી સિંહને મળ્યા કે જે બેડીઓમાં જકડાયેલા અને સિપાહીઓની વચ્ચે હોવા છતાં ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી ગયા હતા અનેજાણીતા થયા હતા. તેઓ બંને અન્ય ક્રાંતિકારીઓને મળવા હાલ બાંગલાદેશમાં સ્થિતઃ એવા ભાગલા પહેલાના ભારતના ક્રાંતિકારીઓના ગઢ એવા ચિત્તાગોંગ ગયા. 

Reference Book for the citation

અંતે તેઓ હાલના આંધ્ર પ્રદેશ સ્થિત પપિકોન્ડા રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક આવેલી પપીની ટેકરીઓમાં સ્થાયી થયા. ઉપર પૂર્વાર્ધમાં જણાવેલ કોયા પ્રજાતિના આદિવાસીઓ સાથે થતો અન્યાય જોઈ તેઓ ખૂબ જ વ્યથિત થયા. આ ઉપરાંત સ્થળપુરાણ (સ્થાનિક ઇતિહાસ)માં એવું પણ નોંધાયું છે કે આવી વિષમ પરિસ્થિતિમાંયે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન થતું જોઈ તેઓ ખૂબ જ રોષે ભરાતા. બ્રિટિશ રાજના વેપાર ભેગો યુરોપની અતિ-જાણીતી વટાળ પ્રવૃત્તિ અને તેમાં આગળ પડતો એવો પ્રોટેસ્ટન્ટ પંથ પણ ભારત આવ્યો હતો. પ્રોટેસ્ટંટોના 100 માંથી 80 સંપ્રદાયો તે વખતથી જ આ વટાળ પ્રવૃત્તિમાં જોરશોરથી જોડાયેલા હતા. પી. રાજેશ્વર રાવ પોતાના પુસ્તક "ધ ગ્રેટ ઇન્ડિયન પેટ્રિઅટસ" ભાગ 2માં અલ્લુરી પ્રકરણમાં નોંધે છે કે તે જમાનામાં 30 કરોડ રૂપિયા વાર્ષિક મિશનરીઓ ધર્માંતરણ માટે વાપરતા હતા.(જે આજની તારીખ પ્રમાણે આશરે 900 કરોડ થાય.) અને જયારે પણ ધર્માંતરણની વાત આવે છે ત્યારે મને કેન્યાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કીધેલું એક જાણીતું વાક્ય હમેંશા યાદ આવે છે. 

જે આફ્રિકાની ગરીબ પણ સ્વાયત્ત આદિવાસી જાતિઓ સાથે થયું એજ બ્રિટિશરાજના સમયથી આપણા દેશના આદિવાસીઓ સાથે આજે પણ થઇ રહ્યું છે.

વધારાની વાત : કહેવાતા 'કટ્ટર' હિન્દૂ એવા મોદી સરકારના આઠ-આઠ વર્ષ પછીયે હજીયે ભારત સરકાર વિદેશીઓને બેરોકટોક "મિશનરી" વિસા આપે છે કે જેથી કરીને તેઓ ભારતના સનાતન ધર્મની અને સંસ્કૃતિની ઘોર ખોદવાનું 500થીયે વધુ વર્ષોથી ચાલ્યું આવતું અવિરત કાર્ય ચાલુ રાખી શકે, પણ એ બધી દુઃખદ વાતો હાલમાં રહેવા દો. 

સારો બાંધો, કદ-કાઠી અને દેખાવડાં હોવા છતાં ય 18 વર્ષે અલ્લુરીએ સંન્યાસ લઇ લીધો અને આજ રામપા અને ગુડેમના ડુંગરો-કોતરોમાં ભટકતા. તેમની તપસ્યા, જ્યોતિષનું તેમ જ ઔષધીય જ્ઞાન અને તે ઉપરાંત જંગલી પશુઓને વશમાં કરવાની આવડતને કારણે તેઓ સ્થાનિક આદિવાસીઓના લાડીલા થઇ ગયા અને આદિવાસીઓ તેમને દૈવી શક્તિવાળા સંત તરીકે જાણવા લાગ્યા. તેમની આ સંત તરીકેની ઓળખ તેમની પ્રસિદ્ધિનું કારણ બની. સ્થાનિક લોકો તેમને 'દેવુડુ' (દેવ) તરીકે સંબોધવા લાગ્યા. લોકોમાં એવો ભાવ જાગ્યો કે બ્રિટિશના 'જબરદસ્ત' જુલમી શાસનમાંથી આ દેવ જ આપણને મુક્ત કરાવશે અને યુવાન સંત અલ્લુરીને ત્યાંના લોકસંગીતમાં વણી લેવામાં આવ્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હયાત હોય ત્યારે તેનો ઉલ્લેખ લોક-સંગીતમાં નથી થતો, વ્યકતિના આ દુનિયામાંથી વિદાય લીધા બાદ જ તેમના નામનો લોક-સંગીતમાં ઉમેરો થતો હોય છે. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે તેઓ કેટલા લોકપ્રિય હતા. તેમના એક સમયના સહાધ્યાયી અને ગાંધીવાદી અન્નપૂર્ણયા જેમનો પહેલાં ઉલ્લેખ કર્યો હતો તે નોંધે છે કે અલ્લુરી આદિવાસીઓને ધર્મરૂપી દૂધમાં દેશભક્તિની સાકાર ઘોળીને પીવડાવતાં. 

3) વિદ્રોહ 

અલ્લુરી તે સમયની રાજકીય ગતિવિધિઓથી સુપેરે પરિચિત હતા. ત્યારના કોંગ્રેસના પ્રચારકો દ્વારા મળતા સમાચારના લીધે અસહકાર આંદોલન વિશે તેઓ જાણતા હતા અને ગાંધીજીના અમુક પ્રયોગોનો તેમણે પોતાની વિદ્રોહની યોજનાને ગુપ્ત રાખવા એક જાતના માટે આવરણ તરીકે ઉપગોય કર્યો. તેમણે  અંગ્રેજો દ્વારા ચલાવવામાં આવતી કોર્ટોના તથા દારૂના બહિષ્કાર માટે સ્થાનિક લોકોને અપીલ કરી અને તેમનું વચન ભોળા અને ભાવુક જંગલમાં વસતા લોકો માટે દૈવી આજ્ઞા સમાન હતું, ગોદાવરી અને વિશાખાપટ્ટનમમાં તેમને લોકોનો ઘણો જ સહકાર મળ્યો. કોર્ટોમાં કાગડા ઉડવા માંડ્યા અને દારૂનો લોકોએ મોટી સંખ્યામાં ત્યાગ કર્યો. ઠેકઠેકાણે નાની નાની પંચાયત કોર્ટો શરુ થઇ અને લોકોએ જાતે જ સ્થાનિક રીતે ન્યાય તોળવાનું શરુ કર્યું. અલ્લુરીએ પોતે ખાદી અપનાવી અને પાછળથી એ પણ બહાર આવ્યું કે તેમના સૈનિકો માટે પણ ખાદી જ વાપરવામાં આવતી. તેઓ આ બધી પ્રવૃતિઓના લીધે તેમની સશસ્ત્ર બળવાની યોજના ગુપ્ત રાખવામાં એ હદે સફળ થયા હતા કે જયારે ઓગસ્ટ 1922માં જયારે તેમણે 500 સૈનિકો સાથે 3 પોલીસ સ્ટેશનો ઉપર હુમલા કર્યા અને સ્વતંત્રતા માટે યુદ્ધની જાહેરાત કરી ત્યારે બંને કોંગ્રેસ આગેવાનો અને બ્રિટિશ સરકાર આંચકો ખાઈ ગયા. ચિન્તાપલ્લી, કૃષ્ણદેવીપેટ અને રાજવોમમાંગી આ ત્રણે સ્થળે એક પછી એક એમ 22,23 અને 24 ઓગસ્ટ 1922માં હુમલા થયા અને તેઓ 26 કાર્બાઇન બંદૂકો અને 2500 રાઉન્ડ ચોરી ગયા. ભારતના સ્વાતંત્ર્યતાના ઇતિહાસમાં જવલ્લે જ આવા ગોરીલા યુદ્ધનીતિના સફળ દાવ વિશે વાંચવામાં આવે છે. આ સફળતા બાદ તેઓ ઈશાન દિશામાં ગુદેમ તરફ રાવણ થયા જ્યાં એક સ્થાનિક ઉત્સવમાં ભાગ લઇ વધુ યુવાનોને પોતાની સશસ્ત્ર લડતમાં જોડવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. ત્યાર બાદ તેમને 25 સપ્ટેમ્બરે દમણપલ્લીના ઘટમાં ફરી એક મોટી સફળતા મળી. તેમને ઓચિંતા હુમલા માટે બ્રિટિશ તૈયાર નહોતા અને તેમણે બે બ્રિટિશ ઓફિસરો સ્કોટ કોવર્ડ અને એલ. એન. હેયટરને ત્યાં ને ત્યાં ઠાર કરી દીધા. તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો કે તેમની લડત "ગોરાઓ" સામે છે. બ્રિટિશ સરકાર ટૂંકા સમયમાં ચાર ચાર હુમલાઓમાં માર ખાધા બાદ હચમચી ગઈ હતી અને "માલાબાર સ્પેશિયલ ફોર્સ" કે જેની પાસે વાયરલેસ સેટ જેવા ત્યારના અદ્યતન સાધનો, જંગલોમાં માલવહન માટે ખચ્ચરો ઉપરાંત જંગલોમાં લડવા માટે ખાસ પ્રશિક્ષણ મળેલું હતું તેમને લાવવામાં આવ્યા. પણ કારણકે આ દુર્ગમ વિસ્તારોમાં કે જ્યાં સ્થાનિક લોકોને જંગલના ખૂણે ખાંચરાની માહિતી હતી તેઓ એક જાતનું માહિતી તંત્ર હતા તેમજ તેમને અલ્લુરી માટે ખૂબ માન હતું, તેઓ બધી જ રીતે અલ્લુરી અને તેના સાથીઓનું રક્ષણ કરતા તેથી બ્રિટિશ સરકાર માટે તેમને શોધવું/પકડવું લગભગ અશક્ય હતું. બ્રિટિશ માટે અલ્લુરીને શોધવો એ ઘાસના પૂળામાં સોય શોધવા જેટલું કપરું કામ હતું. છેવટે બેચેન બ્રિટિશ સરકાર જેમ પહેલાં ઘણીવાર કરી ચૂકી હતી તેમ પોતાની લશ્કરી દમન નીતિ ઉપર આવી ગઈ. માહિતી આપનારને ઇનામથી માંડીને પોલીસને બાતમી ન આપવા તેમ જ અલ્લુરી અને તેના સૈનિકોને શરણ આપવા બાદલ "શિક્ષા-કર", આડેધડ ગામોંમાંથી ધરપકડ કરીને શારીરિક અત્યાચાર જેવા જાત જાતના ગતકડાં અજમાવા મંડી. અલ્લુરીની ધરપકડ માટે રૂપિયા 1500, તેમના જમણો હાથ ગણાતાં કોયા બંધુઓ ગામ ગણતમ  દોરાની અને ગામ મલ્લુદોરાની ધરપકડ માટે 1000ના ઇનામ જાહેર થયા. માર્શલ લૉ અમલમાં મૂકવામાં આવ્યો કે જે પોલીસને વધુ સત્તા આપે કે જેથી કરીને તેઓ આદિવાસીઓ તેમજ ગામ વાળાઓ ઉપર વધુ અત્યાચાર આચરી શકે. 

શિક્ષા કર રીતસર માથે બંદૂક તાકીને વસૂલવામાં આવતો. બીજી જૂન 1923 સુધીમાં બે મહિનાના ગાળામાં અંગેજોએ રૂપિયા 1768 એકત્ર કર્યા, જુલાઈ 21,1923 સુધીમાં લેવાના થતાં 1705 રૂ. ની સામે 5761 રૂ. ગરીબ પ્રજા પાસેથી વસૂલવામાં આવ્યા જે ત્યારના સમયમાં ખૂબ મોટી રકમ હતી. તે છતાંય સફળતા ના મળતાં અંગ્રેજોએ ગામેગામ રીતસર એક-એક ઘરની તલાશી લેવાનું ચાલુ કર્યું. પણ આ બધી વિપદાઓ છતાં લોકોએ ક્યારેય અલ્લુરી અને તેના સાથીઓ સાથે દગો ના કર્યો. ઘણાં વિસ્તારોના મુત્તાદારોએ પણ અલ્લુરીને સાથ આપ્યો ને અમુક જેમકે મકરામ મુત્તાના મુત્તાદાર બળવાખોરોને સાથ આપવાના ગુનામાં જેલભેગા પણ થયા. આ બધા પ્રયત્નો બાદ પણ લોકો ટસથી મસ નથી થઇ રહ્યા અને ઉલ્ટાનું વધુને વધુ લોકો અલ્લુરીની સાથે જોડાઈ રહ્યા છે જાણી બ્રિટિશ સરકારે "શિક્ષા-કર" નાબૂદ કર્યો. માલાબાર સ્પેશિયલ ફોર્સ પણ બળવાને જોરજુલમથી દાબી દેવામાં અક્ષમ રહ્યો અને છેવટે બ્રિટિશ સરકારે તેમના લશ્કરને બોલાવ્યું. બ્રિટિશ લશ્કરે અમાનુષી અત્યાચારોની સીમાઓ વટાવી દીધી. જેમના ઉપર અલ્લુરી અને તેમના સાથીદારોને શરણ આપવા કે મદદ આપવાની શંકા હોય તેમના ખેતરોમાં ઉભા પાક સળગાવી દેવા, ઘરો સળગાવી દેવા, તેમના પશુધનને મારી નાખવું અને તેમની સ્ત્રીઓ સાથે નિર્દયી કૃત્યો કરવા વગેરે. અંતે બ્રેકન(Bracken) કે જે પૂર્વ ગોદાવરીનો કલેક્ટર હતો અને રૂધરફર્ડ (R.T. Rutherford ) કે જે વિશાખાપટ્ટનમનો કલેકટર હતો તે બંને જાત જાતના કાવતરાં કરીને અલ્લુરીએ ચાંપેલી સ્વરાજની જ્યોતને બુઝાવી દેવામાં સફળ થયા અને સાતમી મે 1924ના રોજ, બળવાના આશરે 2 વર્ષ બાદ અલ્લુરીને કોંડાપલ્લીના યુદ્ધમાં ગોળી વાગી અને તે વીરગતિ પામ્યા. જો કે અમુક લોકવાયકાઓ એવી પણ છે કે તેઓ આ યુદ્ધમાંથી જીવતા બચી ગયા હતા અને બ્રિટિશરોને ભરમાવવા તેમની જગ્યાએ કોઈ અન્ય મૃત સૈનિકને મૃત અલ્લુરી જાહેર કરી દેવાયો હતો. અમુક વર્ષો બાદ એલુરુ, રાજમુંદરી અને ભીમાવરમ વગેરે સ્થળોએ અલ્લુરીના હોવાના દાવા થયેલા હતા. 

 તેમનો ખૂબ નિકટનો સાથી ગણતમ દોરા છઠી જૂન 1924ના રોજ વીરગતિ પામ્યા અને મલ્લુદોરા જીવતા પકડાયા અને તેમને આજીવન કારાવાસની સજા થઇ. દેશની આઝાદી બાદ આજ મલ્લુદોરા દેશની પહેલી લોકસભામાં આંધ્ર પ્રદેશના વિશાખા પટ્ટનમથી સાંસદ બન્યા. 

4) મરણોપરાંત સન્માન: 

  1. આંધ્ર પ્રદેશ સરકારે આઝાદી બાદ અલ્લુરીના જન્મસ્થળ તેમજ તેમની ગતિવિધિઓના સ્થળોએ સ્મારકો બનાવડાવ્યા. આ સ્થળોની યાદીમાં ભીમાવરમ પણ શામેલ હતું. આ લેખમાં સૌથી પહેલો ફોટો તેમના ગામમાં આવેલ "અલ્લુરી વિગ્રહ પ્રાંગણ"માં તેમની પ્રતિમાનો છે. 
  2. અલ્લુરીના હયાત ભાઈઓને રાજકીય નિવૃત્તિ-વેતન આપવામાં આવ્યું.
  3. એલુરુ શહેરમાં આજે પણ અલ્લુરીની સ્મૃતિમાં વિશાળ "અલ્લુરી સીતારામ રાજુ" સ્પોર્ટ્સ સંકુલ ઉભું છે. 
  4. ભારત સરકારે અલ્લુરીની સ્મૃતિમાં આ નીચેનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો જે સ્ટેમ્પ સંગ્રહના શોખીનો પાસે જોવા મળી શકે છે.

જતાં જતાં: આ મલ્ટીમિડીયાનો જમાનો છે એટલે જતાં જતાં આ અલ્લુરી માટે ઇન્ટરનેટ ઉપર પ્રચલિત અમુક ઇન્ફોગ્રાફિક્સ ઉપર નજર નાખતાં જાઓ અને જો RRR મૂવી હજુયે ના જોયું હોય તો આજે જ જોઈ નાખો !! 

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...