Tuesday, December 7, 2021

શૌર્ય દિવસ: અયોધ્યા મુક્તિ સંગ્રામના દસ ભૂલાઈ ગયેલા શૂરવીરો

દેવરાહા બાબાજી

ડિસેમ્બર એટલે મજાનો મહિનો, એક તો વિદેશમાં નાતાલના લીધે એમાં લાંબી રજાઓ આવતી હોય અને ઉપરથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આવતો આપણા હિન્દુઓનો શૌર્ય દિવસ. આપણે આપણું ગુમાવી ચૂકેલા સાહસ અને ધર્મદાઝને નવજીવન આપનાર ચીર-સ્મરણીય પ્રસંગ. આપણા ધર્મની જ્યોતને આવનાર સદીઓ સુધી જીવંત રાખવા માટે તેલ પૂરનાર બેજોડ સફળ પ્રયાસ. હકીકતમાં તો આ દિવસને ઉત્સવની જેમ ઉજવવો જોઈએ. થશે એય થશે, 10-15 વર્ષે એય થશે. હજીયે દેશમાં ઘણા હિંદુઓ એવા છે કે એમને આ દિવસની મહત્તા ખ્યાલ નથી પણ એની બહુ ચિંતા કરવી નહિ, આપણે વ્યવહારિક વાતોમાં નથી કહેતા કે ફલાણાંને  'ટ્યુબલાઈટ' મોડી થાય છે, એવું જ બીજું કઈ નહિ, આ બાકીના હિંદુઓ પણ વહેલે મોડે એની મહત્તા સમજી જશે અને આપણી સાથે જોડાઈ જશે. સમય બડા બલવાન...

તો આજના દિવસે હું તમને એવા દસ વ્યક્તિ વિશે જાણ કરવા માંગું છું કે જેમના વગર આપણા રામમંદિરનો પુનરોદ્ધાર થયો જ ના હોત. મને એ વાતનો આનંદ છે કે દુનિયાના 130થી વધુ દેશોમાં ફેલાયેલા લગભગ 7.3 કરોડ ગુજરાતીઓમાં કદાચ આ વિષય ઉપર માહિતી પ્રસ્તુત કરનાર હું પહેલો છું. મને હમેંશાથી એક વાત કઠે છે કે આપણે હિંદુઓ બહુ જ સરળતાથી આપણા શૂરવીરો/યોદ્ધાઓને ભૂલાવી દઈએ છે એટલે જ આજે શૌર્ય દિવસે આ વિષય પસંદ કર્યો. તો ચાલો શરુ કરીએ.

1) વૈરાગી અભિરામ દાસ 

એવું મનાય છે કે મૂળ દરભંગા બિહારના રામાનંદ સંપ્રદાયના તપસ્વી અભિરામ દાસને વિવાદિત સ્થાન ઉપર ડિસેમ્બર 22-23, 1949ની રાતે  પ્રભુ શ્રી રામની મૂર્તિ પધરાવવાનું શ્રેય જાય છે. ત્યારની સરકારે કરેલી FIRમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે લખાયું હતું. તેઓ એક જાણીતાં "લડવૈયા" સંત હતા. તેમનું શરીર કસાયેલું હતું અને તેઓ કુસ્તીમાં પારંગત હતા. તેઓ હિન્દૂ મહાસભાના સદસ્ય થયા તે પહેલા કોંગ્રેસના સદસ્ય હતા અને 1981માં રામશરણ થયા. 

2) દેવરાહા બાબાજી 

આધ્યાત્મના સર્વોચ્ચ શિખરે પહોંચેલા દેવરાહા બાબાજી એક ખૂબજ રહસ્યમયી સંત હતા. કેટલાય વર્ષો સુધી હિમાલયમાં અજ્ઞાતવાસ બાદ તેઓ દેવરિયા, ઉત્તર પ્રદેશમાં સરયૂ નદીના કાંઠે 12 ફૂટ ઊંચો માંચડો બાંધીને તેના ઉપર રહેતા હતા અને માત્ર સવારે ન્હાવા માટે નીચે ઉતારતા હતા. તેઓ આહારમાં માત્ર દૂધ અને મધનું સેવન કરતા હતા. એ સિવાય તેમણે જીવનમાં કોઈપણ નક્કર પદાર્થ ગ્રહણ કર્યો નહોતો. તેઓએ અહીં જ સ્થાયી મુકામ કર્યો હોવાથી દેવરિયા જગ્યાના નામ ઉપરથી તેઓ 'દેવરાહા' બાબાજી તરીકે પ્રસિદ્ધ થયા. કહે છે કે તેમના જન્મ અંગે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી પણ સ્થાનિક લોકવાયકાઓ મુજબ તેઓ 500 થી 900 વર્ષની આયુના હતા. [માનવામાં નથી આવતું ને, મનેય વાંચીને આંચકો લાગ્યો હતો, રસ પડે તો ગુગલ તો છે જ વધુ સંશોધન કરવા.] ત્યાં સુધી કે અમેરિકાના વૈજ્ઞાનિકોને પણ એમનામાં ખૂબ રસ હતો. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત મદન મોહન માલવીય, પુરુષોત્તમદાસ ટંડન, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી જેવા  કેટકેટલાય રાજકારણના દિગ્ગજો એમના અનુયાયી હતા. તેઓ પોતાના ભક્તોને અતિસરળ એવા બસ રામ મંત્રની દીક્ષા આપતા હતા. 

एक लकड़ी हृदय को मानो, दूसर राम नाम पहिचानो
राम नाम नित उर पे मारो, ब्रह्म दिखे संशय न जानो ।

આ તેમનો જીવનમંત્ર હતો. 

તેમની અધ્યક્ષતામાં 1984માં કુમ્ભ મેળા દરમ્યાન પ્રયાગરાજમાં ભરાયેલી 'ધર્મ સંસદ'માં સમગ્ર સંત સમાજે એકસૂરમાં 9મી નવેમ્બર 1989ના દિવસે રામ મંદિરના શિલા ન્યાસ અંગે નિર્ણય લીધો હતો. એમણે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ને રામ મંદિર અંગે "બચ્ચા, હો જાને દે" એવો પ્રસિદ્ધ સંદેશ આપ્યો હતો. પ્રયાગરાજમાં 1989માં મહાકુંભના પવન પ્રસંગે તેમણે  વિશ્વ હિન્દૂ પરિષદના મંચ ઉપરથી સંદેશ આપ્યો હતો કે  "દિવ્યભૂમિ ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા અને ગૌસેવા વિના અસંભવ છે. ગૌ-હત્યાનું કલંક મિટાવવું દેશ માટે અત્યંત આવશ્યક છે." બાબાજી પાસે ઘણી ચમત્કારી શક્તિઓ હતી જેવી કે પાણી ઉપર ચાલવું અને લોકોના તે જોયાના ઘણા પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ છે. કહેવાય છે કે "ઇમર્જન્સી" બાદની ચૂંટણી હાર્યા બાદ ઇન્દિરા ગાંધી બાબાના આશીર્વાદ લેવા આવી હતી અને તેમણે તેને પોતાના હાથના પંજાથી આશીર્વાદ આપ્યો જે એક રોચક ઘટના હતી કારણકે તેઓ સામાન્ય રીતે પોતાના પગનો અંગૂઠો અડાડીને ભક્તોને આશીર્વાદ આપતા હતા. આ ઘટના બાદ જ ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ "ગાય અને વાછરડું" બદલીને હાથનો પંજો કર્યો હતો. [ લખવા માટે સંશોધન કરતાં ખરી ખરી રસપ્રદ વાતો હાથ લાગી જાય છે !!]  

3) મોરોપંત પિંગળે 

નાગપુર "મોરિસ" કોલેજના સ્નાતક અને રાષ્ટ્રીય સવયંસેવક સંઘના પ્રચારક એવા મોરોપંતજી એક 'અદ્રશ્ય' અને કુશળ વ્યૂહ રચનાકાર હતા. દેશભરમાં આયોજન કરવામાં આવેલી 'યાત્રાઓ' અને 'શિલા પૂજન'ના કાર્યક્રમો કે જેના અંતર્ગત દેશના 6,00,000 માંથી 3,00,000 ગામોમાંથી મંદિર નિર્માણ માટે ઈંટો અયોધ્યા મોકલવામાં આવી હતી તેના રચયિતા હતા. તેઓ જાહેર જીવનથી દૂર અજ્ઞાત રહીને રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરી રહ્યા હતા. 

4) મહંત અવૈદ્યનાથજી 

1980-90 દસકાના મધ્યમાં રામ મંદિર ચળવળના નેતૃત્વ માટે ગઠિત એવા રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના પ્રથમ અધ્યક્ષ એવા શ્રી અવૈદ્યનાથજી એ બીજા કોઈ નહિ પણ આપણા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીના ગુરુજી. તેઓ જ આદિત્યનાથજી પહેલા સુપ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર  (મુખ્ય મહંત) હતા. આ ઉપરાંત તેઓ રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના પણ અધ્યક્ષ હતા. 

મૂળ કૃપાલ સિંહ બિશ્ત નામે જન્મેલ અવૈદ્યનાથજી ગૌરક્ષપીઠ (ગોરખનાથ મંદિર)ના તત્કાલીન પીઠાધીશ્વર મહંત દિગ્વિજયનાથજીના 1940માં અનુયાયી થયા બાદ આ નામ ગ્રહણ કર્યું અને સંસારનો ત્યાગ કરી મહંત બન્યા. 1969માં તેઓ ગોરખનાથના પીઠાધીશ્વર થયા અને આગળ જતાં હિન્દૂ મહાસભા સાથે જોડાયા. તેઓ પાંચ-પાંચ વાર ગોરખનાથથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિધાયક અને ચાર વાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. બાબરી વિધ્વંસના કેસમાં તેમનું નામ પણ આરોપી તરીકે લખાયું હતું. તેમની અને યોગી આદિત્યનાથજીની મૂળ અટક બિશ્ત એ એક માત્ર યોગાનુયોગ છે, તેઓ બંને ભિન્ન પરિવારોથી આવે છે. 12 સપ્ટેમ્બર,2014ના રોજ 93 વર્ષની વયે અવૈદ્યનાથજી રામશરણ થયા. 

5) સ્વામી વામદેવ 

વામદેવજી એક અત્યંય મૃદુભાષી તપસ્વી હતા જે ગૌરક્ષાને વરેલા હતા. દેશભરના વિવિધ હિન્દૂ સંતો અને ધર્મગુરુઓને જયપુરમાં 1984માંરામ મંદિર ચળવળ માટે રાષ્ટ્રીય આયોજન કરી ભેગા કરવાનું શ્રેય તેમને જાય છે. 400 સંતો અને ધર્મગુરુઓ સાથે 15 દિવસ સુધી ખૂબ જ ઊંડાણમાં અને વિસ્તૃત ચર્ચા કરીને રામ મંદિર ચળવળની તેમણે  રૂપરેખા તૈયાર કરી. પોતાની ઉંમરની ચિંતા કર્યા  વિના 6 ઠ્ઠી ડિસેમ્બર, 1992 એ તેમણે કાર સેવાનું નેતૃત્વ કર્યું કે જેમાં મુલાયમ સિંહના આદેશ પર કર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આજ દિવસે નીચે યાદીમાં શામેલ આવે કોઠારી બંધુઓ ધર્મકાજે વીરગતિ પામ્યા હતા. 

6) શ્રીશ ચંદ્ર દીક્ષિત 

1982થી 1984 સુધી ઉત્તર પ્રદેશ પોલીસના ડિરેક્ટર જનરલ રહી ચૂકેલા દિક્ષિતજી રામ જન્મભૂમિ ચળવળના સૌથી આગવી હરોળના નેતા હતા. નિવૃત્તિ બાદ તરત જ તેઓ વિશ્વ હિન્દૂ પરિષદના ઉપ-પ્રમુખ તરીકે જોડાયા હતા. તેમના પોલીસ ખાતાના અનુભવના લીધે તેઓ સ્વાભાવિક રીતે જ એક ખૂબ જ કાબેલ અને સફળ વ્યૂહ રચનાકાર હતા. તેમણે જ વિશ્વ હિન્દૂ પરિષદના ચળવળ સાથે જોડાયેલી વિવિધ સ્થાનિક ઝુંબેશોની રચના અને અગવાઈ કરી હતી. 1990માં કર સેવામાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ પણ થઇ હતી. આખરે 1991માં આપણા હાલના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના મત ક્ષેત્ર એવા વારાણસીથી તેઓ ભાજપના સંસદ તરીકે ચૂંટાયા હતા. 

7) વિષ્ણુ હરિ દાલમિયા 

જાણીતા દાલમિયા ઔદ્યોગિક પરિવારના વંશજ એવા વિષ્ણુ હરિજી 1992થી 2005 સુધી વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ રહ્યા અને તેમણે પણ મોરોપંત પિંગળેજી જેમ પડદા પાછળ રહીને ચળવળ માટે ખૂબ કાર્ય કર્યું. જયારે 1985માં શ્રી રામ જન્મભૂમિ ન્યાસની સ્થાપના થઇ ત્યારે તેઓ તેના કોષાધ્યક્ષ/ખજાનચી તરીકે નિમાયા હતા. બાબરી વિધ્વંસ પછી તેમની પણ અન્ય નેતાઓ સાથે ધરપકડ થઇ હતી. 

8) દાઉ દયાળ ખન્ના 

મૂળ કોંગ્રેસના એવા દયાળ ખન્ના 1960ના દાયકામાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા હતા. આગળ જતા તેઓ રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના જનરલ સેક્રેટરી બન્યા અને રામ મંદિર ચળવળમાં જોડાયા. તેઓએ 1983ની જાહેર સભાઓમાં અયોધ્યા, કાશી અને મથુરામાં મંદિર નવનિર્માણની વાત વહેતી કરી જેનાથી ચળવળને વેગ મળ્યો. સપ્ટેમ્બર 1984માં તેમણે સીતામઢી, બિહારથી પહેલી 'યાત્રા'નો આરંભ કર્યો હતો.  તમે ધ્યાનથી વાંચ્યું હશે તો નોંધ્યું જ હશે કે 10 શૂરવીરોમાંથી 2 તો મૂળ કોંગ્રેસના નેતાઓ હતા અને આજ કોંગ્રેસ આજે કેરળમાં "ગૌમાંસ પાર્ટીઓ"નું આયોજન કરે છે જે અત્યંદ દુઃખદ છે. હું જાણું છું કે મારા વાચકોમાં એવા પણ છે જે ચુસ્ત હિન્દૂ પણ સાથે સાથે કટ્ટર કોંગ્રેસીઓ છે. એમને કદાચ આ વાંચીને દુઃખ થશે પણ જે છે એ આજ કટુ સત્ય છે. 

9) કોઠારી બંધુઓ 

મૂળ કોલકાતાથી આવેલા રામ અને શરદ કોઠારી સાગા ભાઈઓ હતા અને ઓક્ટોબર 1990માં કર સેવા માટે આવ્યા હતા. પૂરા 1000 કિલોમીટર ચાલીને આવેલા આ બે ભાઈઓ 30 ઓક્ટોબરના આયોજિત પહેલી કર સેવામાં જોડાયા હતા. બે દિવસ બાદ 2જી નવેમ્બરે 'મુલ્લા' મુલાયમ સિંહ એવા મુખ્યમંત્રીના આદેશ પર કરવામાં આવેલા ગોળીબારમાં બંને ઉપર પોલીસે 'પોઇન્ટ બ્લેન્ક' રેન્જથી ગોળીઓ ચલાવી અને તેઓ વીરગતિ પામ્યા. રામ કોઠારી માત્ર 23 વર્ષના હતા અને શરદ કોઠારી માત્ર 20 વર્ષના. એમની હત્યા બાદ દેશભરમાં હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો અને હજારો હિન્દુઓએ અયોધ્યા તરફ કૂચ કરી. એમને રામ મંદિર ચળવળના 'ભગત સિંહ બંધુઓ' તરીકે બિરદાવીએ તો જરાક પણ અતિશયોક્તિ નહિ ગણાય.

10) કલ્યાણ સિંહ 

આ રાજનેતા વિશે લખવાના બદલે એમની એક નાની વિડીયો કલીપ રજૂ કરું છું જેમાં એમના જ શબ્દોમાં જાણીએ કે તેઓ કેવી રીતે આ ચળવળમાં હિસ્સેદાર હતા. 

જતાં  જતાં આ નીચેનો વિડીયો અને ફોટો જોતાં જજો, આ લેખમાંથી બીજું કાંઈ યાદ ના રાખો તો વાંધો નહિ, બસ આ વીડિયોમાં રજૂ થયેલ સંદેશ યાદ રાખજો....જય શ્રી રામ!!

માહિતી :
પ્રિન્ટના અંકમાંથી સાભાર

Maharana Hammir Singh (1326-1364 CE) : Recoverer of Chittorgarh and the slayer of Tughlaqs

In the last decade or so thanks to the social media's prominence it has become amply clear to the Hindus of Gen X, millennial and later ...