આપણે ત્યાં એટલે કે ખાસ કરીને ગુજરાતમાં આમ ધાર્મિકતા ઘણી પણ ધર્મ વિષે લખાય ઓછું. એમ કહોને કે આપણે થિયરી કરતાં પ્રેક્ટિકલમાં વધુ માનનારી પ્રજા. હમણાં મૂળ કર્ણાટકના એવા એક મિત્ર ઘરે આવેલા તો કહેતાં કે આપણાં ભારત દેશની હવામાં જ ધર્મની સુગંધ પ્રસરેલી છે. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે NRI લોકોના બાળકોને તો એ હવાનો, એ વાતાવરણનો કે પછી આ ધાર્મિક પ્રેક્ટિકલના લાભ નથી મળ્યા કે મળશે તો આપણાં છોકરાં ધર્મના મૂળિયાં પકડી રાખે એના માટે શું કરવું ? જોજો હોં મેં મૂળિયાં કીધું છે ડાળીઓ નહિ. આ તહેવારો ને ઉજવણી આ બધું ડાળીઓ છે, જે અન્ય ધર્મોમાં પણ છે. ફરક અગત્યનો છે. જો તમે વિદેશમાં પોતાના બાળકોનો ઉછેર કરી રહ્યા હશો તો તમને ખ્યાલ જ હશે કે અહીં બાળપણથી વાંચન ઉપર કેટલું જોર આપવામાં આવે છે અને તે બાળકોના મગજમાં ઠસી જાય છે અને તેમના વ્યવહારમાં પણ દેખાય છે. એટલે જો હું અને તમે આપણાં બાળકોની હિંદુ ધાર્મિકતા અખંડ રહે તાના માટે પ્રયત્નશીલ રહેવા માંગતા હોઈએ તો સૌથી અસરકારક અને સચોટ ઉપાય એ છે કે એમને આપણું ધાર્મિક સાહિત્ય સરળ અને રસ પડે એમ પીરસો. હવે તમને મેં પહેલી લીટીમાં કરેલી "લખાય ઓછું" એ ટિપ્પણીનો મર્મ સમજાઈ જશે.
તો ચાલો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજી વિશે વાત કરશું. જો તમારા બાળકને ગુજરાતી વાંચતા ના આવડતું હોય તો આ લેખ તમે વાંચી સંભળાવો અને સમજાવો. [અને શક્ય હોય તો નજીકના BAPS મંદિરમાં એને ગુજરાતી શીખવા રવિવારે ચાલતી નિઃશુલ્ક શાળામાં ભરતી કરો ! ]
ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, મહિનામાં ‘માગશર’ મહિનો હું છું. આ વર્ષે એટલે કે 2020માં 25મી ડિસેમ્બરે માગશર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે. માન્યતા એવી છે કે આ એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગનાં દરવાજા ખુલે છે. મણિનગર સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવે છે કે, માગશર સુદ અગિયારસનો ઉપવાસ કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે અને તેનું ફળ નર્કમાં ગયેલી વ્યક્તિને અર્પણ કરવામાં આવે તો તેનો મોક્ષ થાય છે. એકાદશીનું વિશેષ મહાત્મ્ય બ્રહ્માંડપુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. મોક્ષદા એકાદશીના દિવસે દ્વાપર યુગમાં કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો આથી આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દ્વાપર યુગમાં રચાયેલ પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ છે. ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચે ચાલતા સંઘર્ષ અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. ગીતા જ્ઞાન દરમિયાન એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શન કરાવે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભીષ્મ પર્વમાં 25થી 42 સુધીના 18 અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે.
મૂળ ભગવદ્ ગીતા સ્વાભાવિક રીતે સંસ્કૃતમાં રચાયેલી છે. જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે. થોડા શ્લોકોના અપવાદ સિવાય ગીતાના તમામ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી લગભગ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા છે એમ કહેવાય છે. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જેમાં પહેલાં છ અધ્યાય કર્મયોગ, વચલા છ અધ્યાય ભક્તિયોગ અને છેલ્લા છ અધ્યાય જ્ઞાનયોગના. આપણી હિંદુ સંસ્કૃતિમાં ભગવાન વિષ્ણુના દરેક અવતારોની જયંતિ ઊજવાય છે. પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા દુનિયાનો એક માત્ર ધાર્મિક ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય છે. કહેવાનો આશય એ છે કે માત્ર આપણે હિંદુઓ જ સચોટ તારીખ સાથે આપણા અમૂલ્ય ગ્રંથની ઐતિહાસિકતાની સાબિતી આપી શકીએ છીએ. દુનિયામાં બીજો કોઈ ધર્મ પોતાના પવિત્ર ગ્રંથના લેખક કે ઉચ્ચારક વિશે આ વાત કહેતો નથી.
ગીતા અજ્ઞાન, દુખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવા સંસારિક અવરોધોમાંથી મુકિતનો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે.
ગીતાજી વિશે અમુક રોચક વાતો:
- શું શ્રી કૃષ્ણના શ્રી મુખેથી ભગવદ ગીતાજી માત્ર અર્જુને સાંભળી?!
- ના, અર્જુનની સાથે સાથે હનુમાનજી કે જે અર્જુનના રથ ઉપર ધર્મ ધજા ધારણ કરીને બેઠેલા હતા તેમણે, વેદ વ્યાસ પાસેથી દિવ્ય દ્રષ્ટિ પામેલા હોવાથી જોજનો દૂર હોવા છતાં 'લાઈવ' જોઈને ધૃતરાષ્ટ્રને કોમેન્ટેરી આપીને ક્ષણેક્ષણનો અહેવાલ આપી રહેલા સંજયે તેમ જ ભીમના પૌત્ર (હા પૌત્ર!) બર્બરીકે પણ શ્રીમદ ભગવદ ગીતાજીનું શ્રવણપાન કર્યું.
- શું શ્રી કૃષ્ણે ભગવદ ગીતાજી અન્ય કોઈને પણ સમજાવવા પ્રયત્ન કર્યો હતો !?
- હા, પ્રભુ શ્રી કૃષ્ણે દુર્યોધનને પણ ગીતોપદેશ આપવા એક પ્રયત્ન કર્યો હતો પણ મને શું સાચું અને શું ખોટું એ ખબર જ છે એવા ઘમંડમાં રાચનાર દુર્યોધને ગીતા સાંભળવાનો અસ્વીકાર કર્યો હતો. ખરો મૂઢ!
- 18 અંકનું મહત્વ
- કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું.
- ભગવદ ગીતાજીમાં અધ્યાય 18 છે.
- પાંડવ પક્ષે 7 અને કૌરવ પક્ષે 11 એમ કુલ 18 અક્ષૌહિણી સેનાએ યુદ્ધમાં લડી હતી.
- એક અક્ષૌહિણી સેનામાં
- 21870 રથ સવાર યોદ્ધા - 2+1+8+7+0 = 18
- 65610 ઘોડેસ્વાર યોદ્ધા - 6+5+6+1+0 = 18
- 109350 પાયદળ યોદ્ધા - 1+0+9+3+5+0 = 18
- આપણું શરીર પણ 18 વસ્તુઓના એકત્રીકરણથી બનેલું છે.
- 5 જ્ઞાનેંદ્રિય - આંખ, નાક, કાન, જીભ અને ત્વચા/ચામડી
- 5 કર્મેન્દ્રિય - મોં, હાથ, પગ, ગુપ્તાંગ અને મળદ્વાર
- 4 ચેતના કેન્દ્રો - મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
- 3 ગુણો - સત્વ, રજસ અને તામસ
- 1 જીવ કે આત્મા
- અમુક વિશ્વપ્રસિદ્ધ અમેરિકન વ્યકતિઓ કે જેઓ ગીતાજીનું અધ્યયન કરતા હતા કે કરે છે.
- વૈજ્ઞાનિક આલબર્ટ આઈનસ્ટાઈન
- તત્વચિંતક હેન્રી ડેવિડ થરો
- ભૌતિકશાસ્ત્રી રોબર્ટ ઓપનહાઈમર (અણુ બોમ્બના સર્જક)
- કવિ ટી. એસ. ઈલીઓટ
- અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ
- અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ
- અભિનેતા વિલ સ્મિથ
- સંગીતકાર ફિલિપ ગ્લાસ
- આઈરીશ સુધારક એની બેસેન્ટ (કે જેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપ્યો હતો )
- લેખક અને ચિંતક રાલ્ફ વાલ્ડો એમરસન
- અનુષ્ટુપ છંદ : મોટા ભાગના ગીતાજીના શ્લોકની શૈલી
- દુનિયામાં ભાષા-વિજ્ઞાનમાં સર્વોચ્ચ એવા સંસ્કૃતમાં આ છંદની ખાસિયત એ છે કે તેમાં દરેક શ્લોક ચોક્કસ 32 જ અક્ષરોમાં લખાયેલો હોય.
- 8-8 અક્ષરોથી રચાયેલા 4 પદથી એક શ્લોક બને છે. અડધા અક્ષરો ગણતરીમાં લેવાતા નથી.
- સંસ્કૃતમાં અક્ષરોનું ह्रस्व, दीर्घ, लघु અને गुरू એમ ચાર ભાગોમાં વિભાજન કરવામાં આવે છે.
- ह्रस्व = अ , इ, उ, ऋ
- दीर्घ = आ, ई, ऊ, ऋृ, ए, ऐ, ओ, औ
- દરેક પદમાં પાંચમો અક્ષર લઘુ જ હોય.
- દરેક પદમાં છઠ્ઠો અક્ષર ગુરુ જ હોય.
- બીજા અને ચોથા પદમાં સાતમો અક્ષર ह्रस्व જ હોય.
- પહેલાં અને ત્રીજા પદમાં સાતમો અક્ષર दीर्घ અથવા गुरू જ હોય.
श्लोके षष्ठं गुरु ज्ञेयं सर्वत्र लघु पञ्चमम्।द्विचतुष्पादयोर्ह्रस्वं सप्तमं दीर्घमन्ययोः॥
- अहम् बीजप्रदः पिता
- દુનિયામાં અન્ય કોઈ પણ ધર્મના પવિત્ર ગ્રંથમાં ક્યાંય જે-તે ધર્મના ભગવાને જેમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સીધા અને સ્પષ્ટ શબ્દોમાં પોતે સર્વ જડ-ચેતનનું મૂળ હોવાનું વર્ણવ્યું છે તેવું વર્ણન મળતું નથી.
- मामेकं शरणं व्रजः
- દુનિયામાં અન્ય કોઈ પણ ધર્મના પવિત્ર ગ્રંથમાં ક્યાંય જે-તે ધર્મના ભગવાને જેમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સીધા અને સ્પષ્ટ શબ્દોમાં સર્વ મનુષ્યોને તેમની શરણમાં આવવા કહ્યું છે તેવું વર્ણન મળતું નથી. 18માં અધ્યાયનો 66મોં શ્લોક જેનું આ પોસ્ટની શરૂઆતમાં ચિત્ર મૂકેલ છે.
- દુનિયાની 175થી વધુ ભાષાઓમાં શ્રીમદ ભગવદ ગીતાજીનું ભાષાંતરણ થયેલું છે અને નાની નાની કેટલીય પ્રાંતીય ભાષાઓમાં અનુવાદ નિરંતર ચાલુ જ છે.
- શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા
- ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
- લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
- મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ – ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
- સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે. રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.
- ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિન્સ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો અને ૧૭૮૫માં પ્રકાશિત કર્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
- ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુ નામ છે – ધ સોંગ સેલેશીયલ
- સ્કલેગેલે ગીતાનો લેટીનમાં અનુવાદ ૧૮૨૩માં કર્યો.
- વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
- લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
- ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
- સરળ ગીતા – શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
- સાધક સંજીવની – શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
- હિન્દી પદ્યાનુવાદ – શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ ગીતા ભાષા ટીકા