Monday, July 13, 2020

ટૂંકો લેખ : સ્વદેશ-ભક્તિ


જનકલ્યાણના નવેમ્બર-ડિસેમ્બર 2016ના અંકમાંથી સાભાર....

'રાજન, મિચિજેનથી ચેતતા રહેજો. બહુ જ ખતરનાક માણસ છે. દેખાવ તો ચુસ્ત દેશસેવક હોવાનો કરે છે પણ અંદર ખાને તો એ કટ્ટર દેશદ્રોહી છે. અત્યારે લોકહિતના કર્યો કરી રહ્યો છે પણ એની પાછળ પણ એક ભેદી ચાલબાજી છે. આ રીતે લોકોના હૈયાં પર વશીકરણ કરી રાજ્યનો એ માલિક થવા ઈચ્છે છે. 

મિચિજેન જાપાનનો સાચો દેશસેવક હતો. લોકહૈયે જામતી જતી એની પ્રતિષ્ઠા એના વિરોધીઓને કાંટાની જેમ ખૂંચતી હતી.
એટલે તક મળતાં એક દ્વેષીલાએ જાપાન સમ્રાટ (સમ્રાટને જાપાનીઝ ભાષામાં 'મિકાડો' કહે છે) ના કાન ભંભેરવા માંડ્યા.

કહેવાય છે કે રાજાને કાન તો હોય પણ સાન નથી હોતી. મિકાડોએ હુકમ કર્યો : "અત્યારે અને અત્યારે એનો દેશનિકાલ કરો!" એ જ દિવસે મિચિજેનને પ્રાણથીય અધિક પ્રિય જન્મભોમકા છોડવી પડી. મિચિજેને પોતાના હૈયાના હાર સમા એકના-એક પુત્રની સોંપણી પોતાના જીગરજાન મિત્ર ગેંજોને કરી. ગેંજો શાળામાં શિક્ષક હતો. પણ મિચિજેનના દ્વેષીઓને આટલાથી સંતોષ નહોતો. એટલે એક દ્વેષીલાએ ધીરે રહીને મિકાડો સમક્ષ વાત મૂકી. 

"રાજન, સાપને તો આપે કરંડિયામાં પૂરી દીધો પણ સાપ કરતાંય ભયંકર સાપોલિયું હજી છૂટું ફરે છે. મિચિજેનનો દીકરો બાપનું વેર વ્યાજ સાથે વસૂલ કર્યા વગર નહિ રહે."

વાંકી વળી ગયેલી મૂછના બંને છેડા દાંત નીચે ભરાવતાં સમ્રાટે હુંકાર કર્યો :

"હં....એમ! તો તો પૂરો જ કરી નાંખો એને !"

એ ને એ જ ઘડીએ નિશાળના વડા ઉપર શાહી હુકમ મોકલવામાં આવ્યો : " આજથી ચોથા દિવસની સવારે મિચિજેનના દીકરાને શાળામાં હાજર રાખવો." મિચિજેનના દીકરાની હત્યાનું કામ મોટા અમલદારને સોંપવામાં આવ્યું. આ પૂર્વનિયોજિત આજ્ઞા સાંભળતાં અમલદારનું હૈયું દ્રવી ઉઠ્યું. 

એ મનોમન બોલી ઉઠ્યો, " અરેરે, મિચિજેનની દેશસેવાનો આ લોકો કેવો બદલો આપી રહ્યા છે. એક નિર્દોષ માસૂમ બાળકના લોહીથી મારા આ હાથ ખરડાશે ? મારાથી એ નહિ બની શકે. પણ રાજ-આજ્ઞા સામે મારું શું ચાલવાનું છે ?"

અમલદાર તો ઘરે આવીને નિરાશ વદને ખુરશી પર બેસી ગયો. સમજદાર પત્નીએ મનોભાવ કળી જઈને પતિને પ્રેમભાવે પૂછ્યું : આજે કેમ ઉદાસ છો? શું કંઈ અમંગળ થયું છે ? "

અમલદારે બનેલી હકીકત વિગતવાર કહી સંભળાવી. મનોમન પાક્કો નિર્ણય કરી લીધો હોય એમ એ બોલી : 

"નાથ, એમાં નિરાશ થવાની કંઈ જ જરૂર નથી. મિચિજેનના પુત્રને મેં જોયો છે અને તે ખરેખર આપણા પુત્ર જેવડો જ છે. ચોથા દિવસના પ્રભાતે હું એને નિશાળે હાજર રાખીશ. આપ ત્યાં આવો ત્યારે એને મિચિજેનના પુત્ર તરીકે ઓળખાવજો. દેશને માટે બલિદાન આપવાની આવી સોનેરી તક એને ફરી ક્યારે સાંપડવાની હતી ?"

ખૂબી તો એ હતી કે દીકરો પોતેય હસતે મોઢે બલિ બનવા તૈયાર થયો હતો. 

ચોથા દિવસનું ગોઝારું પ્રભાત પ્રગટ્યું.

ક્રોધથી ધૂંવાપૂંવા થતો અમલદાર નિશાળને આંગણે આવીને ઉભો રહ્યો અને કરડાકીથી ગેંજોને કહ્યું, " મિચિજેનના દીકરાને મારી આગળ હાજર કરો."

ગેંજો તો નિર્જીવ પૂતળાની પેઠે ઉભો રહ્યો. ચારે બાજુ વેધક દ્રષ્ટિ ફેંકીને અમલદારે પોતાના પુત્રને જોઈ લીધો. પછી સાથે આવેલા જલ્લાદને સૂચના આપતાં કહ્યું : 

"આ જ મિચિજેનનો પુત્ર છે, હું એને ઓળખું છું. એને પેલી દીવાલની ઓથે લઇ જાઓ.એક પળનોય વિલંબ કર્યા વિના એનું કતલ કરી નાંખો."

તરત જ હુકમનો સાંગોપાંગ અમલ થયો. થોડીવાર પછી દીવાલ ઓથેથી કારમી ને કરુણ મૃત્યુચીસ સંભળાઈ.

અમલદારે મક્કમ હોઠ બીડી ઘરનો રસ્તો લીધો.

કોટિ કોટિ નમન હજો આવા દેશભક્તોને....🙏🙏🙏

બાળપણમાં જયારે પન્ના ધાઈના અમાપ સાહસની અને પોતાના પુત્રના બલિદાનની કથા સાંભળી હતી ત્યારથી વિચાર આવતો હતો કે આવી બેજોડ કથા વિશ્વમાં બીજે કશેય ઘટી હશે કે કેમ? આજે આટલા વર્ષે જાણે-અજાણે આ વાર્તા હાથે ચઢી ગઈ.....ભારત હોય કે જાપાન હોય કે અન્ય કોઈ દેશ, માટીનું ઋણ ચૂકવનારાઓનો બધે જ છે...

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...