Saturday, December 29, 2018

The Greatest last-stand battle of all times : The Battle of Saragarhi


આપણાં ત્યાં ઘણાંય હોલીવુડની ફિલ્મોના દીવાના હોય છે અને ખાસ કરીને Action ફિલ્મોના. અને કેમ ના હોય?  અંગ્રેજી Historical action ફિલ્મો જે અદભુત દિગ્દર્શન, ટેકનોલોજી અને સેટ્સ સાથે બનાવાય છે તે ખરેખર જોવાલાયક હોય છે. એક આ જ શ્રેણીની ફિલ્મ છે 300. તમે ના જોઈ હોય તો ચોક્કસ જોજો. તેમાં થર્મોપલાઈના લોહીયાળ યુધ્ધમાં ગ્રીક રાજા લીયોનાઈડસ અને માત્ર ૩૦૦ વીરોએ પર્શિયા (હાલનું ઈરાન)ના રાજા અને તેના અતિ-વિશાળ અને ખૂંખાર સૈન્ય સામે કેસરિયા થઈને દેશ-રક્ષામાં પ્રાણોની આહુતિ આપી હતી તેનું અદ્ભુત ચિત્રણ છે. મેં જયારે આ ચિત્ર આજથી દસેક વર્ષ પહેલાં જોયું ત્યારે યુધ્ધના સંદર્ભમાં પહેલી વાર અંગ્રેજી શબ્દ "Last-Stand" સાંભળ્યો. ત્યારે પહેલીવાર વિચાર સ્ફૂર્યો હતો કે આપણા દેશમાં તો કેટલીય લડાઈઓ અને મોટા યુદ્ધો થયા છે, તો આપણાં ત્યાંય આવી કોઈ અકલ્પનીય અને અવિશ્વસનીય એવી લડાઈ નહિ થઇ હોય કે જેની તુલના આ થર્મોપલાઈના યુદ્ધ સાથે થઇ શકે? અહી વિદેશમાં બેઠા બેઠા આપણા જૂના ઐતિહાસિક પુસ્તકો/લેખકો સુધી પહોચવું સુગમ ના હોવાથી વિચાર માત્ર વિચાર જ રહ્યો અને વધુ સંશોધન થઇ ના શક્યું. [આવા વખતે આપણી અમદાવાદની ગુજરાત યુનીવર્સીટીનું પુસ્તકાલય અને ૧૦ મીનીટમાં બાઈકની કિક મારીને ત્યાં સુધી પહોચવાની સુગમતાનો અભાવ બહુ સાલે છે ]

હમણાં થોડાક વર્ષો પહેલાં આ વોટ્સઅપના ફોરવર્ડોમાં પહેલીવાર "સારાગઢી" નું નામ અને ૨૧ શીખોની ન ભૂતો ન ભવિષ્યતિ એવી પ્રચંડ અને પરમ સાહસની અને અમરત્વની વાર્તા વાંચી ત્યારે પેલો જૂનો વિચાર તાજો થયો. હાલમાં તો આ કથા ઉપર એક -બે નહિ પૂરા ત્રણ હિન્દી ચલ-ચિત્રો  બની રહ્યા છે એટલે કદાચ તમને પણ આ વાર્તા અંગે થોડો ઘણો ખ્યાલ હશે. પણ આપણા બોલીવુડને સત્યને તોડી-મરોડીને કે મસાલાઓ ભભરાવીને પીરસવાની આદત છે એટલે મને આ વિષય પર પોસ્ટ લખવાનો વિચાર આવ્યો. બને એટલી ચકાસણી કર્યા પછી રજૂ કરું છું પણ ક્યાંક કઈ ભૂલ-ચૂક હોય તો ધ્યાન દોરવા વિનંતી. મૂળ વિષય વસ્તુ પર આવીએ એ પહેલા તમને આ ત્રણ હિન્દી ફિલ્મોના નામ આપી દઉં કે જેથી તમે પણ તમારી Must-see Movies ની યાદીમાં ઉમેરી શકો...

૧) Sons of Sardaar: The Battle of Saragarhi. [અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં ]
૨) Battle of Saragarhi. [રણદીપ હૂડા મુખ્ય ભૂમિકામાં ]
૩) Kesari [અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં ]


યુદ્ધની પૂર્વ-ભૂમિકા :

૧૯મી સદીનો પૂર્વાર્ધ એ બે વિસ્તરતા સામ્રાજ્યોનો કાળ હતો. એક બ્રિટીશ જાસૂસી અધિકારી આર્થર કોનોલીએ આ બે સામ્રાજ્યો વચ્ચેના ચડસા-ચડસી અને હરીફાઈના સમયને "The Great Game" એવું નામ આપ્યું હતું.  એક તરફ રશિયાના ઝાર (રાજા) એલેકઝાંડર પહેલા હેઠળ વિસ્તરતું રશિયન સામ્રાજ્ય અને બીજી તરફ ઇસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ વિસ્તરતું બ્રિટીશ સામ્રાજ્ય. જેમ જેમ રશિયાના ઝારનું આધિપત્ય મધ્ય એશિયામાં દક્ષિણ તરફ આગળ વધી રહ્યું હતું તેમ તેમ બ્રિટીશ સામ્રાજ્યના વહીવટકર્તાઓને પોતાના "Jewel of the Crown of British Empire" એટલે કે ભારત ઉપર રશિયાની નજર હોય એમ લાગવા માંડ્યું હતું. [ અહીં નીચે નકશામાં જુઓ. ] બીજી બાજુ રશિયાને બ્રિટીશ સામ્રાજ્ય મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું હોય એમ લાગી રહ્યું હતું. ટૂંકમાં બે સામ્રાજ્યો વચ્ચે અવિશ્વાસ અને સતત યુધ્ધના ભયનું વાતાવરણ હતું.


ઇસ્ટ ઇન્ડિયા હેઠળના "કંપની રાજ"નું એમ માનવું હતું કે જાતે દિવસે રશિયા અફઘાનિસ્તાન સર કરીને તેનો ઉપયોગ કંપની રાજની સોનાની લગડી એવા ભારત ઉપર હુમલો કરવા એક તખ્ત તરીકે કરશે. આથી એક આગોતરો દાવ ખેલીને અફઘાનિસ્તાનમાં પોતાને આધીન એવી શુજા શાહની હેઠળની એક કઠપૂતળી સરકાર બેસાડવાના ઈરાદાથી બ્રિટીશરોએ ૧૮૩૮માં પહેલું એંગ્લો-અફઘાન યુદ્ધ આદર્યું. શુજા શાહની સરકાર લાંબુ ટકી નહિ અને કંપની રાજનો હેતુ સર્યો નહિ પણ પ્રયત્નો ચાલુ રહ્યા. આજ પ્રયત્નો હેઠળ ૧૮૭૮થી ૧૮૭૯ વચ્ચે બીજું એંગ્લો-અફઘાન યુદ્ધ થયું. અફઘાનો શેર અલી ખાનના નેતૃત્વ હેઠળ લડ્યા. આ યુધ્ધમાં બંને પક્ષે ઘણી ખાના-ખરાબી થઇ. લડાઈ તેમજ ત્યાર બાદની માંદગીના લીધે બ્રિટીશ પક્ષે ૧૦,૦૦૦ જેવા સૈનિકોના મોત થયા જયારે અફઘાનોના પક્ષે પાક્કો આંકડો મળતો નથી પણ માત્ર યુદ્ધ દરમ્યાન જ ૫૦૦૦ સૈનિકો શહીદ થયા. ત્યાર બાદની માંદગીના લીધે મરણ પામ્યા તે અલગ. આ યુદ્ધનો અંત ૨૬મી મે ૧૮૭૯ન દિવસે "ગન્દમકની સંધિ" થી [ગંદમક નામનું આ ગામ હાલમાં અફઘાનિસ્તાનમાં છે] આવ્યો જેમાં અફઘાનિસ્તાને કંપની રાજની માંગણી સ્વીકારી. મુખ્ય માંગણી અફઘાનિસ્તાનને રશિયન અને બ્રિટીશ રાજ્ય વચ્ચે  'બફર' રાજ્ય તરીકે વાપરવાની હતી  કે જેમાં કંપની રાજ તેમના વિદેશ/રાજદ્વારી સંબંધો ઉપર નજર રાખે અને બદલામાં અફઘાનિસ્તાન મોટે ભાગે પોતાની સ્વાયતત્તા જાળવી શકે. આ સંધિના અમુક વર્ષો બાદ ૧૮૯માં બ્રિટીશ કંપની રાજ્ય અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા રેખા નક્કી કરવાના અને ભવિષ્યમાં ઘર્ષણ ટાળવાના ઈરાદાથી બ્રિટીશ રાજદૂત મોર્ટીમેર દુરંદ અને અફઘાની અમીર (રાજા ) અબ્દુલ રહમાન ખાન વચ્ચે કરાર થયો જે માત્ર એક જ પાનાનો હતો અને તે "દુરંદ સીમા રેખા કરાર" તરીકે જાણીતો છે. ૧૨ નવેમ્બર ૧૮૯૩ના કરાયેલ આ કરાર દ્વારા કંપની રાજ અને અફઘાનિસ્તાન વચ્ચેની ૨૪૩૦ કિલોમીટર (૧૫૧૦ માઈલ)ની સર્વે દ્વારા નક્કી કરાયેલી સીમા સરહદ સ્વીકારવામાં આવી હતી. [ખાસ નોંધ : આ જ દુરંદ સીમા આજે પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આંતર-રાષ્ટ્રીય સરહદ તરીકે વપરાય છે જેને અફઘાનિસ્તાન અધિકૃત રીતે સ્વીકારવા તૈયાર નથી ]

આ દુરંદ રેખા એવી રીતે નક્કી કરવામાં આવી હતી કે જેના લીધે પશ્તુન એટલે કે અફઘાનોના ગણાતા પ્રદેશ એવા "પશ્તુનીસ્તાન" અને બલોચ લોકોના ગણાતા એવા બલુચિસ્તાન બંનેના બે ભાગલા થઇ ગયા. બંને પ્રદેશો ત્યારના અફઘાનિસ્તાન અને કંપની રાજ હેઠળના બ્રિટીશ ભારતમાં એમ બે ભાગમાં વહેંચાઇ ગયા. [નીચેનો નકશો જુઓ]

 આ ભાગલાના લીધે સ્થાનિક અફઘાનોમાં ભારોભાર નારાજગી અને ગુસ્સો હતો. અફઘાની પઠાણોની  ગણના ખૂબ જ કાબેલ અને આક્રમક લડ્વૈયાઓમાં થાય છે. સૈયદુલ્લાહ નામના ફકીરની આગેવાની હેઠળ તેમણે બ્રિટીશ ચોકીઓને ઘેરા ઘાલીને લડવાનું ચાલુ કર્યું. આમાંનો મલકંદની છાવણીનો ઘેરો અને તેનું યુદ્ધ પ્રખ્યાત છે કારણકે જે સેનાપતિએ પાછળથી આવીને આ ઘેરો તોડીને બ્રિટીશ સૈનિકોને મદદ કરી હતી તે આગળ જઈને બ્રિટનના વડા-પ્રધાન બન્યા જેમનું નામ છે વિન્સ્ટન ચર્ચિલ.

આ જ અફઘાની પઠાણોના બ્રિટીશ વિરુદ્ધના યુદ્ધોમાનું એક યુદ્ધ તે સારાગઢીનું યુદ્ધ.

યુદ્ધ :

બ્રિટીશરોએ હાલના પાકિસ્તાનના અફઘાનિસ્તાનની સીમાને અડીને આવેલા પશ્ચિમી વિસ્તારોમાં મૂળભૂત શીખ રાજા રણજીત સિંહે (શેર-એ-પંજાબ તરીકે પ્રખ્યાત) બનાવડાવેલી એવી નાની નાની ચોકીઓની મરમ્મત કરાવીને ચોકીઓ સ્થાપી હતી કે જેના દ્વારા તેઓ આ અફઘાનોની ગતિવિધિ ઉપર નજર રાખી શકે. તેમાંની  એક ચોકી તે આ સારાગઢીનીચોકી.આ ચોકી વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની હતી કારણકે તે Fort Lockhart (મસ્તાનનો કિલ્લો) અને Fort Gulistan (કવાગ્નરીનો કિલ્લો)  ની બરોબર વચ્ચે ઉંચી ટેકરી પર સ્થિત હતી અને બંને કિલ્લાની વચ્ચે સંદેશા આપ-લે કરવા માટે અનિવાર્ય હતી. તે વખતે હેલીઓગ્રાફ નામના સાધનની મદદથી અરીસાથી તીવ્ર પ્રકાશના લીસોટાઓ દ્વારા મોર્સ કોડના સંકેત વાપરીને સંદેશા મોકલવામાં આવતા હતા.આ ઉપરાંત ધાર, સંગર, સરતોપ, થાળ અને સદ્દાની પણ નાની નાની ચોકીઓ હતી. આ બધું જ હાલના પેશાવરથી નૈઋત્યમાં આશરે ૨૫ માઈલ દૂર ૫-૭ માઈલના વિસ્તારમાં આવેલું છે. [નીચેનો નકશો જુઓ. ] ચોકીઓ અને આ કિલ્લા એમ કુલ મળીને ૧૧ નાના-મોટા થાણાં હતા.


ખાંકી ખીણમાં સ્થિત સામના રેંજ [Samana Range] તરીકે જાણીતા આ વિસ્તારના આ કિલ્લા અને ચોકીઓનું બાંધકામ લગભગ સરખું જ હતું. દરેકની પથ્થરની દીવાલો આશરે ૧૨થી ૧૫ ફૂટ ઉંચી હતી અને આકાર લંબચોરસ હતા. ફરક માત્ર તે કેટલા સૈનિકોને સમાવી શકે તેનો હતો. લોકહાર્ટના કિલ્લામાં ૩૦૦ સૈનિકોને અને ગુલીસ્તાનના કિલ્લામાં ૨૦૦ સૈનિકોને સમાવવાની ક્ષમતા હતી જયારે ધાર, સંગર, સરતોપ અને સારાગઢી વગેરે નાની ચોકીઓ માત્ર ૨૫થી ૫૦ સૈનિકોને સમાવી શકે તેટલી હતી.  આ ચોકીઓ ઉપર લેફ્ટનન્ટ કર્નલ જોહન હોઉટન ની આગેવાનીમાં ૩૬માં શીખ પાયદળના સૈનિકો તૈનાત હતા [આ 36th Sikh હાલમાં ભારતીય લશ્કરના શીખ રેજીમેન્ટમાં ૪થી બટાલિયન તરીકે કાર્યરત છે. ] તેમાંના માત્ર ૨૧ સૈનિકો હવાલદાર ઈશ્વર સિંહની આગેવાનીમાં આ સારાગઢીની ચોકી પર હતા. તેમનાં નામ નીચે પ્રમાણે છે.
  1. હવાલદાર ઈશ્વર સિંહ (રેજીમેન્ટ ક્રમાંક ૧૬૫)
  2. નાયક લાલ સિંહ (૩૩૨)
  3. લાન્સ નાયક ચંદા સિંહ (૫૪૬)
  4. સિપાહી સુંદર સિંહ (૧૩૨૧)
  5. સિપાહી રામ સિંહ (૨૮૭) 
  6. સિપાહી ઉત્તર સિંહ (૪૯૨)
  7. સિપાહી સાહિબ સિંહ (૧૮૨)
  8. સિપાહી હીરા સિંહ (૩૫૯)
  9. સિપાહી દયા સિંહ (૬૮૭)
  10. સિપાહી જીવન સિંહ (૭૬૦)
  11. સિપાહી ભોલા સિંહ (૭૯૧)
  12. સિપાહી નારાયણ સિંહ (૮૩૪)
  13. સિપાહી ગુરુમુખ સિંહ ( ૧૭૩૩)
  14. સિપાહી જીવન સિંહ (૮૭૧)
  15. સિપાહી ગુરુમુખ સિંહ (૮૧૪)
  16. સિપાહી રામ સિંહ (૧૬૩)
  17. સિપાહી ભગવાન સિંહ (૧૨૫૭)
  18. સિપાહી ભગવાન સિંહ (૧૨૬૫)
  19. સિપાહી બુટા સિંહ (૧૫૫૬)
  20. સિપાહી જીવન સિંહ (૧૬૫૧)
  21. સિપાહી નંદ સિંહ (૧૨૨૧)
આ ભાગલાના લીધે મુખ્યત્વે પશ્તુનોની પાંચ જુદી જુદી જાતિઓ બ્રિટીશ સામે જંગે ચડી હતી. આ પાંચ હતી અફ્રીદી (શાહિદ અફ્રીદી યાદ છે ને!?), દૌલતઝાઈ, ઇસ્લામઝાઈ, લશ્કરઝાઈ અને હમસાયા. અફ્રીદી સિવાયની ચાર જાતિઓ સમૂહમાં ઓરક્ઝાઈ તરીકે ઓળખાય છે. તેઓએ ૧૮૯૭ના ઓગસ્ટ મહિનાથી જ હુમલા ચાલુ કરી દીધા હતા. કર્નલ હોઉટન લોકહાર્ટના કિલ્લાના મુખ્ય થાણામાં સ્થિત હતા. પહેલો હુમલો ૨૭ ઓગસ્ટે ગુલીસ્તાનના કિલ્લા પર થયો. બીજો હુમલો સંગર અને ધારની ચોકીઓ ઉપર બીજા દિવસે એટલે કે ૨૮મી એ થયો. ૩જી સપ્ટેમ્બરે ગુલીસ્તાન ઉપર ફરી હુમલો થયો. અફઘાનો ગોરિલા યુદ્ધ નીતિથી લડતા હતા. તેમની પાસે સંખ્યા બળ હતું પણ બ્રિટીશરો જેવા આગવા શસ્ત્ર-સાધનો ન હતા. તેમના હુમલાથી ભીંસમાં આવી પડેલા ૩૬ શીખ પાયદળને મદદ માટે કુર્રમ-કોહાટથી અન્ય બ્રિટીશ ટુકડીઓ ૮મી સપ્ટેમ્બરે આવી પહોંચી હતી. પણ કિલ્લા સુધી ના પહોંચી શકવાના લીધે આ ટુકડીઓ ૧૧મી એ પોતાના થાણા માટે  હંગુ તરફ પાછી વળી.

૧૨મી સપ્ટેમ્બરે અફઘાનોએ  પૂર્વમાં ગોગરા, પશ્ચિમમાં સામના સક ઉપરાંત ગુલીસ્તાન,ધાર સંગર અને સારાગઢી ઉપર ફરી એક સાથે ચઢાઈ કરી.તેઓની કુલ સંખ્યા ૧૨,૦૦૦ થી ૨૦,૦૦૦ની વચ્ચે આંકવામાં આવી છે.  સારાગઢીના પૂર્વમાં આવેલા લોકહાર્ટના કિલ્લામાં સ્થિત કર્નલ જોહન હોઉટન આ અંગે જાણકારી હોવા છતાં અફઘાનોની હજારોની સંખ્યા જોતા સહાય ટુકડીને ચાહીને પણ સારાગઢી તરફ રવાના કરી ના શક્યો. કારણકે સૈનિકોએ પશ્ચિમમાં આવેલી સારાગઢી  ચોકી તરફ જવા માટે ઉંચાઈ પર સ્થિત કિલ્લાથી નીચે ઉતરવું પડે અને નીચેના સપાટ મેદાનોમાં હાજર હજારો અફઘાની વિદ્રોહીઓનો સામનો કરવો પડે જે ઓછી સંખ્યાના કારણે શક્ય ના હતું. તે સમયે બ્રિટીશરોનું મુખ્ય હથિયાર રાયફલો હતી જેમની આ સામના રેન્જમાં સ્થિત કિલ્લા અને ચોકીઓમાં નીચે પ્રમાણે હતી.

લોકહાર્ટનો કિલ્લો........ ૧૬૮ સૈનિકો અને તેટલી જ રાયફલો.
ગુલીસ્તાનનો કિલ્લો.....૧૭૫ સૈનિકો અને તેટલી જ રાયફલો.
સંગરની ચોકી...............૪૪ રાયફલો
ધારની ચોકી.................૩૭ રાયફલો
સરતોપની ચોકી...........૨૧ રાયફલો
સારાગઢીની ચોકી.........૨૧ રાયફલો.

સારાગઢીની ચોકી ઉપર દરેક સિપાહી પાસે ૪૦૦ ગોળીઓનો પૂરવઠો હતો. જે હજારોના ટોળાંની સામે ટક્કર લેવા માટે પૂરતો ના હતો. તેમની સ્થિતિ અદ્દલ કારગીલ યુધ્ધમાં જે સ્થિતિ પાકિસ્તાનીઓની હતી તેવી હતી. તેમની પાસે ઊંચાઈનો લાભ હતો પણ નાની નાની ટેકરીઓ ઉપર નાની નાની ચોકીઓ હોવાથી સંખ્યા બળ નહોતું. જયારે અફઘાનોની સ્થિતિ જે સ્થિતિ ભારતીય લશ્કરની હતી તેવી હતી, તેઓ ઉંચાઈ પર સ્થિત શત્રુ સામે લડી રહ્યા હતા એટલે તેમના પક્ષે ખુવારી વધુ થવાનું  કુદરતી રીતે જ જોખમ હતું. [નોંધ : નીચે જે વિડીયો છે એમાં દરેક પાસે માત્ર ૪૦ ગોળીઓ હતી તેમ જણાવવામાં આવ્યું છે જે સાચું નથી. આકંડાની ખાતરી કર્નલ હોઉટનના અધિકૃત પત્રોમાંથી કરેલ છે અને સંદર્ભ નીચે આપ્યા છે. ]

શરૂઆતમાં તો અફઘાનોએ સીધા જ સામા ધસી જઈને ચોકી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તેઓ સફળ ના થયા અને તેમના સૈનિકો શહીદ થયા એટલે તેમણે ડુંગર પર પડેલા મોટા પથ્થરોની આડમાં અને ટેકરી પરના કુદરતી જ ખાડાઓનો ફાયદો લઈને ચોકીની નજીક સરકાવના પ્રયત્નો ચાલુ કર્યા.. નીચેથી સતત થઇ રહ્યા ગોળીઓના વરસાદમાં બધાંય ૨૧ સૈનિકો વળતો જવાબ આપવામાં વ્યસ્ત હતા અને તેમના ખ્યાલ બહાર ૨ અફઘાનો છેક ચોકીની બાહરી દીવાલ સુધી પહોંચી ગયા. તેમણે દીવાલની નીચે આસ્તે આસ્તે ખોદવાનું ચાલુ કર્યું કે જેથી તેમાં તેઓ વિસ્ફોટકો ભરી શકે. ચોકી ઉપર સૈનિકો આ હકીકતથી અજાણ હતા. સારાગઢીની પશ્ચિમમાં ગુલીસ્તાનના કિલ્લા પર મેજર ડેસ વોક્સે આ દૂરબીનથી નજરે જોયું અને હેલીઓગ્રાફ વડે સારાગઢીના સૈનિકોને સતર્ક કરવા પ્રયાસ કર્યો પણ સારાગઢી ઉપર સૈનિકો વ્યસ્ત હોવાથી સંદેશ ઝીલાયો નહિ. આ બાજુ કર્નલ હોઉટને પણ સંદેશ મારફતે ગોળીઓ સાચવીને વાપરવા માટે સંદેશ મોકલ્યો પણ તે પણ સફળ ના થયો. સારાગઢીની ઉપર હુમલો આશરે સવાર ૯ વાગ્યે ચાલુ થયો હતો. કર્નલ હોઉટન કંઈ મદદ કરવા અક્ષમ હોવાથી ઉંચો નીચો થઇ રહ્યો હતો. આશરે મધ્યાહને તેણે અમુક સૈનિકોને  Lee-Metford પ્રકારની લાંબા અંતર સુધી પ્રહાર કરતી રાયફલો સાથે લોકહાર્ટના કિલ્લાથી થોડેક જ દૂર મોકલીને અફઘાનો ઉપર પાછળથી પ્રહાર કરીને તેમનું ધ્યાન લોકહાર્ટ તરફ દોરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કદાચ અફઘાનો પણ જાણતા હતા કે તે કિલ્લામાં વધુ સૈનિકો છે એટલે તેઓએ તેમનું ધ્યાન સારાગઢી ઉપર જ રાખ્યું. આ સમગ્ર ઘટના ક્રમ દરમ્યાન પેલા ૨ અફઘાનોએ તો ચોકીની ધારે ધારે ખોદીને તેમાં વિસ્ફોટકો ભરવાનું ચાલુ જ રાખ્યું. ત્યાર બાદ તેમણે ચોકીના લાકડાના દરવાજાને આગ લગાડવાનો પ્રયાસ આદર્યો. આશરે બપોરના ત્રણ વાગે સિપાહી ગુરુમુખ સિહે લોકહાર્ટના કિલ્લાને ગોળીઓ ખૂટી જવા અંગેનો હેલીયોગ્રાફ દ્વારા સંદેશ મોકલ્યો. આ દરમ્યાન વિસ્ફોટકોના ધડાકાઓથી દિવાલના પત્થરો ખરવા લાગ્યા હતા અને જેના કારણે સૈનિકોનું કવર ઓછું થવા લાગ્યું હતું. હવે અફઘાનો વધુ ને વધુ સંખ્યામાં ચોકી સુધી પહોંચવા લાગ્યા હતા. આ બાજુ હોઉટન કૈક પણ મદદ કરવા અધીરો થઇ ગયો હતો. તે લેફ્ટનન્ટ મુન અને ૯૦ સૈનિકો સાથે સારાગઢીની ચોકી તરફ જવા નીકળી પડ્યો. અહી સારાગઢીની ચોકી ઉપર ભીષણ હાથોહાથની લડાઈ શરૂ થઇ ગઈ હતી અને એકે એક શીખ સૈનિક કાળ બનીને અફઘાનો ઉપર તૂટી પડ્યો. "જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ" ના નારાઓથી સામના રેન્જનું આકાશ ગૂજી રહ્યું હતું. હોઉટન અને એની ટોળી હજી તો માત્ર હજારેક યાર્ડ જ લોકહાર્ટથી આગળ વધી હશે અને તેમણે દૂર સારાગઢીનીદીવાલો આંબીને અફઘાનોને ચોકીમાં દાખલ થતાં જોયા. તેમણે ચોકીનો દરવાજો ભડ ભડ ભડકે બળતો જોયો. તેઓ સમજી ગયા. માત્ર ૬ કલાકના ટૂંકા ગાળામાં ૨૧ પરાક્રમી શીખો કેસરિયા થઈને લડ્યા અને જયારે યુધ્ધને અંતે અફઘાન પક્ષે જાનહાનિની ગણતરી થઇ ત્યારે કુલ ૪૫૦ મર્યા કે ઘાયલ થયાના આંકડા મળ્યા. જીવતા રહેલા અફઘાનોએ પોતે એક એક શીખે તેમના ૨૦-૨૦  સૈનિકોને માર્યા હોવાનું નોંધ્યું છે. આ નીચેનો ફોટો આ સારાગઢીની ચોકી નષ્ટ થયા બાદનો ફોટો છે જે કર્નલ હોઉટને ખુદ પાડ્યો હતો.....



કલ્પના તો કરો કે કીડીયારુંની જેમ ઉભરાતાં અફઘાનો વચ્ચે શીખો કેવા અદમ્ય સાહસ અને વીરતાથી લડ્યા હશે.વિચાર માત્રથી મારા રૂવાંડા ઉભા થઇ જાય છે.  નમન છે આ શીખ સમુદાયને કે જેમના રગે-રગમાં લોહી નહિ માત્ર અને માત્ર વીરત્વ ભરેલું છે. This is the story of the greatest last-stand battle of all times : The Battle of Saragarhi


સ્મૃતિ :

શીખોની આ શૌર્યપૂર્ણ શહાદતના સમાચાર જ્યારે બ્રિટન પહોંચ્યા ત્યારે સમગ્ર બ્રિટને ભારતીય શીખોના શૌર્યને સલામ કરી હતી. તમામે તમામ શહીદોને બ્રિટીશ સરકાર તરફથી ત્યારે ભારતીય સૈનિકોને અપાતો બહાદુરીનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ઇન્ડિયન ઑર્ડર ઑફ મેરિટ’થી નવાજ્યા હતા અને સાથે સાથે પ્રત્યેક શહીદ પરિવારને ૫૦ એકર જમીન અને ૫૦૦ રૂા. પણ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં બ્રિટન સરકાર દ્વારા ૧૨ સપ્ટેમ્બરના દિવસને ‘સારાગઢી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. આજે પણ આ દિવસે બ્રિટન ઇંગ્લેન્ડમાં ખાસ કરીને સૈન્ય દ્વારા સારાગઢીના પ્રત્યેક શીખ શહીદોને યાદ કરવામાં આવે છે.

ભારતીય સૈન્યની શીખ રેજિમેન્ટ આજે પણ દર વર્ષે ૧૨ સપ્ટેમ્બરના દિવસને ‘સારાગઢી દિન’ તરીકે ઊજવે છે. સારાગઢીના તમામ શહીદોની યાદમાં ‘ખાલસા બહાદુર’ નામનું કાવ્ય લખાયું છે. શહીદ થયેલા તમામ યોદ્ધાઓ ફિરોઝપુર અને અમૃતસર જિલ્લાના હોવાથી તેમની યાદમાં આ બન્ને જિલ્લામાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યા છે. એક સારાગઢી ગુરુદ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરના મુખ્ય દ્વાર નજીક તો બીજું ફિરોઝપુરની છાવણીમાં છે.

ખૂબ જ દુ:ખની વાત છે આપણા ઇતિહાસમાં મુઘલોના આક્રમણ, અંગ્રેજ સરકાર સામેની લડાઈઓ તો ખૂબ જ ભણાવાય છે, પરંતુ સારાગઢી જેવી ભારતીય યોદ્ધાઓની શૌર્યગાથાઓને કોઈ જ સ્થાન આપવામાં આવ્યું નથી.તમારામાંથી કોઈની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ કે શિક્ષણ મંત્રી જોડે ઓળખાણ હોય તો બે હાથ અને ત્રીજું માથું નમાવીને વિનંતી કે આ લેખ એમના સુધી પહોંચાડજો અને એમને કહેજો કે આવી અભૂતપૂર્વ શૌર્ય અને બલિદાનની કથાઓ પાઠ્યક્રમમાં ઉમેરે. [સમય કાઢીને આવી બીજી ઘણી કથાઓ આ બ્લોગ પર મૂકવાની યોજના છે.] 

હવે તમે છેક આટલે સુધી રસ લઈને વાંચ્યું એટલે આભાર તરીકે આ એક નાની વિડીયો કલીપ બતાવવી હતી જે ૨ જ મિનિટમાં આ આખી અમર ગાથાનો કિસ્સો રજૂ કરે છે....[Raise the volume for video please!!]

જય હિન્દ !જય હિન્દ કી સેના.

સંદર્ભો
૧) Lieutenant-Colonel John Haughton, Commandant of the 36th Sikhs: A Hero of Tirah, a Memoir
૨) Saragarhi Battalion: Ashes to Glory
૩) Saragarhi: The Forgotten Battle
૪) https://www.kickstarter.com/projects/saragarhi/saragarhi-the-true-story
૫) http://sanjaydrasti.blogspot.com/2017/10/blog-post.html

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...