Friday, April 6, 2018

અતુલિત બલ ધામા......

બાળ-માનસ સ્વાભાવિક રીતે તુલનાત્મક અને ગણનાત્મક હોય છે, ખરું કે નહિ? કોઈ વસ્તુનું માપ લઈને કે ગણતરી કરીને બહુ આનંદ આવતો હોય છે. અને શરૂઆત તો ગણતરી હજી આવડતી પણ ના હોય ત્યારથી થઇ જાય છે. દાખલા તરીકે ૨-૩ વર્ષના ભાઈઓ કે બહેનો મમ્મીએ શીરો બનાવ્યો હોય તો પહેલો હાથ ફેલાવીને કહેશે હું 'આટલો બધો' ખાઇશ. બીજો હજુ વધુ હાથ ફેલાવીને કે કહેશે હું 'આટલો બધો' (તારા કરતાં વધારે) ખાઇશ. પછી જયારે ગણતરી શીખી જાય ત્યારે એક કહેશે હું ચાર વાટકી શીરો ખાઇશ તો બીજો કહેશે હું પાંચ વાટકી ખાઇશ. આજ ઉદાહરણ લખોટીઓ કે ક્રિકેટમાં કોણે કેટલા રન કર્યા એના ઉપર કે બીજી ઘણી વાતો ઉપર આપી શકાય.  ભણવામાં પણ 'મેં ૨ પાના ભરીને નિબંધ લખ્યો' ને 'મેં ૩ પાના ભરીને નિબંધ લખ્યો' એમ સરખામણી ને ગણતરી થતી હોય છે...



બાલ્યકાળમાં બધી જ વસ્તુઓમાં અને બધી જ વાતમાં આવી ગણતરી કરવાની ટેવ મને પણ હતી. એટલે જયારે મારી માએ મને હનુમાન ચાલીસા મોઢે કરાવ્યા ત્યારે એમાંની એક કડી હતી,

                             रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥

એમાંય પાછો એજ સવાલ....

 હવે આ 'અતુલિત' એટલે કેટલું ? 

માપ કેવી રીતે કાઢવું એની બાળ-સહજ ઉત્સુકતા હતી. મમ્મીને ત્યારે પૂછ્યું તો હતું પણ તે વખતે મમ્મીએ શું જવાબ આપ્યો હતો તેનું સ્મરણ નથી. પણ કોઈ મનમાં બેસી જાય એવો જડબેસલાક જવાબ મળ્યો ના હતો, એટલું પાક્કું. નહિ તો યાદ જ હોત. હશે, કઈ દરેક બાળકને એના દરેક સવાલનો જવાબ થોડી મળે છે! વાત ઉંમર સાથે વિસરાઈ ગઈ. થોડા જ દિવસ પહેલા પસાર થઇ ગયેલી હનુમાન જયંતીના દિવસે અમદાવાદ મેમનગર ગુરુકુળના પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી મહારાજના મુખે જયારે ઊંડાણથી હનુમાનજીના બળનું વર્ણન સાંભળ્યું ત્યારે આ બાળપણનો આ સવાલ તાજો થઇ ગયો અને એના કરતાય વધારે, ભલેને ૨૫ વર્ષે જવાબ મળ્યો પણ મળ્યો તો ખરો ને ! આ વાતનો આનંદ આનંદ થઇ ગયો. અને આ સવાલ/જવાબ અને આનંદ બીજા સાથે વહેંચવા માટે જ આ લેખ લખ્યો.

તો સવાલ છે હનુમાનજી નું બળ કેટલું....? પહેલા કૈક તુક્કા લગાવો, જુઓ તો ખરા આપણી કલ્પના શક્તિના ઘોડા કેટલા દોડે છે પછી નીચે વર્ણન વાંચો....

જ્ઞાનની અખૂટ ખાણ એવા હરિસ્વરૂપદાસજી મહારાજ કહે છે, આમ તો 'અતુલિત'નો અર્થ છે જેને તોલી કે માપી ના શકાય એવું કે જેનો આંકડો પાડી ના શકાય. પણ છતાંય એમ કહેવાય છે કે

  • ૧૦૦૦ અશ્વોમાં જેટલું બળ હોય એટલું એક મદ-ઝરતાં જંગલમાં મુક્ત વિહરતા હાથીમાં હોય. 
  •  આવા ૧૦,૦૦૦ હાથી ભેગા કરો એટલી તાકાત/બળ ઇન્દ્રના હાથી 'ઐરાવત' માં છે. 
  • આવા ૧,૦૦,૦૦૦ 'ઐરાવત' હાથી ભેગા કરો એટલું બળ એકલા ઇન્દ્રમાં છે.
  • આવા ૧૦,૦૦,૦૦૦ 'ઇન્દ્ર' ભેગા કરો એટલું બળ દધિચી ઋષિના કેડના હાડકામાંથી બનેલા એવા શસ્ત્ર 'વજ્ર'માં છે. 
  • આવા ૧,૦૦,૦૦,૦૦૦ 'વજ્ર' ભેગા કરો એટલું બળ હનુમાનજીની ટચલી આંગળીમાં છે......
  • બાકી હનુમાનજીની પૂરી તાકાતનું ગણિત તમે કરી લો......
હું હનુમાનજીનો 'ફેન' છું એમાં કોઈ નવી વાત નથી પણ ફેન હોવા સાથે સાથે મને નવા 'ફેન' બનાવવામાં વધુ રસ છે. એટલે જ એક ખૂબ સરસ વાત જે મારા એક મિત્રે મને કીધી હતી તે તમને કહું છું....



Don’t tell Hanuman how big your problems are,


Tell your problem how big your HANUMAN is!!

જય બજરંગબલી!

જયશ્રીરામ !



વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...