
સને ૧૯૬૬માં લખનૌમાં કે. કે. કોલેજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS - Rashtriya Swayamsevak Sangh)ની ગ્રીષ્મ-પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉત્તરપ્રદેશમાંથી હજ્જારો સ્વયંસેવકો તેમાં ભાગ લેવા આવ્યા હતા.
સામૂહિક સ્નાનાગારમાં કેટલાક સ્વયંસેવકો પોતાના કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે સંઘના ટોચના નેતા પણ કપડાં ધોવા આવી પહોચ્યાં. જેવા પોતાના ધોતિયાને પાણીમાં પલાળી સાબુ ઘસવા લાગ્યા એટલે એક સ્વયંસેવક એમની પાસે પહોંચી ગયો. નેતાને વિનંતી કરતાં એ બોલ્યો : અમે હાજર હોઈએ ત્યારે આપના વસ્ત્રો આપ સ્વયં ધુઓ તો અમને બહુ જ દુઃખ થાય. લાવો આપના વસ્ત્રો હું ધોઈ આપું. આપની સેવા કરવાની મને તક આપો.
ધોતિયા પર સાબુ લગાવવાની ક્રિયા ચાલુ રાખી સ્મિત કરતાં નેતા બોલ્યા : " ભાઈ, વસ્ત્ર પર લાગેલો મેલ તો હરકોઈ માણસ માત્ર પાંચ જ મિનિટમાં ધોઈ નાખશે. પરંતુ રાષ્ટ્રનો મેલ ધોવાની હિંમત બધામાં નથી હોતી, કારણકે રાષ્ટ્ર પર લાગેલો મેલ ધોવા માટે તો જીવનભર ખૂંપી જવું પડે છે. મને આશા છે કે એ હિંમત અને ધૈર્ય તમારામાં છે."
આ વાત યુવાન હૈયે સોંસરવી ઊતરી ગઈ. એ સ્વયંસેવકે તેમજ એની સાથે વસ્ત્રો ધોઈ રહેલા એના મિત્રોએ એ પળે જ સામાજિક અને સાંસારિક બધી પ્રવૃતિઓ છોડી દઈ સંઘના આજીવન સક્રિય સભ્ય બની જઈ પોતાની જાતને સેવાકાર્યમાં ખર્ચી નાખવાનો દ્રઢ નિર્ધાર કર્યો.
રાષ્ટ્ર પરનો મેલ ધોવાનો આદેશ આપનાર એ નેતા હતા પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાય.
સંઘને ચરણે જીવન ન્યોછાવર કરી દેનાર કાર્યકર્તા હતા જ્ઞાનેન્દ્ર, 'અજ્ઞાન'.