Saturday, November 18, 2017

પરમવીર ચક્રધારી મેજર સોમનાથ શર્મા

આ લેખ ઈન્ટરનેટ પર મૂકવાની પ્રેરણા મિત્ર શ્રી શૈલેશભાઈ પાંડેના પ્રોત્સાહનને આભારી છે. તેમની હરહમેંશની ઉક્તિ "बस इतना याद रहे, एक साथी और भी था" મન-મસ્તિષ્કમાં એવી તે આલેખાઈ ગઈ છે કે હવે તો કૈંક રાષ્ટ્રભક્તિને લાગતું એવું જે આપણી ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર ના ઉપલબ્ધ હોય એવું લખે જ છૂટકો...

શ્રી રવીન્દ્ર અંધારિયા લિખિત જનકલ્યાણ વર્ષ ૬૬, અંક ૧(એપ્રિલ ૨૦૧૬) માંથી સાભાર....


સૂરજે ડૂબતાં પહેલાં આકાશમાં કેસરનો છંટકાવ કરી દીધો હતો. મંદ મંદ પવન વહેતો હતો. મેજર શર્માએ આજની સાંજ મેજર તિવારીના નામ કરી દીધી હતી. મેજર કે. કે. તિવારી તેમના જીગરી દોસ્ત હતા. બંનેની પ્રથમ મુલાકાત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બર્મામાં રણમોરચે થયેલી. મેજર સોમનાથ હજુ તાજા તાજા જ લશ્કરમાં જોડાયા હતા. ૨૨ જાન્યુઆરી ૧૯૪૨માં તેઓ ૪ કુમાઉ રેજીમેન્ટમાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા.તેમના સૈનિક જીવનની શરૂઆત બીજા વિશ્વયુદ્ધથી થયેલી. માત્ર ૧૯ વર્ષની ઉંમરે (જન્મ કાંગડા, પંજાબ - ૩૧ જાન્યુઆરી ૧૯૨૩) તેઓ લશ્કરમાં જોડાયા. તેમના પિતા મેજર અમરનાથ શર્મા લશ્કરમાં ડોકટર હતા અને આર્મી મેડીકલ સર્વિસના ડાયરેક્ટર જનરલના પદેથી નિવૃત થયા હતા. બાળક સોમનાથ શાળા કક્ષાએ રમત-ગમત તથા સ્પર્ધાત્મક ખેલોમાં આગળ પડતાં વિદ્યાર્થી હતા. એટલું જ નહિ, મિલનસાર સ્વભાવને કારણે મિત્રવર્તુળમાં પણ લોકપ્રિય હતા. આજે તેઓ દિલ્હી સ્થિત મિત્ર મેજર તિવારીને ત્યાં હતા. પ્રારંભિક પરિચય તરત જ મિત્રતામાં પરિણમ્યો હતો. બંને વતનપરસ્ત હતા, નેક અને બહાદુર સૈનિક હતા, યુદ્ધ કુશળ સેનાપતિ હતા. મેજર તિવારી સાથેની આ દોસ્તી પારિવારિક સબંધમાં તબ્દીલ થઇ હતી. મેજર સોમનાથની નાની બહેન ડો. કમલાના લગ્ન મેજર તિવારી સાથે થયેલા. આજ બંને મિત્રો વાતે વળગ્યા હતા. સમય સર... સર.... સરી રહ્યો હતો. ઘડિયાળ ટક....ટક....કરી રહી હતી ત્યાં જ મેજર શર્માના નામે ઓર્ડર આવ્યો - તાત્કાલિક બડગામ (કસ્શ્મીરની ઉત્તર -પશ્ચિમી સરહદ પરનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યનું ગામ) મોરચે હાજર થાવ. ઓર્ડર મળતાં જ મેજર સોમનાથ શર્મા સટાક દઈને ઉભા થઇ ગયા..... વાતાવરણમાંથી જાણે પડઘો પડ્યો.

રજા ત્યારે દિલબર..... અમારી વાત થઇ પૂરી, અમારી વાત થઇ પૂરી.... ને જાણે રાત થઇ પૂરી....

મેજર તિવારી ઉભા થઈને મેજર શર્માનો જમણો હાથ પકડી બોલ્યા, 'આ સંજોગોમાં તારે.....ડાબા હાથમાં પ્લાસ્ટર છે (હોકી રમતાં રમતાં તેમનો ડાબો હાથ ભાંગી ગાયો હતો ને તે પ્લાસ્ટરમાં હતો.) એ કેમ ભૂલે છે. આ સ્થિતિમાં તું મોરચો કેવી રીતે સંભાળીશ?

મેજર શર્માને એજ ક્ષણે તેના મામા લેફ્ટનંટ કિશોરદત્ત વાસુદેવ ૪/૧૯ હૈદ્રાબાદી બટાલિયનનો પત્ર યાદ આવી ગાયો. - પૂજ્ય પિતાજી.... માતાજી, હું મારી જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યો છું. અહીં મૃત્યુનો અલબત્ત ડર લાગે છે, પરંતુ ભગવાન કૃષ્ણના વચન, 'આત્મા અમર છે' યાદ આવતા જ ડર જતો રહે છે. આ શરીર નાશ પામે તેનાથી શું ફરક પડવાનો છે? આવું લખીને હું આપને ભયભીત કરવા માંગતો નથી, બલકે આપને  વિશ્વાસ દેવા માંગું છું કે હું આ મોરચે મરીશ તો એક બહાદુર સિપાહીની જેમ મરીશ. મરતી વખતે મેં જાણ ગુમાવ્યો તેનું મને લગીરે દુઃખ નહિ હોય. પ્રભુ આપ સૌ પર તેમની અસીમ કૃપા વરસાવ્યા કરે...'
આ મામા તેમની બટાલિયનમાં મિકેનીકલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હતા. અને તેમના વિષે એવી નોંધ છે કે તેઓ મલાયામાં જાપાનીઓ વિરુદ્ધ લડતા હતા. અને ગુમ થયા છે અથવા સંભવતઃ શહીદ થઇ ગયા છે. તેમની પ્રેરણાથી જ તેમણે ફૌજી જિંદગી સ્વીકારી હતી. તેથી જ તે જુસ્સાથી બોલ્યા, " દોસ્ત તિવારીજી ! આ હાથની ફિકર નથી કે નથી ફિકર આ શરીરની..... ફિકર છે તો માદરેવતનની.... તેની આણ, બાન અને શાનની.... બુલાવા આયા હૈ બસ.... ભગવાનની મરજી હશે તો ફરી મળીશું....અલવિદા દોસ્ત.. આટલું બોલી તે ઘર તરફ જવા પાછા ફર્યા ત્યાં મેજર તિવારીએ તેમને અટકાવતાં કહ્યું, "દોસ્ત ! હું પણ એક ફૌજી છું, તારી દેશદાઝને નમન કરું છું. પણ જતાં જતાં મારી એક ઈચ્છાને માન આપીશ?"

'કેમ નહિ? જરૂર....... જરૂર......'  મેજર શર્મા એ હા ભણી.

 'તો દોસ્ત! આપણી દોસ્તીની એક યાદ રૂપે તને જે ગમે તે લઇ શકે છે.'  મેજર તિવારીએ લાગણીસભર આવાજમાં કહ્યું. આમેય ફૌજી જ સમજી શકે કે યુદ્ધનો મોરચો એટલે મોતનો પર્યાય. ત્યાં ગયેલા પરત આવે કે નાં પણ આવે....એ અંગે કશું કહી શકાય નહિ. એટલે આજ નો લ્હાવો લીજીએ રે....કાલ કોણે દીઠી. મેજર શર્માએ ઓરડામાં પડેલી ચીજ-વસ્તુઓ પર નજર ફેરવી.તેમણે જર્મન બનાવટની ઓટોમેટીક પિસ્તોલ ઉઠાવી. તિવારીજી ને ક્ષણ માટે તો ધ્રાસ્કો પડ્યો. તે તેમની બહુ ગમતી પિસ્તોલ હતી.તેમ છતાં તેમણે દોસ્તીની નિશાનીરૂપે પ્રેમપૂર્વક આપી દીધી. મેજર શર્માએ પણ જીવનપર્યંત જીગરી દોસ્તની આ નિશાનીને ગળે વળગાડી રાખેલ. આ વાતની સાક્ષી હતી બડગામના મોરચે શહાદતને વરેલા મેજર સોમનાથ શર્માનું શબ. મૃત્યુ પછી જયારે તેમનું શબ મળ્યું ત્યારે પણ એ પિસ્તોલનું ચામડાનું કવર તેમની છાતીએ વળગેલું હતું, પરંતુ તેમાંથી પિસ્તોલ ગાયબ થઇ ગઈ હતી. [સંભવતઃ પાકિસ્તાની પિશાચો લઇ ગયા હશે]

વાત એમ હતી કે અંગ્રેજોએ દેશ છોડતી વખતે ૩જી જૂને ૧૯૪૭ના દિવસે ભારત-પાકીસ્તાનના વિભાજનનો નિર્ણય જાહેર કર્યો. ત્યારે દેશમાં પાંચસોથી વધુ દેશી રજવાડા હતા. તે પૈકીના મોટા ભાગના એ ભારત સંઘમાં વિલીન થવાનું અને અમુકે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. એ સમયે કાશ્મીરે નેપાળ અને ભૂતાનની જેમ સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. પરંતુ પાકિસ્તાનનો ડોળો તો કાશ્મીર પર હતો જ. તે તેને હડપ કરવાની મુરાદ ધરાવતું હતું. તેથી પ્રથમ તેણે અનાજ, તેલ, ઇંધણ તથા મીઠાનો પુરવઠો બંધ કર્યો. પરિણામે કાશ્મીર રાજ્યની પરેશાની વધી ગઈ. તેથી પાકિસ્તાન સાથેના તેના સબંધો વણસ્યા. એ દરમ્યાન પાકિસ્તાને ઉત્તર પશ્ચિમી સરહદો પરથી ક્બીલીઓને સૈન્યની તાલીમ આપી, ભૂતપૂર્વ સૈનિકોની ભરતી કરી અને વર્તમાન સેનાના માર્ગદર્શન તેમ જ નેતૃત્વમાં ૨૦ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ કાશ્મીર ઉપર ચારે તરફથી હુમલા શરૂ કર્યા. કબીલીઓ 'લૂંટો અને બળાત્કાર કરો' ની અસુર વૃતિથી પ્રેરાઈને શ્રીનગર પર હુમલો કરવા સડક માર્ગે આગળ વધ્યા. તેઓ પૂરતી તૈયારી સાથે અને યુદ્ધ સામગ્રી [દારૂગોળો, હથિયારો વગેરે ] લઈને  સજ્જ થઈને આવેલા. કાશ્મીરી સૈન્ય મુકાબલો ના કરી શક્યું. ડોમલ અને મુજ્જ્ફરબાદનું પતન થતાં રાજા હરિસિંહ ધ્રુજી ગયા. તેમણે ભારત પાસે મદદની માંગણી કરી તો સરદાર પટેલના શબ્દોમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, " તમે જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ અંગે સ્પષ્ટ નિર્ણય જણાવો એ પછી જ મદદ વિશે વિચારાય." આવા સંજોગોમાં મહારાજ હરીસિંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારતમાં જોડાવા અંગે દિલ્હી જાણ કરી અને દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને હવાઈ માર્ગે તરત જ  કાશ્મીર સરહદે ભારતીય લશ્કર મોકલવાનો નિર્ણય થયો.૨૭મી ઓક્ટોબરે સવારે ૯:૩૦ કલાકે શ્રીનગર વિમાનમથકે ભારતીય લશ્કરની પહેલી ટુકડી ઉતરી ને લડાઈ શરૂ થઇ.


૩જી નવેમ્બરે કુમાઉ રેજીમેન્ટની ચોથી બટાલિયનના લગભગ સો સૈનિકોને લઈને મેજર શર્મા બડગામ પહોચ્યા. બડગામની દક્ષિણે એક ઊંચા ટેકરા પર તેમણે પાક્કી ચોકી બનાવી દીધી. આ મોરચો વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યનો હતો. ત્યાંથી શ્રીનગર માત્ર ૮ કિલોમીટર દૂર હતું. તેની નજીક જ વાયુસેનાનું મથક હતું. એટલે જો બડગામ પર દુશ્મનનો કબજો થઇ જાય તો વિમાનમથક અને શ્રીનગર ગુમાવવાનું જોખમ વધી જાય એ સ્વાભાવિક હતું. તેથી બડ્ગામનો મોરચો જાળવી રાખી દુશ્મનને અટકાવવો અતિ-આવશ્યક હતું. તેથી જ મેજર સોમનાથને આ મોરચો સોંપવામાં આવ્યો હતો. મેજર શર્મા એક બહાદુર અને અનુભવી સેનાપતિ તરીકે ખ્યાત થઇ ગયેલા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેમને ૧૯ વર્ષની વયે જાપાનીઓ સામે લડવા માટે અરાકાન અને બર્માના મોરચે મોકલવામાં આવેલા. ત્યાં તેમણે ભીષણ લડાઈ લડેલી અને તે દરમ્યાન એક ઘાયલ સૈનિકને પોતાના ખભે નાખીને ગોળીઓની રમઝટ વચ્ચેથી હેમખેમ બહાર નીકળીને સૈનિકને બચાવી લીધો હતો. આ સાહસ અને બહાદુરી માટે તેમનું નામ 'મેન્શન એન્ડ ડીસ્પેચીઝ'માં નોંધવામાં આવેલું. મેજર સોમનાથ શર્માને બડગામનો મોરચો સંભાળ્યો ત્યારે તે ક્ષેત્રમાં દુશ્મનોની કોઈ હરકત-હાજરીના સંકેતો જોવા ના મળ્યા. હાં... કેટલાક સ્થાનિક કબાઈલીઓ ખાઈમાં લપાતા-છુપાતા હોય એવું તેમને લાગ્યું. પણ સ્થાનિક રહેવાસીઓ જાણે પોતાની સલામતી માટે ખાઈમાં ભરાતા હશે તેવું તેમણે માન્યું. તેમેણે પોતાના ઉપરી અધિકારી બ્રિગેડીયર એલ. પી. સેનને સબસલામતનો રીપોર્ટ કર્યો.

બરાબર એજ સમયે નાગરિક વેશમાં છુપાયેલા કબાઈલીઓ તથા પાકિસ્તાની સૈનિકોએ બડગામ છાવણી પર જોરદાર હુમલો કર્યો. કબાઈલીઓ, ભૂતપૂર્વ સૈનિકો તેમજ સેવારત સૈનિકોના લીધે પાકિસ્તાન પાસે સંખ્યા-બળ ઘણું વધારે હતું. આવા અચાનક જોરદાર હુમલાથી સૈનિકો ક્ષણભર માટે તો ડઘાઈ ગયા. શરૂઆતમાં આપણા ઘણાં સૈનિકો ટપા-ટપ મરવા લાગ્યા. સો સૈનિકોએ સાતસો સામે બાથ ભીડી હતી. મેજર શર્માએ ખુલ્લા મેદાનમાં મૃત્યુની ચિંતા-ફિકર છોડી આમ-તેમ દોડી-દોડીને બંકરોમાં ગોઠવાયેલા પોતાના સૈનિકોને હિંમત આપી અને ઈંટનો જવાબ પથ્થરથી દેવા આદેશ આપ્યો. ગોળીઓની રમઝટ બોલાઈ ગઈ, મોતની હોળી ખેલાણી, પરંતુ દુશ્મનની સંખ્યા વધુ હોવાથી આપણી ખુવારી વધતી જતી હતી. મેજર શર્માએ હેડક્વાટરને છેલ્લો સંદેશો મોકલ્યો. 'દુશ્મન અમારાથી માત્ર ૨૫ મીટર દૂર છે અને અમારી ઉપર બોમ-ગોળા અને ગોળીઓનો વરસાદ વરસી રહ્યો છે.' એટલે બ્રિગેડીયર સેનનો તરત જ સંદેશ મળ્યો કે પીછેહઠ કરો. પરતું મેજર શર્મા સુપેરે જાણતા હતા કે પીછેહઠનો અર્થ છે શ્રીનગર અને વિમાનમથક જતું કરવું. આવી હાર તેમને કે તેમના સાથીઓને મંજૂર ન હતી. તેથી તેમણે અંતિમ શ્વાસ સુધી લડી લેવાનો નિર્ણય કર્યો. અને સૌ કેસરિયા થઈને લડવા લાગ્યાં. ધમાસાણ યુદ્ધ ચાલ્યું. મેજર એક તૂટેલા હાથે પણ દોડાદોડી કરીને પોતાના સૈનિકોને માર્ગદર્શન આપતાં રહ્યા. કોઈ સૈનિક શહીદ થાય તો ક્યારેક પોતે લાઈટ મશીનગન સંભાળે તો ક્યારેક સૈનિકની બંદૂક માટે નવા મેગેઝીન લઈ આપે. એક હાથ તો પ્લાસ્ટરના લીધે નકામા જેવો હતો, તો પણ પ્લાસ્ટરની પરવાહ અને પીડાને ગણકાર્યા વગર તે દારૂગોળો ભરતા રહ્યા.... ભરતા રહ્યા.... એવામાં એક મોર્ટાર બોમ્બ બિલકુલ તેમની નજીક આવીને પડ્યો....ફૂટ્યો અને મેજરના શરીરના ફૂરચેફૂરચા ઊડી ગયા. છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના સૈનિકોનો જુસ્સો અને મનોબળ વધારવાનું ચાલું રાખેલું તેથી તેમના સૈનિકો બમણાં જોશથી લડવા લાગ્યા. ગેઝેટમાં નોંધ છે કે યુધ્ધને અંતે બડગામ છાવણી પર પહોંચેલા અધિઅરિઓએ દુશ્મનની લાશોના ઢગલે-ઢગલા જોયેલા.


માત્ર પચીસ વર્ષની યુવાવયે અવિવાહિત મેજર શર્માએ શહાદત વહોરી લીધી. મરીને પણતેમણે કાશ્મીર અને ભારત માટે અત્યંત મહત્વનું શ્રીનગર અને વાયુસેના મથક બચાવી લીધા. બીજી પલટન ના આવી ત્યાં સુધી દુશ્મનોને રોકી રાખ્યા. તેમના દાંત ખાટા કરી નાખ્યા, માં ભારતીના લાલની અપ્રતિમ શક્તિનો જે પરચો વીર શિવાજી મહારાજે મુઘલોને આપ્યો હતો તેજ તેમણે પણ પાકિસ્તાનીઓને આપ્યો. મેજર શર્માનું સાહસ અને બહાદુરી ભારતીય સૈન્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. તેમની આ શહાદતને બિરદાવવા તેમને 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત કરવામાં આવ્યો હતો. એ સમયે સૈન્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અંગ્રેજ સરકાર આ ક્રોસ આપતી હતી. કારણકે દેશ હજી તો સ્વતંત્ર થયો જ હતો, સન્માનચક્રની પરંપરા હજી શરૂ થઇ નહોતી. ઈ.સ. ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીથી વીર-મહાવીર સૈનિકોને તેમની સેવા બદલ ભારતીય સન્માન ચક્રોની પરંપરા શરૂ થઇ. પરમવીર ચક્ર સાર્વભૌમ ભારત દેશનું સર્વોચ્ચ પદક છે અને તે સૌપ્રથમ મેજર સોમનાથ શર્માને એનાયત કરવામાં આવેલો.

ગેઝેટ ઓફ ઇન્ડિયા નોટીફીકેશન # ૨ પ્રેસ -૫૦માં છપાયેલ તેમને અપાયેલ અંજલિ અત્રે પ્રસ્તુત છે.

सोमनाथ शर्मा की बहादुरी ओर रक्षा योजनाने उनके सिपाहियों को इतना होंसला दिया की अपने नायक के शहीद हो जाने के बावजूद वे सब छः घंटो तक डटें रहे और दुश्मनों का सामना करते रहे | सोमनाथने युध्ध्भूमिमें हिम्मत और बहादुरी की वह मिसाल कायम की है जो प्रायः भारतीय सेना के इतिहास में दुर्लभ है | सोमनाथने प्राण त्यजने के बस कुछ पल पहले ही ये ललकार की थी :

दुश्मन हम से केवल पचास गज की दूरी पर है, हमारी गिनती बहुत कम रह गई है | पर हम एक इंच भी पीछे नहीं हटेंगे और आखिरी गोली और आखिरी सैनिक तक डटें रहेंगे |

૧૯૯૦ના દૂર-દર્શનના કાર્યક્રમોના જમાનામાં પિતાજીએ આખા કુટુંબને સાથે બેસાડીને ચેતન આનંદ નિર્મિત પરમવીર ચક્ર શ્રેણીમાં શહીદ મેજર સોમનાથ શર્માનો પહેલો એપિસોડ દેખાડ્યો હતો તે આજે પણ યાદ છે. આ શ્રેણી હવે ફરી જોઈએ તો આંખના ખૂણાં ભીના થાય છે. સદનસીબે ઈન્ટરનેટના યુગમાં આ એપિસોડ યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે જે આવતી પેઢીને દેખાડી  શકાય.


હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...