Saturday, April 23, 2016

એક ટ્રેન-સફર અને બે મુસાફરો.....

૨૪ વર્ષ પહેલાની વાત છે. ૧૯૯૦નો ઉનાળો હતો. ભારતીય રેલ સેવાના અસ્થાયી કર્મચારી એવી હું  અને  મારી મિત્ર લખનૌથી દિલ્લી જઈ રહ્યા હતા. અમારી જ બોગીમાં  બે સંસદ  સભ્યો પણ મુસાફરી કરી રહ્યા હતા. એ ઠીક હતું પણ તેમની સાથેના ૧૨ માણસો જે વગર ટિકિટે બેઠા હતા તેમનું  વર્તન ડરામણું હતું.  તેઓએ બળજબરીથી અમારી બર્થ  ખાલી કરાવી અને અમને  અમારા સામાન પર બેસવા ફરજ પાડી. તે ઉપરાંત તેમણે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણીઓ કરી. અમે ગભરામણથી કોકડું વાળીને સમસમીને બેસી રહ્યા. અસામાજીક તત્વોની સોબતમાં અ બહુ જ ભયાનક રાત હતી. ક્યારે રાત પસાર થઈ જાય અને નવો સૂરજ ઉગે એની અમે અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાકીના મુસાફરો અને ટી.સી. તો ક્યાંય છૂ થઇ ગયા હતા.

બીજે દિવસે સવારે અમે દિલ્લી પહોચ્યાં. અમે શારીરિક રીતે સ્વસ્થ હતા પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મારી મિત્ર તો એટલી હતપ્રભ થઇ ચૂકી હતી કે તેણે આગળની તાલીમ માટે અમદાવાદ જવાનું માંડી વાળ્યું. મેં બીજી એક સખીનો સંગાથ હોવાથી તાલીમ ચાલુ રાખી. (તેનું નામ ઉત્પલ્પર્ણ હઝારિકા છે, જે રેલ બોર્ડમાં ખૂબ ઉંચા હોદ્દા પર છે)  અમે ગુજરાતની રાજધાની માટે રાતની ટ્રેનમાં ચઢ્યા. ઉતાવળે નક્કી થયું હોવાથી પાકી ટીકીટ મળી નહિ અને વેઈટ-લીસ્ટમાં નામ હતા.

અમે પ્રથમ-શ્રેણીની બોગીના ટી.સી.ને મળીને અમદાવાદ સુધી કેમ સફર કરવી એના અંગે વાત કરી. ટ્રેન ખચોખચ ભરેલી હતી અને સીટ મળવી મુશ્કેલ હતું. તે અમને વિવેકથી એક બીજી બોગીમાં લઇ ગયો. મેં સહ-યાત્રીઓ તરફ નજર કરી. ખાદી-વેશભૂષા પરથી બે નેતા જેવા લાગતા વ્યક્તિઓને જોઈને હું ચિંતાતુર થઇ ગઈ. "તેઓ સારા માણસો છે, નિયમિત મુસાફરો છે, ચિંતા કરશો નહિ" - ટી.સી. એ અમને ભરોસો આપ્યો.
 એક ભાઈ ચાલીસની આસપાસના હશે, હાવ-ભાવ પરથી આત્મીયતા વાળા અને મળતાવડા લાગતાં હતા. બીજા ભાઈ, ત્રીસની આસપાસના અને ગંભીર પ્રકૃતિના લાગ્યા. તેઓએ તરત જ ખૂણામાં સંકેલાઈને અમારા માટે જગ્યા કરી.

ગુજરાત ભાજપના નેતા તરીકે તેઓએ પોતાનો પરિચય આપ્યો. તેમણે નામ જણાવ્યા પણ ત્યારે નામ અમારા માટે ખાસ જરૂરી ના હોવાથી યાદ રાખવા કઈ ઝાઝો પ્રયત્ન કર્યો ન હતો. અમે પણ આસામથી આવેલ રેલના તાલીમ કર્મચારી તરીકે અમારી ઓળખાણ આપી. અમે વાતે વળગ્યાં અને જુદા-જુદા વિષયો પર વાર્તાલાપ થયો, ખાસ કરીને ઇતિહાસ અને રાજકારણ અંગે. મારી મિત્રે દિલ્હી યુનીવર્સીટીમાંથી ઇતિહાસમાં અનુ-સ્નાતક હોવાથી તેણે રસપૂર્વક ભાગ લીધો. મેં પણ કંઇક અંશે યોગદાન આપ્યું. વાત વાતમાં હિંદુ- મહાસભા અને મુસ્લિમ લીગના જન્મ/સ્થાપના અંગે વાત ચાલી.

પેલા મોટા-ભાઈ બહુ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી રહ્યા હતા. નાના ભાઈ શાંત હતા, ખાસ બોલી નતા રહ્યા પણ તેઓ પણ આ વાતચીતમાં પૂરેપૂરા ઓતપ્રોત હતા તેવું તેમના હાવભાવ પરથી સ્પષ્ટ  હતું. પછી મેં શ્યામા-પ્રસાદ મુખર્જીના અકાળ અવસાન અને તેના વણ-ઉક્લાયેલા રહસ્યની વાત કરી. ત્યારે તે નાના ભાઈએ તરત પૂછ્યું,  "તમને શ્યામા-પ્રસાદ મુખર્જી અંગે કેવી રીતે ખબર?"  મેં જણાવ્યું કે જયારે મારા પિતા કલકત્તા-યુનિવર્સીટીમાં અનુ-સ્નાતક તરીકે શિક્ષણ લઇ રહ્યા હતા ત્યારે વાઈસ-ચાન્સેલર તરીકે મુખર્જીએ આસામના વિદ્યાર્થીઓ માટે શિષ્ય-વૃતિની વ્યવસ્થા કરી આપી હતી. મારા પિતા ઘણી વાર તેમના અકાળ
અવસાન અંગે ખેદ વ્યકત કરે છે. [૫૧ વર્ષની વયે જૂન- ૧૯૫૩માં]

તે નાના ભાઈ તરત જ  ધીમા અવાજે બોલ્યા, "સારું કહેવાય આમને  આટલી બધી જાણકારી છે."
ત્યારબાદ મોટા ભાઈએ તરત જ અમારી સમક્ષ તેમના રાજનૈતિક દળમાં ગુજરાતમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે હસ્યાં ને કહ્યું કે અમે ગુજરાતના નથી.નાના ભાઈએ તરત ભારપૂર્વક કહ્યું, " તો શું થયું? અમને એની સામે કોઈ વાંધો નથી. પ્રતિભાવાન લોકો અમારે ત્યાં આવકાર્ય છે!" મેં એમની આંખમાં આશાનો ચમકારો જોયો હતો.

ભાણું આવ્યું. ચાર શાકાહારી થાળીઓ. બધાં શાંતિથી જોડે જમ્યા. જયારે પેન્ટ્રી અધિકારી પૈસા લેવા આવ્યા ત્યારે નાના ભાઈએ અમારા બધાના પૈસા ચૂકવી દીધા. મેં નમ્ર ભાવે આભાર પ્રગટ કર્યો પણ તેમણે એક નાની વાત હોય એમ ખાસ નોંધ ના લેવા વિવેક કર્યો. તે ભાઈ ખૂબ ઓછું  બોલતા હતા, મોટે ભાગે સાંભળતા હતા.

એટલામાં ટી.સી. આવ્યા અને એમણે ખેદ વ્યકત કર્યો કે સીટની વ્યવસ્થા થઇ શકી નથી. બંને ભાઈઓ તરત જ ઉભા થઈને  બોલ્યા, "કશો  વાંધો નહિ, અમે ચલાવી  લઈશું."  તેઓએ તરત જ ભોંય પર કપડું પાથર્યું અને સૂઈ ગયા અને અમે બંને એ બર્થ પર લંબાવ્યું.

કેવો વિરોધાભાસ! હજી આગલી જ રાતે મેં બે રાજનેતાઓ જોડે ટ્રેનમાં ગૂંગળામણ અનુભવી  હતી. અને આજે અમે બે રાજનેતાઓ જોડે શાંત ચિત્તે સફર કરી રહ્યા હતા...

બીજે દિવસે સવારે જયારે ટ્રેન અમદાવાદ નજીક પહોંચી ત્યારે બંને નેતાઓએ અમને શહેરમાં રહેવાની વ્યવસ્થા અંગે પૂછ્યું. મોટા ભાઈએ જણાવ્યું કે કઈ પણ તકલીફ હોય તો તેમના ઘરના દરવાજા હમેંશા માટે ખુલ્લા છે. નાના ભાઈએ પણ કીધું કે "મારી પાસે આમંત્રણ આપવા માટે કોઈ સ્થાયી ઘર નથી પણ તમે એમના [મોટા ભાઈના] ઘરે સલામત વાતાવરણમાં રહી શકશો."

અમે તેમને ખાતરી આપી કે અમારા ઉતારાની સગવડ થઇ ચૂકી છે અને કોઈ અગવડ નહિ પડે.

ટ્રેન ઉભી રહી તે પહેલાં મેં મારી નોંધપોથી કાઢી અને તેમના નામ ફરીથી પૂછ્યા. મારે બે એવા મોટા-મનના અને ભલા નેતા કે જેમણે "નેતાઓં" પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલવા વિવશ કર્યા તેમને યાદ રાખવા હતા. ટ્રેન થમી એ પહેલાં મેં નામો નોંધી લીધા. તેઓ હતા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર દામોદરદાસ મોદી.

જયારે પણ હું તેમને ટી.વી પર જોઉં છું ત્યારે તેમના તે દિવસના હૂંફાળા આવકાર, સહ-ભોજન, વિવેક અને સાર-સંભાળ માટે મનોમન વંદન કરું છું.

(લેખક લીના શર્મા રેલ્વે-ઇન્ફોર્મશન બોર્ડમાં દિલ્હીમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છે.)
lotpot.com  પર મૂકાયેલા લેખનું ભાષાંતર....

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...