27 જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુદાસપુર પંજાબમાં ૩ આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો તે યાદ છે? (ના હોય તો વાંધો નહિ હો, આ તો સદીઓ પૂરાણી આપણી રાષ્ટ્રીય નબળાઈ છે.) ૨-GPS, ૩-AK47, ૧૦-મેગેઝીન અને ૨ ચીની બનાવટના ગ્રેનેડ... ઓહોહોહો! આપણને હાનિ પહોંચાડવા પૂરતી તૈયારી કરીને અને સામગ્રી લઈને આવ્યા હતા... હવે જરા આપણા સુરક્ષા-કર્મીઓને (જે લડતાં લડતાં શહીદ થઇ ગયા તેમના) જો TV પર "લાઈવ" જોયા હોય તો યાદ કરો....લો થોડું યાદ કરાવું...
ભારતીય લશ્કરની સ્થિતિ તો સૌથી વધુ દયનીય છે. રોજે સીમા પર પાકિસ્તાનીઓ સાથે ગોળીબારની આપ-લે કરતાં, કાશ્મીર અને ઇશાનના રાજ્યોમાં ખૂંખાર ત્રાસવાદીઓ જોડે લડતાં લાખો સૈનિકોના જીવ જોખમમાં છે. રક્ષા મંત્રાલયના આકંડાઓ પ્રમાણે છેલ્લાં ૩ વર્ષમાં પાકિસ્તાન સાથે થયેલા ૩૫૭ ગોળીબારોમાં ૧૭ સૈનિકો શહીદ થયા છે. હાલમાં સૈન્યને ઉપલબ્ધ હેલ્મેટોની ગુણવત્તા શું છે જાણો છો? તે મોટર-સાઇકલ ચલાવતા પહેરવાની હેલ્મેટો છે, ૯-મિલીમીટરની ગોળીઓ ઝીલવાની ક્ષમતા તો બીજના ચન્દ્ર જેટલી દૂરની વાત છે.
આ સાધન સરંજામ ખરીદવા કઈ અઘરી વાત નથી.. લડાયક વિમાનો કે બોફોર્સ-ગન કે સબમરીન જેવી ઉચ્ચ તકનીકી અને મોંઘી શસ્ત્ર-સામગ્રીની ખરીદીમાં ટેકનોલોજી આપ-લે, કિંમત, વેચનાર દેશ જોડેના આપણા સબંધો વગેરે ઘણા મુદ્દા સંકળાયેલા હોય છે અને તેથી કરીને અમુક અંશે તેમાં વિલંબ થાય તે સમજાય છે. પણ હેલ્મેટો અને કવચો? યાર, જર્મન લશ્કરને આ વસ્તુઓ આપણા દેશની ખાનગી કંપનીઓ પૂરા પાડે છે.....
તે છતાં આપણા ૧૨ લાખ સૈનિક-સજ્જ લશ્કર માટે માત્ર ૨ ઓર્ડરો હાલમાં અમલમાં છે. પહેલો ૧,૮૬,૧૩૮ પીસનો ઓર્ડર અને બીજો ૫૦,૦૦૦ પીસનો "ચકાસણી કમિટી" દ્વારા ચકાસણી માટે.
MKU - કાનપુર સ્થિત મધ્યમ કદની ખાનગી કંપની કે જે યુરોપના સંયુક્ત લશ્કર નાટોને (NATO- North Atlantic Treaty Organisation (NATO) militaries) કવચો પૂરા પાડે છે તે દર મહીને ૫૦૦૦ કવચ અને ૨૫,૦૦૦ હેલ્મેટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ દુનિયાની વિશાળ અને અદ્યતન કંપનીઓમાંની એક છે. તેની પાસે એક્વેડોર, ઈજીપ્ત, શ્રી લંકા અને જર્મની ઉપરાંત ઘણા વિદેશી ગ્રાહકો છે.પણ MKU અને તેના હરીફ TAS(Tata Advanced Systems) કે SM Pulpને થળસેનાના નોર્ધન કમાંડના(Northern Command) નાના સ્થાનિક ઓર્ડરથી વિશેષ કઈ હાથ લાગ્યું નથી.
નાની પેઢી હોવા છતાં MKU વાર્ષિક ૬-૮ ટકા જેટલી આવક સંશોધન અને વિકાસમાં વાપરે છે જે તેમને હરીફોથી એક પગલું આગળ રાખે છે. આપણા દેશમાં હકીકતમાં ગોળીબાર કરીને કવચ ચકાસવા ઉપર કાયદાકીય અવરોધ હોવાથી તેઓએ હાલમાં જ જર્મનીમાં હેમ્બર્ગ નજીક એક કંપની હસ્તગત કરી છે. ત્યાં તેઓ પોતાના માલની ગુણવત્તાની ચકાસણી કરે છે. આ સંશોધનો અને ગુણવત્તા માટેનો આગ્રહ તેમના માટે રંગ લાવ્યો. ૨૦૧૪માં રક્ષા મંત્રાલયે કરેલ ચકાસણીમાં માત્ર તેમની હેલ્મેટો જ નિયમિત માપદંડો પર ખરી ઉતરી. લગભગ ૩૦૦ કરોડનો ૧,૫૮,૦૦૦ હેલ્મેટોનું ટેન્ડર માત્ર તેઓ જ ભરી શકશે.
સારી વાત છે, ના મામા કરતાં કાણો મામો સારો. દિલાસો લેવા માટે ઠીક છે પણ આ જરાય પૂરતું નથી. માહિતી તો હજી ઘણીયે છે પણ હાલ આટલું ઘણું છે. આ વાંચ્યા પછી મારી જેમ દેશના જાંબાઝ સૈનિકો માટે (કે જેમને ત્યાગ અને બલિદાનના ભોગે આપણે અમદાવાદ/મુંબઈ/દિલ્હી જેવા 'વર્લ્ડ-ક્લાસ' શહેરોમાં હરીએ-ફરીએ અને જલસા કરીએ છે) મન કકળતું હોય તો માત્ર એટલું કરજો કે ઈ-મેઈલ, ટ્વીટર, ફેસબુક કે ફેક્સ, કોઈપણ માધ્યમ દ્વારા આ વાત રક્ષા સચિવ, રક્ષા મંત્રી, PMO, પ્રધાન-મંત્રી કોઈકના સુધી વાત પહોંચાડશો... નહિ તો ફરી ભવિષ્યના ગુરુદાસપુર પરના હુમલામાં ફરી દેશના અદના સેવકો શહીદ થશે.... અને જેમ આજે હું અને તમે જીવ બાળીએ છે તેમ આપણા છોકરાં જીવ બાળતાં હશે....
જય હિન્દ.
--દેશદાઝ.