Wednesday, January 9, 2013

ભવ્ય ગુજરાત......ભવ્ય ભારત

હું ઘણાં વખતથી અંગ્રેજી ત્યજીને ગુજરાતીમાં બ્લોગ લખવાનું વિચારતો હતો પણ કોઈ સારો વિષય ધ્યાનમાં આવતો ન હતો. આજે "Train without engine" વાળી જાહેરાત જોતાં જોતાં આ "Citizen Journalism" પર નજર પડી અને જાણ્યું કે આમાં તો આપણે, સામાન્ય જન પણ યોગદાન આપી શકીએ. તદુપરાંત "CJ"ના બધા લેખો ઉપર નજર નાંખીને નોધ્યું કે આજ દિન સુધી કોઈએ ગુજરાતીમાં લેખ લખ્યો નથી. આ તો મજાની વાત થઇ! આપણા લોકલાડીલા મોદી સાહેબની વેબસાઈટ ઉપર ગુજરાતીમાં લેખ પ્રસ્તુત કરવાનો મોકો મળે એનાથી રૂડું શું!?


હું છેલ્લા ૮ વર્ષથી વિદેશ સ્થિત છું અને બીજા લાખો વિદેશમાં વસેલા ભારતીયોની જેમ જ આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણપણે આશાવાદી છું. મારે આજે અહીં આપની જોડે આ "વાદ" સાથેની અંગત સફર વિષે વાત કરવી છે. મેં જયારે ગુજરાતમાં ૨૦૦૦થી ૨૦૦૪ સુધીમાં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો તે દરમ્યાન શ્રી વાજપેયીજીની કેન્દ્ર સરકાર હતી. ૨૦૦૪માં જયારે લોકસભાની ચૂંટણીઓ થઇ ત્યારે "India Shining"ની જાહેરાતો ચારે બાજુ ફેલાયેલી જોવા મળતી હતી. એ જાહેરાતોએ કદાચ ૬૦ વર્ષના આપણા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર આપણા દેશમાં પણ એક મહા-સત્તા બનવાનું સામર્થ્ય,દૃઢતા અને શક્તિ છે એવો "આશાવાદ" ઉભો કર્યો હતો. એ પહેલી એવી સકારાત્મક જાહેરાતો હતી જેણે લોકોમાં વિશ્વાસ પૂર્યો. (હું એ જાહેરાતો આજે પણ મોકો મળે youtube પર ફરી ફરીને જોઉં છું.) મેં જૂન-૨૦૦૪માં કોલેજનું શિક્ષણ પૂરું કર્યું અને બરાબર એજ વખતે અણધાર્યું લોકસભાનું પરિણામ આવ્યું.ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો. મિત્ર-વર્તુળ અને ઘરના બધાનું એવું સૂચન હતું કે હજુ આગળ ભણવા વિદેશ જવું. પણ મારા મનમાં લોકસભાના પરિણામ જાહેર થયા પહેલાં સુધી એવી ગણતરી હતી કે વાજપેયીજીની સરકાર ફરી આવશે અને હું એક વિકસતા ભારતમાં રહીને, એક ઇજનેર તરીકે દેશના વિકાસમાં યથા-યોગ્ય ફાળો આપીશ.(નાનો પણ રાઈનો દાણો!) પણ ચૂંટણીના પરિણામોના પ્રતાપે હતાશા/નિરાશાવાદે પેલા "આશાવાદ"નું સ્થાન લઇ લીધું. મન ખાટું થઇ ગયું. અચાનક જ હવે આ દેશમાં હવે આપણું કોઈ "future" નથી એવો વિચાર ઘર કરી ગયો. પૂછો કેમ?  કારણકે આ સાલા ચોર અને દેશ-દ્રોહી એવા કોન્ગ્રેસીયાઓ પાછા સત્તામાં આવી ગયા??? અકળામણ સાથે મનમાં ગુસ્સો હતો દેશવાસીઓ માટે, કે કેમ કોન્ગ્રેસીયાઓને વોટ આપતા હશે? નક્કી કરી લીધું કે આપણા દેશવાસીઓ જેઓ આવા ભ્રષ્ટ ગાંધી પરિવારને વોટ આપે છે તે તેમના રાજમાં હેરાન થવાને જ લાયક છે અને હું દેશમાં રહીને કામ કરવાના વિચારને તિલાંજલિ આપીને આગળ ભણવા અમેરિકા આવી ગયો.

પણ સદનસીબે મારો એ આશાવાદ ૨૦૦૪માં સંપૂર્ણપણે મરી પરવાર્યો ના હતો, જાણો છો કેમ? કારણકે કેન્દ્રમાં નહિ તો વાંધો નહિ પણ હજી આપણા રાજ્યમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ એક એવી સરકાર હતી જે આપણા સપના સાકાર કરશે. ૨૦૨૦ સુધીમાં વિકસિત ભારતના માનનીય ડો. અબ્દુલ કલામ સાહેબે આપેલા સપનાને હકીકતમાં ફેરવશે. અને એમણે ખરેખર એવું કર્યું પણ ખરું. હું જયારે જયારે મોદી સાહેબે મૂકેલી વિવિધ યોજનાઓ અને એના પરિણામ જોઉં છું ત્યારે છાતી ગજગજ ફૂલે છે. એમાં પણ અમૂક યોજનાઓ મને ખૂબ જ ગમી છે અને તેનો અહીં ઉલ્લેખ કરવા માંગું છું.

૧) કૃષિ મહોત્સવ અંતર્ગત આપણા પશુ-ધન માટે "હેલ્થ-કાર્ડ" સ્કીમ.... જે દેશમાં ૭૦% લોકોને મૂળભૂત આરોગ્યની સેવાઓ ના મળતી હોય અને જેની કેન્દ્ર સરકાર ૮૫ કરોડ હિન્દુઓની લાગણીને ઠોકર મારીને ગૌ-માંસના ઉત્પાદન એકમોને પ્રોત્સાહન આપતી હોય ત્યાં આવો ઉમદા વિચાર તો માત્ર એક લાગણીશીલ અને  સર્વોત્તમ નેતાને જ આવી શકે.

૨) જમીન આરોગ્‍ય પત્રક - આપણું આરોગ્ય આપણે શું ખાઈએ-પીએ છે એની સાથે સંકળાયેલું છે અને આપણા અન્નની ગુણવત્તા આપણી જમીનના આરોગ્ય સાથે જોડાયેલી છે. આ કોઈ નવી વાત નથી પણ આ વાતને ગંભીરતાથી લઈને દેશની ધરાને હૃષ્ટ-પુષ્ટ બનવાનો સુવિચાર(અને આચાર) માત્ર એક સાચો ભારતમાતાનો ધરતીપુત્ર જ કરી શકે.

 ૩) The Chief Minister's Fellowship Program - પૂરી તપાસ કર્યા પછી કહું છું કે આના જેવો શીખવા અને દેશ માટે કંઇક કરી છૂટવાનો મોકો બીજા કોઈ રાજ્યની સરકાર કે કેન્દ્ર સરકાર પૂરો પાડતી નથી. મારા જેવા ઘણાં હશે કે જેમને દેશ માટે કંઇક કરવું છે પણ શરૂઆત ક્યાંથી કરવી સૂઝ પડતી ના હોય...મોદી સાહેબે એ મૂંઝવણ પણ દૂર કરી દીધી...

લખવા માટે તો ઘણું છે પણ બાકીનું ફરી ક્યારેક. મારે જતા જતા એટલું જ કહેવું છે મોદી સાહેબના અથાગ પ્રયાસોથી મારો અને બીજા કરોડો દેશ-વાસીઓનો  'આશાવાદ' જીવંત છે. ઊંચા અવાજે ગર્વથી આપણા ગુજરાત બહાર રહેતા બાકીના બિન-ગુજરાતી ભારતીય મિત્રો/સગાં-વહાલાંને કહો કે ભવ્ય ભારતની શરૂઆત ભવ્ય ગુજરાતથી થઇ ચૂકી છે. અમારી સાથે જોડાઓ અને દેશને પ્રગતિના શિખર પર લઇ જાઓ.(અને કોક દોઢ-ડાહ્યા પેલા "secular"/"liberal"/"progressive" ના ઉપનામ હેઠળ જીવતા ચક્રમો વાદ-વિવાદ કરે તો આ યોજનાઓ અને એના પરિણામોની હકીકતના તમાચા એમના મોં પર ચોપડી દેજો. બધું જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.)

અંતમાં  એટલું જ કહીશ કે મોદી સાહેબને ૨૦૧૨ના ભવ્ય વિજયની ખૂબ શુભેચ્છાઓ. આપ દિલ્હી પહોંચો અને માત્ર ગુજરાત જ નહિ, આપણા દેશનું નેતૃત્વ કરો એટલી જ પ્રભુને પ્રાર્થના....

તા.ક. : મારું નસીબ કે જયારે છેલ્લે ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે હું મહિનો ઘેર રજાઓ ગાળવા આવ્યો હતો અને વટથી મોદી સાહેબને વોટ આપવા ગયો હતો. (હા, એક મતની તાકાતને ઓછી આંકનારમાં મારી ગણતરી થતી નથી....)


જય હિન્દ.
લિ.
દેશદાઝ.
deshdaaz.blogspot.com

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...