Monday, December 3, 2012

નફિકરાં સાહેબ

 મૂળ  લેખક : શ્રી અજય શુક્લા
ભાષાનુવાદ : દેશ-દાઝ(deshdaaz.blogspot.com)

શુક્લા સાહેબ દેશના સર્વ-શ્રેષ્ઠ સંરક્ષણ-પત્રકારોમાંથી છે જે http://ajaishukla.blogspot.com પર અંગ્રેજીમાં લખે છે. શુક્લા સાહેબની અનુમતિથી આ લેખમાં ઘણે ઠેકાણે મૂળ લેખ ઉપરાંત વધારાની માહિતી ઉમેરવામાં આવી છે.

ચાર  વર્ષ પહેલાં, ૨૬/૧૧ ના હુમલા બાદ, ભારતના ત્રણે સશસ્ત્ર દળના વડાઓએ તત્કાળ સંરક્ષણ મંત્રાલયને પત્ર મોકલ્યો કે જેમાં સાધન-સરંજામ અને પુરવઠાની અછત વિષે વિસ્તારથી માહિતી હતી કે જેના વગર લશ્કર બુઠા ચપ્પાંની જેમ બિન-અસરકારક હતું. વડાઓએ ગોળ-ગોળ વાતો કરવાને બદલે રાજકારણીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્ષોની પડતર માંગણીઓ બાદ પણ તમે અત્યંત પાયાના જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યાં છો તો અમને કોઈ પણ કામ સોંપતા પહેલાં સો વાર વિચાર કરજો.

પાકિસ્તાની  લશ્કરી વડાઓ આ વાતથી સુપેરે પરિચિત છે કે ભારતીય લશ્કર મેદાને પડવા અક્ષમ છે. આવું નિવેદન કરીને હું કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી જાહેર નથી કરી રહ્યો. પાકિસ્તાનની ISI સહિત,દુનિયાના દરેક દેશની લશ્કરી ગુપ્તચર સંસ્થા જાણે છે કે ભારતીય લશ્કરમાં ટેન્કોના દારૂગોળાની તીવ્ર અછત છે, ભારતની ટેન્કો રતાંધળી છે,ભારત પાસે આધુનિક તોપખાનું(આર્ટીલરી) નથી,જરી-પુરાણું હવાઈ-હુમલાથી સુરક્ષા માટેનું નેટવર્ક છે. ટૂંકમાં કહીએ તો તે દરેક નિર્ધારિત પરિમાણ કે જેનાથી કોઈ પણ લશ્કરની યુદ્ધ માટેની સુસજ્જતા મપાય છે તેમાં આપણે અછતનો સામનો કરી રહ્યાં છીએ.  આ વાતો ગુપ્ત છે તો માત્ર મારા અને તમારાથી, આ દેશના નાગરિકોથી, કે જેઓ લાગણીવશ થઈને લશ્કરને હંમેશા ટેકો કરે છે અને પોતાના દીકરા/દીકરીઓને કુરબાન થવા હોંશે-હોંશે મોકલે છે (અને ઘણી વાર ખોટા કારણોના લીધે કુરબાની વહોરે છે)

દેશપ્રેમી  લોકો કહેશે ખોટી વાત છે, આપણું લશ્કર સુસજ્જ છે અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ચાલી રહેલી દેશ-વિરોધી પ્રવૃતિઓ સામે આપણા લશ્કરની સફળતાના દાખલા આપશે. પણ ભલા માણસ, રડ્યા-ખડ્યા ૫૦૦/૧૦૦૦ આતંકવાદીઓ સામે લડવા અને કોઈ બીજા દેશ સામે સીધું યુદ્ધ લડવામાં આસમાન-જમીનનો ફરક છે. આતંકવાદીઓ સામે લડવા માટે ચપળ અને સ્ફૂર્તિલા પાયદળની જરૂર પડે જે આપણી પાસે છે અને તે સક્ષમ છે. પણ એક સંપૂર્ણ યુદ્ધ માટે બીજી ઘણી-ઘણી બધી જરૂરિયાત હોય છે. આપણા દળો, આપણું તોપખાનું, આપણા યુદ્ધ ઇજનેરો, હવાઈ-હુમલાની ચેતવણી/આગાહી કરતાં નેટવર્કો, શસ્ત્ર-સરંજામની હેર-ફેર માટેની વ્યવસ્થા બધું જ કથળેલું છે. કારગીલ યુદ્ધ કે જે એક ખૂબ જ નાના અને સીમિત ક્ષેત્રમાં લડાયેલું એમાં આપણી પાસે રહેલી સઘળી, હા સાહેબ સઘળી તોપોને કામે લગાડવી પડી હતી. ત્યારે જઈને આપણે આપણી જમીન પરથી દુશ્મનને પાછો ધકેલી શક્યા. જરા વિચારો કે જો યુદ્ધ વધી ગયું હોત અને રાજસ્થાન,પંજાબ અને ગુજરાતની સરહદો સળગી હોત તો વધારાની તોપો ક્યાંથી લાવત? અને ના કરે નારાયણ કોઈ દિવસ આપણી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો એકસાથે સળગી તો આપણે કેવી રીતે લડશું? આપણા જવાનો શું તલવારો લઈને દુશ્મનની તોપોનો સામનો કરશે? ૧૯૯૯માં કારગીલ યુદ્ધ વખતે આ સ્થિતિ હતી, ૨૦૦૧માં સંસદ પરના હુમલા પછી જે ઓપરેશન પરાક્રમ શરૂ થયું હતું ત્યારે આ સ્થિતિ હતી, ચાર વર્ષ પહેલાં ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે આ સ્થિતિ હતી અને આજે પણ આ જ સ્થિતિ છે. (ભાષાનુવાદ કરનારના મત પ્રમાણે કદાચ એટલે જ ૧૯૯૯ દરમ્યાન એ વખતના તત્કાલીન વડા-પ્રધાન શ્રી વાજપેયીજી કારગીલ યુદ્ધ લંબાવીને આખે-આખું કાશ્મીર પાછું જીતી લેવાનું સ્વપન પૂરું ના કરી શક્યા. અને એટલે જ સંસદ પરના અને ૨૬/૧૧ના મુંબઈ પરના અત્યંત ઘાતક હુમલા પછી પણ આપણા નેતાઓ પાકિસ્તાનને 'પાઠ' ભણાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી શક્યા નહિ. માત્ર વાતોના વડા કરવામાં આવ્યા અને પાકિસ્તાનને એક જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તવા માટે આજીજી કરવામાં આવી.)

(આ મૂળ લેખનો ભાગ નથી. ગુજરાતી વાચકો માટે વધારાનો જોડેલ છે.) આગળ  વાંચતા પહેલાં આટલું જાણો. લશ્કરમાં હોદ્દો ચઢતા ક્રમમાં નીચે પ્રમાણે હોય છે.
૧) લેફ્ટનન્ટ
૨) કેપ્ટન
૩) મેજર
૪) લેફ્ટનન્ટ કર્નલ
૫) કર્નલ
૬) બ્રિગેડીયર
૭) મેજર જનરલ
૮) લેફ્ટનન્ટ જનરલ
૯) જનરલ (અત્યંત ઉચ્ચ હોદ્દો.)

આવી વિકટ પરિસ્થિતિ પણ  કોઈના પેટનું પાણી હાલતું નથી કારણકે 
૧) આપણા લશ્કરી વડાઓ(જનરલ કક્ષાના) અછતની વાતોને આપણા જવાંમર્દ સૈનિકોની શૌર્યકથાઓની નીચે દબાવી દે છે. 
૨) છાપાવાળા બહુ ઊંડો રસ લેતા નથી. હાલનો કોઈ પણ છાપાનો અહેવાલ વાંચો. ૧૯૬૨માં આપણો કારમો પરાજય થયો હતો તો પણ લશ્કરનો વાંક છે એવું કોઈ કહેતું નથી. જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેણણ અને બી.કે. મલિકને દોષ આપવામાં આવે છે. દાખલા તરીકે જો કોઈ લશ્કરી જનરલ એમ કહીને રાજીનામું આપી દે કે જે લશ્કરના જવાનોને લડવા માટે અત્યંત જરૂરી એવી મૂળભૂત સાધન-સામગ્રી ના આપવામાં આવતી હોય એવા લશ્કરની મારે આગેવાની કરવી નથી તો સાલા કોઈ રાજકારણીની તાકાત છે કે આપણા લશ્કરી વડાને અવગણે? હા, ૧૯૫૯માં ભૂમિ-દળના વડા શ્રી કે.એસ. થામૈયાએ આવું કરવા પ્રયત્ન કર્યો હતો અને નહેરુ પોતે એમને મનાવવા અને વાત થાળે પાડવા વચ્ચે પડ્યા હતા. 

લશકરી વડાઓ પોતે રાજીનામું નથી આપતા અને ઉહાપોહ નથી કરતાં એની પાછળ બે કારણો છે. એક તો એ કે આપણા રાજકારણીઓની જેમ જ એમને પણ સત્તા અને એના લીધે મળતા લાભ/ફાયદા છોડવાના વિચારથી જ કંપારી છૂટી જાય છે. અને એના કરતાં પણ વધારે એ કે તેઓ જાણે કે આવી વિકટ પરિસ્થિતિના નિર્માણ પાછળ રાજકારણી અને સરકારી અધિકારીઓ કરતાં લશ્કર પોતે ઘણું વધારે જવાબદાર છે.

અછત કેમ નિર્માણ થાય છે?
દાખલા તરીકે બખ્તરિયા લશ્કરી વાહનોનો વિભાગ કે જે આપણી ટેન્કો સંભાળે છે અને જેની ગણના આપણી ત્રણ સર્વશ્રેષ્ઠ આઘાત ટુકડીઓમાં થાય છે તે વિદેશી સામાન ખરીદવાનો આગ્રહ રાખે છે. (ખરી રીતે તો તેમણે સઘન પ્રયાસોથી તેમની જરૂરિયાતના સાધનોનો વિકાસ અને નિર્માણ ઘર-આંગણે કરવું જોઈએ) એટલે પછી માલ-સામાન સમયસર મળે ના મળે એ પારકા દેશની કૃપા પર અવલંબે છે.
આશ્ચર્યજનક છે કે થળ-સેનાએ(ભૂમિ-દળ) ૬૫ વર્ષોમાં કોઈ નક્કર સ્વદેશી બખ્તરનો સિધ્ધાંત કે દ્રષ્ટિકોણ વિકસાવ્યો નથી. ટચૂકડા દેશ ઇઝરાયેલ સહિત દરેક પોતાની જવાબદારીઓ માટે ગંભીર લશ્કર પોતાની સ્થાનિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેન્કો અને તેના બખ્તરો તૈયાર કરે છે. ઇઝરાયેલ માટે માનવ-સંસાધન(જવાનો)ની રક્ષા ખૂબ જ અગત્યની છે અને માટે જ તેમની ટેન્કો બહુજ ભારે એવા બખ્તરોથી(ટેન્કનું સુરક્ષા કવચ) લદાયેલી અને ધીમી હોય છે. તેમના માટે ટેંક કેટલી ઝડપથી કેટલું અંતર કાપે છે તેના કરતાં તેની અંદર બેઠેલા જવાનનો જીવ જોખમાય છે કે નહિ તે સવાલ ઘણો વધારે અગત્યનો છે. જયારે આપણી, રશિયન બનાવટની ટેન્કો, હલકાં બખ્તરવાળી, જે મૂળ યુરોપની સપાટ, વિશાળ જમીનો સર કરવા અને (One-time use and throw) એક વારમાં વાપરીને ફેંકી દેવાના ઇરાદાથી બનાવામાં આવી હતી તેની બખ્તર પ્રણાલી બહુ જ સવાલજનક છે. ભારતીય થળસેના કે જે દુનિયાની ચોથી સૌથી વિશાળ સેના છે અને જેની પાસે લગભગ ૪૦૦૦ ટેન્કો છે તેની પાસે ના તો કોઈ ચોક્કસ બખ્તર-પ્રણાલી છે ના તો આપણી જરૂરિયાત પ્રમાણેની  ટેન્કોની કલ્પના/રચના/નિર્માણ કરનાર ઇજનેરોની ટુકડી.

ભારત સરકારમાં જેટલા સેક્રેટરી કક્ષાના અધિકારી છે તેના કરતાં વધારે ભારતીય લશ્કરમાં જનરલો છે. પણ, સર્વોચ્ચ વડાથી લઈને લેફ્ટનન્ટ સુધી કોઈએ ભારતને અનુકુળ ટેન્કો અનેતેના બખ્તરની બાબત ઉપર જોર આપ્યું નથી. ઉલટાનું રશિયાની હાડ ગાળી નાંખે એવી ઠંડીથી બચવા માટે નિર્માણ થયેલી ટેન્કોને વાતાનુકુલિત બનાવવા પ્રયાસો થઇ રહ્યાં છે!!!( આ અટકળો છે, સાચી માહિતી લશ્કર પાસેથી પ્રાપ્ત નથી). જેઓ અર્જુન જેવી સ્વદેશી ટેન્કના પ્રયાસોને ટેકો કરે છે તેઓને  દિલ્હીમાં દેશ-વિરોધી અને રશિયાની તૈયાર ટેન્કોના આગ્રહી એવા જનરલોને દેશ-પપ્રેમીના તરીકે ઓળખાવાઈ રહ્યાં છે.

બખ્તર પ્રણાલી તૈયાર કરવી એ કોઈ બહુ મોટી પડકારજનક વાત નથી. માત્ર ત્રણ કાબેલ કર્નલો સાથે બેસીને અઠવાડિયામાં કરી શકે. તેમને જરૂર પડે માત્ર નીચેની માહિતીની. ભારતની સરહદોનું ભૂગોળ, યુદ્ધનો અંત અંગેની નીતિ,શત્રુઓ(અને તેમની ક્ષમતા)ની, આપણા લશ્કર પાસે ઉપલબ્ધ માનવ-બળ અને આપણા દેશમાં કારખાનાંઓની ઉત્પાદન ક્ષમતાની. પણ આપણા જનરલોની પેઢીઓની પેઢીઓ બહુ જ વ્યસ્ત હતી ભાઈ!  લશ્કરના વડાઓથી લઈને પ્લાનીંગ કરનારા ડિરેક્ટરો બધાં જ બહુ વ્યસ્ત છે. ટૂંકમાં બધાં જ છે નફિકરાં સાહેબો!! (ભગવાન આપણા જવાનોના જીવ બચાવે)

શુક્લા સાહેબ ખૂબ જ ઉત્તમ અંગ્રેજીમાં લખે છે અને શબ્દશ: ભાષાંતર શક્ય નથી છતાં બનતો પ્રયત્ન કરેલ છે.


આભાર,
દેશ-દાઝ.

વીર બાળ દિવસ : 26 ડિસેમ્બર

વર્ષ 2022માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના પ્રકાશ પૂરબ (જન્મ જયંતિ) 9મી જાન્યુઆરીના ...